‘પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવે’: સુપ્રીમ કોર્ટે માંગ ફગાવી, કહ્યું– વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરવો પડે

કોકરોચ જનતા પાર્ટી અને અન્ય વામપંથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એક પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે તે પહેલાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પરવાનગી વગર પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે.

અરજીમાં દિલ્હી પોલીસને પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની છૂટ આપવાની અને અદાલતનો ન્યાયિક હસ્તક્ષેપ મર્યાદિત રાખવાની માંગ કરવામાં આવી હતી. જેની ઉપર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી.

CJI જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ અરજી ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે આવા સંવેદનશીલ મામલાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તેમના પરિવારોની સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.

કોર્ટે કહ્યું, “આ બધા યુવા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ છે. તેમના માતા-પિતાનો પણ વિચાર કરવો પડે છે. તેમની સામે આખું જીવન પડ્યું છે. તેમને કોર્ટના ધક્કા ખાતા ન કરી શકાય.” જોકે સાથે એટલી સ્પષ્ટતા કરવામાં આવી કે ગુનેગારો અને અગાઉ ગુનામાં સપડાઇ ચૂકેલાઓ માટે આ રાહત નથી.

અરજદાર તરફથી વકીલે દલીલ કરી હતી કે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્વતંત્ર રીતે કામ કરવા દેવી જોઈએ અને પોલીસની કાયદેસરની કામગીરીમાં વારંવાર હસ્તક્ષેપ થવો જોઈએ નહીં.

આ વિવાદની શરૂઆત જુલાઈ 2026માં દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલાં પ્રદર્શનોથી થઈ હતી. NEET પરીક્ષાના પેપર લીક મામલે પ્રદર્શનોની આડમાં હિંસા આચરવામાં આવી અને પોલીસ અને આરએએફના જવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ અને અન્ય પ્રદર્શનકારીઓ સામે હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા ગંભીર આરોપો હેઠળ અનેક FIR નોંધી હતી.

આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને આ પ્રદર્શન સાથે જોડાયેલી વિદ્યાર્થીઓ સામેની FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વિરોધ કરનારાઓમાં મોટાભાગના યુવા વિદ્યાર્થીઓ છે, અને માત્ર પ્રદર્શનમાં ભાગ લેવાના કારણે તેમના ભવિષ્યને કાયદાકીય મુશ્કેલીઓમાં ધકેલવું યોગ્ય નથી. જોકે કોર્ટે એમ પણ કહ્યું હતું કે રીઢા ગુનેગારો અને ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી શકશે.

તાજેતરમાં પોલીસે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ માંગતી અને ન્યાયિક હસ્તક્ષેપ ઘટાડવાની અરજી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે અગાઉના આદેશનો ખોટો અર્થ કાઢીને આ અરજી કરવામાં આવી છે. દરેક કેસમાં પરિસ્થિતિ અને તેમાં સામેલ લોકોના સંજોગો જોઈને જ નિર્ણય લેવો પડે છે.