‘મસ્જિદમાં મહિલાઓ પ્રવેશી શકે, પણ મુખ્ય દરવાજેથી નહીં’: સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દલીલ

સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ સબરીમાલા સંદર્ભ કેસની આઠમા દિવસની સુનાવણી દરમિયાન એક મહત્વનો વળાંક આવ્યો. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) સ્પષ્ટ કર્યું કે ઇસ્લામમાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા અને નમાજ પઢવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, તેમણે ઉમેર્યું કે આ પ્રવેશ માટે ચોક્કસ મજહબી શિસ્ત અને વ્યવસ્થાનું પાલન કરવું અનિવાર્ય છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટતા માંગતા પૂછ્યું હતું કે, શું ખરેખર મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશની મનાઈ છે? તેના જવાબમાં બોર્ડ તરફથી હાજર રહેલા વકીલ એમ.આર. શમશાદે જણાવ્યું કે તમામ ઇસ્લામિક સંપ્રદાયોમાં આ બાબતે સહમતી છે કે મહિલાઓના પ્રવેશ પર કોઈ પાબંદી નથી. આ વિવાદ માત્ર વ્યવસ્થા અને પરંપરાગત શિસ્ત સાથે જોડાયેલો છે.

બોર્ડે દલીલ કરી હતી કે ઇસ્લામમાં પુરુષો માટે મસ્જિદમાં જઈને સામૂહિક નમાજ (જમાત) પઢવી ફરજિયાત (વાજિબ) છે, જ્યારે મહિલાઓ માટે તે ફરજિયાત નથી. મહિલાઓ જો ઘરે રહીને નમાજ પઢે તો પણ તેમને મસ્જિદમાં જનારા પુરુષો જેટલું જ મજહબી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી, મહિલાઓ માટે ઘરે નમાજ પઢવી એ વધુ ‘પસંદગીપાત્ર’ અથવા ‘શ્રેષ્ઠ’ ગણવામાં આવે છે.

જસ્ટિસ અમાનુલ્લાહનું સૂચક હસ્તક્ષેપ

સુનાવણી દરમિયાન જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહે વકીલને વિનંતી કરી કે તેઓ આ બાબતને વધુ વિગતવાર સમજાવે જેથી જાહેર જનતામાં સ્પષ્ટ સંદેશ જાય. તેમણે કહ્યું કે આ કોઈ નવો વિવાદ નથી, પરંતુ પયગંબર મુહમ્મદના સમયથી સ્પષ્ટ છે કે મહિલાઓને મસ્જિદમાં આવતા રોકવી જોઈએ નહીં. આ સ્પષ્ટતા દ્વારા અદાલતે ઇસ્લામની મૂળભૂત માન્યતાઓને રેખાંકિત કરી હતી.

વરિષ્ઠ વકીલ શમશાદે હદીસ (પયગંબર સાહેબના વચનો) ટાંકીને કહ્યું કે પયગંબરે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “મહિલાઓને મસ્જિદમાં આવતા રોકો નહીં.” આ બાબત હદીસ સહિત ઘણા ગ્રંથોમાં નોંધાયેલી છે. આમ, સૈદ્ધાંતિક રીતે ઇસ્લામમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ ક્યાંય પણ નથી, માત્ર તેના અમલીકરણની પદ્ધતિ અલગ છે.

વ્યવહારિક કારણો: ઘર અને બાળકોની જવાબદારી

જસ્ટિસ અમાનુલ્લાહે આ વ્યવસ્થા પાછળના વ્યવહારિક કારણો પણ સમજાવવા કહ્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે જો ઘરના તમામ સભ્યો મસ્જિદમાં ચાલ્યા જાય તો બાળકોની સંભાળ કોણ રાખશે? તેમણે સમજાવ્યું કે જો મહિલા પાસે સમય અને ક્ષમતા હોય તો તે જઈ શકે છે, પરંતુ તેના માટે તે બંધનકર્તા નથી. આ પરંપરા પયગંબરના સમયથી જ પરિવારની સુવિધા માટે ચાલી આવે છે.

AIMPLBએ પુણેના એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો, જેમાં મહિલાઓ માટે મુખ્ય દરવાજાથી પ્રવેશની માંગ કરવામાં આવી હતી. બોર્ડે કહ્યું કે મહિલાઓ મસ્જિદમાં પ્રવેશી શકે છે, પણ મુખ્ય દરવાજો (જે સામાન્ય રીતે પુરુષો માટે હોય છે) તે શિસ્તનો ભાગ છે. મહિલાઓ એવો હક ન જમાવી શકે કે તેમને મુખ્ય દરવાજાથી જ પ્રવેશ મળે અને પુરુષોની સાથે મિશ્ર હરોળમાં બેસવા દેવામાં આવે.

મુસલ્લામાં પ્રવેશનો અધિકાર

બોર્ડે સ્પષ્ટ કર્યું કે મહિલાઓને મુસલ્લામાં (ગર્ભગૃહ) સંપૂર્ણ દ્રશ્ય અને શ્રાવ્ય પ્રવેશ (Visual and Auditory access) મળવો જોઈએ તેવી માંગ અયોગ્ય છે. મસ્જિદની આંતરિક શિસ્ત અને પડદાની વ્યવસ્થા જાળવવી જરૂરી છે. પિટિશનમાં જે રીતે અવરોધ વગર નમાજ પઢવાની માંગ કરવામાં આવી છે, તેને બોર્ડે ઇસ્લામિક પરંપરા વિરુદ્ધ ગણાવી છે.

મહિલાઓએ કરેલી સરખામણીનો જવાબ આપતા વકીલે કહ્યું કે મસ્જિદમાં મંદિરના‘ગર્ભગૃહ’ જેવી કોઈ કલ્પના નથી. ઇસ્લામમાં કોઈ ચોક્કસ જગ્યાએ જ ઊભા રહેવાની કે નમાજની આગેવાની લેવાની જીદ કોઈ વ્યક્તિ કરી શકતું નથી. મસ્જિદમાં તમામ જગ્યાઓ પાક છે, પરંતુ આંતરિક શિસ્તના ભાગરૂપે સ્ત્રી-પુરુષોની બેઠક વ્યવસ્થા અલગ રાખવી એ મજહબનો અભિન્ન ભાગ છે.

આવશ્યક મજહબી પ્રેક્ટિસ (ERP) ટેસ્ટનો વિરોધ

બોર્ડે અદાલત સમક્ષ એ દલીલ પણ કરી હતી કે અદાલતો ઇસ્લામ પર ‘આવશ્યક મજહબી પ્રેક્ટિસ’નો (Essential Religious Practices) ટેસ્ટ ખોટી રીતે લાગુ કરી રહી છે. શમશાદે દલીલ કરી કે ઇસ્લામ એક સંપૂર્ણ દસ્તાવેજીકૃત મજહબ છે, જેમાં શું ફરજિયાત છે અને શું પ્રતિબંધિત છે તેની સ્પષ્ટ શ્રેણીઓ છે. અદાલતોએ માત્ર ફરજિયાત બાબતોને જ ‘આવશ્યક’ માનીને અન્ય પરંપરાઓને નકારવી જોઈએ નહીં.

AIMPLB એ ‘ઈસ્માઈલ ફારુકી’ કેસ અને આર્મી જવાનની દાઢી રાખવાના કિસ્સાઓ ટાંકીને કહ્યું કે અગાઉના ચુકાદાઓમાં હદીસના ખોટા અનુવાદ અને ટૂંકી સમજને કારણે મજહબી સ્વતંત્રતાને નુકસાન થયું છે. જસ્ટિસ નાગરત્નાએ પણ સ્વીકાર્યું કે મસ્જિદને ‘બિન-આવશ્યક’ જાહેર કરવી એ કલમ 25 હેઠળ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ સુનાવણીનો મુખ્ય ઉદ્દેશ્ય કલમ 25 (મજહબી સ્વતંત્રતા) અને કલમ 14 (સમાનતા) વચ્ચેના સંતુલનને સમજવાનો છે. આઠમા દિવસની આ સુનાવણીના અંતે એ સ્પષ્ટ થયું કે મુસ્લિમ મહિલાઓ માટે મસ્જિદના દ્વાર ખુલ્લા છે, પરંતુ તે અધિકારનો ઉપયોગ પરંપરાગત શિસ્ત અને મસ્જિદના વહીવટ દ્વારા નિર્ધારિત પદ્ધતિથી જ થઈ શકે છે. હવે આ મામલે નવ જજોની બેન્ચ શું અંતિમ નિર્ણય લે છે, તેના પર દેશની નજર છે.

આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ, જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બનેલી બેન્ચ સમક્ષ ચાલી રહી છે.