‘આસામની કોર્ટમાં જઈને જામીન માંગો’: કોંગ્રેસી પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, વચગાળાના જામીન પરની રોક હટાવવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (17 એપ્રિલ 2026) કોંગ્રેસ નેતા પવન ખેડાને કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે તેમની તે અરજી ફગાવી દીધી છે જેમાં તેલંગાણા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી ‘ટ્રાન્ઝિટ જામીન’ (ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ) પર લગાવવામાં આવેલી રોકને હટાવવાની માંગ કરવામાં આવી હતી.

તેની સાથે જ કોર્ટે તેમની જામીનની અવધિને આગામી મંગળવાર (21 એપ્રિલ 2026) સુધી વધારવાની વિનંતી પણ સ્વીકારી નથી. જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે પવન ખેડાએ હવે આસામની સંબંધિત કોર્ટમાં જ પોતાની અરજી કરવી પડશે.

સમગ્ર વિવાદ

આ આખો વિવાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિનિકી ભુયાન સરમા દ્વારા નોંધાવવામાં આવેલી FIR સાથે જોડાયેલો છે. પવન ખેડા પર આરોપ છે કે તેમણે દાવો કર્યો હતો કે રિનિકી સરમા પાસે અલગ-અલગ દેશોના અનેક પાસપોર્ટ છે.

આ મામલામાં આસામ પોલીસે તેમની સામે છેતરપિંડી અને આપરાધિક કાવતરાં જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ધરપકડથી બચવા માટે ખેડાએ તેલંગાણા હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

દસ્તાવેજોમાં છેડછાડ પર અદાલત નારાજ

સુનાવણી દરમિયાન એક મોટો ખુલાસો થયો. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે પવન ખેડાએ તેલંગાણામાં પોતાનું નિવાસસ્થાન દર્શાવવા માટે હાઇકોર્ટમાં શંકાસ્પદ દસ્તાવેજો રજૂ કર્યા હતા. આરોપ છે કે તેમણે પોતાના આધાર કાર્ડના આગળના ભાગ અને પત્નીના આધાર કાર્ડના પાછળના ભાગને જોડીને એક ‘નવું ડોક્યુમેન્ટ’ તૈયાર કર્યું હતું જેથી અધિકારક્ષેત્ર સાબિત કરી શકાય. સુપ્રીમ કોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેના આધારે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

વકીલની દલીલ: ‘આ તો માત્ર એક નાની ભૂલ હતી’

પવન ખેડાની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે દસ્તાવેજોનું આ મિલન ઉતાવળમાં થયેલી ‘નાની ભૂલ’ હતી, જેને પછી સુધારી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પવન ખેડાનાં પત્ની તેલંગાણાનાં જ છે અને તેમણે ત્યાં ચૂંટણી પણ લડી છે.

વરિષ્ઠ વકીલ સિંઘવીએ કોર્ટ પાસે મંગળવાર (21 એપ્રિલ 2026) સુધીનો સમય માંગ્યો જેથી પવન ખેડા આસામની અદાલતમાં જઈ શકે, પરંતુ બેન્ચે કહ્યું કે જો ત્યાંની અદાલત બંધ હોય તો પણ વિશેષ અરજી કરીને સુનાવણી કરાવી શકાય છે.

આસામ પોલીસની સક્રિયતા અને આગળનો રસ્તો

આસામ પોલીસ પવન ખેડાની શોધમાં દિલ્હી અને હૈદરાબાદમાં દરોડા પાડી ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટના આ વલણ પછી ખેડા પાસે આસામની સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કરવા અથવા આગોતરા જામીન માંગવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો.

તેમ છતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની ટિપ્પણીઓની અસર આસામની કોર્ટના નિર્ણય પર નહીં પડે અને ત્યાંની અદાલત મેરિટના આધારે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકશે.