વડા પ્રધાનને આર્થિક-નાણાકીય બાબતો પર સલાહ આપતી આર્થિક સલાહકાર પરિષદના (EAC) સભ્ય, જાણીતા લેખક અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલે તાજેતરમાં એક કાર્યક્રમમાં સંબોધિત કરતી વખતે ન્યાયતંત્ર પર તીખી ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત બનવામાં ન્યાયતંત્ર કે લીગલ ઇકોસિસ્ટમ મોટી અડચણ પેદા કરી રહ્યાં છે અને તેના સમાધાનની તાતી જરૂરિયાત છે.
કાર્યક્રમ જનરલ કાઉન્સેલ્સ એસોશિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને થીમ હતી– ‘રીઇમેજિનિંગ ઇન્ડિયાઝ લીગલ ફાઉન્ડેશન્સ ફોર વિકસિત ભારત એટ 2047.’ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, નીતિનિર્ધારકો, ઈન્ડસ્ટ્રીની હસ્તીઓથી માંડીને અનેક ક્ષેત્રોમાંથી નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં સાન્યાલે કહ્યું કે, “આપણી ન્યાયતંત્ર પ્રણાલી કે લીગલ ઇકોસિસ્ટમ કે પછી જ્યુડિશિયલ સિસ્ટમ ખાસ કરીને, મારી દૃષ્ટિએ, વિકસિત ભારત બનવામાં કે વિકાસમાં સૌથી મોટી અડચણ છે.” તેમણે પછીથી ન્યાયમાં થતા વિલંબ પર ધ્યાન દોર્યું અને ઉમેર્યું કે ગમે તેટલા ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા નાખવામાં આવે કે શહેરી વિકાસ કરવામાં આવે, આ બાબતનું સમાધાન તેનાથી થવાનું નથી.
‘ન્યાયતંત્રએ પોતે જ પોતાની સમસ્યાઓનો સ્વીકાર કરવો જોઈએ’
સંજીવ સાન્યાલે આગળ કહ્યું કે, ન્યાયતંત્ર કે લીગલ પ્રોફેશને આવી કૉન્ફરન્સો કરીને સ્વપ્રશંસામાં રચ્યાપચ્યા રહેવાના સ્થાને ખુલીને પોતાની સમસ્યાઓનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે બારની દાયકાઓથી ચાલતી આવતી વ્યવસ્થાની પણ ટીકા કરી, જેમાં સિનિયર એડવોકેટ અલગ હોય છે, એડવોકેટ ઓન રેકોર્ડ અલગ હોય છે અને અન્ય એડવોકેટ પણ અલગ જોવામાં આવે છે.
તેમણે પ્રશ્ન કર્યો કે આ બધાની 21મી સદીમાં શું જરૂર છે? તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે હવેના સમયમાં ‘માય લૉર્ડ’ જેવા શબ્દોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું, “એવો કેવો વ્યવસાય છે જેમાં ‘માય લૉર્ડ’ જેવા શબ્દોનો કે પછી અરજી દાખલ કરવામાં આવે ત્યારે ‘પ્રેયર’ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. શું આ મજાક છે? આપણે બધા નાગરિકો છીએ, એક જ લોકતાંત્રિક વ્યવસ્થાના ભાગ છીએ.”
તેમણે જજોનાં લાંબાં વેકેશનો પર પણ તીખી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, “ન્યાયતંત્ર પણ અન્ય શાસનવ્યસ્થાના ભાગ જેવો જ એક ભાગ છે. શું અધિકારીઓ ઉનાળુ વેકેશન પર જવાના છે એમ કહીને તમે પોલીસ વિભાગ કે હોસ્પિટલ મહિનાઓ સુધી બંધ રાખી શકો?
અંતે તેમણે ન્યાયતંત્રને જ આગળ આવવા માટે અને જ્યુડિશિયલ રિફોર્મ પર બહાર મૂકવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “આપણી પાસે આ શક્ય બનાવવા માટે 20-25 વર્ષ છે. સમય વેડફવાનો નથી. આપણે બધા જ આ દેશના નાગરિકો છે. સમય આવી ગયો છે. આ એ જ પેઢી છે, જેની રાહ જોવામાં આવી રહી હતી. આપણે જ કરવાનું છે, બીજું કોઈ નહીં કરે.” તેમણે અંતે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ આવી વાતો આટલી જ સ્પષ્ટતા અને બેબાકીથી અન્ય ક્ષેત્રોના લોકો સાથે કરતા રહે છે.


