હોમપેજરાજકારણન્યાયતંત્રની ખામીઓ, ન્યાયતંત્રની મર્યાદાઓ, ન્યાયતંત્રના સુધારાઓ

ન્યાયતંત્રની ખામીઓ, ન્યાયતંત્રની મર્યાદાઓ, ન્યાયતંત્રના સુધારાઓ

સંજીવ સાન્યાલે આમ જોવા જઈએ તો સાહસનું કામ કર્યું છે, પણ એ સમયસરનું છે. જ્યુડિશિયલ રિફોર્મ સમયની માંગ છે. દરેક ક્ષેત્ર સમય સાથે પરિવર્તિત થયું છે. ન્યાયતંત્ર પણ બાકાત રહી શકે નહીં.

- Advertisement -

(તંત્રીલેખ, 21 સપ્ટેમ્બર)

દરેક બાબતની અમુક સારી બાજુ હોવાની, અમુક નબળી. આવું બધે લાગુ પડે છે. લોકતંત્રના મૂળ ત્રણ ને અમારા સ્વઘોષિત ચોથા થાંભલાને ગણીએ તો ચારમાંથી ત્રણ સ્તંભોની નબળી બાજુઓ કાયમ ચર્ચાતી રહે છે. સરકારના કિસ્સામાં એવું છે કે તેમના ભાગે પ્રશંસા કરતાં ટીકા વધારે આવે છે. આ કોઈ એક પાર્ટીની સરકારની વાત નથી, જગતભરમાં વત્તેઓછે આ નિયમ સામાન્ય છે. બ્યુરોક્રસી અને મીડિયાની નરસી બાજુઓ પણ સમયે-સમયે ઉજાગર થતી રહે છે, પણ ન્યાયતંત્ર અત્યાર સુધી આમાંથી બાકાત રહેતું હતું. 

ન્યાયતંત્રની ટીકા કરવી એ કામ અઘરું તો ખરું પણ જવાબદારીનું પણ છે. તમે આ ક્ષેત્ર વિશે કંઈ પણ લખો-બોલો એટલે કાયમ ઉપર ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ની તલવાર લટકતી રહે છે. એક રીતે જોવા જઈએ તો આ જોગવાઈ જરૂરી પણ છે, કારણ કે કોર્ટનો જ તિરસ્કાર થાય તો ન્યાય માંગવા જનારો બીજે ક્યાં જાય? પણ અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતાવાળો મુદ્દો પણ આવે છે. ન્યાયતંત્ર વિશે લખનાર-બોલનારે જે કંઈ કરે એ આ બંને વચ્ચેની ભેદરેખા સમજીને કરવું પડે છે. 

- Advertisement -

હવે સોશિયલ મીડિયા આવ્યા પછી ન્યાયતંત્ર વિશેની ટીકા-ટિપ્પણીઓનો બાર સતત ઉપર જતો જાય છે. લૉની વેબસાઇટો આવ્યા પછી સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના કેસોની સુનાવણીનું નિયમિત લાઇવ રિપોર્ટિંગ થાય છે. સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થાય છે. ગુજરાત જેવી અમુક હાઇકોર્ટ તો જીવંત પ્રસારણ પણ કરે છે. ન્યાય હવે ચાર દીવાલો વચ્ચે થતી પ્રક્રિયા નથી, તે સતત વ્યાપક ચર્ચાનો મુદ્દો રહે છે. કોઈ વિષયની ચર્ચા થાય તો સારી-નરસી બંને બાજુઓની ચર્ચા થવાની. જેમ-જેમ આ બાર ઊંચો થતો જાય તેમ ન્યાયતંત્રના કામનું મૂલ્યાંકન હવે વધુ અસરકારકતાથી થતું રહે છે. જજોની ટિપ્પણીઓની ચર્ચાઓ થાય છે. ઘણી વખત ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવે છે, પણ લોકો હવે ધીમેધીમે મૂલ્યાંકન કરતા થયા છે. 

તેનું ઉદાહરણ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, લેખક અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલે પૂરું પાડ્યું. સાન્યાલ આર્થિક બાબતોના વિદ્વાન છે. દક્ષિણપંથી અવાજોમાં તેમનું સ્થાન અગ્રિમ પંક્તિમાં આવે. હમણાં એક કાર્યક્રમમાં તેમણે ન્યાયતંત્ર વિશે જે ટિપ્પણીઓ કરી તેની ચર્ચા હવે થઈ રહી છે. 

સાન્યાલ ન્યાયતંત્રને વિકસિત ભારતમાં સૌથી મોટી અડચણ પેદા કરનારું ક્ષેત્ર ગણાવે છે. તેઓ કહે છે કે હવે એ સમય પાકી ગયો છે કે કેસોમાં થતા વિલંબ, સતત વધતા જતા પેન્ડિંગ કેસોની સમસ્યાના નિકાલ માટે ન્યાયતંત્ર સ્વયં આગળ આવે. તેમણે એ પણ સમજાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ભૌતિક માળખાં પાછળ ગમે તેટલો ખર્ચ કરીશું, પણ આ બાબતને આ બધા સાથે લાગતું-વળગતું નથી. 

ન્યાયતંત્રે ઘણી બાબતો સમય સાથે અપનાવી છે, પણ અમુક બિનજરૂરી ચીજો છોડી પણ નથી. જેમકે હજુ આપણે ત્યાં કોર્ટોમાં જજ સાહેબોને ‘માય લૉર્ડ’ કહેવાની પ્રથા ચાલે છે. સાન્યાલ કહે છે કે આ બધાની એકવીસમી સદીમાં શું જરૂર છે? લોકતાંત્રિક દેશમાં કોણ માય લૉર્ડ અને કોણ સામાન્ય પ્રજા? આપણે બધા સરખા છીએ. પિટિશનને ‘પ્રેયર’ કહેવા પર પણ તેમણે ઠીક વાંધો ઉઠાવ્યો છે. 

જજોના વેકેશનનો મુદ્દો કાયમ ચર્ચાતો રહે છે, પણ જાહેર મંચ પરથી સંભવતઃ પહેલી વખત કોઈએ આટલું સાહસ દેખાડ્યું. સંજીવ સાન્યાલ કહે છે કે કોઈ વિભાગને જોયો છે કે તેના કર્મચારીઓ ઉનાળુ વેકેશન પર જવાના એમ કહીને મહિનાઓ સુધી બંધ રહે? 

તેમણે બીજી એક અગત્યની વાત કહી. તેઓ કહે છે કે, આ બધી સમસ્યાઓ જ્યુડિશરીએ પોતે જ સ્વીકારવી પડશે. જો સમસ્યાનો સ્વીકાર થશે તો તેનું સમાધાન થશે. આવી બધી કૉન્ફરન્સોમાં આપબડાઈ કર્યા કરવાના સ્થાને આવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઈએ તેવો તેમની વાતનો સાર હતો. 

સંજીવ સાન્યાલે આમ જોવા જઈએ તો સાહસનું કામ કર્યું છે, પણ એ સમયસરનું છે. જ્યુડિશિયલ રિફોર્મ સમયની માંગ છે. દરેક ક્ષેત્ર સમય સાથે પરિવર્તિત થયું છે. ન્યાયતંત્ર પણ બાકાત રહી શકે નહીં. ભારતનું ન્યાયતંત્ર અન્ય દેશોના ન્યાયતંત્ર કરતાં અનેકગણું વધુ કાર્યક્ષમ અને સક્ષમ છે. પણ તેની મર્યાદાઓ અને ખામીઓ પર પણ ધ્યાન આપીને તેનો યોગ્ય અને સમયસર ઈલાજ થાય એ જરૂરી છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં