હોમપેજરાજકારણનેતાઓને કારણ બતાવો નોટિસ, બેઠકોમાંથી ગાયબ MLA, કોર્પોરેટરોનાં સામૂહિક રાજીનામાં: હાર બાદ...

નેતાઓને કારણ બતાવો નોટિસ, બેઠકોમાંથી ગાયબ MLA, કોર્પોરેટરોનાં સામૂહિક રાજીનામાં: હાર બાદ બંગાળમાં તૂટવા લાગી TMC?

હાલ બંગાળની રાજનીતિ એક નવા વળાંક પર ઉભી હોવાનું લાગી રહ્યું છે. ઐતિહાસિક જીત બાદ ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે, જ્યારે TMC આત્મમંથન અને આંતરિક અસંતોષ વચ્ચે ઝઝૂમતી નજરે પડી રહી છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની (TMC) અંદર આંતરિક કલહ સતત વધી રહ્યો છે. ભાજપ સામે મળેલી કારમી હાર બાદ હવે સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે TMCની અંદર બધું સામાન્ય નથી.

રાજકારણમાં હાર માત્ર બેઠકોની સંખ્યા ઘટાડતી નથી, પરંતુ નેતૃત્વ અને કાર્યકરોના મનોબળની પણ કસોટી કરતી હોય છે. બંગાળમાં હાલમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. TMCની અંદરનો અસંતોષ હવે ધીમે-ધીમે પાર્ટીની બહાર પણ દેખાવા લાગ્યો છે. ચૂંટણી બાદની ઘટનાઓને જોડીને જોવામાં આવે તો પ્રશ્ન ઉભો થાય છે કે શું મમતા બેનર્જીની પાર્ટી એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં આ ચૂંટણી ઝટકો હવે સંગઠન માટે સંકટમાં બદલાઈ રહ્યો છે?

વિધાનસભા ચૂંટણી બાદ TMCએ નવી સરકાર વિરુદ્ધ ચૂંટણી પછીની હિંસા, બુલડોઝર કાર્યવાહી અને ફૂટપાથ દુકાનદારોના મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ દરમિયાન પાર્ટીની અંદરની અસ્વસ્થતા સ્પષ્ટ રીતે સામે આવી હતી. 80 ધારાસભ્યો ધરાવતી પાર્ટીના આ ધરણામાં માત્ર 36 MLA જ હાજર રહ્યા હતા, એટલે કે અડધાથી પણ ઓછા.

- Advertisement -

આ માત્ર કેટલાક ધારાસભ્યોની ગેરહાજરીનો મુદ્દો નથી, પરંતુ એક રાજકીય સંદેશ પણ છે. જ્યારે કોઈ પાર્ટી વિપક્ષમાં જાય છે ત્યારે તેનું પ્રથમ મોટું પ્રદર્શન તેના મનોબળ અને એકતાની કસોટી માનવામાં આવે છે. જો એ જ મંચ પર મોટી સંખ્યામાં ધારાસભ્યો ગાયબ દેખાય તો સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે શું હવે પાર્ટીની અંદરનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે?

આ માત્ર એક દિવસની ઘટના નહોતી. તે પહેલાં 19 મેના રોજ કાલીઘાટ ખાતે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની હાજરીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પણ લગભગ 15 ધારાસભ્યો હાજર રહ્યા નહોતા. અને જે હાજર રહ્યા હતા, તેમાંના ઘણા નેતાઓએ બંધ દરવાજા પાછળ થતી રાજનીતિ પર જ સવાલો ઊભા કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બેઠક દરમિયાન કેટલાક ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માત્ર બેઠકો અને વ્યૂહરચનાની ચર્ચાથી લોકોનો વિશ્વાસ પાછો નહીં આવે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ અને આત્મમંથનની જરૂર છે.

સૌથી રસપ્રદ બાબત એ રહી કે કોલકાતા અને હાવડાના કેટલાક ધારાસભ્યોએ જહાંગીર ખાનના ચૂંટણીમાંથી હટી જવાના મુદ્દે સીધા ટોચના નેતૃત્વને સવાલ પૂછ્યા હતા. મતદાનના માત્ર બે દિવસ પહેલાં ઉમેદવારનું મેદાન છોડવું પોતે જ મોટો મુદ્દો હતો, પરંતુ પાર્ટી નેતૃત્વે તેના પર કોઈ કાર્યવાહી ન કરતા મામલો વધુ ગંભીર બન્યો. કારણ કે ફાલ્ટા વિધાનસભા બેઠક અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, તેથી આ સવાલોને અભિષેકના નેતૃત્વ પર સવાલ તરીકે પણ જોવામાં આવ્યા.

લાંબા સમયથી પાર્ટીની અંદર એવી છબી ઉભી કરવામાં આવી હતી કે અભિષેક બેનર્જી જ સંગઠનનું ભવિષ્ય છે. પરંતુ ચૂંટણીમાં મળેલી હાર બાદ પહેલી વખત તેમના નિર્ણયો અને નેતૃત્વ ક્ષમતા અંગે પાર્ટીની અંદર જ ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા કોઈ એક-બે દિવસની નથી, પરંતુ હાર બાદ તરત જ શરૂ થઈ ગઈ હતી. પાર્ટીવિરોધી નિવેદનોના આરોપ હેઠળ TMCએ પોતાના જ 5 પ્રવક્તાઓને કારણ બતાવો નોટિસ પણ પાઠવી દીધી હતી.

આ પગલું પોતે જ બતાવે છે કે પાર્ટી નેતૃત્વ અંદરથી ઉઠતા અવાજોને લઈને અસ્વસ્થ છે. સામાન્ય રીતે કોઈપણ રાજકીય પાર્ટીમાં હાર બાદ સવાલો ઊભા થાય અને તેનો જવાબ ચર્ચા કરતાં વધુ કાર્યવાહી દ્વારા આપવામાં આવવા લાગે તો તેને આંતરિક બેચેની અને અસંતોષના સંકેત તરીકે જોવામાં આવે છે.

જો મામલો માત્ર ધારાસભ્યોની નારાજગી સુધી મર્યાદિત હોત તો તેને સામાન્ય ચૂંટણી પછીની પ્રતિક્રિયા કહી શકાય તેમ હતું. પરંતુ આ મામલે TMCની ચિંતા વધારી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જોવા મળેલા અસંતોષે. ઉત્તર 24 પરગણા જિલ્લાના કાંચરાપાડા નગરપાલિકામાં 24માંથી 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાં આપી દીધાં છે, જ્યારે હાલીશહેર નગરપાલિકામાં 23માંથી 16 કોર્પોરેટરોએ એકસાથે પદ છોડ્યું છે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ તેજ બની રહી છે કે બંગાળમાં ભાજપની મજબૂત બની રહેલી સ્થિતિ આ અસંતોષને વધુ વેગ આપી શકે છે. બંગાળના રાજકારણનો ઇતિહાસ જણાવે છે કે અહીં સત્તા પરિવર્તન બાદ પક્ષપલટાની રાજનીતિ પણ ઝડપી બની જાય છે. એક સમય એવો હતો જ્યારે ડાબેરી પક્ષોના નેતાઓ TMCમાં જોડાયા હતા, તેવી જ રીતે હવે TMCની અંદર પણ રાજકીય ભવિષ્યને લઈને નવી મહત્ત્વાકાંક્ષાઓ ઊભી થવી અશક્ય માનવામાં આવી રહી નથી.

હાલમાં એવું કહી શકાય નહીં કે TMC આવતીકાલે જ તૂટી પડશે. પરંતુ રાજકારણમાં સંકટ અચાનક આવતું નથી, તેના સંકેતો પહેલેથી દેખાવા લાગે છે. ક્યારેક બેઠકોમાં ઘટતી હાજરી, ક્યારેક નેતૃત્વ પર ઉઠતા સવાલો, ક્યારેક સામૂહિક રાજીનામાં અને ક્યારેક પાર્ટીના જ પ્રવક્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી જેવા સંકેતો મોટા રાજકીય પરિવર્તન પહેલાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે.

હાલ બંગાળની રાજનીતિ એક નવા વળાંક પર ઉભી હોવાનું લાગી રહ્યું છે. ઐતિહાસિક જીત બાદ ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે, જ્યારે TMC આત્મમંથન અને આંતરિક અસંતોષ વચ્ચે ઝઝૂમતી નજરે પડી રહી છે. આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે કે આ માત્ર ચૂંટણી હાર બાદનો તાત્કાલિક ઝટકો છે કે પછી બંગાળની રાજનીતિમાં મોટા શક્તિ પરિવર્તનની શરૂઆત.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં