જંતર-મંતર પર પ્રદર્શન કરવા નીકળેલા CJPના કોકરોચ અભિજીત દીપકે-રાંકા સહિતના ત્રણેયને વિમાનમાંથી જ ઉઠાવાયા, ધ્રુવ રાઠી પણ હાઉસ અરેસ્ટ

દિલ્હીમાં શનિવારે, 10 ઑક્ટોબર 2026ના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP) અને અન્ય વામપંથી દળો દ્વારા જંતર-મંતર ખાતે યોજાનારા પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાં અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પાછી ખેંચવાની માગ સાથે CJPએ આ પ્રદર્શનનું નાટક કર્યું હતું. જોકે, દિલ્હી પોલીસે કાયદો-વ્યવસ્થાની સંભવિત સમસ્યાઓ અને અગાઉના પ્રદર્શનની શરતોના ઉલ્લંઘનને ટાંકીને કાર્યક્રમની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએથી દિલ્હી પહોંચેલા આશરે 500 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. યુટ્યુબર ધ્રુવ રાઠી અને CJPનાં કાનૂની વિભાગનાં વડાં રત્ના સિંઘની પણ અટકાયત કરવામાં આવી છે.

વધુમાં કોકરોચ જનતા પાર્ટીના (CJP) વડા અભિજીત દીપકે, પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી એરપોર્ટ પર વિમાનની અંદરથી જ અટકાયત કરવામાં આવી છે. ત્રણેય એર ઇન્ડિયાની AI 2428 ફ્લાઇટમાં હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. દરમ્યાન અન્ય મુસાફરોએ ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ વિમાનની અંદર જ તેમની અને અન્ય નેતાઓની અટકાયત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલાં CJPની કાનૂની ટીમનાં વડાં રત્ના સિંઘ સહિત ચાર વકીલોની પણ અટકાયત કરવામાં આવી હતી.

અલગ-અલગ સ્થળોએથી આવેલા 500 પ્રદર્શનકારીઓની અટકાયત

આ ઉપરાંત દિલ્હી પોલીસના અધિકારીએ ANIને જણાવ્યું હતું કે વિવિધ સ્થળોએથી જુદાં-જુદાં જૂથોમાં આવેલા આશરે 500 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આશરે 50 લોકોને પણ આગોતરાં પગલાંના ભાગરૂપે પકડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રદર્શનકારીઓ જંતર-મંતર સુધી ન પહોંચી શકે તે માટે પોલીસે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી છે.

સવારે કનૉટ પ્લેસ અને જનપથ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદો પર પણ તપાસ વધારવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હી-નોઇડા સરહદો પર ખાનગી બસો અને વ્યાપારી વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી, જેથી મોટાં જૂથોમાં દિલ્હી તરફ આવતા લોકોને ઓળખી શકાય.

ધ્રુવ રાઠી અને રત્ના સિંઘની પણ અટકાયત

CJPના પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા ધ્રુવ રાઠીની ગુરુગ્રામના સેક્ટર 56 સ્થિત નિવાસસ્થાનેથી દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. પોલીસ સવારે લગભગ 7:48 વાગ્યે તેના ઘરે પહોંચી હતી. સવારે 9:37 વાગ્યા સુધીમાં તેની અટકાયતના સમાચાર સામે આવ્યા હતા. બીજી તરફ, CJPનાં કાનૂની વિભાગની હેડ રત્ના સિંઘને પણ પોલીસે અટકાયતમાં લીધી છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે તેમની અટકાયતની પુષ્ટિ કરી હતી.

35,000થી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત, RAF અને પિંક ફોર્સ પણ મોરચે

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મોટાપાયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ સમગ્ર રાજધાનીમાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના 35,000થી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જંતર-મંતર, સંસદ માર્ગ, કનૉટ પ્લેસ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવામાં આવી છે. રેપિડ ઍક્શન ફોર્સ (RAF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને અન્ય સુરક્ષાદળોને પણ વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસની મહિલા પિંક ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી છે.

પોલીસકર્મીઓના યુનિફોર્મ પર બૉડી કૅમેરા લગાવવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફ્લૅગ માર્ચ પણ કરવામાં આવી છે. અધિકારીઓએ સુરક્ષાકર્મીઓને સંયમ જાળવવા અને કોઈપણ ઉશ્કેરણીજનક પરિસ્થિતિમાં વ્યાવસાયિક રીતે કામગીરી કરવા સૂચના આપી છે.

જંતર-મંતર અને સંસદ માર્ગ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની આસપાસ પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. અટકાયતમાં લેવાયેલા લોકોને લઈ જવા માટે વિવિધ સ્થળોએ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

45 મેટ્રો સ્ટેશનના પ્રવેશ-નિકાસ દ્વાર બંધ, ટ્રેન સેવાઓ પર પણ અસર

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને 45 મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. અગાઉ 57 સ્ટેશનોના દ્વાર બંધ રાખવાની યોજના હતી, પરંતુ બાદમાં સંખ્યા ઘટાડીને 45 કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેશે.

રાજધાની તરફ આવતી રેલવે સેવાઓ પર પણ અસર પડી છે. દિલ્હી તરફ આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે. તેમાં અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉપડતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે.

દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યાં છે. કનૉટ પ્લેસ, મંડી હાઉસ, જંતર-મંતર, પટેલ ચોક અને અન્ય મહત્ત્વના માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા અંગે ટ્રાફિક પોલીસે અગાઉથી સૂચના આપી હતી.

દિલ્હીની સરહદો પર તપાસ, અન્ય રાજ્યોને પણ ગૃહ મંત્રાલયના નિર્દેશ

દિલ્હીમાં પ્રદર્શનકારીઓનો પ્રવેશ રોકવા માટે શહેરની સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હી-નોઇડા સાથે જોડાયેલી ચિલ્લા અને ગાઝીપુર સરહદો ઉપરાંત ટિકરી બોર્ડર અને દિલ્હી-લખનૌ હાઇવે પર પણ તપાસ તેજ કરવામાં આવી છે. ખાનગી બસો, વ્યાપારી વાહનો અને અન્ય પરિવહનનાં સાધનોની તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિલ્હી પોલીસ સાથે સંકલન સાધવા તથા પ્રદર્શનકારીઓના દિલ્હી તરફના આવાગમનને રોકવા માટે જરૂરી પગલાં લેવાં નિર્દેશ આપ્યા હોવાના અહેવાલ છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે અનધિકૃત જૂથોને રાજધાનીમાં પ્રવેશતાં અટકાવવાં અને શાંતિ જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કરતા અગાઉના કાર્યક્રમ દરમિયાન નક્કી કરાયેલી શરતોના ઉલ્લંઘન અને કાયદો-વ્યવસ્થાને લગતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. જંતર-મંતર ખાતે આશરે 7,000 લોકો એકત્ર થવાની શક્યતા પોલીસ દ્વારા અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી.

હાલ દિલ્હી પોલીસની કાર્યવાહી ચાલુ છે. CJPનો વડો કોકરોચ અભિજીત દીપકે અને તેના સાથીઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પણ ઉઠાવી લેવામાં આવ્યા છે.