પબ્લિક સર્વન્ટ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા પહેલાં સરકારની પૂર્વમંજૂરી ફરજિયાત કરતી કલમ 17A પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે વિભાજિત નિર્ણય સંભળાવ્યો છે. બંને જજો એકમત થઈ શક્યા નહીં અને એકે જોગવાઈ યથાવત રાખી છે તો બીજાએ તેને રદ કરવાની તરફેણમાં નિર્ણય આપ્યો છે.
મામલો જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ કે. વી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ હતો. બેન્ચે મંગળવારે (13 જાન્યુઆરી) નિર્ણય સંભળાવ્યો. બંને જજોના મત અલગ હતા. જસ્ટિસ નાગરત્નાએ કલમ 17A ગેરબંધારણીય ઠેરવીને રદ કરવાનું સમર્થન કર્યું. જ્યારે જસ્ટિસ વિશ્વનાથને અમુક સુધારા સૂચવીને તેની બંધારણીયતા યથાવત રાખી છે.
બંને જજોના જુદા-જુદા નિર્ણયને જોતાં હવે મામલો નિયમાનુસાર મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ જશે.
શું છે આ જોગવાઈ અને જજોએ શું કહ્યું, વિગતે ચકાસીએ.
જે જોગવાઈને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો તે છે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 17A. વર્ષ 2018માં એક સુધારો કરીને આ કલમ ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ તેને એક જાહેરહિતની અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી.
આ જોગવાઈ શું કહે છે?
પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 17A કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારીએ જો કોઈ પબ્લિક સર્વન્ટ સામે તેણે ફરજ દરમિયાન લીધેલા કોઈ નિર્ણય કે ભલામણ સામે તપાસ કરવી હોય તો પહેલાં જે-તે રાજ્ય કે કેન્દ્ર સરકારની પરવાનગી ફરજિયાત છે. એટલે સરકારની મંજૂરી વગર તપાસ થઈ શકે નહીં.
કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો પરવાનગી કેન્દ્ર પાસેથી, રાજ્ય સરકારના કર્મચારી સામે તપાસ કરવા પરવાનગી રાજ્ય સરકાર પાસેથી લેવી પડે એવી જોગવાઈ કરવામાં આવી છે.
જોકે આમાં એ જોગવાઈ પણ છે કે જો કોઈ અધિકારી ઓન ધ સ્પોટ લાંચ-રૂશ્વત લેતો કે ગેરકાયદેસર નાણાકીય લાભો મેળવતો પકડાઈ જાય કે તેની ધરપકડ થાય તો આવી કોઈ પણ પ્રકારની પૂર્વમંજૂરીની જરૂર નહીં પડે. બીજું, આ મંજૂરી આપવી કે નહીં તે નિર્ણય લેવા માટે જે-તે સરકાર પાસે ત્રણ મહિનાનો સમય હોય છે. અમુક કિસ્સાઓમાં લેખિતમાં જાણ કરીને એક મહિના માટે વધારી શકાય.
કાયદામાં કલમની જોગવાઈ એટલા માટે કરવામાં આવી હતી જેથી સરકારી અધિકારીઓ/કર્મચારીને ખોટી હેરાનગતિ ન થાય અને ખોટા કેસોમાં તેમનો અને ન્યાયતંત્રનો સમય ન બગડે. જોકે મર્યાદા એ પણ છે કે સાચા ભ્રષ્ટાચારના કેસોમાં પણ તપાસ લંબાતી રહે છે.
આ મામલો પછીથી સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી અને બંનેએ જુદા-જુદા નિર્ણય આપ્યા છે.
જસ્ટિસ નાગરત્નાએ આ કલમને ગેરબંધારણીય ગણાવીને કહ્યું કે તે ‘ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપવાનું’ કામ કરે છે.
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, “કલમ 17A ગેરબંધારણીય છે અને રદ જ થવી જોઈએ. આમાં કોઈ પૂર્વમંજૂરીની જરૂરિયાત જણાતી નથી. આ બીજું કંઈ નહીં પણ અગાઉ સુપ્રીમ કોર્ટ અમુક ચુકાદાઓમાં નકારી ચૂકી છે એ જ બાબતોને પુનઃ સજીવન કરવાના પ્રયાસો છે. પૂર્વમંજૂરીની જોગવાઈ એ આ કાયદાના મૂળ હેતુથી જ વિપરીત છે અને તેના કારણે તપાસ રોકાતી રહે છે અને ભ્રષ્ટ લોકોને રક્ષણ મળતું રહે છે.”
તેમણે ઉમેર્યું કે જો કોઈ ફાલતુ અને ખોટી ફરિયાદો થશે તો એક્ટની કલમ 19 હેઠળ (જેમાં પબ્લિક સર્વન્ટ સામે કોર્ટમાં કેસ ચલાવવા પહેલાં સરકારની મંજૂરી અનિવાર્ય હોય છે) આપોઆપ રદ થઈ જશે, પણ તપાસ જ રોકી દેવી એ અયોગ્ય છે.
‘સાવ રદ ન કરી શકાય, સંતુલન સાધવું જરૂરી’
જસ્ટિસ વિશ્વનાથને બીજી તરફ નોંધ્યું કે કલમને સદંતર રદ કરી દેવી એ શક્ય નથી અને જો ઈમાનદાર અધિકારીઓને કોઈ પ્રકારનું રક્ષણ આપવામાં નહીં આવે તો પોલિસી પેરાલિસિસની સમસ્યા આવશે અને સરકારી કામકાજને અસર પડશે. જેથી બંને વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે. અધિકારીઓને ખોટા કેસોથી રક્ષણ આપવું પણ જરૂરી છે અને સરકારી કામકાજમાં પવિત્રતા જળવાય રહે (ભ્રષ્ટાચાર ન થાય) એ પણ જરૂરી છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે જો 17A રદ કરી દેવામાં આવે તો જે ફરિયાદો લોકપાલ થકી પહોંચે તેની તપાસ થશે પણ પોલીસ થકી થતી ફરિયાદો પર કોઈ તપાસ નહીં થાય. જેનાથી દ્વિભાજન અને માળખાકીય અસંતુલનની પરિસ્થિતિ સર્જાશે. તેમણે કહ્યું કે ઉપચાર કરવા જતાં રોગ કરતાં વધુ નુકસાન થાય એવું ન કરી શકાય.
તેમણે વચ્ચેનો માર્ગ સૂચવતાં કહ્યું કે આવી ફરિયાદોને લોકપાલ સમક્ષ મોકલવી જોઈએ, જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે અને લોકપાલના નિર્ણય બાદ આગળ વધવું જોઈએ.
કોર્ટમાં અરજદારો તરફથી વકીલ પ્રશાંત ભૂષણ જ્યારે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બંને જજોએ અલગ-અલગ નિર્ણયો સંભળાવતાં હવે મામલો મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ જશે.


