કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (5 નવેમ્બર) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને ફરી એક વખત ચૂંટણી પંચને અને ભારતની ચૂંટણી પ્રક્રિયાને ટાર્ગેટ કરી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ ષડ્યંત્ર હતું તેવા ગપગોળા ચલાવ્યા અને તેના માટે પુરાવાઓના નામે અમુક દાવા કર્યા અને પ્રેઝન્ટેશન બતાવ્યું. પરંતુ ચોવીસ કલાકની અંદર રાહુલના આ દાવાઓની હવા નીકળી ગઈ. એક પછી એક ફેક્ટચેક થતાં ગયાં અને હકીકત સામે આવતી ગઈ.
અહીં એક પછી એક રાહુલ ગાંધીના દાવાઓ અને તેની હકીકત જોતા જઈએ.
હરિયાણા સીએમની અધૂરી ક્લિપ ચલાવી
રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનું ધરાર સાબિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીની પરિણામોના બે દિવસ પહેલાંની એક પ્રેસ કૉન્ફરન્સની એક નાનકડી ક્લિપ ચલાવી હતી. આ ક્લિપમાં સૈની કહેતા સંભળાય છે કે અમારી પાસે બધી જ વ્યવસ્થાઓ છે. આ ‘વ્યવસ્થાઓ’નો રાહુલ ગાંધીએ જુદો જ અર્થ કાઢ્યો અને દાવો કર્યો કે હરિયાણા સીએમને ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોમાં ગડબડ થશે તેની ખબર હતી.
#WATCH | Panchkula | Haryana CM Nayab Singh Saini says, "We will not need any kind of alliance, I have said from the very beginning that the BJP will form the govt alone. We have all the arrangements… I am confident that BJP will alone form the government but if we need that… pic.twitter.com/pnQJOgf3p4
— ANI (@ANI) October 6, 2024
વાસ્તવિકતા એ હતી કે નાયબ સિંઘને પરિણામો બાદ ભાજપ ગઠબંધન કરશે કે નહીં તે વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આમ તો ભાજપ એકલે હાથે સરકાર બનાવશે તેવો તેમને વિશ્વાસ છે પરંતુ તેમ છતાં જો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો પાર્ટી પાસે તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે. એટલે ‘વ્યવસ્થાઓ’ ગઠબંધનના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું, પણ રાહુલ ગાંધીએ પ્રશ્નવાળો ભાગ કાઢીને અધૂરી ક્લિપ બતાવીને દાવાઓ કર્યા હતા.
બ્રાઝિલિયન મોડેલે 22 વખત મતદાન કર્યું?
આ પ્રેસ કૉન્ફરન્સમાં બીજો એક દાવો એ કરવામાં આવ્યો કે સોનીપતની રાઈ વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં બ્રાઝિલની એક મોડેલનો ફોટો લગાવવામાં આવ્યો હતો અને એ પણ 10 બૂથમાં 22 અલગ-અલગ મતદારોના નામ પર.
ક્ષેત્રનાં ગામોમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જે મતદારોના નામ સાથે આ મોડેલનો ફોટો લગાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેમણે પોતે જ મતદાન કર્યું હતું. 22માંથી 13 મતદારો પુષ્ટિ કરી ચૂક્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે જ મતદાન કર્યું હતું. અમુકે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે ફોટો જુદો હોય શકે, પણ બાકીની વિગતો સાચી હતી અને મતદાન પણ કરવા દેવામાં આવ્યું હતું.
એક જ ઘરમાં 501 અને 66 મતદારો?
રાહુલ ગાંધીએ બીજો એક આરોપ એ લગાવ્યો હતો કે હરિયાણાના હોડલ વિધાનસભા ક્ષેત્રના એક ગામમાં એક જ ઘરમાં 501 મતદારો નોંધાયેલા છે, જ્યારે બીજા એક ઘરમાં 66 મતદારો છે. આટલી મોટી સંખ્યામાં મતદારો એક જ ઘરમાં કઈ રીતે હોય શકે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. સાથે 501 મતદારોવાળું ઘર ક્યાંય છે જ નહીં તેવો પણ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો.
અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જ્યારે તપાસ કરવા જમીન પર ગયું તો જાણવા મળ્યું કે હોડલના ગુંદરાના ગામમાં 150 નંબરનું ઘર વાસ્તવમાં આવેલું છે અને એ ભાજપના જિલ્લા પરિષદ ઉપપ્રમુખનું છે. જે મતદારોની વાત છે એ તેમના પરિવારના સભ્યો જ છે. તમામ સંબંધીઓ એક જ પ્લોટ પર રહે છે અને એટલે તેમનો મકાન નંબર સમાન લખાય છે.
પરિવારે જણાવ્યું હતું કે 80 વર્ષ પહેલાં તેમના પૂર્વજો અહીં આવીને વસ્યા હતા અને ત્યારથી પરિવાર સાથે જ રહે છે. તેમની પાસે 10 એકર જમીન છે, જેમાંથી પાંચ એકરમાં રહેઠાણો છે અને બાકીનામાં ખેતી થાય છે. 1986માં જે પાકું મકાન બન્યું હતું તેને 150 નંબર આપવામાં આવ્યો હતો. પછીથી પરિવાર જેમ વધ્યો તેમ અન્ય ઘર બન્યાં, પણ સમાન પ્લોટ હોવાના કારણે બધાને એક જ નંબર આપવામાં આવ્યો છે.
501 મતદારોવાળો રાહુલ ગાંધીનો દાવો પણ ભૂલભરેલો છે. અહીં નોંધાયેલા એક મતદારે જણાવ્યું કે તેમના પરદાદા પાસે 25-30 એકર જમીન હતી, તેમાંથી પરિવારે પછીથી પ્લોટ પાડ્યા હતા. આ જમીન પર 200 ઘરો છે અને તમામ મતદારો એક જ ઘર નંબર લખાવે છે. પછીથી અમુક જમીન વેચવામાં પણ આવી. તેમનો મકાન નંબર પણ સમાન છે, એટલે આટલી મોટી સંખ્યામાં મતદારો દેખાય છે. પરંતુ કોઈ બોગસ મતદાર હોય તેમ નથી.
પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ, પરિણામોમાં કોંગ્રેસ પાછળ?
રાહુલ ગાંધીનો બીજો એક આરોપ એવો હતો કે પોસ્ટલ બેલેટમાં આગળ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી ગઈ. તેમનું કહેવું હતું કે ઘણી બેઠકો પર પોસ્ટલની ગણતરીમાં કોંગ્રેસ પાર્ટી આગળ હતી, પણ EVMના વૉટ ગણવાના શરૂ થયા તો પાછળ થઈ ગઈ.

જો રાહુલ ગાંધીના આરોપોમાં વજન હોય તો આવું દરેક બેઠક પર થવું જોઈતું હતું, પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં બેઠકવાર પરિણામો જોયાં તો જાણવા મળ્યું કે ચાર બેઠકો એવી હતી, જ્યાં ભાજપે પોસ્ટલ બેલેટમાં લીડ મેળવી અને ફાઈનલ ટેલીમાં પાર્ટી હારી ગઈ.
હકીકત એ પણ છે કે પોસ્ટલ બેલેટ કુલ મતોના 1 ટકા પણ હોતા નથી અને તેનાથી પરિણામો પર કોઈ અસર પડતી નથી. EVM મતોની સરખામણીમાં પોસ્ટલ બેલેટની સંખ્યા નગણ્ય હોય છે. છતાં જો આરોપોને ફેસ વેલ્યુ પર લેવામાં આવે તોપણ રાહુલ ગાંધીના આરોપો ટકતા નથી.
મતદાર અંજલિ ત્યાગીએ પ્રોપગેન્ડાની હવા કાઢી
રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અમુક વ્યક્તિઓના વિડીયો બતાવીને તેમણે કથિત વૉટ ચોરીની ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. તેમાંથી એક વિડીયો હતો એક અંજલિ ત્યાગી નામની મહિલાનો. પરંતુ હવે આ મહિલા જ સામે આવી છે કે રાહુલ ગાંધીના આરોપો નકારી દીધા છે. તેમણે પોતાના વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
Rahul gandhi के 'हायड्रोजन बम' का फैक्ट चेक खुद सोनीपत की अंजलि त्यागी ने OpIndia से एक्सक्लूसिव बातचीत में किया है। आप भी देखें ये वीडियो, जिसमें अंजलि कह रही हैं कि उनकी क्लिप का गलत इस्तेमाल किया गया। @Keshavmalan93 pic.twitter.com/mbF91qIjXE
— OpIndia.tv (@OpIndia_tv) November 5, 2025
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં અંજલિ ત્યાગીએ આ ઘટસ્ફોટ કર્યા હતા. રાહુલ ગાંધીના દાવાના થોડા કલાકોમાં જ ઑપઇન્ડિયા અંજલિ સુધી પહોંચ્યું અને તેમની સાથે વાતચીત કરી હતી.
હરિયાણાના સોનીપતનાં રહેવાસી અંજલિ ત્યાગી કહે છે કે તેમનો વિડીયો ખોટા સંદર્ભ સાથે વાપરવામાં આવ્યો છે અને પોતે રાહુલ ગાંધીના આરોપો સાથે સહમત નથી.
તેમણે ઑપઇન્ડિયાના કેશવ માલાન સાથેની વાતચીતમાં કહ્યું કે મને નથી લાગતું કે આ વૉટ ચોરી જેવું કશું હોય, બની શકે કે કોઈ ખામીના કારણે વૉટર લિસ્ટમાંથી નામ કપાઈ ગયું હોય. લોકસભા ચૂંટણીમાં તેમણે મત આપ્યો હતો, પછી તેમનો વૉટ કટ થઈ ગયો. પરંતુ પછીથી પ્રક્રિયા કરી તો ચૂંટણી કાર્ડ આવી ગયો છે અને હાલ તેમની પાસે કાર્ડ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ચૂંટણી પંચ પર CCTV ફૂટેજ ડિલીટ કરવાનો આરોપ- હકીકત શું?
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવા માટે CCTV ફૂટેજ ડિલીટ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પરંતુ હકીકત એ છે કે ચૂંટણી પંચ પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે ફૂટેજ પરિણામોના 45 દિવસ સુધી સાચવવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર જ સાર્વજનિક કરી શકાય.
હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કોંગ્રેસના જ નેતા જયરામ રમેશે એક રિટ દાખલ કરી છે. રાહુલ ગાંધીનો આરોપ ખોટો છે. ચૂંટણી પંચ એક પ્રક્રિયાનું પાલન કરે છે, જે જગજાહેર છે. 45 દિવસ સુધી ફૂટેજ સાચવવામાં આવે છે અને કોર્ટના આદેશ પર જાહેર કરી શકે છે.


