ઘણા સમયથી નિષ્ક્રિય દેખાતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હવે પાર્ટીએ ફરી એક વખત તથાકથિત ‘વૉટ ચોરી’વાળું કાગળિયું પકડાવી દીધું છે. જેના આધારે તેમણે બુધવારે (5 નવેમ્બર) દિલ્હીના કોંગ્રેસ મુખ્યમથક ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને પ્રેઝન્ટેશન બતાવ્યું.
આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જૂની વાતો જ ફરી રિપીટ કરી છે, પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી પર વિશેષ ભાર મૂક્યો છે. હરિયાણામાં ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ્સનાં અનુમાનો દર્શાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે એક્ઝિટ પોલ્સ કોંગ્રેસની જીત થશે તેવું અનુમાન લગાવ્યું હતું, પરંતુ પરિણામો વિપરીત આવ્યાં અને ભાજપની જીત થઈ ગઈ.
રાહુલનો દાવો છે કે કોંગ્રેસની જંગી જીતની ‘ચોરી’ કરી લેવામાં આવી અને ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર, વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે મળીને આ કાવતરું કર્યું, તેના માટે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ-ગોટાળા કરવામાં આવ્યા.
આ દાવાઓ માટે રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીની એક દસ સેકન્ડની ક્લિપ ચલાવી હતી, જે 6 ઑક્ટોબર 2024ની છે. 8 ઑક્ટોબરના રોજ હરિયાણાનાં પરિણામો ઘોષિત થયાં હતાં. બે દિવસ પહેલાં સીએમ સૈનીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "…I want the young people, GenZ of India to understand this clearly because this is about your future…I am questioning the EC, democractic process in India so I am doing it with 100% proof. We are pretty sure that a plan was… pic.twitter.com/i5RatGOVhi
— ANI (@ANI) November 5, 2025
ક્લિપ નાયબ સિંઘની પરિણામો પહેલાંની એક પ્રેસ કૉન્ફરન્સની છે, જેમાં તેઓ કહે છે, “મેં શરૂઆતથી જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એકતરફી સરકાર બનાવી રહી છે. અમારી પાસે તમામ વ્યવસ્થાઓ છે, તમે ચિંતા ન કરો.” ત્યારબાદ તેઓ હળવું હાસ્ય વેરે છે.
આ ક્લિપ બતાવીને રાહુલ ગાંધી પૂછે છે કે, “એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતી રહી છે, પણ મુખ્યમંત્રી હસીને કહી રહ્યા હતા કે અમારી પાસે તમામ વ્યવસ્થાઓ છે, કેવી વ્યવસ્થા હતી?”
ટૂંકમાં રાહુલ ગાંધી એવું સાબિત કરવા માગે છે કે હરિયાણાના મુખ્યમંત્રીએ પહેલેથી જ એ વાતનો અંદેશો આપી દીધો હતો કે ચૂંટણી પરિણામોમાં ગડબડ ગોટાળા થશે અને સરકારે તમામ ‘વ્યવસ્થાઓ’ કરી રાખી છે. પરંતુ અહીં હકીકત જુદી છે. નાયબ સિંઘ સૈનીની જે ક્લિપ રાહુલ ગાંધીએ ચલાવી હતી એ અધૂરી છે અને તેમાં પ્રશ્ન શું હતો અને સંદર્ભ શું હતો એ પણ સમજવું જરૂરી છે.
શું છે હકીકત?
વાસ્તવમાં નાયબ સિંઘ એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતનો આંકડો ન મળ્યો તો તેઓ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે કે કેમ. આ પ્રશ્નના જવાબમાં સીએમ સૈનીએ કહ્યું હતું કે એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય અને જો કોઈ ગઠબંધન કરવું પડે તો પાર્ટી પાસે તમામ વ્યવસ્થા હોય છે.
આ જ પ્રેસ કૉન્ફરન્સની એક ક્લિપ ઝી ન્યૂઝે 6 ઑક્ટોબર, 2024ના રોજ પોસ્ટ કરી હતી. જેમાં નાયબ સિંઘ સૈની કહે છે, “કોઈ જોડતોડની જરૂર નહીં રહે. મારી બાઈટ જો તમે જોતા હો તો મેં શરૂઆતથી જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એકતરફી સરકાર બનાવી રહી છે. અમારી પાસે તમામ વ્યવસ્થાઓ છે. તમે ચિંતા ન કરો.”
हरियाणा के CM नायब सिंह सैनी का दावा, ''मैंने शुरू से ही कहा है कि भाजपा अकेले ही सरकार बनाएगी। हमारे पास सारी व्यवस्थाएं हैं।''#HaryanaElectionResults #BJP #NayabSinghSaini #Congress | #ZeeNews pic.twitter.com/HwF6aTHYsx
— Zee News (@ZeeNews) October 6, 2024
ત્યારબાદ તેમને એક પત્રકાર પ્રશ્ન કરે છે કે શું ભાજપ પાસે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ ખુલ્લો છે? તેના જવાબમાં સીએમ સૈની કહે છે, “જુઓ, એ આઠ તારીખે ખબર પડશે. મને વિશ્વાસ છે કે ભાજપ એકલે હાથે જ સરકાર બનાવી દેશે. જો જરૂર પડી જ તો વિચાર કરીશું, અમારી પાસે વ્યવસ્થાઓ તો બધી જ છે.”
સ્પષ્ટ છે કે અહીં નાયબ સિંઘ સૈની ગઠબંધનની વાત કરી રહ્યા હતા. અહીં ‘વ્યવસ્થા’નો અર્થ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાના સંદર્ભમાં છે, જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેને તદ્દન જુદી રીતે રજૂ કરી રહ્યા છે, જાણે હરિયાણાના મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રક્રિયામાં ખાસ પ્રકારની ‘વ્યવસ્થા’ કરી હોવાનું જણાવ્યું હોય.
ક્લિપ કાપીને તથ્યો સંદર્ભ વગર રજૂ કરીને પ્રોપગેન્ડા ચલાવવાનો કોંગ્રેસનો વધુ એક પ્રયાસ નિષ્ફળ જતો જણાય છે.


