અમેરિકાની એક સંસ્થા ‘યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ’, એટલે કે USCIRFએ તેના 2026ના વાર્ષિક રિપોર્ટમાં ભારતને લઈને એ જ જૂના આરોપપત્રને ફરી સામે મૂક્યો છે– ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા બગડી રહી છે, હિંદુ રાષ્ટ્રવાદી જૂથો ‘લઘુમતીઓ’ પર હુમલા કરી રહ્યાં છે, સરકાર પક્ષપાતી કાયદા બનાવી રહી છે અને હવે તો વાત ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવી છે કે ભારતને ‘કન્ટ્રી ઑફ પર્ટિક્યુકર કન્સર્ન’ જાહેર કરવામાં આવે અને RSS અને R&AW જેવી સંસ્થાઓ પર અમેરિકી પ્રતિબંધો લગાવવા પર વિચાર કરવામાં આવે.
રિપોર્ટનો લહેજો, તેની પસંદગી, તેની ભાષા અને તેના નિષ્કર્ષ—બધું મળીને આ દસ્તાવેજને કોઈ સંતુલિત મૂલ્યાંકન કરતાં વધુ એક ‘રાજકીય એજન્ડા’ બનાવે છે, જેમાં ભારતની જટિલ સામાજિક, કાનૂની અને સુરક્ષા-સંબંધિત વાસ્તવિકતાઓને સમેટવાના બદલે એક નિશ્ચિત વૈચારિક ફ્રેમમાં ફિટ કરવાની ઉતાવળ સ્પષ્ટ દેખાય છે. USCIRFના રિપોર્ટના ‘ઇન્ડિયા’ વિભાગમાં એ જ માંગ નોંધાયેલી છે કે અમેરિકા ભારત પર દબાણ વધારે, પ્રતિબંધો પર વિચાર કરે અને દ્વિપક્ષીય સંબંધોને પણ ધાર્મિક સ્વતંત્રતાના આ આરોપોના માપદંડ સાથે જોડે.
સમસ્યા માત્ર એટલી નથી કે રિપોર્ટ ભારતની ટીકા કરે છે, કોઈ પણ લોકશાહીમાં ટીકા અસામાન્ય નથી. સમસ્યા એ છે કે રિપોર્ટ ટીકાના નામે ઘટનાઓને એ રીતે પસંદ કરે છે કે નિષ્કર્ષ અગાઉથી નક્કી કરેલા લાગે અને તથ્યો પછીથી જોડાયેલાં હોય. ભારત સરકારે અગાઉ પણ USCIRFના રિપોર્ટ્સને ‘પક્ષપાતી અને રાજકીય પ્રેરિત’ કહ્યા છે અને વિદેશ મંત્રાલયે જાહેરમાં એ નોંધ્યું છે કે કમિશન ભારતની વૈવિધ્યસભર રચનાને સમજવા અથવા સ્વીકારવાના બદલે છૂટીછવાઈ ઘટનાઓને ટાંકીને એક દુર્ભાવનાપૂર્ણ નેરેટિવ ઘડે છે.
2024 અને 2025માં પણ વિદેશ મંત્રાલયે USCIRF પર આ જ આરોપ લગાવ્યા હતા કે તે તથ્યોનું ખોટું ચિત્રણ કરે છે અને રાજકીય એજન્ડા ચલાવે છે. હવે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે કોઈ સંસ્થા પર એક વાર નહીં પરંતુ સતત એક જેવો જ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો હોય ત્યારે તેના નવા રિપોર્ટને આંખ બંધ કરીને અંતિમ સત્ય માની લેવું બુદ્ધિમત્તા અને પ્રામાણિકતાની વિરુદ્ધ હશે.
એક જેવો પ્રોપગેન્ડા અને એક જેવું ફ્રેમિંગ
USCIRFની સૌથી મોટી બૌદ્ધિક બદમાશી તેની ભાષામાં છુપાયેલી છે. તે ઘટનાઓને તટસ્થ શબ્દોમાં લખવાની જગ્યાએ ફ્રેમિંગ ઝાઝું કરે છે. ‘હિંદુ રાષ્ટ્રવાદી ટોળાં’, ‘લઘુમતીઓને નિશાન બનાવવા’ જેવાં નિર્ધારિત ચિત્રોના સહારે વાચકને અગાઉથી એક જ દિશામાં ધકેલી દે છે. આ રિપોર્ટિંગ નથી, ફ્રેમિંગ છે. આ જ કારણે ભારતની અંદર સામાજિક સંઘર્ષ, કાયદો-વ્યવસ્થાના પડકારો, ગેરકાયદે ઘૂસણખોરી, ધર્માંતરણ, કટ્ટરપંથ, સીમા પારનો આતંક અને સ્થાનિક પ્રશાસનિક હસ્તક્ષેપ જેવા અનેક પ્રશ્નો અસ્તિત્વમાં છે તેવામાં USCIRF તેને લગભગ એક જ સૂત્રમાં પરોવી દે છે. ભારત જેવા બહુસ્તરીય સમાજમાં, જ્યાં દરેક પ્રાંત, દરેક વિવાદ અને દરેક કાયદાનો પોતાનો અલગ સંદર્ભ છે, તેને આ રીતે એક રાજકીય કાર્ટૂનમાં ફેરવી દેવું જ આ રિપોર્ટની પ્રથમ અને મૂળ નબળાઈ છે.
ઉપરાંત મુસ્લિમોને વારંવાર ‘લઘુમતી’ કહેવામાં આવ્યા છે. ભારતની બીજી સૌથી મોટી બહુમતી ‘લઘુમતી’ કઈ રીતે હોય શકે? ભારતમાં પારસીઓ, ઈસાઈઓની સંખ્યા ઘણી ઓછી છે, તેમને લઘુમતીમાં ગણવામાં આવે એ સ્વીકાર્ય છે અને પરિભાષામાં પણ ફિટ બેસે છે, પરંતુ કરોડોની વસ્તી ધરાવતો કોઈ સમુદાય ‘લઘુમતી’ તો ના જ હોય શકે. કમસેકમ આવી વ્યવહારિક ચર્ચાઓમાં તો આવા સંદર્ભો અસ્થાને લાગે છે.
મહારાષ્ટ્રમાં ઇસ્લામી હિંસા અને અમેરિકી પ્રોપગેન્ડા
આ રિપોર્ટમાં સૌથી પહેલી વાત મહારાષ્ટ્રની એક ઘટનાની કરવામાં આવી છે. USCIRFએ ઔરંગઝેબની કબર હટાવવાની માંગના સંદર્ભમાં હિંસા થઈ તે વાતને રેખાંકિત કરી છે અને તેને લગભગ એ રીતે રજૂ કરી છે કે હિંદુ સંગઠનોની ઉગ્રતા જ મુખ્ય કારણ હતી. પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે હિંસા પહેલાં કુરાનના અપમાનની અફવા વ્યાપક રીતે મુસ્લિમો દ્વારા જ ફેલાવવામાં આવી હતી, પોલીસ અને મહારાષ્ટ્ર સાયબર સેલે પછીથી કહ્યું હતું કે આવું કોઈ મજહબી લેખનવાળું કપડું બાળવામાં આવ્યું નથી અને ન તો કુરાનની પ્રત બાળવામાં આવી છે. સાથે એવું પણ કહ્યું હતું કે ઉશ્કેરણીજનક ઑનલાઇન પોસ્ટની તપાસ પણ કરવામાં આવી હતી.
મૂળ હકીકત એ છે કે આમાં હિંદુઓ જ પીડિત છે. તણાવ અફવાઓ પછી ભડક્યો હતો એ હકીકત છે. અફવાની આડમાં મુસ્લિમ ટોળાં રઘવાયાં થઈને રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પોલીસ પર પથ્થરમારો થયો, આગચંપી થઈ અને પ્રશાસને તરત જ કર્ફ્યુ લગાવ્યો. તેનો અર્થ એ નથી કે કોઈ પક્ષ આપમેળે નિર્દોષ જાહેર થઈ જાય, અર્થ માત્ર એટલો જ છે કે USCIRFએ ઘટનાક્રમની તે કેન્દ્રીય કડીને દબાવી દીધી છે જેમાં અફવા, ભીડ અને પોલીસની પછીની તપાસ સામેલ છે. જ્યારે કોઈ રિપોર્ટ આ મહત્વના અનુક્રમને અવગણીને સીધું ‘હિંદુ રાષ્ટ્રવાદી હિંસા’ની છબી ઘડે છે, ત્યારે તે તથ્ય કરતાં વધુ પ્રોપગેન્ડા રચી રહ્યો હોય છે.
#BREAKING | 51 Islamists named in FIR over Nagpur violence targeting Hindus; women police officers assaulted
— Organiser Weekly (@eOrganiser) March 19, 2025
The FIR at Ganeshpeth Police Station reveals shocking details, including misconduct against women police officers.
An accused allegedly touched an on-duty woman officer… pic.twitter.com/SCLVBjmDiJ
રિપોર્ટમાં તો એવું કહેવામાં આવ્યું કે ‘હિંદુ રાષ્ટ્રવાદીઓ’એ મુસ્લિમ ‘લઘુમતીઓ’ પર હિંસક હુમલો કર્યો હતો. હકીકત તો એ છે કે આ તથાકથિત લઘુમતીઓ જ હિંદુ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને પથ્થરમારો, આગચંપી, ગાળાગાળી અને વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા. પછીથી એ પણ સામે આવ્યું હતું કે એ વિસ્તારમાં રહેતા મુસ્લિમોનાં ઘરોને આ મજહબી ટોળાએ સહેજ નુકસાન પણ કર્યું નહોતું. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ઇસ્લામી ભીડ હિંદુઓનાં મકાનોને શોધી-શોધીને ટાર્ગેટ કરી રહી હતી. જે ઘરમાં તુલસી દેખાય એ ઘરમાં હુમલો કરવામાં આવતો હતો. વધુમાં ઘરની બહાર રહેલાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રની ઘટનામાં વિશ્વ હિંદુ પરિષદને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તે પણ ધ્યાન આપવા જેવી બાબત છે. કોઈ વિરોધ-પ્રદર્શન, તે પછી ફેલાયેલી અફવા અને ત્યારબાદ થયેલી હિંસાને એક જ વૈચારિક બોક્સમાં મૂકીને એવું વાતાવરણ બનાવવું કે દોષની દિશા અગાઉથી નક્કી છે– આ વિશ્લેષણની નહીં, પ્રચારની પદ્ધતિ છે. જો પોલીસ સ્વયં એ કહી રહી છે કે મજહબી ગ્રંથ બાળવામાં આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રીની તપાસ ચાલી રહી છે તો નિષ્પક્ષ રિપોર્ટનું કામ એ હતું કે તે આ ભાગને પણ મુખ્યત્વે નોંધે. USCIRFએ આવું ન કર્યું. તેણે તે જ પસંદ કર્યું જે તેના પૂર્વનિર્ધારિત નિષ્કર્ષને પુષ્ટિ આપે છે.
ઓડિશાનો દાવો અને એકતરફી હવા
રિપોર્ટમાં ઓડિશાને લઈને પણ એક દાવો કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જૂન 2025માં 20 ખ્રિસ્તી પરિવારો પર હિંદુ ભીડે હુમલો કર્યો કારણ કે તેમણે હિંદુ ધર્મ અપનાવવાનો ઇનકાર કર્યો હતો. USCIRF આ પ્રકરણને એકતરફી ધાર્મિક ઉત્પીડનની ઘટના તરીકે લખે છે, પરંતુ ભારતના અનેક ભાગોમાં ધર્માંતરણ, ખાસ કરીને આદિવાસી અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં, લાંબા સમયથી સામાજિક તણાવનો વિષય રહ્યો છે. તેનો અર્થ એ નથી કે કોઈ પ્રકારની હિંસા યોગ્ય છે, જો હિંસા થઈ હોય તો તે કાયદાના દાયરામાં આવવી જોઈએ. મલ્કાનગિરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રિગન કિંડા અનુસાર આ કોઈ સંગઠિત સાંપ્રદાયિક હુમલાનો કેસ નહોતો, પરંતુ બે ભાઈઓ—એક હિંદુ અને એક ખ્રિસ્તી—વચ્ચે ધાર્મિક મતભેદથી શરૂ થયેલો વિવાદ હતો, જે પછીથી ઝઘડામાં ફેરવાઈ ગયો હતો.
પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે ધર્માંતરણવિરોધી કાયદાઓ અને સ્થાનિક વિવાદોની પાછળ બળજબરી, પ્રલોભન, છેતરપિંડીભર્યું ધર્માંતરણ જેવી ગંભીર કાનૂની અને સામાજિક ચર્ચાઓ અસ્તિત્વમાં છે. ઓડિશાની જે ઘટનાની વાત આ રિપોર્ટમાં કહેવામાં આવી છે તેની હકીકત એ છે કે આ ઝઘડો ‘પારિવારિક’ હતો, નહીં કે ‘સાંપ્રદાયિક’. બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાંથી એક હિંદુ છે અને બીજો ધર્માંતરિત ખ્રિસ્તી છે.
પોલીસે પણ આ ઘટનાને લઈને સ્પષ્ટતા આપી હતી કે આ ઘટના પારિવારિક વિવાદ છે, જેમાં પછીથી ગામના ઘણા લોકો જોડાયા હતા અને મારામારી થઈ હતી. પરંતુ પછીથી આ ઘટનાને ‘કોમ્યુનલ એંગલ’ આપી દેવામાં આવ્યો હતો, જેવું હતું નહીં. હવે આવા તથ્ય વગરના દાવાઓને અમેરિકી સંસ્થાએ ઉછાળ્યા અને તેને ‘સાંપ્રદાયિક રંગ’ આપીને એવું કહી દીધું કે ‘હિંદુઓએ ખ્રિસ્તીઓ પર હુમલો કરી દીધો.’ (દોગલાઈ કી ભી કોઈ સીમા હોતી હૈ ભાઈ!)
ધર્માંતરણવિરોધી કાયદાઓને લઈને પણ બળતરા
રિપોર્ટમાં ધર્માંતરણવિરોધી કાયદાને લઈને પણ બળતરા ઠાલવવામાં આવી છે. રિપોર્ટ એન્ટી-કન્વર્ઝન કાયદાઓને દમનકારી ગણાવે છે, જાણે તેનું અસ્તિત્વ જ ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ હોય. પરંતુ તાજેતરના ન્યાયિક ઘટનાક્રમોને જોઈએ તો અનેક રાજ્યો આ કાયદાઓને બળ, છેતરપિંડી, પ્રલોભન અને લવ જેહાદથી થતા ધર્માંતરણને રોકવાનું સાધન માને છે.
મહારાષ્ટ્રમાં હમણાં જ રજૂ કરાયેલા બિલનો જાહેર હેતુ પણ ‘ગેરકાયદે ધર્મ પરિવર્તન’ને દંડિત કરવાનો છે. આ જ રીતે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં પણ ચર્ચાનું કેન્દ્ર એ જ છે કે સ્વેચ્છા અને બળજબરીના પ્રભાવ વચ્ચેની રેખા કેવી રીતે દોરવી. પરંતુ USCIRF જે સરળતાથી આખા માળખાને ‘લઘુમતીઓને નિશાન બનાવવા’માં ફેરવી દે છે તે ભારતીય રાજકારણ, રાજ્ય-કાયદાઓ અને કોર્ટની ભૂમિકાને લગભગ અદૃશ્ય કરી દે છે. કાયદા પરની ચર્ચાને ધાર્મિક ઉત્પીડનની વાતોમાં ફેરવી દેવી એ એક વૈચારિક શોર્ટકટ છે, જેનાથી પોતાનાં હિતો સાધી શકાય.
ગેરકાયદે ઘૂસણખોરોને હટાવવાના અભિયાનની ટીકા
રિપોર્ટનો બીજો મોટો સ્તંભ છે ગેરકાયદે ઘૂસણખોરી, રોહિંગ્યા અને આસામ કે ગુજરાત જેવા સ્થળોમાં થયેલી પ્રશાસનિક કાર્યવાહીને ધાર્મિક ઉત્પીડનની જેમ રજૂ કરવી. અહીં સ્પષ્ટ વાત એ છે કે ભારત કોઈ ખુલ્લી ધરમશાળા નથી કે જ્યાં કોઈ પણ ગેરકાયદે રીતે પ્રવેશ કરે, વસાહતો સ્થાપે, દસ્તાવેજો વગર રહે અને પછી કોઈપણ સરકારી કાર્યવાહીને ‘ઉત્પીડન’ જાહેર કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશો અને ભારતની કાનૂની વ્યવસ્થામાં એ સ્પષ્ટ છે કે જે બાંગ્લાદેશી ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ અને રાષ્ટ્રીયતા પુષ્ટ થઈ જાય તેમને કાયદેસર પ્રક્રિયા પછી પરત મોકલી શકાય છે. 30 જાન્યુઆરી 2025ના સુપ્રીમ કોર્ટના આદેશમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓના સત્યાપન અને ડિપોર્ટેશનની પ્રક્રિયા નોંધાયેલી છે. એટલે કે આ વિષય માત્ર ફાંકા ફોજદારીનો નહીં પણ કાનૂની અને રાષ્ટ્રીય સુરક્ષાનો છે.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલી કાર્યવાહીને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ. એ હકીકત છે કે ત્યાં મોટાપાયે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહતો પર કાર્યવાહી કરવામાં આવી, ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને કસ્ટડીની પ્રક્રિયા ચાલી અને ગુજરાત હાઇકોર્ટે પણ એ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં ગેરકાયદે બાંગ્લાદેશી મળે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ આખા પ્રસંગ પર અસહમતિ, માનવ અધિકાર, ન્યાયી પ્રક્રિયા અને પુનર્વસનની ચર્ચા પોતાની જગ્યાએ છે, પરંતુ તેને માત્ર એટલા માટે ધાર્મિક ઉત્પીડન કહેવું કે પ્રભાવિત વસ્તીમાં મુસ્લિમો હતા, તે તથ્ય અને કાયદા બંનેનું સરળીકરણ છે. રાજ્યની કાર્યવાહીનું મૂલ્યાંકન ‘શું તે કાનૂની હતી, શું પ્રક્રિયાનું પાલન થયું’ના આધારે થવું જોઈએ, નહીં કે ‘પ્રભાવિત થનારા મજહબ’ના આધારે. USCIRF અહીં પણ એ જ કરે છે જે તે વારંવાર કરતું આવ્યું છે—ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને સાંપ્રદાયિક ઉત્પીડનમાં ફેરવી દે છે.
આ જ પ્રશ્ન રોહિંગ્યાના મામલામાં પણ ઉભો થાય છે. ભારતમાં રોહિંગ્યાનો મુદ્દો માત્ર માનવીય નથી, સુરક્ષા-સંબંધિત પણ રહ્યો છે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે બંને સ્તરે સમયે-સમયે ચિંતા વ્યક્ત કરી છે. તેથી ભારતની આવી કાર્યવાહીને અમેરિકાની કોઈ સંસ્થા પડકારે એ તો મૂર્ખામી અને દંભ ગણાય અને આ એ જ અમેરિકા છે જેનું પોતાનું રાજકારણ ગેરકાયદે પ્રવાસન પર અત્યંત કડક ભાષા અને પગલાંઓથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને હજારોની સંખ્યામાં ઘૂસણખોરોને તોતિંગ વિમાનોમાં ઘરભેગા કર્યા હતા. જે દેશ પોતાની દક્ષિણી સીમા પર દિવાલ, ડિટેન્શન, નિર્વાસન અને કડક વીઝા/આપ્રવાસ નિયંત્રણને સાર્વભૌમ અધિકાર માને છે, તે જ હવે ભારતને ઘૂસણખોરી પર ઉપદેશ આપે છે, આ નૈતિકતા નથી, આ બેવડું વલણ છે, સ્પષ્ટ દોગલાઈ છે.
વક્ફ સુધારા જેવા કાયદાઓને ગણાવ્યા ‘અન્યાયી’
USCIRFએ વક્ફ કાયદાઓ અને ઉત્તરાખંડના સ્ટેટ ઑથોરિટી ફોર માઈનોરીટી એજ્યુકેશન એક્ટ જેવાં પગલાંને પણ એ રીતે નોંધ્યાં છે જાણે રાજ્યનો દરેક કાયદો સ્વાભાવિક રીતે ધાર્મિક શત્રુતાથી પ્રેરિત હોય. વક્ફ સુધારા પર સરકારનો પક્ષ પારદર્શિતા, સંપત્તિ-વ્યવસ્થાપન, કથિત દુરુપયોગને અટકાવવા અને વિવાદિત દાવાઓના નિરાકરણ પર કેન્દ્રિત હતો.
અને વક્ફ કાયદામાં શું સમસ્યા હતી એ દેશના નાગરિકો સુપેરે જાણે છે, આવી કાયદાકીય અને ન્યાયી બાબતોમાં બીજા દેશનું ડાહપણ સહેજ પણ આવકાર્ય નથી. વક્ફ કાયદાના કારણે હિંદુઓનાં આખેઆખાં ગામો, મંદિરો અને હજારો એકર જમીનો જતી રહી છે અને હવે તેમાં સુધારા કરવામાં આવ્યા, એ પણ બંધારણીય દ્રષ્ટિએ તો અમેરિકી સંસ્થાને તે ‘લઘુમતી સામે અન્યાય’ દેખાઈ આવે છે.
પહલગામ હુમલા બાદ મુસ્લિમો પર વધ્યા હુમલા: રિપોર્ટ
રિપોર્ટ પહેલગામ આતંકી હુમલા પછી કથિત એન્ટી-મુસ્લિમ હુમલાઓની વાત કરે છે, પરંતુ અનેક જગ્યાએ આરોપોનું વર્ણન અસ્પષ્ટ છે, જ્યારે તે જ હુમલામાં હિંદુ પર્યટકોની હત્યા, ઇસ્લામી આતંકવાદ અને ઇસ્લામી કટ્ટરતા હતી, એ આ સંસ્થાને દેખાતું નથી. આતંકવાદના પીડિતોની ધાર્મિક ઓળખ, પસંદગીપૂર્વકની હત્યાઓ અને તે પછીના સુરક્ષા-તણાવને નોંધ્યા વગર માત્ર મુસ્લિમોને કેન્દ્રમાં રાખીને કહી દેવામાં આવ્યું કે પહલગામ હુમલા બાદ ભારતમાં મુસ્લિમો પર ‘ટાર્ગેટેડ હુમલા’ થયા હતા. પણ ક્યાં થયા હતા? કોણે કર્યા હતા? પીડિત કોણ હતું? આ બધુ કહેવાનો સમય નહોતો. હવામાં ગોળીબાર કરીને કોઈપણ ભોગે હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ચાલતો રહેવો જોઈએ.
કોઈપણ અપરાધ કે પ્રતિશોધાત્મક હિંસાની તપાસ થવી જોઈએ અને તેના પર સજા પણ મળવી જોઈએ, પરંતુ રિપોર્ટનો નૈતિક કંપાસ ત્યાં જ સક્રિય થાય છે જ્યાં તેનું સિલેક્ટિવ માળખું ફિટ બેસે છે. પહલગામ હુમલા બાદ સ્વાભાવિક છે કે હિંદુ સમાજમાં આક્રોશ હતો અને હોવો પણ જોઈએ, પરંતુ તેણે સંયમ ગુમાવ્યો નહોતો. કોઈપણ મુસ્લિમ પર માત્ર ‘મુસ્લિમ હોવાના કારણે’ હુમલો કરવામાં આવ્યો હોવાનો એક પણ બનાવ બન્યો નહોતો. તેમ છતાં આ રિપોર્ટમાં કોઈપણ આધાર-પુરાવા વગર ફાંકા મારી દેવામાં આવ્યા છે.
આ જ રિપોર્ટમાં ઇસ્લામી આતંકવાદ વિશે કશું નથી કહેવામાં આવ્યું. જે ઇસ્લામી આતંકીઓએ માત્ર હિંદુ હોવાના કારણે પહલગામમાં 28નો ભોગ લીધો હતો, તેના પર આ સંસ્થા મૌન જાળવી ગઈ. કારણ કે મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું એજન્ડામાં નહોતું. પરંતુ હિંદુઓને કારણ વગર કોઈપણ ઘટના સાથે જોડીને ઘસડી નાખવા એ તેમનો જાણે ‘વિશેષાધિકાર’ છે. આમ તો અમેરિકાના આવા વાહિયાત, અપરિપક્વ અને પાયાવિહોણાં રિપોર્ટની વેલ્યુ ભારતમાં સામાન્ય પસ્તી જેટલી છે, પરંતુ તેમ છતાં કોઈપણ પ્રોપગેન્ડા ફેલાવવા માટે ઘટનાઓને ઉપજાવી કાઢવી ખરેખર નિંદનીય છે.
અહીં એક મોટો પ્રશ્ન એ ઉઠે છે કે આખરે હિંદુ સમાજ, હિંદુ પ્રતીકો અને હિંદુ પીડિતો પર પશ્ચિમી સંસ્થાઓનો સ્વર મંદ કેમ થઈ જાય છે? અમેરિકાની અંદર ટેક્સાસમાં સ્થાપિત એક વિશાળ હનુમાન પ્રતિમા પર જે રીતે ઉપહાસ, રેસિસ્ટ ટિપ્પણીઓ અને અપમાનજનક ભાષા સામે આવી, તેણે એ સમજાવી દીધું હતું કે હિંદુ પ્રતીકો પ્રત્યે અનાદર કોઈ કાલ્પનિક ફરિયાદ નથી. પરંતુ શું આવી ઘટનાઓ USCIRF જેવા મંચો માટે કોઈ ગંભીર ધાર્મિક-સન્માનના પ્રશ્ન તરીકે ઉભરે છે? હિંદુઓના આરાધ્ય દેવનો ઉપહાસ થાય, તેમને ‘થર્ડ વર્લ્ડનો વાંદરો’ કહેવામાં આવે ત્યારે આ અમેરિકી સંસ્થા ક્યાં જતી રહે છે? આ જ એ પશ્ચિમ છે જે ભારતને ધાર્મિક સન્માનનો પાઠ ભણાવતી વખતે પોતાની જમીન પર થતા હિંદુ-વિરોધ, મંદિરો પર હુમલા અથવા પ્રતીકોના અપમાન પર આંખ આડા કાન કરી નાખે છે.
RSS-રૉ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ
હવે આવીએ તે ભાગ પર, જ્યાં આ અહેવાલ માત્ર પક્ષપાતી નથી રહેતો, પરંતુ એક ખુલ્લો રાજકીય દસ્તાવેજ બનીને સામે આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) પર ‘ટાર્ગેટેડ સેન્ક્શન્સ’ લગાવવાની ભલામણ. વિચારો, એક વિદેશી આયોગ ભારતના સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક સંગઠન અને દેશની બાહ્ય ગુપ્ત એજન્સી (જે સીધી દેશની સુરક્ષા રચનાનો ભાગ છે) બંનેને એક જ શ્વાસમાં પ્રતિબંધોના દાયરામાં લાવવાની વાત કરે છે. આ માત્ર ‘ધાર્મિક સ્વતંત્રતા’ પર ચિંતા વ્યક્ત કરવા જેવું નથી, આ સીધું-સીધું ભારતની આંતરિક સંસ્થાઓ અને રણનીતિક માળખાને આંતરરાષ્ટ્રીય દબાણ દ્વારા નિશાન બનાવવાની ભાષા છે.
અને આ જ આ રિપોર્ટની અસલ સમસ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમે જે રીતે RSS અને R&AWને એક જ ફ્રેમમાં મૂકી દીધા, તેનાથી સ્પષ્ટ દેખાય છે કે તેણે સામાજિક-સાંસ્કૃતિક સંગઠનો, રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર અને રાજકીય અસહમતિ, ત્રણેયને એક જ વૈચારિક ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. આ વિશ્લેષણ નથી પરંતુ એક તૈયાર નેરેટિવને સામે કરવાનો પ્રયાસ છે.
હકીકતમાં તો જ્યારે કોઈ વિદેશી આયોગ કોઈ લોકશાહી દેશની સુરક્ષા એજન્સી પર પણ પ્રતિબંધની ભલામણ કરવા લાગે, ત્યારે આ માત્ર માનવ અધિકાર વિમર્શ નથી રહેતો. આ તે દબાણની રાજનીતિનો ભાગ બની જાય છે જેમાં વૈશ્વિક મંચોનો ઉપયોગ કોઈ દેશની નીતિઓ, સંસ્થાઓ અને તેની વૈચારિક ધારાને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવે છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો આ રિપોર્ટ ધાર્મિક સ્વતંત્રતા પર નિષ્પક્ષ આકલન કરતાં ભારત વિરુદ્ધનો એક રાજકીય દસ્તાવેજ વધુ છે—જેમાં આલોચનાની ભાષાની પાછળ એક સ્પષ્ટ વૈચારિક એજન્ડા દેખાઈ આવે છે.
અમેરિકાની એ ભલામણ તો વધુ વિચિત્ર લાગે છે કે ભારત સાથેના વેપાર, સુરક્ષા સહયોગ અને રક્ષા સંબંધોને આ રિપોર્ટના માપદંડ સાથે જોડવામાં આવે. સવાલ એ છે કે શું અમેરિકા ચીન, પાકિસ્તાન, તૂર્કી, કતર અથવા સાઉદી આરબ જેવા દેશો સાથે પણ દર વખતે આ જ નૈતિક શરતો લાગુ કરે છે?
વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો આદર્શવાદનાં ભાષણોથી નથી ચાલતા. તે શક્તિ, રાષ્ટ્રીય હિત, રણનીતિ અને પારસ્પરિક સન્માનના આધારે નક્કી થાય છે. જો અમેરિકા ખરેખર ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે સંપૂર્ણપણે સિદ્ધાંતવાદી હોત તો તેના વૈશ્વિક ગઠબંધન અને તેની પ્રતિક્રિયાઓ આટલી સિલેક્ટિવ દેખાતી ન હોત.
ભારત સાથેની સમસ્યા કદાચ એ છે કે તે હવે માત્ર એક ‘વિકાસશીલ લોકશાહી’ નથી રહ્યું. આજે ભારત એક ઉભરતી મહાશક્તિ છે, એવી શક્તિ જે પશ્ચિમી નેરેટિવ-નિર્માતાઓના ઉપદેશ સાંભળવા અને તે મુજબ ચાલવાની ભૂમિકામાં રહેવા તૈયાર નથી અને કદાચ આ જ વાત કેટલાક લોકોને, કેટલીક સંસ્થાઓને અને કેટલાક દેશોને સૌથી વધુ અસહજ પણ કરે છે.
ભારતનું મૂલ્યાંકન કરનારું અમેરિકા કોણ?
આ આખા વિવાદમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતને એ માનવાની કોઈ ફરજ નથી કે કોઈ અમેરિકી આયોગ (જે વારંવાર એક નક્કી વૈચારિક ફ્રેમમાં ભારતને રજૂ કરે છે) આપણી જટિલ સામાજિક વાસ્તવિકતાઓ, ન્યાયિક માળખા, સીમા-સુરક્ષાના પડકારો અને કાયદાઓનો અંતિમ નિર્ણાયક બની જાય. અમેરિકાના આ રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો તેમાં સૌથી સ્પષ્ટ બાબત ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની નિષ્પક્ષ ચિંતા નથી, પરંતુ ભારતની લોકશાહી જટિલતાઓને એક રાજકીય આરોપપત્રમાં ફેરવી દેવાની જૂની અને જાણીતી પશ્ચિમી પ્રવૃત્તિ દેખાય છે.
મહારાષ્ટ્રની ઘટના હોય, એન્ટી-કન્વર્ઝન કાયદાઓનો મુદ્દો હોય, રોહિંગ્યા અને ઘૂસણખોરીનો પ્રશ્ન હોય, વક્ફ સાથે જોડાયેલા સુધારા હોય કે હિંદુ સંગઠનોનું ચિત્રણ—લગભગ દરેક જગ્યાએ રિપોર્ટમાં તે જ ઉદાહરણો પસંદ કરવામાં આવ્યાં છે જે તેના અગાઉથી પૂર્વગ્રહના કારણે નક્કી કરેલા નિષ્કર્ષને મજબૂત કરે. જે તથ્યો તસવીરને જટિલ અથવા બહુસ્તરીય બનાવી શકે તેને કાં હાશિયે મૂકી દેવામાં આવ્યાં છે અથવા તો બિલકુલ ઉલ્લેખથી બહાર રાખવામાં આવ્યાં છે. ખરેખર તો આ જ પ્રોપેગેન્ડાની સૌથી વધુ ઘાતક શૈલી છે—અર્ધસત્ય, પૂરા આરોપ, પ્રોપગેન્ડા અને અંતે દંડાત્મક ભલામણો.
હવે ભારતે એ પણ એટલી જ સ્પષ્ટતાથી કહેવું જોઈએ કે પસંદગીપૂર્વકની ઘટનાઓ, અડધા સંદર્ભો અને વૈચારિક ભાષાથી બનેલા અમેરિકી ચોપાનિયાં ભારતને ન તો નૈતિક રીતે શરમાવી શકે છે, ન તો રણનીતિક રીતે ઝુકાવી શકે છે. જે દેશ પોતે ઘૂસણખોરી, વંશ, ધાર્મિક ઘૃણા, વિદેશી હસ્તક્ષેપ અને બેવડા વલણોથી મુક્ત નથી, તે ભારતને સભ્યતા, સહિષ્ણુતા અને સાર્વભૌમત્વનું પ્રમાણપત્ર વહેંચવાની સ્થિતિમાં નથી. ભારત પર નિર્ણય ભારતની જનતા, ભારતનું બંધારણ, ભારતની અદાલતો અને ભારતની લોકશાહી સંસ્થાઓ કરશે, અમેરિકા કે ફોર ધેટ મેટર બીજાં બાહ્ય પરિબળોનો કોઈ અધિકાર બનતો નથી.


