હોમપેજદુનિયાસીનેટમાંથી પસાર ન થઈ શક્યું બિલ તો ટ્રમ્પ સરકાર થઈ ‘શટડાઉન’: શું...

સીનેટમાંથી પસાર ન થઈ શક્યું બિલ તો ટ્રમ્પ સરકાર થઈ ‘શટડાઉન’: શું છે તેનો અર્થ, અમેરિકામાં શું અસરો થશે?

સ્ટોપગેપ ફન્ડિંગ પણ જ્યારે રદ થઈ જાય ત્યારે સરકાર શટડાઉન કરવી પડે છે. 1 ઑક્ટોબરની મધ્યરાત્રિથી આ લાગુ થાય છે. અમેરિકામાં સાત વર્ષ પછી આમ થયું છે. ટ્રમ્પ પ્રશાસનના પ્રથમ કાર્યકાળમાં 2018માં થયું હતું અને 35 દિવસ સુધી શટડાઉન રહ્યું હતું. 

- Advertisement -

દુનિયા આખીની બાબતોમાં ચંચૂપાત કરતા રહેતા સ્વઘોષિત જગતજમાદાર અમેરિકાના ઘરમાં જ એક નવી સમસ્યાએ માથું ઊંચક્યું છે. યુએસ (US) કોંગ્રેસમાં વાર્ષિક ભંડોળ માટેનું બિલ પાસ ન થઈ શકતાં હવે ‘ગવર્નમેન્ટ શટડાઉન’ કરવાની ફરજ પડી છે. 1 ઑક્ટોબરની મધ્ય રાત્રિથી શટડાઉન અમલમાં આવ્યું છે. 

શબ્દો એવા છે કે એવી ગેરસમજ થઈ શકે કે અમેરિકા ઠપ થઈ જશે કે બજારો બંધ થઈ જશે. પરંતુ આનો અર્થ થોડો જુદો છે. એવું પણ નથી કે પ્રથમ વખત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમિયાન એક વખત 35 દિવસ માટે આ સ્થિતિ રહી છે. આ વખતે જોકે પ્રથમ વખત બન્યું છે. થોડું વિગતવાર સમજીએ. 

પૃષ્ઠભૂમિ: અમેરિકામાં સરકાર કઈ રીતે કરે છે ખર્ચ, ભારતના બજેટથી વ્યવસ્થા કેટલી અલગ?

ભારતમાં નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ સુધી ચાલે છે. અમેરિકામાં આ નાણાકીય વર્ષ ઑક્ટોબરથી સપ્ટેમ્બર હોય છે. પહેલી ઑક્ટોબરે શરૂ થયેલું નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થાય છે. ભારતની જેમ જ અમેરિકામાં પણ બજેટ બને છે. જોકે ભારતમાં બજેટ એક સંયુક્ત માળખામાં રજૂ થાય છે, અમેરિકામાં કુલ 12 અલગ-અલગ બિલ રજૂ કરવામાં આવે છે, જે અલગ-અલગ ક્ષેત્રો માટે હોય છે. 

- Advertisement -

30 સપ્ટેમ્બર પહેલાં અમેરિકાના પ્રશાસને દર વર્ષે આ બિલ યુએસ કોંગ્રેસમાંથી પસાર કરાવવાં પડે છે. તમામ બિલ કોંગ્રેસ બહુમતીથી પસાર કરે અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે પછી અમલમાં આવે છે અને નવા નાણાકીય વર્ષ માટે ભંડોળ ફાળવવામાં આવે છે. 

ભારતમાં બજેટ પાસ ન થાય એવું આજ સુધી ક્યારેય બન્યું નથી. કારણ એ છે કે સરકાર બહુમતીમાં હોય છે. (તો જ સરકાર ટકેલી રહે.) જો બજેટ પસાર ન થાય તો તેનો સીધો અર્થ એ થાય કે સરકાર અલ્પમતમાં છે. જો તેમ હોય તો નો કોન્ફિડન્સ મોશનથી હટાવવી પડે. એટલે તકનીકી રીતે એ શક્ય નથી કે બજેટ પસાર ન થાય. પણ અમેરિકામાં એવું થઈ શકે છે, કારણ કે ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે. તેમની ચૂંટણી કોંગ્રેસથી અલગ થાય છે. (જ્યારે ભારતમાં વડા પ્રધાન સંસદનો જ ભાગ છે.) એટલે બંને ગૃહ બિલ પસાર કરે અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે તો જ કામ આગળ ચાલે છે અને કોંગ્રેસમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ એમ બંને પાર્ટીનું વર્ચસ્વ હોય છે. 

30 સપ્ટેમ્બરની ડેડલાઈન પહેલાં પસાર ન થયાં બિલ

અમેરિકામાં આ વખતે 12 બજેટ બિલ 30 સપ્ટેમ્બરની ડેડલાઈન પહેલાં પસાર થઈ શક્યાં નહીં, કારણ કે ડેમોક્રેટ્સ અમુક બાબતો પર વાંધો ઉઠાવી રહ્યા છે. સ્વાસ્થ્ય, ટેક્સ જેવા અમુક મુદ્દાઓ પર તેઓ સહમત નથી અને ઇચ્છે છે કે ટ્રમ્પ પ્રશાસન પુનઃવિચાર કરે. એક એફોર્ડેબલ કેર એક્ટ પર વિખવાદ સર્જાયો છે, જેના હેઠળ અમુક લોકોને હેલ્થ ઈન્સ્યોરન્સ પર ટેક્સ ક્રેડિટ/સબસિડી મળે છે. આ જોગવાઈ રદ થવા પર છે, જેને ચાલુ રાખવાની માગ થઈ રહી છે. નવા બિલમાં મેડિકેડ પર (જેમાં ગરીબોને હેલ્થ ઇન્સ્યોરન્સ અપાય છે) પણ કાપ મૂકી રહી છે, જેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સહમતી બની રહી નથી. 

વચ્ચેનો માર્ગ પણ નિષ્ફળ

જો 30 સપ્ટેમ્બર પહેલાં સરકાર કોંગ્રેસમાંથી બિલ પસાર ન કરાવી શકે તો એક વચ્ચેનો માર્ગ એ રહે છે કે સ્ટોપગેપ ફન્ડિંગ બિલ રજૂ કરવામાં આવે. તેમાં જોગવાઈ એ રાખવામાં આવે છે કે જ્યાં સુધી મુખ્ય 12 બિલ પર બંને પાર્ટીઓની સહમતિ ન બને અને કોંગ્રેસમાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી આગલા વર્ષની જોગવાઈઓ પ્રમાણે જ સરકારને ભંડોળ વાપરવાની સત્તા આપવામાં આવે. આને ભારતમાં ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવતા વચગાળાના બજેટ તરીકે જોઈ શકાય, જેમાં નવું કશું ઉમેરાતું નથી, માત્ર ગત વર્ષના માળખા પર કામ હંગામી ધોરણે ચાલુ રાખવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના સ્ટોપગેપ ફન્ડિંગ બિલમાં 7 સપ્તાહ સુધી આગલા વર્ષની જોગવાઈઓ પ્રમાણે જ ભંડોળ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેથી ત્યાં સુધીમાં મુખ્ય બિલ પર બંને પક્ષો સહમતી પર આવી જાય અને સરકારનું કામ ન અટકે. 

પરંતુ સમસ્યા એ આવી કે આ સ્ટોપગેપ ફન્ડિંગ બિલ અમેરિકન સંસદના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી તો પસાર થઈ ગયું, પરંતુ સીનેટમાંથી પસાર થઈ શક્યું નહીં. અહીં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ બિલની વિરુદ્ધ મતદાન કરાવીને રદ કરાવી દીધું. આમ તો સીનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે, પરંતુ બિલ પાસ કરાવવા માટે જરૂરી મતો (60) તેમની પાસે પણ નથી. રિપબ્લિકન પાસે 53 બેઠકો છે, પણ બિલ પસાર કરવા માટે 60 મતની જરૂર પડે છે. જેથી અમુક ડેમોક્રેટ્સનું જ્યાં સુધી સમર્થન ન મળે ત્યાં સુધી બિલ આગળ વધી શકતું નથી. 

સ્ટોપગેપ ફન્ડિંગ પણ જ્યારે રદ થઈ જાય ત્યારે સરકાર શટડાઉન કરવી પડે છે. 1 ઑક્ટોબરની મધ્યરાત્રિથી આ લાગુ થાય છે. અમેરિકામાં સાત વર્ષ પછી આમ થયું છે. ટ્રમ્પ પ્રશાસનના પ્રથમ કાર્યકાળમાં 2018માં થયું હતું અને 35 દિવસ સુધી શટડાઉન રહ્યું હતું. 

શટડાઉન એટલે શું? 

અમેરિકાની સરકાર કોંગ્રેસની મંજૂરી વગર ભંડોળનો ખર્ચ કરી શકતી નથી. આ મંજૂરી મળે છે અગાઉ ચર્ચા કરી તેમ બજેટ બિલ કે તે ન પસાર થઈ શકે તો સ્ટોપગેપ બિલથી. 30 સપ્ટેમ્બર સુધીમાં બંને પસાર ન થઈ શકે તો 1 ઑક્ટોબરથી શટડાઉન લાગુ થાય છે. અર્થાત્, સરકાર પાસે હવે પૈસા ખર્ચવા માટે કોઈ સત્તા નથી. આને ‘ગવર્નમેન્ટ શટડાઉન’ કહે છે. 

શટડાઉન દરમિયાન અમુક નોન એસેન્શિયલ સરકારી સેવાઓ ઠપ થઈ જાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો નેશનલ પાર્ક, મ્યુઝિયમ અમુક ફેડરલ ઑફિસ વગેરેને તાળાં લાગી જાય છે. આ વિસ્તારોના ફેડરલ કર્મચારીઓને ઘરે બેસાડી દેવામાં આવે છે અને વેતન ચૂકવવામાં આવતાં નથી. 

એસેન્શિયલ સેવાઓને શટડાઉનની કોઈ અસર થતી નથી. એટલે કે સેના, સરહદ પર થતી ગતિવિધિઓ, એર ટ્રાફિક કન્ટ્રોલ, કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓ, ઇમરજન્સી હેલ્થકેર– આ તમામ બાકાત રહે છે. તે યથાવત જ રહે છે અને રાબેતા મુજબ જ ચાલે છે. પણ તેના કર્મચારીઓએ ત્યાં સુધી વગર વેતને કામ કરવું પડે છે, જ્યાં સુધી કોંગ્રેસમાં પેલું બિલનું કોકડું ન ગૂંચવાય. 

અન્ય અમુક અસરો પડે છે, જેમકે પાસપોર્ટ સેવાઓ ધીમી થઈ જાય છે. ફેડરલ લોન, પરમિટ વગેરેમાં વિલંબનો સામનો કરવો પડે છે. અમુક અન્ય સેવાઓ પર પણ અસર પડી શકે. કારણ કે અમુકમાં સ્ટાફ ઘટાડી દેવામાં આવે તો અમુકમાં ભંડોળની સમસ્યા વેઠવી પડે છે. વેતન ન મળવાના કારણે ખર્ચ પણ ઘટે છે, જેથી અર્થવ્યવસ્થાને પણ અસર થાય છે. સ્ટોક માર્કેટ પર પણ અસર જોવા મળે એ અલગ. જે સરકારી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેમને પણ પેમેન્ટ આટલા સમય દરમિયાન મળતું નથી. 

આ વખતે શટડાઉનમાં ફેર એ છે કે વ્હાઉટ હાઉસે એજન્સીઓને કર્મચારીઓના પરમેનન્ટ લેઑફ માટે જણાવ્યું છે. ભૂતકાળમાં કર્મચારીઓને થોડા સમય માટે ઘરે બેસાડીને બિલ પસાર થાય એટલે ફરીથી વેતનની ભરપાઈ કરીને નોકરીએ લઈ લેવામાં આવતા હતા. આ વખતે કાયમી ધોરણે છૂટા કરવામાં આવ્યા તો ઘણા નોકરી ગુમાવશે. 

સામાન્ય રીતે આવાં શટડાઉન થોડા દિવસો માટે કે મહિનાઓ માટે ચાલે છે. જેટલું વહેલું પૂર્ણવિરામ મૂકાય એટલે દેશના અર્થતંત્રને ફાયદો પહોંચે, કારણ કે લાંબા ગાળે નુકસાન પણ વધતું રહે છે. જ્યાં સુધી બિલ પસાર ન થાય ત્યાં સુધી શટડાઉન રહે છે. આ વખતે વ્હાઇટ હાઉસ શટડાઉન માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવી રહ્યું છે. ડેમોક્રેટ્સ કહી રહ્યા છે કે અમુક બાબતોમાં તેઓ સરકારને ફ્રી પાસ આપવાના મૂડમાં નથી. બંનેમાંથી એક નમતું મૂકે તો જ આ શટડાઉનનો અંત આવશે. ત્યાં સુધી દુનિયાનો ભાર માથે ઊંચકતું જગત જમાદાર પોતાને ત્યાં નુકસાન વેઠતું રહેશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં