રાહુલ ગાંધીના કથિત હાઇડ્રોજન બૉમ્બનું ફેક્ટચેક: હરિયાણાની મહિલાએ કહ્યું– મારા વિડીયોનો ખોટા સંદર્ભ સાથે ઉપયોગ કરાયો, આરોપો સાથે સહમત નહીં

બુધવારે (5 નવેમ્બર) કોંગ્રેસ નેતા અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ફરી એક વખત ચૂંટણી પંચ પર ગડબડ ગોટાળાના આરોપ લગાવ્યા અને આ વખતે ફરી 2024ની હરિયાણા વિધાનસભા ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો.

પ્રેઝન્ટેશનમાં રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીની અધૂરી ક્લિપ ચલાવીને બાલિશ તર્ક કરવાથી લઈને ચૂંટણી પંચ પર CCTV ફૂટેજ ડિલીટ કરીને ‘પુરાવા નષ્ટ’ કરવાના પાયાવિહોણા આરોપો પણ લગાવ્યા, જેમાંથી મોટાભાગનાનું ફેક્ટચેક પણ થઈ ચૂક્યું છે. એક રીતે તેમણે જે ‘હાઇડ્રોજન બૉમ્બ’ની વાત કહી હતી એ બૉમ્બ ફુસ્સ થઈ ગયો.

આ જ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અમુક વ્યક્તિઓના વિડીયો બતાવીને તેમણે કથિત વૉટ ચોરીની ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. તેમાંથી એક વિડીયો હતો એક અંજલિ ત્યાગી નામની મહિલાનો. પરંતુ હવે આ મહિલા જ સામે આવી છે કે રાહુલ ગાંધીના આરોપો નકારી દીધા છે. તેમણે પોતાના વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં અંજલિ ત્યાગીએ આ ઘટસ્ફોટ કર્યા હતા. રાહુલ ગાંધીના દાવાના થોડા કલાકોમાં જ ઑપઇન્ડિયા અંજલિ સુધી પહોંચ્યું અને તેમની સાથે વાતચીત કરી હતી.

હરિયાણાના સોનીપતનાં રહેવાસી અંજલિ ત્યાગી કહે છે કે તેમનો વિડીયો ખોટા સંદર્ભ સાથે વાપરવામાં આવ્યો છે અને પોતે રાહુલ ગાંધીના આરોપો સાથે સહમત નથી.

તેમણે ઑપઇન્ડિયાના કેશવ માલાન સાથેની વાતચીતમાં કહ્યું કે મને નથી લાગતું કે આ વૉટ ચોરી જેવું કશું હોય, બની શકે કે કોઈ ખામીના કારણે વૉટર લિસ્ટમાંથી નામ કપાઈ ગયું હોય. લોકસભા ચૂંટણીમાં તેમણે મત આપ્યો હતો, પછી તેમનો વૉટ કટ થઈ ગયો. પરંતુ પછીથી પ્રક્રિયા કરી તો ચૂંટણી કાર્ડ આવી ગયો છે અને હાલ તેમની પાસે કાર્ડ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

અંજલિ કહે છે કે કોંગ્રેસના માણસો આવ્યા હતા અને તેમનો વિડીયો બનાવીને લઈ ગયા હતા. તેનો કયા સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવશે તેની તેમને ખબર ન હતી. અંજલિએ કહ્યું કે તેમને લાગે છે કે વિડીયોનો ખોટા સંદર્ભ સાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે એમ પણ ઉમેર્યું કે રાહુલ ગાંધીએ જે ભાજપ પર આરોપ લગાવ્યા છે તેનાથી પોતે સહમત નથી.