‘ભોજશાળા મસ્જિદ નહીં, વાગ્દેવી મંદિર, માત્ર હિંદુઓને પૂજાનો અધિકાર’: હિંદુ પક્ષે હાઇકોર્ટમાં 1991ના પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને પડકાર્યો

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળાને લઈને ચાલી રહેલો કાયદાકીય વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શુક્રવાર, 8 મે 2026ના રોજ ઈન્દોર હાઇકોર્ટમાં આ મામલે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હિંદુ પક્ષે આક્રમક દલીલ કરતા રજૂઆત કરી હતી કે ભોજશાળાનું મૂળ ધાર્મિક સ્વરૂપ પાછું મેળવવું જોઈએ અને ત્યાં માત્ર હિંદુઓને જ પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ વિવાદનું તાજેતરનું કારણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના (ASI) વર્ષ 2003ના જૂના આદેશને આપવામાં આવેલ પડકાર છે. હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં દલીલ કરી હતી કે વર્તમાન વ્યવસ્થા, જેમાં મંગળવારે હિંદુઓ પૂજા કરે છે અને શુક્રવારે મુસ્લિમો નમાજ પઢે છે, તે કાયદાકીય રીતે અયોગ્ય છે. તેમણે માંગ કરી છે કે આ વ્યવસ્થાને તાત્કાલિક અસરથી નાબૂદ કરી ભોજશાળાને સંપૂર્ણપણે હિંદુ મંદિર તરીકે જાહેર કરવામાં આવે.

હિંદુ પક્ષે કોર્ટમાં અત્યંત મજબૂત તર્ક રજૂ કરતા જણાવ્યું હતું કે ભોજશાળા એ કોઈ મસ્જિદ નથી પરંતુ વાગ્દેવીનું પ્રાચીન મંદિર છે. વકીલે દલીલ કરી હતી કે આ સંકુલમાં મસ્જિદની ઓળખ સમાન મીનારો કે વજૂખાના જેવી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ ઐતિહાસિક સ્મારકનો ઉપયોગ તેના મૂળ ધાર્મિક હેતુ અને સ્વરૂપની વિરુદ્ધમાં ન કરી શકાય અને વર્તમાન વ્યવસ્થા હિંદુઓના ધાર્મિક અધિકારોનું હનન કરે છે.

મુસ્લિમ પક્ષની દલીલ

સામે પક્ષે મુસ્લિમ પક્ષે આ દલીલનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પક્ષે ‘પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ 1991’નો હવાલો આપતા કહ્યું હતું કે 15 ઑગસ્ટ 1947ના રોજ આ સ્થળ જે સ્વરૂપમાં હતું, તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. તેમના મતે સ્વતંત્રતા સમયે આ સ્થાનનો ઉપયોગ મસ્જિદ તરીકે થતો હતો, તેથી તેના સ્વરૂપને બદલવું કાયદાની વિરુદ્ધ ગણાશે.

જોકે, હિંદુ પક્ષે મુસ્લિમ પક્ષની આ દલીલને ફગાવી દેતા સ્પષ્ટતા કરી હતી કે ભોજશાળા એ ASI દ્વારા સંરક્ષિત સ્મારક છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ ASI સંરક્ષિત સ્મારકો પર 1991નો પૂજા સ્થળ અધિનિયમ લાગુ પડતો નથી. આ દલીલને કારણે હવે આ મામલો વધુ ગંભીર કાનૂની વળાંક પર આવી ગયો છે, જ્યાં કાયદાકીય બારીકીઓ મહત્વનો ભાગ ભજવશે.

હાલમાં ઈન્દોર હાઇકોર્ટમાં આ વિવાદને લગતી કુલ પાંચ અરજીઓ અને એક અપીલ પેન્ડિંગ છે. આ તમામ અરજીઓમાં ભોજશાળાના અસ્તિત્વ અને તેના ધાર્મિક અધિકારોને લઈને અલગ-અલગ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટે બંને પક્ષોની પ્રાથમિક દલીલો સાંભળ્યા બાદ આ મામલે ગહન વિચારણા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

કોર્ટે હવે આ હાઈપ્રોફાઈલ કેસની આગામી સુનાવણી 11 મે 2026ના રોજ નક્કી કરી છે. આગામી સુનાવણી અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે કોર્ટ બંને પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને કાયદાકીય પાસાઓની ઊંડી તપાસ કરશે. ત્યાં સુધી ભોજશાળાના ધાર્મિક સ્વરૂપ અને ભવિષ્યની પૂજા વ્યવસ્થાને લઈને સસ્પેન્સ યથાવત છે.