ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ (47th President of the United States) રૂપે શપથ લઈ લીધા છે. શપથ ગ્રહણ બાદ જ તેઓ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ તેમણે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. પહેલા દિવસે જ ટ્રમ્પે અમેરિકાને જળ-વાયુ સંધિ અને WHOમાંથી બહાર કાઢવાથી લઈને TikTokને 90 દિવસનો સમય આપવા તેમજ અમેરિકામાં LGBTQને નકારી સ્ત્રી-પુરુષ સિવાય અન્ય કોઈ લિંગ નહીં અને મેક્સિકો બોર્ડર પર આપાતકાલીન સ્થિતિ લાગુ કરવા જેવી અનેક ઘોષણાઓ સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા.
ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયોમાં ઉર્જાથી માંડીને પ્રવાસન બાબતોનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન પણ અનેક મૌખિક ઘોષણાઓ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ટ્રમ્પ વધુમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો અને આદેશ જાહેર કરશે અને રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પદભાર અનુરુપ કામ કરીને અમેરિકાને આગળ લઈ જશે. તેમની સૂચિમાં 200થી વધુ મુદ્દાઓ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે તેમના આ નવા કાર્યકાળને અમેરિકાના સ્વર્ણિમ યુગની શરૂઆત ગણાવી હતી.
47માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રથમ દિવસે લીધેલા કેટલાક નિર્ણયો અને ઘોષણાઓ
અમેરિકા WHOમાંથી બહાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી (WHO) હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. નિષ્ણાતો અનુસાર તેમનું આ પગલું વૈશ્વિક આરોગ્ય નેતા તરીકેની અમેરિકાની પ્રતિષ્ઠાને નબળી પાડશે અને આગામી કોઈ પણ રોગચાળા સામે તેની લડત વધુ મુશ્કેલ બનાવશે. શપથ લીધાના લગભગ આઠ કલાક પછી જાહેર કરવામાં આવેલા કાર્યકારી આદેશમાં, ટ્રમ્પે આ પીછેહઠ માટેના ઘણા કારણો આપ્યા હતા, જેમાં ડબ્લ્યુએચઓ દ્વારા “કોવિડ -19 રોગચાળાને ખોટી રીતે હેન્ડલ કરવું” અને “તાત્કાલિક જરૂરી સુધારાઓ અપનાવવામાં નિષ્ફળતા” જેવા કારણોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી “ગેરવાજબી અને વધુ ફંડ”ની માંગ કરે છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ચીન WHOને સહુથી ઓછો નાણાકીય સહયોગ આપે છે.
નોંધનીય છે કે વર્ષ 2020થી જ ટ્રમ્પે WHO વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. તેમણે કોરોનાકાળ દરમિયાન પણ WHO અને તેના નિર્ણયો અને બીમારી સામેના તેના દૃષ્ટિકોણ મામલે અનેક નિશાન સાધ્યા હતા. તે સમયે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ અમેરિકા તરફથી WHOને મળતું ફંડિંગ અટકાવી દેશે. જુલાઈ 2020માં ટ્રમ્પે અમેરિકાને WHOમાંથી બાહર કાઢવાના ઔપચારિક ડગલા તો ભરી જ લીધા હતા, જોકે તે સમયે ચૂંટણી હારી જતા તેમ થઈ નહોતું શક્યું. જોકે ફરી એક વાર રાજગાદી પર બેસતાની સાથે જ આખરે ટ્રમ્પે નિર્ણય લઈ જ લીધો.
ટ્રમ્પ દ્વારા પ્રથમ દિવસે લેવાયેલા મોટા કાર્યકારી નિર્ણયો
- અમેરિકાને જળવાયુ સંધિથી હટાવી લેવામાં આવ્યું, સંયુક્ત રાષ્ટ્રોને આ મામલે સૂચિત કરી દેવામાં આવ્યા
- અમેરિકન કેપિટોલ પર હુમલો કરનાર 1500 દોષીઓને માફી આપવામાં આવી, 6 જાન્યુઆરી 2021ની હતી ઘટના
- સ્વતંત્ર ભાષણની બહાલી અને સરકારી સેન્સરશિપના પર રોક લગાવવાના આદેશ
- પ્રતિબંધિત ચાઇનીઝ એપ TikTokને અમેરિકાની નીતિ અનુસાર ચાલવા 90 દિવસનો સમય આપવામાં આવ્યો
- પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા 2020માં પારિત 78 અન્ય આદેશો નાબુદ કરવાના આદેશ આપવામાં આવ્યા
- નવા વિનિમય અને સંઘીય ભરતી પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
- સંઘીય કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ બંધ કરી પૂર્ણરૂપે કાર્યાલયોમાં હાજરી આપવી અનિવાર્ય
ટ્રમ્પની કેટલીક મહત્વની ઘોષણાઓ
ઘૂસણખોરો પર લાલ આંખ, લગાવશે બોર્ડર પર ઈમરજન્સી
ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા નિષ્કાસન ઝુંબેશને અમલમાં મૂકવાનો સંકલ્પ લીધો છે. તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવા માટે અનેક કાર્યકારી આદેશો લાગુ કરવા જઈ રહ્યા છે અને કડક પગલાં ભરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ અમેરિકા-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની યોજના ધરાવે છે. તેમણે પોતાના ભાષણમાં જ રાષ્ટ્રજોગ વચન આપ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને સંપૂર્ણપણે બંધ કરાવીને રહેશે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ કહ્યું કે, “તમામ ગેરકાયદેસર ઘૂસણખોરી તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવશે અને અમે લાખો ગુનેગારોને તેમના વતન પરત મોકલવાનું શરૂ કરીશું.” તેમણે બોર્ડર પર આર્મી ઉતારવાની જાહેરાત પણ કરી હતી.
COVIDમાં નોકરીઓ ગુમાવનાર સૈનિકો માટે જાહેરાત
રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ તે હજારો સૈનિકોને ફરી નોકરીઓ સોંપશે, જેમને કોરોના વેક્સીન મેન્ડેટના કારણે સેવા પરથી હટાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દા પર તેઓ વહેલી તકે કાર્યવાહી કરશે. નોંધનીય છે કે કોરોનાકાળમાં અમેરિકામાં રસી મુકાવવા પર વાંધો ઉપાડનાર 8000થી વધુ સૈનિકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા હતા. જો આ નિર્ણય લેવામાં આવશે, તો અમેરિકામાં અન્ય સરકારી અને ખાનગી ક્ષેત્રોના તે હજારો કર્મચારીઓને પણ આ લાભ મળી શકશે, જેમને વેક્સીન ન મુકવાને લઈને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હતા.
અમેરિકામાં માત્ર 2 જ લિંગ- સ્ત્રી અને પુરુષ
શપથ ગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુચર્ચિત અને વિવાદિત મુદ્દાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે તેઓ એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરશે, જેમાં અમેરિકન સંઘીય સરકાર માત્ર બેજ લિંગને ઓળખશે- સ્ત્રી અને પુરુષ. તેમણે કહ્યું કે, “આજથી આ અમેરિકન સરકારની આધિકારિક નીતિ હશે કે દેશમાં માત્ર બે લિંગના જ નાગરિકો છે, એક સ્ત્રી અને બીજો પુરુષ.”
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી લૈંગિક અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અમેરિકામાં “LGBTQ+++” કમ્યુનીટી બહુ એક્ટીવ થઈ હતી. માત્ર અમેરિકા જ નહીં, વિશ્વ ભરના લોકો તેનાથી પ્રભાવિત છે. તેમાં સ્ત્રી-પુરુષ સિવાય પણ લોકો પોતાની લૈંગિકતા વિશે અટપટી માન્યતાઓ અપનાવતા અને જાહેર કરતા રહ્યા છે. ત્યારે ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલો આ મુદ્દો વિવાદના વંટોળને જન્મ આપે તો નવાઈ નહીં.