‘સત્યમેવ જયતે’ એટલે સત્યનો જ વિજય થાય છે એ વાત સાચી, પણ એવું પણ કહેવાયું છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. પણ સત્યને પરેશાન કરવાનો જ ઇરાદો હોય ત્યારે શું? ઘણી વખત સત્ય તમારે છાપરે ચડીને પોકા રવું પડે છે અને તોય એ વધારે લોકો સુધી પહોંચતું નથી જેટલું અસત્ય પહોંચે છે. કારણ કે તેમાં તડકો મારેલો હોય છે. આવરણ ચડાવીને પીરસવામાં આવે છે. આ આવરણ ચડાવવા માટે, અસત્યને પીરસવા માટે વ્યવસ્થિત તંત્ર કાર્ય કરતું હોય, એક ચેઇન બનેલી હોય ત્યારે કામ વધારે સરળ બને છે.
ચૂંટણી પંચની બાબતમાં, ચૂંટણી પ્રક્રિયાની બાબતમાં કે ચૂંટણી પંચના કમિશનરની બાબતમાં વિપક્ષો, એક્ટિવિસ્ટો, નવા જન્મેલા કોકરોચોની જમાત આ જ કામ કરી રહી છે. દોઢ વર્ષથી સતત આ દેશની ચૂંટણી પ્રક્રિયા ખાડે ગઈ છે, ચૂંટણી પ્રક્રિયામાં ભયંકર ગોલમાલ ચાલે છે, ચૂંટણી પંચ મોદીના ઈશારે, સરકારના ઈશારે કામ કરે છે એવું સતત ચલાવવામાં આવ્યું અને હવે માહોલ એવો બનાવી દેવામાં આવ્યો છે કે લોકો કોઈ કારણ વગર ચૂંટણી પંચ પર શંકા કરતા થઈ ગયા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં બહુ જોર લગાવી દીધા પછી, અમુક અપપ્રચાર અને છેલ્લી કક્ષાનાં જૂઠાણાંનો સહારો લીધા પછી પણ વિપક્ષ બહુમત સુધી ન પહોંચી શક્યો. ભાજપને પણ એકલે હાથે બહુમત મેળવવામાં પચાસ બેઠકો ઓછી પડી પણ એનડીએ ગઠબંધનની સરકાર બની ગઈ. મોદી 3.0ની શરૂઆત થઈ.
નિષ્ફળતાઓમાંથી શીખતાં ભાજપને આવડે છે. ચૂંટણીલક્ષી નિષ્ફળતાઓને તેઓ વધુ ગંભીરતાથી લે છે. 2024ની લોકસભા ચૂંટણી પછી થયેલી હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં આ જોવા મળ્યું. ભાજપે જંગી બહુમતીએ ચૂંટણી જીતીને સરકાર બનાવી. સમર્થકોનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત થયો. ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી આવી તો તેમાં પણ ભાજપે દોઢ દાયકાના કેજરીવાલ શાસનને ઉખાડી ફેંકીને સત્તા મેળવી લીધી.
ત્યારપછી બિહાર વિધાનસભા ચૂંટણી આવે તે પહેલાં ચૂંટણી પંચે એક કામ ઉપાડ્યું: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન– SIR. મતદાર યાદી નવેસરથી તૈયાર કરવાની પ્રક્રિયા. શરૂઆતમાં આ પ્રક્રિયા બિહાર પૂરતી સીમિત રાખવામાં આવી. જૂન 2025માં SIRની ઘોષણા થઈ કે તરત વિપક્ષી ઇકોસિસ્ટમ હોહા કરવા માંડી.
એક્ટિવિસ્ટો અને વકીલોની ગેંગ તરત સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ અને આખી પ્રક્રિયાને પડકારી. આ પ્રક્રિયાથી ચૂંટણી પંચ સરકારના ઈશારે મતદાર યાદીમાં ગોટાળા કરવા માગે છે, પોતાની રીતે મતદારો ઉમેરવા અને વિપક્ષના મતદારો દૂર કરવા માગે છે એવું ધુપ્પલ ચલાવ્યું. અખબારોમાં લેખો લખાયા. સોશિયલ મીડિયા કેમ્પેઈન ચાલ્યું.
અહીં ઉપર કહી એ અસત્યની અને સત્યની વાત આવે છે. વાસ્તવમાં ચૂંટણી પંચે SIRની ઘોષણા કરી એ જ દિવસે ચોખવટ કરી હતી કે આ બધું કેમ થઈ રહ્યું છે. એવું પણ નથી કે SIR પહેલી વખત થયું હતું. બે દાયકા પહેલાં 2004માં આ પ્રક્રિયા થઈ ચૂકી હતી. ત્યારબાદ મતદાર યાદી સુધારણા થઈ પણ તેનું સઘન પુનર્નિરીક્ષણ નહતું થયું. ચૂંટણી પંચે એ જ કર્યું. તેની પાછળનું કારણ પણ સમજાવ્યું. બે દાયકામાં અનેક મતદારો મૃત્યુ પામ્યા હશે. અનેક સ્થળાંતરિત થયા હશે. તેના કારને ડુપ્લીકેટ એન્ટ્રી હશે. બે દાયકામાં આ બધું થયું હોય. એટલે મતદાર યાદીની સઘન સુધારણા જરૂરી છે.
ચૂંટણી પંચે આના માટે નિયત પ્રક્રિયા નક્કી કરી. એ પ્રક્રિયાઓ સમજાવી. પણ આ બધું દબાવી દેવામાં આવ્યું. મીડિયા અને સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું કે આ પ્રક્રિયાથી સરકાર વોટ કાપી રહી છે, પોતાના વોટ ઉમેરી રહી છે, જેથી ફરી ચૂંટણી થાય તો સરળતાથી જીત મળે.
મેઇનસ્ટ્રીમ મીડિયા ક્યારેય આરોપો સાચા છે કે ખોટા તેની પ્રાથમિક ચકાસણી પણ કરતું નથી. કોઈ નેતા આવીને જે કંઈ કહે એ સીધું છાપી મારે છે. વળી સરકાર કે કોઈ સંસ્થા ચોખવટ કરે કે સ્પષ્ટતા કરે, તથ્યો સામાં મૂકે ત્યારે તેને એટલું કવરેજ મળતું નથી, અથવા એ સમાચાર અખબારના કોઈ અંદરના પાને દબાવી દેવામાં આવે છે. અસત્ય ભરપૂર ફેલાય છે, સત્ય નથી ફેલાતું. સત્ય ફેલાવવા માટે મહેનત કરવી પડે છે. તેમાં મીડિયાને રસ નથી. અથવા દાનત નથી.
એ જ કારણ છે કે SIR થઈ રહ્યું હતું ત્યારે જ રાહુલ ગાંધીએ એક દિવસ પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો કે આ દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેના માટે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીનાં અમુક ઉદાહરણો આપ્યાં. પ્રેઝન્ટેશન બતાવીને કહ્યું કે મતદાર યાદીમાં આવી-આવી ખામીઓ છે.
વાસ્તવમાં રાહુલ ગાંધીએ આ જે બધા કિસ્સાઓ કહ્યા હતા એ વહીવટી ભૂલો હતી, ખામીઓ હતી. પણ તેનાથી ક્યાંય એ સાબિત થતું ન હતું કે એક ઝાટકે અનેક વોટ કપાયા કે લોકો મતદાનથી વંચિત રહી ગયા. વક્રતા એ છે કે રાહુલે જે ખામીઓ જણાવી હતી એ દૂર કરવા જ ચૂંટણી પંચ SIR કરી રહ્યું હતું, પણ કોંગ્રેસ SIRનો વિરોધ કરી રહી છે!
આટલી સ્પષ્ટ બેવડી વાતો હોવા છતાં મીડિયાએ રાહુલના આરોપોને સીધા ચલાવ્યા. ચૂંટણી પંચ એક પછી એક ફેક્ટચેક કરતું ગયું ત્યારે તેને એટલું વજન ન મળ્યું. વળી એક માનસિકતા આપણે ત્યાં એવી પણ છે કે આરોપો લાગે પછી જે સ્પષ્ટતા કરવામાં આવે તેમાં તથ્યો હોય તોપણ તેને ધ્યાનમાં લેવામાં આવતાં નથી અને તેને કાયમ ‘નબળા બચાવ’ તરીકે જ જોવામાં આવે છે.
રાહુલ ગાંધીનો ‘વોટચોરી’નો આખો પ્રોપગેન્ડા ધ્વસ્ત એટલા માટે થઈ ગયો કારણ કે ત્યારપછી જે બિહાર વિધાનસભા ચૂંટણી આવી તેમાં ભાજપ-એનડીએની ભવ્ય જીત થઈ. વળી એક પણ મતદાર એવો ન નીકળ્યો જેણે સામે આવીને એવી ફરિયાદ કરી હોય કે તેનો વોટ જેન્યુઇન હતો છતાં SIRમાં કપાઈ ગયો અને તેને મતદાનનો અધિકાર ન મળ્યો.
બિહાર ચૂંટણી લિટમસ ટેસ્ટ હતી પણ તેમાં ચૂંટણી પંચ પાસ થઈ ગયું. એ સાબિત થઈ ગયું કે SIRથી કોઈ વોટચોરી થઈ નથી કે ન ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગોલમાલ કરવામાં આવી હતી. બધું પારદર્શી રીતે જ થયું, લોકોએ મતદાનમાં ભાગ પણ લીધો અને નવી સરકાર પણ ચૂંટાઈ. એટલે પછી વોટચોરીવાળું ધીમું પડ્યું.
ત્યારપછી આસામ, બંગાળ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થઈ એ પહેલાં આસામ સિવાયનાં રાજ્યોમાં SIR પ્રક્રિયા બિહારની જેમ હાથ ધરવામાં આવી. બંગાળમાં મમતા બેનર્જીએ ઉધામા કર્યા પણ કામ ન આવ્યા. ઉપરથી મે 2026માં સુપ્રીમ કોર્ટે બિહાર SIRને પડકારતી અરજીઓનો નિકાલ કરીને કહ્યું કે પ્રક્રિયા બંધારણ અનુસાર થઈ છે, તે કરવાનો ચૂંટણી પંચને પૂરેપૂરો અધિકાર છે અને નિયમો પ્રમાણે બધું થયું છે. ફરી, સુપ્રીમ કોર્ટે SIRને ક્લીનચિટ આપી હતી એ હકીકત પણ ઘણાને ખબર નહીં હોય! કારણ કે એટલી તીવ્રતાથી એ જણાવવામાં આવતી નથી.
બધું ટાઢું પડી ગયું હતું તેમાં પલિતો ચાંપવાનું કામ અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ કર્યું.
એક્સપ્રેસે થોડા દિવસ પહેલાં એક અહેવાલ છાપીને દાવો કર્યો કે ચૂંટણી પંચના ત્રણ કમિશનરો છે તેમાંથી બે કમિશનરોએ છેલ્લા દસ મહિનામાં 14 વખત સત્તાવાર કમિશનના નિર્ણયો પર વાંધો ઉઠાવ્યો છે. એક્સપ્રેસે દસ્તાવેજો, કાગળો વાંચીને, સંશોધન કરીને, મહિનાઓની મહેનત પછી આ અહેવાલ છાપ્યો હોવાનો દાવો કર્યો.
એક્સપ્રેસનો રિપોર્ટ આવ્યો એટલે પેલી ઈકોસિસ્ટમ ફરી સક્રિય થઈ. એક પછી એક વિપક્ષી નેતાઓનાં નિવેદનો આવવા માંડ્યાં અને બધાની વાતનો સૂર એ હતો કે અમે તો કહ્યું જ હતું અને હવે અખબારના સંશોધનમાં પણ એ સાબિત થયું. કોઈએ એ ન પૂછ્યું કે એક્સપ્રેસે જે લખ્યું છે એમાં સત્ય કેટલું છે, અસત્ય કેટલું છે અને ખાસ તો સંદર્ભ વગર કેટલી વાતો કહેવાઈ છે.
આપણે ત્યાં જેટલું નુકસાન જૂઠાણાંએ નથી કર્યું એનાથી વધુ નુકસાન સંદર્ભ વગર કહેવાતી, રજૂ કરી દેવામાં આવતી વાતોએ કર્યું છે. આમ કરનારાઓ જાણે છે કે લોકો અટપટી બાબતો સમજવા જતા નથી કે બહુ ઊંડાણમાં ઉતરતા નથી કે દરેક બાબતનું ફેક્ટચેક પણ શક્ય હોતું નથી. એટલે અમુક સંદર્ભો કાપીને રજૂ કરી દેવામાં આવે છે. જે નિષ્કર્ષ આપવાનો એ આપી દેવાય છે. અસત્ય ફરી એક વખત વાયુવેગે ફરતું થઈ જાય છે. તેનું ફેક્ટચેક એટલું ફેલાતું નથી.
આવું એક્સપ્રેસના અહેવાલમાં થયું.
એક્સપ્રેસના અહેવાલ પછી ચૂંટણી પંચે ચોખવટ કરીને કહ્યું કે કમિશન એ બંધારણીય સંસ્થા છે. તેમાં નિર્ણયો લેવાના તબક્કે કે ડ્રાફ્ટ સ્ટેજમાં મતભેદો હોય, અમુક વ્યક્તિઓનાં અવલોકનો જુદાં હોય એ સ્વાભાવિક છે. બનવાજોગ છે. તેમાં આશ્ચર્યજનક કશું નથી. પણ એ પણ જોવું જોઈએ કે એ બધા નિર્ણયો પછીથી કઈ રીતે લેવાયા, લેવાયા કે કેમ અને તેની ઉપર અમલીકરણ થયું કે કેમ. એક્સપ્રેસે જે મુદ્દા ઉઠાવ્યા હતા તેનું વિગતવાર ખંડન પણ ચૂંટણી પંચે કર્યું, સંદર્ભો આપ્યા અને એનાથી બધી બાબતો સ્પષ્ટ થઈ ગઈ. પણ અગેઇન, એ બધું ક્યારેય ફેલાયું નહીં.
આ તરફ રાહુલ ગાંધી અને ગેંગ ફરી એક વખત ચૂંટણી પંચ પાછળ પડી ગઈ. તેમને સાથ-સહકાર આપવા માટે છ મહિના પહેલાં આવેલા કોકરોચો તૈયાર હતા, જેઓ એક વખત અરાજક આંદોલન કરીને એક પ્રધાનનું રાજીનામું મેળવીને લોહી ચાખી ચૂક્યા હતા.
આ આખી ગેંગ હવે ચૂંટણી પંચની પાછળ પડી છે. તથ્યો પર કોઈ વાત કરી રહ્યું નથી. કોર્ટમાં એક અરજી કરી જોઈ પણ કોર્ટે અખબારના રિપોર્ટ પર કોઈ નિર્ણય આપવાની ના પાડીને માત્ર ચૂંટણી પંચને નોટિસ પાઠવી એટલે અકળાઈ ગયેલી ટોળીએ મુદ્દાને ફોર્મ 6 પર ડાયવર્ટ કરી દીધો.
હકીકતે તો ફોર્મ 6માં ચૂંટણી પંચે કોઈ બદલાવ જ કર્યો ન હતો તો સુપ્રીમ કોર્ટે તેને મંજૂર કરવાની વાત ક્યાં આવે! છતાં ભરપૂર પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો. ચૂંટણી પંચે ખોટું ચલાવ્યું હતું એવો અપપ્રચાર શરૂ થયો. પણ ન કમિશન ખોટું છે કે ન સુપ્રીમ કોર્ટ. કઈ રીતે એ અહીં વિગતવાર સમજાવવામાં આવ્યું છે એટલે અહીં ફરી ચર્ચાની જરૂર નથી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ જાણે છે કે તેમના આરોપો કોર્ટમાં ટકી શકવાના નથી. એટલે તેમણે રસ્તા પર ઉતરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. રસ્તા પર ઉતરો એટલે અરાજકતા સર્જાય. અવ્યવસ્થા સર્જાય. આ તમામને રસ માત્ર અવ્યવસ્થા સર્જવામાં છે. સરકાર પર દબાણ લાવવામાં છે. બાકી જો ખરેખર કોઈ પ્રશ્ન હોત અને તેના સમાધાનમાં રસ હોત તો તેઓ બે દિવસ પહેલાં કહ્યા વગર ચૂંટણી પંચની ઑફિસે દોડી ન જાત. તેમ છતાં ચૂંટણી પંચે મળવાની તૈયારી દર્શાવી ત્યારે બહાનાં ન કાઢ્યાં હોત. તેના વિશે પણ અગાઉ લખાઈ ચૂક્યું છે.
હવે 10 ઑક્ટોબરે નવી દિલ્હીમાં પ્રદર્શનોની જાહેરાત થઈ છે. અગાઉનાં આવાં અનેક પ્રદર્શનોની જેમ આનો આશય પણ જૂઠાણાં-અસત્યના સહારે આંદોલન કરીને સરકાર પર દબાણ લાવવાનો જ છે. સરકાર શું કરે છે એ જોવું રહ્યું. આ વિપક્ષી જમાત તો ધમાલ જ મચાવશે એ પહેલેથી નક્કી છે!
ટૂંકસાર એ છે કે ઇકોસિસ્ટમ જાણે છે કે તેમની પાસે તથ્યો નથી. એટલે ત્યારપછીનો માર્ગ એ છે કે લોકોને તથ્યો, સત્ય, અસત્ય વગેરેમાં ગૂંચવી મારવામાં આવે જેથી તેઓ ભેદ ન સમજી શકે. તેના માટે એક ચેઇન દ્વારા, ઇકોસિસ્ટમની મદદથી જૂઠાણાં ફરતાં કરવામાં આવે. વ્યવસ્થિત નરેટિવ ફેલાવાય. તેના માટે દરેક પોતાના સ્તરથી કામ કરે છે. પાર્ટીઓ આરોપો લગાવે છે, અખબારો સંશોધનાત્મક અહેવાલોના નામે નરેટિવ ગોઠવવામાં મદદ કરે છે, સોશિયલ મીડિયા પર નરેટિવ સ્થાપિત કરવામાં આવે છે અને એક્ટિવિસ્ટો અને વકીલો મુદ્દાને કોર્ટ સુધી લઈ જાય છે. પરિણામે લોકો શંકા કરતા થઈ જાય છે.
અત્યારે આ જ થઈ રહ્યું છે. કોઈ એક વખત કહે, બે વખત કહે તેમાં અને વારંવાર એક જ વાત કહેવાતી રહે, જુદા-જુદા ઠેકાણેથી અને જુદા-જુદા મંચોથી કહેવાતી રહે ત્યારે લોકો તેનાથી કન્વીન્સ કદાચ ન થાય તોપણ શંકા કરતા થઈ જાય છે. આખી જમાતનો મૂળ ઇરાદો જ આપણને શંકા કરાવવાનો છે. બાકીનું કામ તેમને ખબર છે.


