જંતર-મંતર પર INDI નેતાઓનાં ધરણાં દરમ્યાન પોલીસકર્મીઓ પર હુમલો, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સામે FIR

બુધવારે (7 ઑક્ટોબર) નવી દિલ્હીમાં INDI ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર નજીક વિરોધ પ્રદર્શનના નામે હોબાળો મચાવ્યો હતો. આ પ્રદર્શન દરમ્યાન દિલ્હી પોલીસના જવાનો સાથે મારપીટ, ગેરવર્તન અને ધક્કામુક્કીની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના બાદ હવે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વિપક્ષી સાંસદો અને કાર્યકર્તાઓ સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે.

વિપક્ષી નેતાઓ અને તેમના સમર્થકો સામે બે જ દિવસમાં નોંધાયેલી આ બીજી FIR છે. આ પહેલાં 7 ઓક્ટોબરે પરવાનગી વિના આકાશવાણી ભવનના પરિસરમાં બળજબરીપૂર્વક ઘૂસવા બદલ પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના સમર્થકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ પર થયેલા હુમલા અને સરકારી કામગીરીમાં ગંભીર અવરોધ ઊભો કરવા બદલ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં બીજી FIR નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 7 ઓકટોબરના રોજ જનપથ સ્થિત એક રેસ્ટોરન્ટમાં લંચ મીટિંગ પતાવ્યા બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં INDI ગઠબંધનના નેતાઓ બસોમાં સવાર થઈને એકાએક ‘સરપ્રાઈઝ ધરણાં’ કરવા માટે જંતર-મંતર તરફ નીકળ્યા હતા.

સુરક્ષાદળોએ જ્યારે આ અનધિકૃત માર્ચને અટકાવવા બસોને રોકી ત્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), CPI-M, CPI, RJD અને IUML સહિતના પક્ષોના ઉશ્કેરાયેલા સાંસદો અને કાર્યકરોએ કાયદાનું પાલન કરાવતા પોલીસકર્મીઓ સાથે સીધો સંઘર્ષ શરૂ કરી દીધો હતો.

આટલું જ નહીં પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય મહિલા નેતાઓ તો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયાં હતાં. મોડી સાંજ સુધી ચાલેલા આ ભારે હોબાળા અને નાટક બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદો સહિત કુલ 91 લોકોની અટકાયત કરવી પડી હતી.

પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ

આ સમગ્ર હોબાળ દરમિયાન પાર્લામેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અંકિત કસાના સાથે થયેલી બર્બરતાની ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. રાહુલ ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા હતા ત્યારે ડ્યુટી પર તૈનાત અંકિત કસાનાને 30થી 35 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ઘેરી લીધા હતા. આ ભીડમાં પુરુષો અને મહિલાઓ બંને સામેલ હતાં, જેમણે કાયદાનું પાલન કરાવતા પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો.

કોન્સ્ટેબલ અંકિત કસાનાના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ટોળાએ તેમને પાછળથી ખેંચ્યા હતા અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. આ હુમલાખોરોએ પોલીસકર્મીનો યુનિફોર્મ ખેંચીને ફાડી નાખ્યો હતો, તેમને નખ માર્યા હતા એટલું જ નહીં, એક વ્યક્તિએ તેમના હાથ પર જોરથી બચકું પણ ભરી લીધું હતું. અન્ય પોલીસકર્મીઓએ સમયસર પહોંચીને અંકિત કસાનાને આ હિંસક ભીડમાંથી માંડ બચાવ્યા હતા. ઘટના બાદ તેમને સારવાર અને મેડિકલ તપાસ માટે દિલ્હીની RML હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

CCTVના આધારે FIR નોંધવાની તૈયારી

દિલ્હી પોલીસ હવે આ હિંસક ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. અહેવાલો મુજબ, પોલીસે ઘટનાસ્થળના તથા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તમામ મોબાઇલ વિડીયો અને CCTV ફૂટેજ એકત્ર કરીને તેનું બારીકાઈથી વિશ્લેષણ શરૂ કર્યું છે. આ ફૂટેજમાં મહિલા પોલીસ અધિકારીઓ સહિત અન્ય સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કામુક્કી અને મારપીટ કરવામાં આવી હોવાના પુરાવા મળી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિડીયો ફૂટેજના આધારે ડ્યુટી પર રહેલા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા અને તેમની કામગીરીમાં અડચણ ઊભી કરનારા હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં જ પ્રદર્શનમાં સામેલ ઉપદ્રવીઓ વિરુદ્ધ જાહેર સેવક પર હુમલો કરવા, ફરજમાં અવરોધ પેદા કરવા તથા અન્ય કડક કલમો હેઠળ વધુ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.