‘પ્રતિષ્ઠા સાથે રમત કરી શકાય નહીં’: બાંસુરી સ્વરાજ વિડીયો મામલે સૌરભ ભારદ્વાજ-AAPને કોર્ટની ફટકાર, 48 કલાકમાં કન્ટેન્ટ હટાવવાનો આદેશ

દિલ્હીની સાકેત કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં AAP અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગાવી દીધી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ગુરવિંદર પાલ સિંઘે નિર્દેશ આપ્યો છે કે પાર્ટી અને ભારદ્વાજે 19 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો અને 21 એપ્રિલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપેલા નિવેદનો તાત્કાલિક અસરથી હટાવી દેવા. આ આદેશ X, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા તમામ પ્લેટફોર્મ્સ પર લાગુ થશે.

શું હતો મામલો?

આ વિવાદ એક વિડીયોને કારણે શરૂ થયો હતો. 18 એપ્રિલના રોજ એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંસુરી સ્વરાજની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ એક વિડીયો શેર કરીને એવો દાવો કર્યો હતો કે બાંસુરી સ્વરાજ ધરપકડનું નાટક કરી રહ્યા છે અને તેમણે જાતે જ પોલીસવાળાનો હાથ પકડી રાખ્યો છે. આ વિડીયોને ‘ભારતીય ડ્રામા કંપની’ જેવા શબ્દો સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

બાંસુરી સ્વરાજે આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી કે આપ નેતાઓ ખોટું બોલી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે વિડીયોમાં તેમણે પોલીસનો નહીં, પણ તેમની સાથે રહેલા કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેનો હાથ પકડ્યો હતો. આપ નેતાઓએ જાણીજોઈને જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ વિડીયોને ખોટી રીતે રજૂ કર્યો છે, જેનાથી તેમની છબી ખરડાઈ છે.

કોર્ટનો આદેશ

કોર્ટે આ બાબતને ગંભીરતાથી લેતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠા સાથે રમત કરી શકાય નહીં. કોર્ટે ‘આપ’ નેતાઓને 48 કલાકનો સમય આપ્યો છે કે તેઓ X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી આ તમામ પોસ્ટ હટાવી લે. જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે, તો બાંસુરી સ્વરાજ સીધી સોશિયલ મીડિયા કંપનીઓ પાસે જઈને આ કન્ટેન્ટ હટાવી શકશે.

અંતમાં જજે બહુ મહત્વની વાત કહી કે દેશમાં દરેકને બોલવાની સ્વતંત્રતા છે, પણ એનો અર્થ એ નથી કે કોઈની પ્રતિષ્ઠાનું બલિદાન આપી દેવું. બંધારણ મુજબ જીવવાનો અધિકાર અને સન્માન સાથે જીવવાનો અધિકાર સૌથી ઉપર છે. હવે આ કેસની વધુ તપાસ અને સુનાવણી 13 મેના રોજ કરવામાં આવશે.