LPG મુદ્દે પીએમ મોદીને ટ્રોલ કરવા ગઈ કોંગ્રેસ, તસવીરથી પોતાના જ શાસનકાળની પોલ ખોલી દીધી: ફજેતી થયા બાદ ચૂપચાપ ડિલીટ કરી પોસ્ટ

વૈશ્વિક પરિસ્થિતિને કારણે દેશમાં કોઈ નાની-મોટી અવ્યવસ્થા સર્જાય એટલે તેને બહુ મોટું સંકટ ગણાવીને અફવાઓના જોરે બુમરાણ મચાવીને સરકારને ઘેરવા માંડવું એ કોંગ્રેસ પાર્ટીની કુટેવ રહી છે. હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સમુદ્રી માર્ગ બાધિત થતાં ગેસ-ઓઇલ પુરવઠામાં પણ અવ્યવસ્થા સર્જાઈ છે ત્યારે કોંગ્રેસ આ જ મોડમાં પરત ફરી ચૂકી છે. દરમ્યાન તાજેતરમાં પાર્ટીએ સોશિયલ મીડિયા પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોતાની જ પોલ ખુલી જતાં આખરે પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.

કોંગ્રેસે બુધવારે (11 માર્ચ) એક પોસ્ટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું, જેમાં LPG માટે લોકો લાઇનમાં ઉભેલા જોવા મળે છે. તેની ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો મૂકીને બાજુમાં લખવામાં આવ્યું હતું– ‘મોદી હૈ તો મુમકિન હૈ. મોદી કી લાઇન લગાઓ યોજના.’ કેપ્શનમાં લખવામાં આવ્યું– ‘મોદી કા માસ્ટરસ્ટ્રોક.’

કોંગ્રેસ આ ફોટો મૂકીને એવું દર્શાવવા માગતી હતી કે મોદીએ ફરી એક વખત દેશને લાઇનમાં ઉભો રાખી દીધો છે અને LPG સંકટ પર સરકાર નિષ્ફળ ગઈ છે. જ્યારે હકીકત એ છે કે સરકાર અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે કે હાલ પુરવઠાનું યોગ્ય નિયમન થઈ રહ્યું છે અને તેના માટે જ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે.

Screenshot

જોકે કોંગ્રેસે પોસ્ટ ડિલીટ કરી દેવી પડી એનું કારણ એ છે કે મોદી પર પ્રહાર કરવા માટે જે ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે 2011નો છે, જેમાં લોકો લાઇનમાં ઉભેલા જોવા મળે છે. એટલે કે આખરે તો આ તસવીર કોંગ્રેસની જ પોલ ખોલી રહી હતી કારણ કે તેમના શાસનકાળમાં લોકોએ આ રીતે લાઈનમાં લાગવું પડતું અને એ પણ સામાન્ય પરિસ્થિતિઓમાં, આ પરિસ્થિતિ તો યુદ્ધની છે.

પોતાના જ શાસનકાળનો ફોટો લઈને મોદી પર અટેક કરવા દોડી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ ફજેતી કરાવી લીધા બાદ ચૂપચાપ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે સ્ક્રીનશૉટ હજુ ફરી રહ્યા છે.