દુનિયાના દેશો વ્યાપારથી માંડીને બીજાં અનેક ક્ષેત્રો માટે એકબીજા પર નિર્ભર રહેતા હોવાના કારણે વિશ્વમાં ક્યાંય કોઈ ઠેકાણે કશુંક બને છે તો તેની અસર માત્ર જે-તે દેશ કે વિસ્તારો પર થવાને બદલે વધતે-ઓછે અંશે આખી દુનિયા પર થાય છે. હમણાં ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આ ત્રણ દેશો તો સૈન્ય સંઘર્ષમાં સામેલ હોવાના કારણે તેમને સીધી અસર થાય એ દેખીતી વાત છે પણ મધ્ય-પૂર્વના અન્ય દેશો (જ્યાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં છે) પણ ઝપટે ચડ્યા છે. ઓછામાં પૂરું ઈરાને અતિ અગત્યના સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી કોઈને પસાર ન થવા દેવાની ચેતવણી આપી છે અને હમણાં અમુક જહાજો પર હુમલાના સમાચારો પણ બન્યા છે. આના કારણે સમુદ્રી વ્યાપાર ખાસ્સો ખોરવાયો અને દુનિયાના અનેક દેશોમાં ગેસ અને ઓઇલની સમસ્યાઓ ઊભી થઈ, કારણ કે આ ક્ષેત્ર ઓઇલ અને ગેસથી સમૃદ્ધ છે.
ભારત મોટાપાયે ગેસ અને ક્રૂડ ઓઇલની આયાત કરે છે. બધો જ હિસ્સો મધ્ય-પૂર્વમાંથી આવે તેમ નથી પણ એ પણ એક હકીકત છે કે જરૂરિયાતનો એક મોટો હિસ્સો આ પ્રદેશમાંથી ભારત પહોંચે છે. હાલ યુદ્ધના કારણે આ પુરવઠો ખોરવાયો છે. અન્ય દેશોમાંથી આવતાં જહાજો પણ જો મધ્ય-પૂર્વના માર્ગે આવતાં હોય તો તેમને પણ સમસ્યા નડી શકે છે.
આવી સંજોગોમાં પરિસ્થિતિ સામાન્યથી થોડી અલગ પડે એ સ્વાભાવિક વાત છે. પરંતુ દર વખતે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આપણે ત્યાંનો સદંતર બેજવાબદાર અને બદમાશ વિપક્ષ અને તેની ઇકોસિસ્ટમ હાયતોબા મચાવવા અને સરકારને ઘેરવા માટે ‘આફતમાં અવસર’ શોધવા મંડી પડે છે. દેશમાં અફવાઓ ફેલાવીને પેનિક ફેલાવવાનું, લોકોને કારણ વગર ગભરાવી મારવાનું, તેમનામાં સંશય પેદા કરવાનું કામ મોટા ઉપાડે શરૂ થઈ જાય એવું ભૂતકાળમાં પણ આપણે જોયું છે. તેમાં તેમને સાથ-સહકાર મળે છે વિદેશી મીડિયાનો, જે કાયમ ભારતને અવળા દૃષ્ટિકોણથી જોવા માટે પંકાયેલું છે.
વિદેશી સમાચાર એજન્સી ‘રૉયટર્સ’ના પત્રકારોએ હમણાં આવો જ એક અહેવાલ છાપ્યો છે. તેની હેડલાઇન એવી રીતે લખવામાં આવી છે જાણે દેશ ભયંકર LPG સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય અને લોકો બે ટંકનું ભોજન રાંધવા પણ જાણે ફાંફાં મારતા હોય.

‘રૉયટર્સ’ના આ રિપોર્ટની હેડલાઈન છે– ‘કિચન્સ અક્રોસ ઇન્ડિયા ડીચ હોટ ફૂડ ડ્યુ ટૂ કુકિંગ ગેસ શોર્ટેજ.’ ગુજરાતીમાં– ‘રાંધણ ગેસની અછતને પગલે ભારતભરમાં લોકોએ ગરમ ભોજન રાંધવાનું બંધ કર્યું.’
રિપોર્ટમાં રૉયટર્સે બદમાશીપૂર્વક અમુક ઉદાહરણો ટાંકીને ભારતભરમાં આવી પરિસ્થિતિ છે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉદાહરણો પણ લોકોનાં ઘરોનાં નથી પણ કમર્શિયલ આઉટલેટ્સનાં છે. રિપોર્ટની શરૂઆતમાં લખવામાં આવ્યું છે– ‘ભારતભરમાં રસોડાંમાં ગરમ ભોજન અને ચા જેવાં પીણાં હવે મેનુમાંથી ગાયબ થઈ રહ્યાં છે અને તેનું સ્થાન ફાસ્ટ ફૂડ અને લેમન વૉટર લઈ રહ્યાં છે. કારણ કે મધ્ય પૂર્વના સંઘર્ષના કારણે દેશભરમાં રાંધણ ગેસની અછત સર્જાઈ છે.’ આગળ લખવામાં આવ્યું કે, ‘રસોઈ બનાવનારાઓ હવે એ જ વાનગીઓ બનાવી રહ્યા છે જે ઓછું બળતણ વાપરે, જેથી તેમનો LPG સ્ટૉક વધુ ચાલી શકે.’
ઘણા દિવસોથી ભારતમાં રાંધણ ગેસની અછત છે, દેશભરમાં સ્થિતિ બહુ કપરી છે એવો નરેટિવ સ્થાપિત કરવાના સુનિયોજિત પ્રયાસો ચાલી રહ્યા છે. પણ હકીકત એ છે કે સરકાર વારંવાર કહી ચૂકી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનોનું યોગ્ય નિયમન થઈ શકે, પરિસ્થિતિનો લાભ લઈને કાળાબજારી ન થાય અને બધે સમાન રીતે પુરવઠો પહોંચી શકે તે માટે સરકાર 1955નો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ પણ લાગુ કરી ચૂકી છે.
આ સિવાય સરકારે તમામ એકમોને આદેશ આપ્યા છે કે તેઓ LPGનું ઉત્પાદન વધારે અને ઉત્પાદન વધારવામાં પણ આવી રહ્યું છે. તમામ રાજ્ય સરકારો પણ પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. ગુજરાત સરકાર પણ કહી ચૂકી છે કે લોકોના ઘરના ચૂલા સળગતા રહે એ જવાબદારી અમારી છે અને તમામ સ્થિતિ પર અમે ધ્યાન રાખી રહ્યા છીએ. અન્ય સરકારો પણ કામ કરી રહી છે.
રૉયટર્સે જે ઉદાહરણો ટાંક્યાં છે અને મીડિયામાં પણ જેની ચર્ચા થાય છે એ મુદ્દો મોટેભાગે કમર્શિયલ ગેસ કન્ઝ્યુમરને લગતો છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે જે ફેરફારો આવ્યા તેનાથી લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે સરકારે અત્યારે ડોમેસ્ટિક કન્ઝ્યૂમરો પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે. જ્યારે કમર્શિયલ સિલિન્ડરો મોટેભાગે રેસ્ટોરન્ટ, હોટેલ અને સ્ટ્રીટ વેન્ડરો વાપરતા હોય છે. તેની સપ્લાય ચેઇનથી માંડીને પ્રાઇઝ સ્ટ્રક્ચર બધું અલગ છે. એ વાત સ્વાભાવિક છે કે જ્યારે લોજિસ્ટિકલ સમસ્યાઓ અને ઇમ્પોર્ટમાં વિલંબના કારણે પુરવઠા પર નિયંત્રણ મૂકવામાં આવે તો સૌથી પહેલી અસર કમર્શિયલ યુઝરને થાય છે.
તેનાથી પણ પહેલાં અસર થાય છે ઉદ્યોગોને. એ જ કારણ છે કે ગુજરાતમાં મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી સહિતના અમુક ઉદ્યોગો હાલ પૂરતા બંધ કરવા પડ્યા છે. એનો અર્થ એ નથી કે ગેસની અછત છે. હાલ માત્ર ડોમેસ્ટિક સ્તરે કોઈ સમસ્યા ન આવે તે માટે પુરવઠાનું નિયમન કરવા માટે ઉદ્યોગો અને કમર્શિયલ યુઝરોને અપાતા સપ્લાય પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. તેમાં પણ કમર્શિયલ યુઝરોને સંપૂર્ણ બાકાત રાખવામાં આવ્યા નથી અને ઇન્ડિયન ઓઇલે એક સમિતિ બનાવી છે, જે રજૂઆતોને ધ્યાનમાં લઈને ઉપલબ્ધતા અને જરૂરિયાતની પ્રાથમિકતાના આધારે નિર્ણય કરશે એમ પણ જણાવવામાં આવ્યું છે.
જે ઉદાહરણોને ટાંકીને આખા ભારતમાં આવી સ્થિતિ છે એવું દર્શાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેની પાછળની કથા આ છે. રૉયટર્સ હોટેલ એસોસિએશન અને રેસ્ટોરન્ટ માલિકોને ટાંકીને લખે છે કે તેઓ ગેસની અછતનો સામનો કરી રહ્યા છે અને હેડલાઇનમાં લખી દેવાયું છે કે આખા ભારતમાં આ સ્થિતિ છે. પરંતુ હકીકત એ છે કે ભારતભરમાં લોકોના ઘરના ચૂલા નિયમિત રીતે સળગી રહ્યા છે અને આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આવી કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો નથી.
રૉયટર્સની પોસ્ટના જવાબમાં ઘણા લોકોએ પોતે જ ફેક્ટચેક પણ કરી દીધું છે.
Kitchens across India???? I had hot breakfast today and will have hot lunch too. Have some shame @ReutersAsia https://t.co/mUfCvpHnaw
— Ajay Rotti (@ajayrotti) March 12, 2026
રૉયટર્સના નાનકડા રિપોર્ટમાં કોઈને ઘરેલુ ગેસ મેળવવામાં તકલીફ પડી હોય એવું એક પણ ઉદાહરણ મળ્યું નથી એની ઉપરથી જ વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ સમજી શકાય એમ છે.
Headline is fully misleading https://t.co/upZgnabkB3
— amit baruah (@abaruah64) March 12, 2026
એ પણ સમજવા જેવી વાત છે કે આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે અમુક બફર સ્ટૉક પણ રાખવામાં આવે છે. ઉપરાંત સરકાર વારંવાર કહી ચૂકી છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સિવાય અન્ય ઠેકાણેથી પણ ગેસ અને ઓઇલનો પુરવઠો આવે છે. એક તરફ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ અન્ય સ્ત્રોતો પાસેથી આયાત વધારવામાં આવી રહી છે. અર્થાત્, વૈશ્વિક સંકટ નથી એમ નથી પરંતુ સરકાર યોગ્ય રીતે નિયમન કરી રહી છે. આ બધું અવગણીને છૂટક બે-ચાર કિસ્સા ટાંકીને કહેવું કે ભારતભરમાં સ્થિતિ વિકટ છે એ દર્શાવે છે કે મૂળ એજન્ડા શું છે.
વાસ્તવમાં મીડિયાની અને ખાસ કરીને વિદેશી મીડિયાની આ કુટેવ રહી છે કે તેઓ જ્યારે ભારત વિશે વાત કરવાની હોય ત્યારે આવા અમુક છૂટક કિસ્સાઓ ઉપાડી લઈને આખા દેશમાં આવું જ ચાલી રહ્યું છે એવું ચિત્ર ઉપસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહે છે. ભૂતકાળમાં તેઓ થોડાઘણા ફાવી ગયા હશે, પણ હવે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકો તરત પ્રોપગેન્ડા પકડી પાડે છે અને પોલ ખોલી નાખે છે. તેમ છતાં અવસર મળે ત્યારે વાંદરો ગુલાંટ મારવાનું છોડતો નથી. આવો જ અવસર કોરોના મહામારી દરમ્યાન ઇકોસિસ્ટમને મળ્યો હતો. ત્યારે પણ તેમણે બહુ ઉત્પાત મચાવ્યો હતો, પણ આપણે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં મહામારી સામે લડ્યા અને બહાર આવ્યા. ભવિષ્યમાં પણ આવાં સંકટ આવ્યાં તો દેશ આટલી જ અસરકારકતા અને મજબૂતાઈથી લડશે, ભલે વિદેશી મીડિયાના વિદૂષકો ગમે તેટલો એંઠવાડ ઠાલવતા રહે.


