
‘વોટ ચોરી’ના આરોપો અને ચૂંટણી પંચને ટાર્ગેટ કરતાં વિપક્ષનાં પ્રદર્શનો વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દેશની જુદી-જુદી કોર્ટના 42 નિવૃત્ત ન્યાયાધીશોએ એક પત્ર લખીને ચૂંટણી પંચને સમર્થન જાહેર કર્યું છે.
જજોએ કહ્યું કે દેશની બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી પંચ તેના કેન્દ્રમાં છે. આ માત્ર આરોપો નથી પરંતુ રાજકીય હેતુઓ પર પાડવા માટેનું અને સૌથી મોટી લોકશાહીને ડામાડોળ કરવા માટેનું એક સુવ્યવસ્થિત કેમ્પેઇન છે.
પત્રમાં કહેવામાં આવ્યું કે ટીકા એ લોકતાંત્રિક અધિકાર છે પરંતુ હવે બંધારણીય સંસ્થાને અને તેને ચલાવનાર અધિકારીઓ વિશે બેફામ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ કોર્ટમાં કોઈ આરોપ પુરવાર થયો નથી.
‘વોટ ચોરી’ના આરોપો પર ન્યાયાધીશોએ કહ્યું કે પ્રેસ કૉન્ફરન્સમાં આરોપો લગાવવામાં આવે છે પરંતુ અત્યાર સુધી કોર્ટ સમક્ષ આમાંના એક પણ આરોપની રજૂઆત થઈ નથી. ઉપરથી જ્યારે ચૂંટણી પંચ લેખિતમાં માગે છે ત્યારે આપવામાં આવતું નથી.

નિવૃત્ત ન્યાયાધીશોએ કહ્યું કે જે પક્ષે દેશ પર પાંચ દાયકા સુધી શાસન કર્યું એ જ પક્ષ હવે કહી રહ્યો છે કે તેઓ જે સિસ્ટમથી ચૂંટાઈને આવતા હતા એ જ સિસ્ટમમાં હવે ખામી છે.
સાથે ઇકોસિસ્ટમની ભૂમિકાની વાત કરતાં જજોએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આમાં એકલી નથી પરંતુ એક્ટિવિસ્ટો પણ કામ કરે છે, જેઓ એક પછી એક અરજીઓ દાખલ કરતા રહે છે પરંતુ પુરાવાઓ રજૂ કરતા નથી. કોર્ટરૂમને સ્ટેજ બનાવી દેવામાં આવે છે અને ચુકાદો આવે ત્યારે જો ઇકોસિસ્ટમ અનુસાર ન હોય તો તેની ટીકા શરૂ કરી દેવામાં આવે છે, જેથી ન્યાયતંત્ર પ્રત્યેનો લોકોનો વિશ્વાસ પણ ઓછો થાય.
SIR બંધારણીય માળખાનો ભાગ, સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી આપી
SIRનો ઉલ્લેખ કરીને પત્રમાં કહ્યું કે આ પ્રક્રિયા બંધારણના માળખાનો એક ભાગ છે અને ચૂંટણી પંચને તેની પૂરતી સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય મૃત મતદારો, ડુપ્લીકેટ એન્ટ્રી, અન્યત્ર સ્થળાંતરિત થયેલા મતદારોનાં નામ દૂર કરવાનો અને પાત્ર મતદારોનાં નામો ઉમેરવાનો હતો અને દેશની સર્વોચ્ચ અદાલત પણ SIRને કાયદેસર ઘોષિત કરીને કહી ચૂકી છે કે ચૂંટણી પંચને SIR કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને તેની સત્તામાં આવે છે. જેનાથી ફ્રી એન્ડ ફેર ઈલેક્શનનો બંધારણનો ભાવ પણ જળવાય રહે છે.
જજોએ કહ્યું કે આ બધા નિયમો 2025માં લખાયા નથી. નિયમો 1950માં બંધારણ બન્યું ત્યારે બન્યા હતા અને એટલે SIR પર હવે અચાનક હોબાળો મચાવવો એ કોઈ રીતે યોગ્ય નથી.
ન્યાયાધીશોએ એક અગત્યની બાબત પર ધ્યાન દોરતાં કહ્યું કે લોકતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવો એ સામૂહિક જવાબદારી છે અને સંસ્થાઓ પારદર્શિતા જાળવીને આ વિશ્વાસ જીતે છે.
‘લોકોના વિશ્વાસ સાથે રમત થઈ રહી છે’
પત્રમાં ન્યાયાધીશોએ કહ્યું, “વિશ્વાસ એ લોકતંત્રનું ચલણ છે. નાગરિકોને વારંવાર કહેવામાં આવે કે તેમના મતની ગણતરી નહીં થાય તો તેમનો વિશ્વાસ ઘટતો જશે. બેલેટ પરથી વિશ્વાસ ઘટતો જાય એટલે લોકો રસ્તા પર ઉતરી આવે છે અને નરેટિવ સાથે અરાજકતા સર્જવામાં આવે છે. અરાજક અને અસામાજિક તત્ત્વો ઘૂસી જાય છે. જેમાં અમુક અંદરના તત્ત્વો હોય છે અને અમુક બહારનાં.
અંતે જજોએ રાજકીય પાર્ટીઓને અપીલ કરી કે તેઓ ચૂંટણી લડીને જીતે અને જો કોઈ ફરિયાદો હોય તો પુરાવા લઈને કોર્ટ સમક્ષ જાય. મીડિયાને અપીલ કરતાં કહ્યું કે તેમણે તથ્યો ચકાસ્યા વગર દાવા અને આરોપોની હેડલાઈનો ન બનાવી દેવી જોઈએ. સાથે નાગરિકોને પણ તથ્યો ચકાસીને કોઈ પણ બાબત પર વિશ્વાસ કરવા માટે અપીલ કરી હતી.
ન્યાયાધીશોએ કહ્યું કે બંધારણીય સંસ્થાઓ સરકારની નથી હોતી પરંતુ દેશના લોકો માટે હોય છે. તેમની વિશ્વસનીયતા પર હુમલો એ આખરે નાગરરિકોનાં બંધારણીય હિતોનું રક્ષણ કરતી સંસ્થા પર હુમલો છે. જેથી દરેક ભારતીયએ આ સંસ્થાઓ પરના પ્રહારો સામે ઊભા રહેવું જોઈએ.

