કોંગ્રેસી પવન ખેડાને તેલંગાણા હાઇકોર્ટમાંથી મળેલા વચગાળાના જામીન મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી આસામ સરકાર

આસામ સરકારે કોંગ્રેસ નેતા પવન ખેડાને મળેલી રાહત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેલંગાણા હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો છે, જેમાં ખેડાને એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ જામીન આપવામાં આવ્યા હતા. આ કેસ આસામ પોલીસ દ્વારા નોંધાયેલા છેતરપિંડી, માનહાનિ અને આપરાધિક કાવતરાંના આરોપો સાથે જોડાયેલો છે.

હકીકતમાં આસામ પોલીસે પવન ખેડા વિરુદ્ધ તે નિવેદનને લઈને કેસ નોંધ્યો હતો, જેમાં તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિનિકી ભુયાન પર અનેક વિદેશી પાસપોર્ટ રાખવા અને વિદેશમાં અઘોષિત સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બાદમાં તે તમામ આરોપો ખોટા સાબિત થયા હતા અને પવન ખેડાની પોલ ખૂલી ગઈ હતી. આ આરોપોને ગંભીર માનીને પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

અહેવાલો અનુસાર આસામ પોલીસ 7 એપ્રિલે ખેડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. ત્યારબાદ ધરપકડની આશંકાને ધ્યાનમાં રાખીને પવન ખેડાએ ટ્રાન્ઝિટ જામીન માટે તેલંગાણા હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. 10 એપ્રિલે આ મામલાની સુનાવણી કરતા હાઇકોર્ટના જસ્ટિસ કે. સુજાનાએ તેમને એક અઠવાડિયાની રાહત આપી હતી, જેથી તેઓ સંબંધિત અધિકારક્ષેત્રની અદાલતમાં નિયમિત જામીન માટે અરજી કરી શકે.

કોર્ટે આદેશમાં એ પણ કહ્યું હતું કે અરજદાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં કલમ 338ને બાદ કરતાં બાકીની તમામ કલમોમાં મહત્તમ સજા સાત વર્ષથી ઓછી છે. આના આધારે કોર્ટે તેમને મર્યાદિત અવધિની અંતરિમ રાહત આપી હતી.

તેમ છતાં હવે આસામ સરકારે આ રાહતને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. રાજ્ય સરકારનું માનવું છે કે ખેડા વિરુદ્ધ નોંધાયેલા કેસ ગંભીર પ્રકૃતિના છે અને આવી રાહતથી તપાસ પર અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટનું આગામી વલણ આ આખા મામલામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.