Tuesday, October 8, 2024
More
    હોમપેજક્રાઈમતલવાર બતાવીને કહ્યું- આજે તમને જીવતા નહીં જવા દઈએ, પથ્થરો પણ ફેંક્યા......

    તલવાર બતાવીને કહ્યું- આજે તમને જીવતા નહીં જવા દઈએ, પથ્થરો પણ ફેંક્યા… કચ્છના મુન્દ્રામાં ગણેશજીની મૂર્તિ લઈને આવતા હિંદુ યુવાનો પર હુમલો: હમજા-ફારૂક સહિત 5 સામે FIR 

    પીડિત યુવક યુવરાજસિંહે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ઝઘડો વાહનને લઈને જ શરૂ થયો હતો અને સામાન્ય બોલાચાલી જ થઈ હતી, પણ વાહનમાં ગણેશજીની મૂર્તિ જોઈને ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉશ્કેરાઈને તેમની ઉપર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    કચ્છના મુન્દ્રામાં ગણેશોત્સવ પર સ્થાપના માટે ભગવાનની મૂર્તિ લઈને આવતા હિંદુ યુવાનો પર હુમલાની ઘટના સામે આવી છે. યુવાનોએ રસ્તા વચ્ચેથી બાઇક હટાવવાનું કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કરી દીધો હતો. આ મામલે ઈજાગ્રસ્ત હિંદુ યુવાનની ફરિયાદના આધારે હમજા, ફારૂક અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે FIR દાખલ કરીને પોલીસે બેની ધરપકડ કરી લીધી છે. 

    ઘટના શુક્રવારે (6 સપ્ટેમ્બર) સવારે બની હતી. જે મામલે મુન્દ્રા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના યુવરાજસિંહ જાડેજા નામના હિંદુ યુવાનની ફરિયાદના આધારે કુલ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    ફરિયાદમાં હિંદુ યુવકે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના ગામના અન્ય બે યુવાનો શુક્રવારે સવારે મુન્દ્રા ખાતે ગણેશજીની મૂર્તિ લેવા માટે આવ્યા હતા. મુન્દ્રા ઉમિયાનગર કોલેજ પાસેથી મૂર્તિ લઈને તેઓ ટેમ્પો વાહનમાં પરત ફરી રહ્યા હતા. જ્યાં ડાક બંગલાથી આગળ પેટ્રોલ પંપ પાસે પહોંચતાં અહીં રસ્તા પર એક બાઇક પડેલું હતું અને ત્યાં જ બે-ત્રણ ઈસમો ઊભા રહીને મજાક-મસ્તી કરતા હતા. 

    - Advertisement -

    પોતાનું વાહન પસાર થઈ શકે તેમ ન હોઈ ટેમ્પો ડ્રાઈવરે તેમને હોર્ન મારીને બાઈક હટાવવા માટે કહ્યું, પરંતુ બંનેએ ધ્યાન ન આપ્યું. જેના કારણે યુવરાજસિંહે નીચે ઉતરીને તેમને વિનંતી કરતાં બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ‘બાઇક સાઇડ પર નહીં રાખીએ, તમારાથી થાય તે કરી લો’ તેમ કહીને બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ થોડી જ વારમાં ત્યાં ટોળું એકઠું થઈ ગયું હતું. 

    ફરિયાદ અનુસાર, હિંદુ યુવકોએ તેમને પોતે ઝઘડો કરવા માંગતા નથી અને બાઇક ખસેડી લેવામાં આવે તો તેઓ જતા રહેશે તેમ કહ્યું હોવા છતાં સામેના ટોળામાંથી એક ઇસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. તેને ગાળો આપવાની ના પાડતાં તેણે અચાનક યુવરાજસિંહ ઉપર જમણા ખભાના ભાગે લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેના કારણે તેઓ ઢળી પડ્યા હતા. 

    તલવાર બતાવીને કહ્યું- આજે જીવતા જવા નહીં દઈએ, પૂરા જ કરી નાખવા છે 

    ત્યારબાદ ટોળામાંથી પથ્થરો ફેંકાવાના પણ શરૂ થઈ ગયા હતા અને એક ઇસમે ક્યાંથી તલવાર લઇ આવીને ‘આજે તમને જીવતા જવા દેવા નથી અને પૂરા જ કરી દેવા છે’ તેમ કહીને ધમકી આપી હતી. જ્યારે બીજો એક ઇસમ ધારદાર છરો લઇ આવ્યો હતો. પરંતુ પછીથી આસપાસના લોકો પણ એકઠા થઈ જતા તેઓ હથિયારો ક્યાંક સંતાડી આવ્યા હતા. પછીથી હિંદુ યુવકોએ પોતાના ગામના અન્ય વ્યક્તિઓને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે લઇ ગયા હતા. 

    પછીથી તલવાર લઈને ધમકી આપનાર શખ્સની ઓળખ ફારૂક તરીકે થઈ, જ્યારે અન્ય એક હમજા નામનો હોવાનું જાણવા મળ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ ત્યારબાદ મુન્દ્રા પોલીસ મથકે આ બંને અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે BNSની કલમ 115(2), 125(1), 189, 190, 191, 296(b), 351(2) 351(3) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને બે ઈસમોની ધરપકડ કરી લીધી હતી. 

    હિંદુ યુવકોએ પોતે પથ્થર ખાધા, પણ મૂર્તિ ખંડિત ન થવા દીધી 

    ઑપઇન્ડિયાએ પીડિત હિંદુ યુવક યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, તેઓ માત્ર ત્રણ જ વ્યક્તિઓ હતા અને તેમની ઉપર નજીવી બાબતમાં જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. સાથે કહ્યું કે, ઝઘડો વાહનને લઈને જ શરૂ થયો હતો અને સામાન્ય બોલાચાલી જ થઈ હતી, પણ વાહનમાં ગણેશજીની મૂર્તિ જોઈને ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉશ્કેરાઈને તેમની ઉપર હુમલો કરી દીધો હતો. 

    તેમણે જણાવ્યું કે, જે વાહનમાં ગણેશજીની મૂર્તિ હતી તેની ઉપર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પરંતુ યુવાનોએ મૂર્તિને ખંડિત થતાં બચાવી લીધી હતી અને પછીથી સુરક્ષિત ખસેડી લેવામાં આવી હતી. જે વિસ્તારમાં ઘટના બની તે મુસ્લિમ બહુમતી વિસ્તાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હાલ જાડેજા હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઇ રહ્યા છે. 

    તેમણે કહ્યું કે, મુન્દ્રા પોલીસ તરફથી તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઝડપી કાર્યવાહી કરીને 2 ઇસમોની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. આ મામલે વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ મુન્દ્રા પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. વધુ વિગતો મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં