દિલ્હીમાં આકાશવાણી ભવન નજીક પોલીસ પર પથ્થરમારો, 2 કર્મચારીઓને ઈજા: 50 કોકરોચોની અટકાયત

10 ઑક્ટોબરની સવારે કનોટ પેલેસ પર દિલ્હી પોલીસ

શનિવારે (10 ઑક્ટોબર) કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કરેલા ધરણાં-પ્રદર્શન દરમ્યાન આકાશવાણી ભવન નજીક પોલીસ પર પથ્થરમારો થયો હતો, જેમાં બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર પર ધરણાં-પ્રદર્શન કરવાનું એલાન કર્યું હતું. પરંતુ અગાઉ જુલાઈ મહિનામાં યોજાયેલા પ્રદર્શનમાં થયેલી હિંસા અને કોકરોચોએ કરેલા નિયમોના ઉલ્લંઘનને જોતાં પરવાનગી આપી ન હતી. તેમ છતાં કોકરોચો ધરણાં કરવા માટે એકઠા થયા હતા.

પરિણામે પોલીસે સવારથી જ સુરક્ષા વધારી દીધી હતી અને ઠેરઠેર નાકાબંધી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ એકઠા થવાના શરૂ થાય એટલે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના અભિજિત દીપકે વગેરે પણ મુંબઈથી પહોંચે એટલે એરપોર્ટ પર જ તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા.

આકાશવાણી ભવન નજીક પોલીસ પર પથ્થરમારાની એક ઘટના બની હતી. ઈમ્તિયાઝ અલી માર્ગ પર લગભગ 25-30 માણસોનું ટોળું બેરિકેડ કૂદીને ધસી આવ્યું હતું અને ટોળાએ એકઠા થઈને પોલીસ પર પથ્થર ફેંકવાના ચાલુ કર્યા હતા. આ માથાકૂટમાં એક સબ ઇન્સ્પેક્ટર સહિતના બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.

પોલીસે પછીથી પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી. તે સિવાય સવારથી દિલ્હીમાં ગેરકાયદેસર પ્રદર્શન કરવા બદલ લગભગ 1500ની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને પહેલેથી તૈયાર કરી રાખવામાં આવેલાં ડિટેન્શન સેન્ટરો પર લઈ જવામાં આવ્યા છે.

હાલ રાજધાનીમાં પોલીસ એલર્ટ પર છે અને જ્યાં-જ્યાં કોકરોચો ભેગા મળીને ઉત્પાત કરવાના પ્રયાસ કરે ત્યાં તેમને અટકાવીને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.