Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણન વોટચોરીનો ડ્રામા કામ આવ્યો, ન ચૂંટણી પ્રક્રિયા પરના આક્ષેપો: બિહારનાં પરિણામોએ...

    ન વોટચોરીનો ડ્રામા કામ આવ્યો, ન ચૂંટણી પ્રક્રિયા પરના આક્ષેપો: બિહારનાં પરિણામોએ ફરી સાબિત કર્યું– મોદીમેજિક સામે નથી ટકી શકતા પાયાવિહોણા આરોપ

    મોદીએ કામ કર્યું છે. લોકોએ મોદીના કામને જોયું છે. આ કામ સામે, મોદીના પરિશ્રમ સામે, જનતાના મોદી પરના વિશ્વાસ સામે વોટચોરી જેવાં કેમ્પેઈનની કોઈ વિસાત નથી. બિહારના લોકોએ આ વાત પર મહોર મારી આપી છે.

    - Advertisement -

    શુક્રવારે (14 નવેમ્બર) જાહેર થયેલાં બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું કે નરેન્દ્ર દામોદરદાસ મોદીની લોકપ્રિયતા હજુ પણ અખંડ છે, પ્રચંડ છે અને તેના જોરે ભાજપ ગમે તે ચૂંટણીમાં બાજી પલટાવી શકે છે. પરિણામોએ સાબિત કર્યું કે નીતિશ કુમારના રાજકારણનો સૂર્યાસ્ત થયો નથી અને બિહારમાં હજુ તેઓ એક ફેક્ટર છે અને આટલાં વર્ષોના શાસન પછી પણ અડીખમ છે. આ ચૂંટણીએ બીજી એક બાબત સાબિત કરી: મોદી વિરુદ્ધ, આ દેશની લોકતાંત્રિક સંસ્થાઓ વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ પાયાવિહોણા, ફાલતુ, બેબુનિયાદ અને ઢંગધડા વગરના આરોપો ટકી શક્યા નથી, ટકવાના નથી. દેશને મોદીનાં કામો પર, મોદીની વાતો પર, મોદીની સરકારનાં કામો પર વિશ્વાસ છે. દેશની જનતાને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર, સંસ્થાઓ પર, ચૂંટણી પ્રક્રિયા પર પૂરતો ભરોસો છે. વિપક્ષના ફાલતુ અપપ્રચાર પર લોકોને લેશમાત્ર વિશ્વાસ નથી.

    બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષો મુદ્દાની શોધમાં હતા ત્યારે કોંગ્રેસ વોટ ચોરીવાળું તૂત લઈ આવી. રાહુલ ગાંધીને એક પ્રેઝન્ટેશન ગોખાવી મારવામાં આવ્યું, એ પછી તેમણે એક કલાકથી વધારે લાંબી ચાલેલી પ્રેસ કૉન્ફરન્સમાં બોલી નાખ્યું અને ચૂંટણી પ્રક્રિયાઓ પર, ચૂંટણી પંચ પર એક પછી એક ઢંગધડા વગરના આરોપો લગાવ્યા.

    આ દેશમાં ચૂંટણી પ્રક્રિયા ખાડે ગઈ છે, ચૂંટણી પંચની વિશ્વસનીયતા હવે લેશમાત્ર બચી નથી, ચૂંટણી પંચના અધિકારીઓ સરકાર સાથે મળીને, મોદી-શાહ સાથે મળીને ચૂંટણીઓમાં ઘાલમેલ કરીને જીતે છે એવું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કર્યો. મતદાર યાદીમાં અમુક વહીવટી ખામીઓને બહુ મોટા ફ્રોડ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી જોયો. આખી કોંગ્રેસ ઇકોસિસ્ટમ કામે લાગી. દેશમાં ઠીકઠાક ચર્ચા પણ થઈ અને માહોલ પૂરેપૂરો બનાવી દેવામાં આવ્યો.

    - Advertisement -

    બરાબર આ જ સમયે ચૂંટણી પંચે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ડ્રાઈવ શરૂ કરી અને મતદાર યાદી નવેસરથી તૈયાર કરવાનું કામ ઉપાડ્યું. કામ સમયસરનું અને જરૂરી હતું, પણ વિપક્ષોએ તેમાં પણ બહુ હોબાળો મચાવ્યો. કોંગ્રેસથી માંડીને અન્ય વિપક્ષી પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ. પણ લાંબી સુનાવણીને અંતે સુપ્રીમ કોર્ટે પણ કમિશન પર વિશ્વાસ રાખીને SIR પર કોઈ રોક ન લગાવી.

    આ તરફ રાહુલ ગાંધી મહાગઠબંધનના પાર્ટનર RJDના નેતા તેજસ્વી યાદવને સાથે રાખીને આખું બિહાર ફરી વળ્યા. ઠેરઠેર રેલીઓ કરી, લોકોને એકઠા કર્યા, ભાષણો આપ્યાં અને ફરી એક વખત વોટચોરીવાળું ચલાવ્યું. મોદી વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ, ચૂંટણી પંચ વિરુદ્ધ ચલાવાય એટલો પ્રોપગેન્ડા ચલાવ્યો. સાથે કોંગ્રેસની વર્ષોથી મૂળિયાં જમાવી ચૂકેલી ઇકોસિસ્ટમે પણ પૂરતો સહયોગ આપ્યો. અપપ્રચારને હવા આપી.

    ત્યારપછી રાહુલ ગાંધીએ પ્રચાર વખતે બિહારમાં રેલીઓ કરી તેમાં પણ આ જ મુદ્દો વારંવાર ઉછાળ્યો અને રહી ગયું હતું તો મતદાનના આગલા દિવસે એક પ્રેસ કૉન્ફરન્સ બીજી કરી અને ફરી એક વખત અંતિમ પ્રયાસ કરી જોયો.

    મતદાન સુધીમાં વોટચોરીનું બાષ્પીભવન થઈ ગયું

    પરંતુ પરિણામ શું આવ્યું? બિહારમાં મતદાન થયું ત્યાં સુધીમાં વોટચોરી મુદ્દો જ બની ન શક્યો અને હવામાં બાષ્પીભવન થઈ ગયું. કોઈ આરોપો કામ ન આવ્યા, ન લોકોએ રાહુલ ગાંધીની, વિપક્ષોની અલકમલકની વાતો પર ધ્યાન આપ્યું. એ જ કારણ છે કે પછીથી RJDએ પણ આ મુદ્દા પરથી અંતર બનાવી લીધું અને પાર્ટી બીજી બાબતો પર શિફ્ટ થઈ ગઈ હતી. બીજી તરફ, રાહુલ ગાંધીએ જેટલા આરોપો લગાવ્યા હતા તેનાં એક પછી એક ફેક્ટચેક થતાં ગયાં.

    લોકોએ રાહુલ ગાંધીની વાતોને ગંભીરતાથી ન લીધી. આ પહેલી વખત થયું નથી. કારણ કે લોકો મૂર્ખ નથી. જનતા મૂર્ખ નથી. મતદારોએ જોયું કે રાહુલ ગાંધી પ્રેસ કૉન્ફરન્સમાં આવીને મતદાર યાદીની ખામીઓ વિશે બૂમો પાડીપાડીને જણાવે છે પણ તેમની જ પાર્ટી અને ગઠબંધન બિહારમાં SIRનો વિરોધ કરી રહી છે. જ્યારે SIRનો ઉદ્દેશ્ય જ આવી ખામીઓ ન રહી જાય એ જોવાનો છે. ઉપરાંત SIRમાં જ્યારે ચૂંટણી પંચ બૂમો પાડીપાડીને કહી રહ્યું હતું કે પાર્ટીઓ અપીલ દાખલ કરી શકે છે ત્યારે કોઈ પાર્ટી આગળ કેમ ન આવી અને સોશિયલ મીડિયા અને મીડિયામાં જ પ્રોપગેન્ડા ચાલુ રાખ્યો.

    નરેન્દ્ર મોદી વોટ ચોર છે, ચિટિંગ કરીને ચૂંટણી જીતે છે– આવું રાહુલ ગાંધીને કોઈએ મગજમાં ઘૂસાડી આપ્યું હતું અને એ ટેપ આ સમગ્ર ચૂંટણી દરમિયાન ચાલતી રહી. પણ લોકોએ વિશ્વાસ ન કર્યો. કારણ કે લોકો મોદીનું પણ કામ જુએ છે. ચૂંટણી પંચને જુએ છે. રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા હતા એ ભૂતકાળમાં રાફેલ અને ‘ચોકીદાર ચોર હૈ’ કેમ્પેઇનમાં કર્યું હતું તેમ પાયા વગરના હતા. તેમાં તથ્યના નામે તો મીંડું હતું જ, પણ તર્ક પણ ન હતા. હતો માત્ર મોદી પ્રત્યેનો દ્વેષ. વારંવાર ચૂંટણી હારવાના કારણે વધતી જતી હતાશા.

    રાફેલ, ચોકીદાર… અને હવે વોટચોરી: નરેન્દ્ર મોદી વિરુદ્ધ ન ટકી શક્યા આરોપો

    રાહુલ ગાંધી અને કોંગ્રેસ આજ સુધી એ સમજી શક્યાં નથી કે મોદી પર વ્યક્તિગત આરોપો ક્યારેય રાજકારણના મેદાનમાં ટકી શકવાના નથી. પહેલાં રાહુલ ગાંધીએ મોદી પર રાફેલ ડીલમાં હજારો કરોડનો ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યો, પણ 2019ની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જઈને માફી માગવી પડી. એ ચૂંટણીમાં લોકોએ ભાજપને જંગી બહુમતી આપી અને મોદી ફરી એક વખત સત્તામાં આવ્યા.

    તે પહેલાં ‘ચોકીદાર ચોર હૈ’ કેમ્પેઇન ઉપાડવામાં આવ્યું. 23 વર્ષથી નિષ્કલંક સરકારો ચલાવનાર માણસ પર કાદવ ઉછાળવામાં આવ્યો. પણ તેણે પથ્થર ભેગા કરીને પગથિયાં બનાવી લીધાં અને સત્તાના શિખરે પહોંચી ગયા. દેશ આખો ચોકીદાર બની ગયો. રાહુલ ગાંધીનું કેમ્પેઇન સદંતર નિષ્ફળ ગયું.

    આ જ રાહુલ અને ગેંગ મોદી વિરુદ્ધ અંબાણી અને અદાણી સાથે મળીને દેશને લૂંટવાનો સદંતર પાયાવિહોણો, ફાલતુ, બેબુનિયાદ આરોપ લગાવતાં રહે છે. આજ સુધી આ કોઈની એટલી હિંમત ચાલી નથી કે કોર્ટમાં જઈને આ બધું સાબિત કરી બતાવે. કરી શકે તેમ નથી, કારણ કે ધરાતલ પર કશું છે જ નહીં. જે છે એ રાહુલ ગાંધીના મગજમાં છે!

    નરેન્દ્ર મોદીએ હમણાં જ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂરાં કર્યાં. હમણાં મોદીનો સૂરજ મધ્યાહ્ને છે, કેન્દ્રમાં તેમની સત્તા છે. પણ રાજકારણની શરૂઆત કરી હતી ત્યારે એક ગ્લોબલ ઇકોસિસ્ટમ તેમની વિરુદ્ધ હતી. તેમને હરાવવા માટે, પાડી દેવા માટે, ખતમ કરી દેવા માટે જે કંઈ પણ થઈ શકે એ બધું જ થઈ ચૂક્યું હતું. છતાં તેઓ અડીખમ રહ્યા, અજેય રહ્યા અને આટલી પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પડકારોને પાર કરીને અહીં સુધી પહોંચ્યા તેનું કારણ જ એ છે કે આ માણસ પર આજ સુધી એક ડાઘ લાગી શક્યો નથી. મોદી અહીં સુધી મહેનતે પહોંચ્યા છે. સખત પુરુષાર્થ કરીને પહોંચ્યા છે.

    મોદીએ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. અડીખમ વિશ્વાસ, પ્રચંડ લોકપ્રિયતા મીડિયા-સોશિયલ મીડિયાની છબીથી આવતાં નથી. એવું હોત તો રાહુલ ગાંધી પોતે પચાસ વખત લૉન્ચ થઈ ચૂક્યા છે અને તેમની પડખે આખી એક ઇકોસિસ્ટમ છે. આ બધું આવે છે કામ કરવાથી, પરસેવો પાડવાથી. મોદીએ કામ કર્યું છે. લોકોએ મોદીના કામને જોયું છે. આ કામ સામે, મોદીના પરિશ્રમ સામે, જનતાના મોદી પરના વિશ્વાસ સામે વોટચોરી જેવાં કેમ્પેઈનની કોઈ વિસાત નથી. બિહારના લોકોએ આ વાત પર મહોર મારી આપી છે.

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં વોટ ચોરીવાળું નાટક ફરી એક વખત નિષ્ફળ ગયું છે. રાહુલ ગાંધી હમણાં કઈ દુનિયામાં છે એ ખબર નથી. આવીને વળી નવું એકાદ તૂત ઊભું કરશે. કોંગ્રેસીઓ ફરી એક વખત તેમને ‘જનનાયક’ ગણાવીને પાયાવિહોણા આરોપોને ક્રાંતિકારી ઘટસ્ફોટમાં ખપાવવા મતે મહેનત-મજૂરી કરતા રહેશે. ફરી એક વખત જનતા આ બધી વાતોને લાત મારીને મોદીની ઉપર વિશ્વાસ મૂકતી રહેશે. આ ચક્ર આમ જ ચાલ્યા કરશે. આવું જ ચાલ્યા કરે એ આપણા સૌના હિતમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં