ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં ₹4,08,053 કરોડનું આજ સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. જેમાં તમામ ક્ષેત્રો-વિભાગો આવરી લેવામાં આવ્યાં છે, ઉપરાંત અમુક મોટી ઘોષણાઓ પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે બજેટના કેન્દ્રમાં ચાર મુખ્ય સ્તંભો રાખ્યા છે, જેને ‘GYAN’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
‘GYAN’ મોડલ: વિકસિત ગુજરાતનો ચતુર્મુખ રોડમેપ
G – ગરીબ (ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા)
સરકારનો લક્ષ્ય છે કે છેવાડાના માનવીને પાયાની સુવિધાઓ અને આર્થિક સુરક્ષા મળે. સરકારે ‘પીએમજેએવાય-મા’ (PMJAY-MA) યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વાર્ષિક મફત સારવારની મર્યાદા વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. આ માટે બજેટમાં ₹3,472 કરોડની જોગવાઈ છે.
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને પોતાનાં ઘર મળી રહે તે માટે આ વર્ષે 3.15 લાખ નવાં આવાસ બનાવવાનું લક્ષ્યાંક છે. બજેટમાં અંત્યોદય અને અગ્રતા ધરાવતા પરિવારોને વિનામૂલ્યે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે.
Y – યુવા (શિક્ષણ, કૌશલ્ય અને રોજગાર)
રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ₹250 કરોડ અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકમાં ભણતી કન્યાઓના પોષણ અને શિક્ષણ માટે ₹1,250 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી શાળાઓને અત્યાધુનિક અને સ્માર્ટ બનાવવા માટે ₹3,388 કરોડની જોગવાઈ છે. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા ₹2.5 લાખથી વધારીને ₹6 લાખ કરી દેવામાં આવી છે, જે મધ્યમ વર્ગના તેજસ્વી યુવાનો માટે વરદાન સાબિત થશે. ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી ડિજિટલ ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ સ્થાપવા ₹100 કરોડ ફાળવાયા છે.
A – અન્નદાતા (કૃષિ અને પશુપાલકોનું કલ્યાણ)
ખેતીને નફાકારક બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ‘બીજથી બજાર’ સુધીની શૃંખલા મજબૂત કરી છે. ખેડૂતોને આધુનિક સાધનો, ટ્રેક્ટર અને ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે ₹1,565 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. ‘સૌની યોજના’ (SAUNI), કચ્છ અને ઉત્તર ગુજરાતની પાઇપલાઇન યોજનાઓ દ્વારા ખેતરે-ખેતરે પાણી પહોંચાડવા માટે ₹3,043 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પશુપાલકો માટે ‘ગૌ માતા પોષણ યોજના’ હેઠળ ₹500 કરોડ ફાળવાયા છે, જેથી પશુપાલન વ્યવસાય વધુ સમૃદ્ધ બને.
N – નારીશક્તિ (મહિલા સશક્તિકરણ)
મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને તેમને રાજ્યના વિકાસમાં સહભાગી બનાવવાનું આયોજન છે. ગંગા સ્વરૂપા સહાય દ્વારા રાજ્યની વિધવા બહેનોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે પેન્શન પેટે ₹2,848 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. લખપતિ દીદી અભિયાનથી સ્વ-સહાય જૂથો (SHG) દ્વારા મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિશેષ તાલીમ અને લોન સહાયની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હેઠળ ITI અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
વિભાગવાર બજેટ ફાળવણી
રાજ્યના સંતુલિત વિકાસ માટે વિભાગવાર રકમની ફાળવણી નીચે મુજબ છે:
| વિભાગનું નામ | ફાળવેલ રકમ (₹ કરોડ) |
| શિક્ષણ વિભાગ | ₹63,184 |
| શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ | ₹33,504 |
| આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | ₹25,403 |
| કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ | ₹24,022 |
| માર્ગ અને મકાન વિભાગ | ₹22,163 |
| પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ | ₹14,858 |
| ગૃહ વિભાગ | ₹14,265 |
| ઉદ્યોગ અને ખાણ વિભાગ | ₹12,942 |
| મહિલા અને બાળવિકાસ વિભાગ | ₹7,690 |
| સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ₹7,086 |
| પાણી પુરવઠા પ્રભાગ | ₹6,484 |
| આદિજાતિ વિકાસ વિભાગ | ₹5,425 |
| ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ | ₹4,842 |
| બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | ₹4,314 |
| વન અને પર્યાવરણ વિભાગ | ₹3,560 |
| સામાન્ય વહીવટ વિભાગ | ₹2,910 |
| શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ | ₹2,902 |
| અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો | ₹2,856 |
| કાયદા વિભાગ | ₹2,702 |
| વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ | ₹2,634 |
| મહેસૂલ વિભાગ | ₹2,145 |
| રમત-ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ | ₹2,006 |
| માહિતી અને પ્રસારણ વિભાગ | ₹452 |
| ક્લાઈમેટ ચેન્જ વિભાગ | ₹429 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹25,403 કરોડની જોગવાઈ કરાઈ છે. ‘પીએમજેએવાય-મા’ યોજના હેઠળ હવે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ છે. ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓ માટે અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે IVF સુવિધા શરૂ કરવામાં આવશે.
ગુજરાત હવે સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે, જેમાં સાણંદ અને ધોલેરા મુખ્ય કેન્દ્રો છે. સરકાર દ્વારા સ્પેસ ટેક, એઆઈ (AI), અને ગ્રીન હાઈડ્રોજન જેવી આધુનિક પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. ધોલેરા SIRને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ સિટી બનાવવા માટે ₹610 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના (MSME) વિકાસ માટે ₹1,775 કરોડની જોગવાઈ કરવામાં છે.
બજેટમાં વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે અને અંબાજીને કોરિડોર માસ્ટર પ્લાન હેઠળ વિકસાવવામાં આવશે. ગુજરાતને લગ્ન માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવવા ‘Wed in Gujarat’ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવાનું આયોજન છે.
રાજ્યમાં 2,463 કિ.મી. ના માર્ગોને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે વિકસાવવામાં આવશે. શહેરોમાં ઓવરહેડ વીજ વાયરો દૂર કરી અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે ‘વાયર-ફ્રી સિટી મિશન’ શરૂ કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને અરવલ્લીમાં ગ્રીન બેલ્ટ બનાવવાની યોજના છે.
વર્ષ 2026-27નું આ બજેટ અને કાયદાકીય સુધારાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાત સરકાર માત્ર વર્તમાન સમસ્યાઓનો ઉકેલ નથી લાવી રહી, પરંતુ આગામી 20 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાયો નાખી રહી છે. ખેડૂતને તેની જમીનનો હક, યુવાઓને આધુનિક શિક્ષણ, વેપારીઓને સરળ વહીવટ અને ગરીબોને આરોગ્યની સુરક્ષા આપીને ગુજરાતે ફરી એકવાર દેશમાં ‘રોલ મોડેલ’ તરીકેની પોતાની છબી પ્રસ્થાપિત કરી છે.


