
દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (23 એપ્રિલ) એક અરજી પર સુનાવણી કરતાં સોશિયલ મીડિયા માધ્યમોને આદેશ આપ્યા છે કે તેઓ એવાં તમામ પોસ્ટ અને વિડીયો હટાવે જેમાં કેજરીવાલની તાજેતરની અરજી પરની દિલ્હી હાઇકોર્ટની સુનાવણી દર્શાવવામાં આવી છે.
કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટનાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પોતે એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાંથી દૂર થઈ જાય એવી માંગ સાથે અરજી દાખલ કરી હતી, જેની ઉપર સુનાવણી ચાલ્યા બાદ સોમવારે (20 એપ્રિલ) કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટની સુનાવણી અને ચુકાદાના અમુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એ વિડીયો પણ સામેલ છે જેમાં કેજરીવાલે પોતે હાજર રહીને દલીલો કરી હતી. પછીથી રવીશ કુમાર જેવા પત્રકારો અને સંજય સિંઘ-મનીષ સિસોદિયા જેવા આમ આદમી પાર્ટીના નેતાઓએ આ વિડીયો ફેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટમાં અરજી દાખલ કરીને વિડીયો હટાવવાની અને કોર્ટ કાર્યવાહીના વિડીયો ફરતા કરવા બદલ અવમાનનાની કાર્યવાહી કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.
એડવોકેટ વૈભવ સિંઘે દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 13 એપ્રિલના રોજ જ્યારે અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન હાજર રહીને તેમના રિક્યુઝલ (કેસમાંથી હટી જવાની) માંગ કરી હતી ત્યારે તે કાર્યવાહીનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.
અરજીમાં જણાવવામાં આવ્યું કે કોર્ટના વિડિયો કોન્ફરન્સિંગ (VC) નિયમો મુજબ કોર્ટની પરવાનગી વગર કાર્યવાહીનું રેકોર્ડિંગ કે પ્રસારણ કરવું એ કાયદાકીય ગુનો છે. વધુમાં તેમાં ઉલ્લેખ હતો કે આ વિડીયોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર ન્યાયતંત્રની છબી ખરડાવવા અને રાજકીય એજન્ડા સેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. PILમાં માંગ કરવામાં આવી હતી કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને પત્રકાર રવીશ કુમાર સહિતના લોકો સામે અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે.
હાઇકોર્ટનું કડક વલણ અને ટેક કંપનીઓને આદેશ
જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંઘ અરોરાની બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મ પર કોર્ટની કાર્યવાહીના અનધિકૃત પ્રસારણ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ગૂગલ, મેટા અને X (ટ્વિટર) જેવી ટેક કંપનીઓને નોટિસ ફટકારીને નિર્દેશ આપ્યો છે કે અરજીમાં દર્શાવેલ ચોક્કસ લિંક્સ તેમજ કોર્ટની કાર્યવાહીનાં રેકોર્ડિંગને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે. ગૂગલને આ બાબતે લેખિતમાં એફિડેવિટ દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી ખાતરી કરી શકાય કે વાંધાજનક સામગ્રી દૂર થઈ ગઈ છે.
આ સાથે જ કોર્ટે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને પણ આ મામલે પક્ષકાર બનાવ્યું છે. આઈટી નિયમો 2021 હેઠળ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરીની જવાબદારી શું છે અને આવા કિસ્સાઓમાં તેમની ભૂમિકા કેવી હોવી જોઈએ તે અંગે મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ સિવાય આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને પણ અવમાનનાની નોટિસ ફટકારવામાં આવી છે.
ન્યાયતંત્રની ગરિમાનો પ્રશ્ન
સુનાવણી દરમ્યાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે હાઇકોર્ટની કાર્યવાહીનો આ પ્રકારે ઉપયોગ કરવો એ સંસ્થાની બદનામી કરવા સમાન છે. કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જે કોઈ પણ કોર્ટની કાર્યવાહીમાં વીસી (VC) દ્વારા જોડાય તેમણે આ પ્રક્રિયાનો દુરુપયોગ ન કરવાની બાંહેધરી આપવી જોઈએ.
દિલ્હી હાઇકોર્ટે તમામ પક્ષકારોને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે અને આ કેસની વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરી છે. કોર્ટે અરજદારને પણ છૂટ આપી છે કે જો ભવિષ્યમાં આવા કોઈ વિડીયો જોવા મળે તો તે સીધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જાણ કરી શકે છે જેમણે તે તાત્કાલિક હટાવવાના રહેશે.

