Monday, April 21, 2025
More
    હોમપેજરાજકારણ'અમેરિકાના 8મા ધોરણના 70% વિદ્યાર્થીઓને સરખું વાંચતા પણ નથી આવડતું': નિષ્ફળ નીવડેલા...

    ‘અમેરિકાના 8મા ધોરણના 70% વિદ્યાર્થીઓને સરખું વાંચતા પણ નથી આવડતું’: નિષ્ફળ નીવડેલા ‘શિક્ષણ વિભાગ’ને ટ્રમ્પે માર્યું તાળું, અહીં સમજો તેનાં કારણો અને અસરો

    શિક્ષણ વિભાગને બંધ કરવા માટે ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરી જરૂરી છે, કારણ કે તે એક સંસ્થાકીય એજન્સી છે. ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકન પણ આનો વિરોધ કરી શકે છે, જેનાથી આ પ્રસ્તાવને કાયદામાં રૂપાંતરિત કરવો મુશ્કેલ બની શકે છે.

    - Advertisement -

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજી વખત શપથ ગ્રહણ કર્યા પછી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. જ્યારે તે ચૂંટણી દરમિયાન પ્રચાર કરી રહ્યા હતા તે સમય દરમિયાન પણ તેમણે ઘણા વિભાગો બંધ કરવાની કે ત્યાં સ્ટાફ ઓછો કરવાની વાત કહી હતી. ત્યારે હવે તે આ બાબતોનું અમલીકરણ કરતા દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ શિક્ષણ વિભાગને (Education Department Elimination) બંધ કરવાનો નિર્ણય લીધો છે.

    ટ્રમ્પના શાસન હેઠળ ફેડરલ વિભાગોમાં કર્મચારીઓ પરનો ખર્ચ સતત ઘટાડવામાં આવી રહ્યો છે. ઘણા વિભાગોમાંથી સ્ટાફને દૂર કરવામાં આવ્યો છે અથવા તો તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ ઘણા વિભાગો બંધ થઈ રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સનો શિક્ષણ વિભાગ પણ આમાંનો એક છે. અત્યાર સુધી આ વિભાગ શાળાઓ અને કોલેજોના ભંડોળનું ધ્યાન રાખતો હતો. જેને બંધ કરવાનો પ્રસ્તાવ ડોનાલ્ડ ટ્રમ્પે મૂક્યો છે. ત્યારે આ વિભાગ બંધ કરવાના કારણો અને તેની અસરો પર પ્રકાશ પાડીએ.

    ફેડરલ સરકારનું નિયંત્રણ ઘટાડવાની નીતિ

    ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન સમર્થકો લાંબા સમયથી માને છે કે શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ફેડરલ સરકારનું નિયંત્રણ ઘટાડીને રાજ્યો અને સ્થાનિક સમુદાયોને વધુ સત્તા આપવી જોઈએ. તેમનું માનવું છે કે 1979માં સ્થપાયેલો શિક્ષણ વિભાગ એક બિનજરૂરી નોકરશાહી સંસ્થા છે, જે રાજ્યોની સ્વતંત્રતા પર અંકુશ લગાવે છે. ટ્રમ્પે આ વિભાગને ‘અતિશય નિયંત્રણકારી’ ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે તે સ્થાનિક જરૂરિયાતોને સમજવામાં નિષ્ફળ રહ્યો છે.

    - Advertisement -

    શિક્ષણનાં પરિણામોમાં સુધારો ન થવો

    ટ્રમ્પ અને તેમના સમર્થકોની દલીલ છે કે શિક્ષણ વિભાગના અરબો ડોલરના બજેટ છતાં અમેરિકન વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો નથી. વર્ષ 2024માં પણ શિક્ષણ વિભાગને $238 બિલિયન આશરે ₹20 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. ટ્રમ્પનું કહેવું છે કે આટલા ખર્ચા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને વાંચનમાં અન્ય વિકસિત દેશોની સરખામણીમાં પાછળ રહે છે. આનો દોષ તેઓ વિભાગની નીતિઓ અને નોકરશાહીને આપે છે, જે શિક્ષણને સુધારવાને બદલે જટિલ બનાવે છે.

    ટ્રમ્પે શિક્ષણ વિભાગને ‘વધતા જતા વોક એજન્ડાનો ગઢ’ ગણાવ્યો છે, જે તેમના મતે ઉદારવાદી નીતિઓ અને પાઠ્યક્રમોને પ્રોત્સાહન આપે છે, જેમ કે વિવાદાસ્પદ ‘ક્રિટિકલ રેસ થિયરી’ અથવા LGBTQને સમર્થન વગેરે. તેમનો દાવો છે કે આ વિભાગ રૂઢિચુસ્ત મૂલ્યો જેમ કે પરંપરાગત શિક્ષણ, દેશભક્તિ અને માતા-પિતાના અધિકારોને નજરઅંદાજ કરે છે.

    ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતા

    શિક્ષણ વિભાગનું વાર્ષિક બજેટ લગભગ $80 અબજ ડોલરની આસપાસ છે, ટ્રમ્પનું કહેવું છે કે આ નાણાં રાજ્યોને સીધા આપવાથી વધુ સારાં પરિણામો મળી શકે છે. તેમનું ધ્યેય સરકારી ખર્ચ ઘટાડવાનું અને નાણાંનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રીતે કરવાનું છે, જે તેમના આર્થિક એજન્ડાનો એક ભાગ છે.

    ટ્રમ્પના મતદારો, ખાસ કરીને રૂઢિચુસ્ત અને લિબર્ટેરિયન સમર્થકો, લાંબા સમયથી શિક્ષણ વિભાગને બંધ કરવાનું કહી રહ્યા છે. આ પ્રસ્તાવ તેમના માટે એક રાજકીય જીત તરીકે જોવામાં આવે છે, જે ટ્રમ્પની નીતિને પ્રતિબિંબિત કરે છે. શિક્ષણ વિભાગને બંધ કરવાથી અમેરિકન શિક્ષણ વ્યવસ્થા પર ઊંડી અને બહુપક્ષીય અસરો થઈ શકે છે. આ અસરો સકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે.

    આ નિર્ણયની સંભવિત સકારાત્મક અસરો

    રાજ્યો અને સ્થાનિક શાળા બોર્ડને પોતાના પાઠ્યક્રમો, શિક્ષણ પદ્ધતિઓ અને નાણાંના ઉપયોગ પર વધુ નિયંત્રણ મળશે. આનાથી સ્થાનિક જરૂરિયાતો અને સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ આપવાની તક મળી શકે છે. ફેડરલ નિયમો અને પાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી શાળાઓને નાણાં સીધા શિક્ષણ પર ખર્ચવાની સુગમતા મળશે. આનાથી શિક્ષકો અને વહીવટીતંત્ર પરનું દબાણ ઘટી શકે છે. ફેડરલ ભંડોળની ગેરહાજરીમાં, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સંસ્થાઓ શિક્ષણમાં વધુ રોકાણ કરી શકે છે, જેનાથી સ્પર્ધા અને નવીનતા વધી શકે છે.

    નકારાત્મક અસરો

    ફેડરલ ભંડોળ ગરીબ અને ગ્રામીણ વિસ્તારોની શાળાઓ માટે મહત્વનું છે. આ ભંડોળ દૂર થવાથી કેલિફોર્નિયા જેવા ધનિક રાજ્યો અને મિસિસિપી જેવા ગરીબ રાજ્યો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત સર્જાઈ શકે છે. શિક્ષણ વિભાગ ‘ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ડિસેબિલિટીઝ એજ્યુકેશન એક્ટ’ 9+ (IDEA) જેવા કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરે છે. આ વિભાગ વગર ઓછા સંસાધનવાળા રાજ્યોમાં વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની સેવાઓ અને સમર્થન ઘટી શકે છે.

    વિભાગ ફેડરલ વિદ્યાર્થી લોન અને પેલ ગ્રાન્ટ્સ જેવા કાર્યક્રમોનું સંચાલન કરે છે. આના નાબૂદ થવાથી લાખો વિદ્યાર્થીઓ માટે કોલેજ શિક્ષણ અગમ્ય અથવા મોંઘું બની શકે છે, જેનાથી લાંબા ગાળે શ્રમબળની કુશળતા પર અસર પડશે. ફેડરલ નિરીક્ષણ વિના, શિક્ષણના ધોરણો અને મૂલ્યાંકનમાં એકરૂપતા ઘટશે. આનાથી વિદ્યાર્થીઓની સરખામણી અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકતા જાળવવી મુશ્કેલ બની શકે છે. રાજ્યો પાસે આટલી મોટી જવાબદારી સંભાળવા માટે પૂરતા સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે આ યોજનાને જોખમમાં મૂકી શકે છે.

    વિભાગ બંધ કરવાની પ્રક્રિયા

    શિક્ષણ વિભાગને બંધ કરવા માટે ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરી જરૂરી છે, કારણ કે તે એક સંસ્થાકીય એજન્સી છે. ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકન પણ આનો વિરોધ કરી શકે છે, જેનાથી આ પ્રસ્તાવને કાયદામાં રૂપાંતરિત કરવો મુશ્કેલ બની શકે છે.

    નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના આદેશ પછી શિક્ષણ વિભાગ બંધ કરવો મુશ્કેલ છે. હકીકતમાં આને રોકવા માટે યુએસ સેનેટમાં 60 મતોની જરૂર પડશે, પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે ફક્ત 53 બેઠકો છે. ટ્રમ્પને 7 ડેમોક્રેટિક સાંસદોના મતોની જરૂર છે, જે રાજકીય રીતે અશક્ય છે. ગત વર્ષે પણ શિક્ષણ વિભાગને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને બીજા બિલમાં સુધારા તરીકે ઉમેરવામાં આવ્યું હતું, પરંતુ તે પસાર થઈ શક્યું નહીં કારણ કે ગૃહમાં બધા ડેમોક્રેટ્સ સાથે 60 રિપબ્લિકનોએ પણ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

    ડોનાલ્ડ ટ્રમ્પનો શિક્ષણ વિભાગ બંધ કરવાનો નિર્ણય તેમની નાની સરકાર અને સ્થાનિક નિયંત્રણની ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. જોકે, તેનાથી શિક્ષણની ગુણવત્તા, સુલભતા અને સમાનતા પર ઊંડી અસર થઈ શકે છે. આ ફેરફારની સફળતા રાજ્યોની તૈયારી, નાણાંના વિતરણ અને રાજકીય સમર્થન પર નિર્ભર રહેશે. હાલમાં આ વિષય પર શિક્ષણ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે તીવ્ર ચર્ચા ચાલી રહી છે, જે અમેરિકન શિક્ષણના ભવિષ્યને આકાર આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં