‘એજન્સીઓને પગલાં લેવાનો અધિકાર પણ રેલ-મેટ્રો સેવાઓ સંપૂર્ણપણે બંધ ન થાય’: કોકરોચોના પ્રદર્શન પહેલાં સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ

10 ઑક્ટોબરના કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કરેલા પ્રદર્શન દરમ્યાન હિંસા થવાના ઇનપુટના પગલે અનેક ટ્રેન અને મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નિર્દેશો આપ્યા છે કે મેટ્રો અને ટ્રેન સંપૂર્ણપણે બંધ કરવામાં ન આવે જેથી મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે રેલ અને મેટ્રો સેવાઓ નિયમનકારી રીતે ચાલુ રાખવામાં આવે અને સંપૂર્ણ બંધ ન કરી દેવાય, જેથી મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે.

સાથે કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે એડવાઇઝરીને યોગ્ય રીતે પ્રસારિત કરવામાં આવે જેથી લોકો વાકેફ રહે.

કેન્દ્ર સરકારના અમુક નિર્ણયો બાદ સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી અને અન્ય અમુકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી. જેની ઉપર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. વકીલો તરીકે કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, વૃંદા ગ્રોવર વગેરે હાજર રહ્યાં હતાં.

જોકે કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, “એજન્સીઓ અમુક પગલાં લઈ શકે છે અને તેનો તેમણે અધિકાર છે તેમાં કોઈ શંકા નથી. કોઈ બેકાબૂ ભીડ એકઠી ન થાય તે માટે તમારે જે પગલાં લેવાં હોય તે લઈ શકો છો પરંતુ તેનો અર્થ એ નથી કે બધું જ બંધ કરી દેવામાં આવે. દરેક માણસ પાસે કાર હોતી નથી, દરેક પાસે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ હોતો નથી. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધારિત રહે છે, જેથી તમામ સેવાઓ બંધ ન થઈ શકે.”

ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટીએ 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર પર એક પ્રદર્શનનું એલાન કર્યું છે. જોકે દિલ્હી પોલીસે આ ધરણાં પ્રદર્શન માટે પરવાનગી આપી નથી. પોલીસે કહ્યું કે પરવાનગી માટે 7 ઑક્ટોબરના રોજ લેખિત અરજી આપવામાં આવી હતી, જે બહુ શોર્ટ નોટિસ છે. ઉપરાંત અગાઉ જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ પ્રદર્શન કર્યું હતું ત્યારે કાયદા-નિયમોનું ઉલ્લંઘન કરીને હિંસા આચરવામાં આવી હતી. આ બધી હકીકતોને ધ્યાને લેતાં અને જાહેર સુરક્ષાને જોતાં પોલીસે પરવાનગી આપી નથી.

બીજી તરફ કહેવાય છે કે એજન્સીઓને પણ અમુક ઇનપુટ મળ્યાં છે, જેથી રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોકરોચો હજુ પ્રદર્શન કરવાની વાતો કહી રહ્યા છે અને દિલ્હીમાં એકઠા થવાની વાત કરી રહ્યા છે.

આ પ્રદર્શનને ધ્યાનમાં લેતાં જ સુરક્ષા કારણોસર રેલવેએ અમુક ટ્રેન રદ કરી દીધી હતી ઉપરાંત અમુક મેટ્રો સ્ટેશનો પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં ન આવે.