તાજેતરમાં જ આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસ સાંસદ (Congress MP) રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ એક FIR દાખલ કરવામાં આવી છે. તેમણે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ‘ઈન્ડિયન સ્ટેટ’ સામે લડવાની વાત કરી હતી. તેમના આ નિવેદનને લઈને જ આસામના ગુવાહાટી (Guwahati) ખાતે ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ફરિયાદ મોનજીત ચેતિયા નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમની રાવ છે કે રાહુલ ગાંધીનું નિવેદન ભારત દેશની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે તેવું છે. તેમનના કહ્યા અનુસાર રાહુલનું નિવેદન તમામ સીમાઓનું ઉલ્લંઘન છે. તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે. રાહુલ એક મોટી પાર્ટીના નેતા છે અને તેમનું આપેલું આ નિવેદન કોઈ સાધારણ રાજનીતિક ટિપ્પણી નથી.
શું હતું રાહુલનું નિવેદન?
ગત 15 જાન્યુઆરી 2025ના રોજ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને RSSને ઘેરવા માટે થઈને આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભાજપ અને RSSએ દેશની દરેક સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. હવે આપણે ભજપ-RSS અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.” અહીં તેમના ‘ઈન્ડિયન સ્ટેટ સામેની લડત’વાળા નિવેદનને આપત્તિજનક રીતે લેવામાં આવી રહ્યું છે. આ મામલે દિલ્હી હિંદુ સેનાએ પણ કમિશનરને રાવ કરી હતી કે રાહુલ દેશ વિરોધી નિવેદન આપી રહ્યા છે.
રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલા આ નિવેદનના પડઘા આસામમાં પડ્યા હતા. આસામના મોનજીત ચેતિયાએ આ મામલે ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે રાહુલનું આ નિવેદન દેશ માટે જોખમરૂપ છે. તેમણે કહ્યું છે કે, “વારંવાર મળેલી હારથી રાહુલ હતાશ થઈ ગયા છે અને દેશવિરોધી વાતો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, વિપક્ષ નેતા હોવાના નાતે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ પર જનતાનો ભરોસો બન્યો રહે તેવું વર્તન તેમની જવાબદારી છે. પરંતુ તેઓ જુઠ્ઠાણું ફેલાવવા અને વિદ્રોહ ભડકાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમનું આમ કરવું દેશની એકતા અને સ્મપ્ર્ભુતા માટે જોખમ સમાન છે.”
નોંધનીય છે કે, ચેતિયાની ફરિયાદ પર ગુવાહાટીના પાન બજાર પોલીસે ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે. આ મામલે પોલીસે BNSની કલમ 152 અને 197 (1) અંતર્ગત FIR નોંધી છે. આ કલમો ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડીતતાને જોખમમાં મુકવા બદલ લગાવવામાં આવે છે. આ પ્રકારનું કૃત્ય એ બિનજામીનપાત્ર ગુનામાં આવે છે. આ કેસ આગામી સમયમાં રાહુલ ગાંધી માટે વધુ કાયદાકીય તકલીફો ઉભી કરી શકે તેમ છે.