સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ તપાસ પંચના અહેવાલમાં પંજાબમાં ડિસેમ્બર 2024માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ પંચના જણાવ્યા અનુસાર વિપક્ષી ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરતા અટકાવવા, તેમના ફોર્મ છીનવી લેવા અને ફાડી નાખવા, ઉમેદવારોને ધમકાવવા, પોલીસની હાજરીમાં હિંસા કરવા, બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન જેવી ગેરરીતિઓના પુરાવા સામે આવ્યા છે.
નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2026ના રોજ મહત્વનો નિર્ણય આપીને પંજાબના 50 વોર્ડની ચૂંટણી રદ કરી ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ 50 વોર્ડમાં AAPના ઉમેદવારો વિજેતા બન્યા હતા. તપાસ પંચના અહેવાલમાં જે ખુલાસા થયા છે તે જોતાં AAPના નેતૃત્વ હેઠળની પંજાબની ભગવંત માન સરકાર પર ભારે પ્રશ્નો ઊભા થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો મામલો?
પંજાબમાં 21 ડિસેમ્બર 2024ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિપક્ષી પક્ષોના ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ઉમેદવારીપત્રો ભરતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ મારપીટ, ધમકી તથા પોલીસ દ્વારા ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી.
આરોપો સામે આવ્યા બાદ આ મુદ્દે કોર્ટમાં અરજીઓ દાખલ થઈ હતી. 24 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વિવાદિત તથ્યોની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નિર્મલજીત કૌરની અધ્યક્ષતામાં એક સભ્યનું તપાસ પંચ નિયુક્ત કર્યું હતું. પંચને સંબંધિત બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
239 પાનાંના અહેવાલમાં શું સામે આવ્યું?
હવે તપાસ પંચે પોતાનો 239 પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓથી લઈને મતદાનના દિવસે થયેલી ઘટનાઓ સુધીની વિગતો સામેલ કરવામાં આવી છે. પંચે રિટર્નિંગ ઑફિસરો, પ્રિસાઇડિંગ ઑફિસરો, મતદાન કર્મચારીઓ, પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ વિડીયોગ્રાફરો તથા અન્ય સંબંધિત લોકોનાં નિવેદનો તપાસ્યાં હતાં. આ ઉપરાંત વિડીયો ક્લિપ્સ, ફોટોગ્રાફ્સ, CCTV ફૂટેજ, મતદાર યાદીઓ અને સમાચાર અહેવાલોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક બેઠકો પર વિપક્ષી ઉમેદવારોને ચૂંટણી લડવાની તક જ ન મળે તે માટે અવરોધો ઊભા કરવામાં આવ્યા હતા. પંચે ખાસ નોંધ્યું કે કેટલાક કિસ્સાઓમાં ઉમેદવારીપત્રો છીનવવા અને ફાડી નાખવા જેવી ઘટનાઓ તો પોલીસની હાજરીમાં બની હતી.
ઉમેદવારીપત્રો છીનવી લેવાયા અને ફાડી નાખવામાં આવ્યા
પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક વોર્ડમાં કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળના ઉમેદવારોએ ગંભીર આરોપ કર્યા હતા કે તેમને ફોર્મ ભરતા રોકવામાં આવ્યા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 32, 50, 33, 48 અને 41માં ફોર્મ છીનવી લેવાની ઘટનાઓ બની હતી. અહેવાલ મુજબ, આ ઘટનાઓના પરિણામે કેટલીક બેઠકો પર માત્ર AAPના ઉમેદવારો જ મેદાનમાં રહ્યા અને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.
એક વિડીયો ફૂટેજમાં વોર્ડ નંબર 50ના ભાજપના ઉમેદવાર વિજય કુમાર ગર્ગના દસ્તાવેજો રિટર્નિંગ ઑફિસરની ટેબલ પરથી છીનવીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના પણ પોલીસની હાજરીમાં જ બની હતી.
CCTV ફૂટેજ ગાયબ કરવા પર પંચના સવાલો
આ ઉપરાંત સામે આવ્યું છે કે પંચે તપાસ માટે મિની સચિવાલય પરિસરનાં CCTV રેકોર્ડિંગ્સ માંગ્યા હતા, પરંતુ અધિકારીઓએ માત્ર રૂમની અંદરના જ ફૂટેજ આપ્યા, જ્યારે ઘટનાઓ બહાર બની હતી. જ્યારે પરિસરના રેકોર્ડિંગ્સ અંગે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે અરજદારોએ CCTV ફૂટેજ સાચવી રાખવા માટે પોલીસ કે અન્ય સરકારી સંસ્થાઓનો સંપર્ક કર્યો નહોતો.
જોકે પંચે આ દલીલો ગ્રાહ્ય રાખી નહોતી. અહેવાલમાં ઉલ્લેખ છે કે ભલે પરિસરના CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોય છતાં વિડીયો, ફોટોગ્રાફ્સ અને મીડિયા અહેવાલો પરથી ગેરરીતિની ઘટનાઓના પૂરતા પુરાવા મળે છે. પંચે CCTV ફૂટેજ સાચવી રાખવામાં રાજ્યની નિષ્ફળતાને ગંભીર બેદરકારી ગણાવી હતી.
પટિયાલામાં બોગસ મતદાન અને બૂથ કેપ્ચરિંગના પુરાવા
નોંધનીય છે કે તપાસ પંચના અહેવાલમાં મતદાનના દિવસે થયેલી ગેરરીતિઓ પણ નોંધવામાં આવી છે. પટિયાલાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસનાં ઉમેદવાર કુલદીપ કૌરને 163 મત મળ્યા હતા, જ્યારે AAPનાં ઉમેદવાર તેજિન્દર કૌરને 2,592 મત મળ્યા હતા. જોકે, તપાસ પંચે માત્ર મતના આ મોટા તફાવત સિવાય CCTV ફૂટેજ અને મોબાઇલ વિડીયો સહિતના પુરાવાઓના આધારે બૂથ કેપ્ચરિંગ, મતદારોને ધમકાવવા અને બોગસ મતદાનની ઘટનાઓની પુષ્ટિ કરી છે.
અહેવાલ મુજબ, કેટલાક લોકોએ રેકોર્ડિંગ ઉપકરણોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં આંશિક ફૂટેજમાં કેટલીક ઘટનાઓ કેદ થઈ હતી. પંચે પોલીસની તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ વિગતોના આધારે વોર્ડ નંબર 15 સહિત સંબંધિત બેઠકોની ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થયા હતા.
મોગા જિલ્લાના ધરમકોટ અને બાઘાપુરાણામાં પણ ગેરરીતિઓ
મોગા જિલ્લામાં પણ ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર અવરોધો ઊભા કરવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા હતા. આ સિવાય ધરમકોટ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 1, 2, 3, 4, 7, 9 અને 13માં AAPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તપાસ પંચના જણાવ્યા અનુસાર હાઇકોર્ટના અગાઉના નિર્દેશો છતાં પોલીસે કેટલાક ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરવા માટે જરૂરી સુરક્ષા આપી નહોતી.
ઉમેદવારોનાં ફોર્મ જપ્ત કરવા અને તેમને બળજબરીથી દૂર રાખવાના ગંભીર આક્ષેપો સાચા સાબિત થતાં તપાસ પંચે ચૂંટણી પ્રક્રિયા દૂષિત થઈ હોવાનું સ્વીકાર્યું હતું. આ અડચણો અને ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને પંચે મોગા જિલ્લાના કુલ 22 વોર્ડની ચૂંટણી સંપૂર્ણપણે રદ કરીને ફરીથી મતદાન કરાવવાની ભલામણ કરી હતી.
પટિયાલાના 28 અને મોગાના 22 વોર્ડની ચૂંટણી રદ કરવાની ભલામણ
નોંધનીય છે કે તપાસ પંચે પોતાના અંતિમ અહેવાલમાં પટિયાલાના 28 અને મોગાના 22 એમ કુલ 50 વોર્ડની ચૂંટણી સંપૂર્ણપણે રદ કરવા ભલામણ કરી હતી. પંચના જણાવ્યા અનુસાર નામાંકન પત્રો બળજબરીથી પરત ખેંચાવવા, ફોર્મ નકારી કાઢવા અને મતદારોને ડરાવવા-ધમકાવવા જેવી ઘટનાઓને કારણે આ બેઠકો પર લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું હનન થયું હતું.
28 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે પંચની તમામ ભલામણો સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે પટિયાલા અને મોગાના કુલ 50 વોર્ડની ચૂંટણી રદ કરી આગામી છ અઠવાડિયામાં નવી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલ કપિલ સિબ્બલે પણ પંચની ભલામણો સામે કોઈ વાંધો ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
સત્તાધારી AAP સરકાર અને પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં
અહેવાલમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે સત્તાધારી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફાયદો થાય તે માટે આયોજનપૂર્વક વિપક્ષી ઉમેદવારોને રોકવામાં આવ્યા હતા. પોલીસની હાજરીમાં હિંસા થવી અને યોગ્ય તપાસ ન થવી જેવા મુદ્દાઓથી પ્રશાસનની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પંજાબની આ ઘટના સાબિત કરે છે કે ચૂંટણીમાં ગેરરીતિઓ માત્ર મતદાનના દિવસે જ નહીં, પરંતુ ઉમેદવારીપત્રો ભરવા જેવી શરૂઆતની પ્રક્રિયામાં પણ થઈ શકે છે. જો કોઈ ઉમેદવારને મેદાનમાં જ ન ઉતરવા દેવામાં આવે તો મતદાનનું કોઈ લોકતાંત્રિક મૂલ્ય રહેતું નથી.


