
ગુજરાત સરકારે 2026-27ના વાર્ષિક બજેટમાં ગાંધીનગરમાં દેશની સૌથી મોટી લાઇબ્રેરી સ્થાપવાની ઘોષણા કરી છે. આ લાઇબ્રેરીને ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ નામ આપવામાં આવશે.
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે પુસ્તકાલયમાં અભ્યાસ અને વાંચનની અત્યાધુનિક અને ડિજિટલ સેવા-સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને તેના માટે બજેટમાં ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાનું પણ સરકાર આયોજન કરી રહી છે. જે અનુસાર 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
આ લાઇબ્રેરી ટેકનોલોજીની મદદથી એવી રીતે તૈયાર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ/યુઝરોને પુસ્તકો, જર્નલ, અભ્યાસની સામગ્રી વગેરે ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ થઈ રહે. મોર્ડન ઈ-રીડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સમગ્ર લાઇબ્રેરી તૈયાર કરવા માટેનું સરકાર આયોજન કરી રહી છે. પાટનગરમાં એકેડમિક સપોર્ટ સિસ્ટમ મજબૂત કરવા માટે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી રહી છે.
આ જ રીતે 15 આદિજાતિ તાલુકાઓમાં પણ આવી લાઇબ્રેરી વિકસાવવામાં આવશે. સરકારે જણાવ્યું કે આ પગલાંનો ઉદ્દેશ્ય શહેરોમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો અને ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં બુનિયાદી શિક્ષણની પહોંચ વધુ મજબૂત કરવાનો છે, જેથી ગામોથી લઈને પાટનગર સુધી શિક્ષણ વ્યવસ્થા મજબૂત થઈ શકે.

