
મધ્ય પ્રદેશની ભોજશાળાના પરિસર મામલે ઇંદોર બેન્ચનો મોટો ચુકાદો આવ્યો છે. હાઇકોર્ટે ભોજશાળાને વાગ્દેવી (સરસ્વતી) મંદિર ગણાવતાં હિંદુ પક્ષના દાવાને માન્યતા આપી દીધી છે અને આ સાથે જ હિંદુ પક્ષનો વિજય થયો છે.
આ મામલે 5 અરજીઓ અને 3 ઇન્ટરવેન્શન પર લાંબી સુનાવણી ચાલી હતી. ‘હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ સહિતના અરજદારોએ ભોજશાળાનું ધાર્મિક સ્વરૂપ નક્કી કરીને હિંદુ સમાજને સંપૂર્ણ પૂજા અધિકાર આપવા માંગ કરી હતી. ASIએ 98 દિવસ સુધી વૈજ્ઞાનિક સરવે કરીને 2,000થી વધુ પાનાંનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં મંદિરના અવશેષોના દાવાનો ઉલ્લેખ થયો હતો.
ચુકાદા પહેલાં ધાર જિલ્લામાં સુરક્ષા કડક બનાવાઈ હતી અને મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરાઈ હતી. આ કેસ લાંબા સમયથી ભોજશાળા-કમાલ મૌલા પરિસરની ધાર્મિક ઓળખને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે.

