‘ઇન્ડિયન સ્ટેટ’ સાથે લડવાના રાહુલ ગાંધીના (Rahul Gandhi) આપત્તિજનક નિવેદન બાદ દેશભરમાં તેમની ટીકા થઈ રહી છે. તેવામાં હવે ‘લલ્લનટોપ’ (The Lallantop) પણ રાહુલ ગાંધીના બચાવમાં કૂદી પડ્યું છે. ‘ધ લલ્લનટોપ’ના સંસ્થાપક એડિટર ‘પત્રકાર’ સૌરભ દ્વિવેદીએ એવો આરોપ લગાવી દીધો છે કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ‘ઇન્ડિયન સ્ટેટ’ નહીં, પરંતુ ‘ભારત સરકાર’ કહ્યું હતું અને ભાજપના નેતા દ્વારા રાહુલ ગાંધીને મિસ્ક્વોટ કરવામાં આવ્યા છે. પણ હકીકત જુદી છે.
‘ધ લલ્લનટોપ’ના સૌરભ દ્વિવેદીએ તાજેતરમાં જ પોલિટિકલ એનાલિસ્ટ રજત સેઠી સાથે એક ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. જે દરમિયાન તેમણે રાહુલ ગાંધીનો બચાવ કરતાં દાવો કર્યો કે, તેમણે (રાહુલ ગાંધીએ) ભાજપ, RSS અને ભારત સરકાર વિરુદ્ધ લડવાની વાત કરી છે. આ સાથે જ તેમણે એવો આરોપ પણ લગાવ્યો કે, ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાહુલ ગાંધીએ ‘ભારત’ સાથે લડવાની વાત કહી હોવાનો દાવો કર્યો હતો પરંતુ રાહુલ ગાંધી ભારત સરકાર સામે લડવાનું કહી રહ્યા હતા.
So Lallantop, a hindi heartland oriented media company owned by India today, in a show hosted by head of it, Saurabh Dwivedi literally, mistranslated and deliberately played down this speech by Rahul Gandhi in English where he calls his fight against Indian State. NOT GOVERNMENT.… pic.twitter.com/burWxRIMGR
— Aryaman (@AryamanBharat) January 18, 2025
સૌરભ દ્વિવેદીએ કહ્યું કે, “જેપી નડ્ડા કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ લડવાની વાત કરી છે. જ્યારે ભાષણ તો ભારત સરકાર વિરુદ્ધ લડવાનું હતું. ભાજપ દાવો કરી રહી છે કે, કોંગ્રેસ નેતા ભારત વિરુદ્ધ લડવા માંગે છે.” સાથે સૌરભે એવો આરોપ લગાવવાનો પ્રયાસ પણ કર્યો છે કે, ભાજપા જાણીજોઈને રાહુલ ગાંધીને મિસ્ક્વોટ કરી રહી છે.
‘રાહુલ ગાંધી ભારત સરકાર નહીં, ઇન્ડિયન સ્ટેટ બોલ્યા હતા’- રાજકીય વિશ્લેષક
સૌરભ દ્વિવેદીના નિષ્ફળ પ્રયાસો બાદ તરત જ રાજકીય વિશ્લેષક રજત સેઠીએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારત સરકાર નહીં, પરંતુ ઇન્ડિયન સ્ટેટ જ કહ્યું હતું. હું શબ્દશઃ કહું છું. તેમણે આખું ભાષણ અંગ્રેજીમાં આપ્યું હતું.” તેમણે વધુમાં કહ્યું કે, “બની શકે કે તેમના તરફથી ચૂક થઈ હોય, પરંતુ પછીથી તેમણે કોઈ સ્પષ્ટતા પણ નથી આપી. તેઓ ઇન્ડિયન સ્ટેટ વિરુદ્ધ જ બોલતા રહ્યા હતા. બની શકે કે, ચૂક થઈ હોય, પરંતુ તેઓ ઇન્ડિયન સ્ટેટ વિરુદ્ધ જ બોલ્યા હતા.”
સૌરભ દ્વિવેદીએ પણ પછીથી સ્વીકાર કર્યો કે, રજત સેઠી જે કહી રહ્યા છે તે યોગ્ય છે. સૌરભે પછી કહ્યું કે, “રાહુલ ગાંધી ભારત સરકાર નહીં, પરંતુ ઇન્ડિયન સ્ટેટ બોલી રહ્યા હતા.” સાથે એવું પણ કહ્યું કે, સ્ટેટનો અર્થ ગણરાજ્ય થાય છે. ભારત સરકાર અને વિપક્ષ પણ ગણરાજ્યનો જ એક ભાગ છે.
અહીં નોંધવું રહ્યું કે, સ્ટેટનો એક વ્યાપક અર્થ થાય છે. જે માત્ર સરકાર પૂરતો સીમિત રહ્યો નથી. રાહુલ ગાંધી કહેતા હોય કે અમે સરકાર સામે લડવા માંગીએ છીએ તો એ અલગ વાત થઈ, પરંતુ સ્ટેટમાં સરકાર સાથે સંસ્થાઓ, એકમો, મશીનરીઓ અને અન્ય સંસાધનો પણ આવી જાય છે. આ બધું મળીને દેશ બને છે. એટલે રાહુલ ગાંધીએ જોવા જઈએ તો ‘દેશ’ની જ વાત કરી હતી, ‘સરકાર’ની નહીં. છતાં તેમનો બચાવ કોંગ્રેસ પાર્ટી તો કરી જ રહી છે, પણ અમુક પત્રકારોને પણ હરખ જાગ્યો છે.
રાહુલ ગાંધીએ આપ્યું હતું ભારતવિરોધી નિવેદન
નોંધનીય છે કે, ગત 15 જાન્યુઆરી 2025ના રોજ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને RSSને ઘેરવા માટે થઈને આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભાજપ અને RSSએ દેશની દરેક સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. હવે આપણે ભાજપ-RSS અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.” અહીં તેમના ‘ઇન્ડિયન સ્ટેટ સામેની લડત’વાળા નિવેદનને આપત્તિજનક રીતે લેવામાં આવી રહ્યું છે. આ નિવેદન બાદ ભાજપે પણ તેનો વિરોધ કર્યો હતો અને આસામમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.