કેજરીવાલ, રવિશ કુમાર અને દિગ્વિજય સિંઘ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી, જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટના અનધિકૃત વિડીયો વાયરલ કરવાનો આરોપ

દિલ્હી હાઇકોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે જેમાં અરવિંદ કેજરીવાલ, AAPના અનેક નેતાઓ તથા વિપક્ષના કેટલાક નેતાઓ સામે કોર્ટ અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વકીલ વૈભવ સિંઘે દાખલ કરેલી આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 13 એપ્રિલ 2026ના રોજ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કેજરીવાલે જજને રિક્યુઝ કરવાની અરજી દરમિયાન કોર્ટની કાર્યવાહીના અનધિકૃત વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. 

આ વિડીયોમાં કેજરીવાલે કોર્ટ સામે અને જસ્ટિસ શર્મા સામે નિરાધાર, અપમાનજનક અને ભ્રામક દલીલો કરી હતી અને તેને ઇરાદાપૂર્વક પ્રસારિત કરીને જુડિશિયરીની છબી બગાડવાનું કાવતરું રચવામાં આવ્યું છે. PILમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે AAPના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સંજીવ ઝા, પુરનદીપ સાહની, જરનૈલ સિંઘ, મુકેશ અહલાવત, વિનય મિશ્રા તથા કોંગ્રેસના દિગ્વિજય સિંઘ અને ‘પત્રકાર’ રવીશ કુમારે મળીને આ વિડીયોને X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વિવિધ ન્યૂઝ ચેનલ્સ પર વાયરલ કર્યા હતા.

આ કાર્યવાહી દિલ્હી હાઇકોર્ટના વિડીયો કોન્ફરન્સિંગ નિયમોનું સીધું ઉલ્લંઘન છે અને તેની પાછળ કેજરીવાલ તથા AAPનું કાવતરું છે, જેનો ઉદ્દેશ દેશની જનતાને ભ્રમિત કરવાનો છે અને જુડિશિયરી કેન્દ્ર સરકારના દબાણમાં કામ કરતી હોય તેવો નેરેટિવ સેટ કરવાનો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વિડીયોને ઇરાદાપૂર્વક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જુડિશિયરીને બદનામ કરવા માટે પ્રસારિત કરવામાં આવ્યા છે.

વકીલ વૈભવ સિંઘે આ પહેલાં પણ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ જ મુદ્દે ફરિયાદ કરી હતી અને હવે PILમાં કોર્ટ અવમાનનાની કાર્યવાહી, SITની વિગતવાર તપાસ અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ અનધિકૃત વિડીયો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. 

નોંધનીય છે કે હાઇકોર્ટ પ્રશાસને આ પહેલાં જ દિલ્હી પોલીસને આવા અનધિકૃત રેકોર્ડિંગ અને પ્રસારણ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. આ PIL પર ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયા સમક્ષની ડિવિઝન બેન્ચ 22 એપ્રિલના રોજ સુનાવણી કરવાની છે.