હોમપેજસ્પેશ્યલકોઈએ ધર્માંતરણથી જનજાતિઓને બચાવી, કોઈએ નક્સલી વિસ્તારમાં કર્યો સેવાયજ્ઞ: મોદી સરકારમાં છેવાડાના...

કોઈએ ધર્માંતરણથી જનજાતિઓને બચાવી, કોઈએ નક્સલી વિસ્તારમાં કર્યો સેવાયજ્ઞ: મોદી સરકારમાં છેવાડાના માણસ સુધી પહોંચ્યા પદ્મ પુરસ્કાર

આ વખતે પણ યાદીમાં એવાં અજાણ્યાં નામોને ફરીથી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમની ગાથા અને સંઘર્ષને ભલે સ્થાનિક સ્તરે માન્યતા મળી હોય પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેમના નામની ભાગ્યે જ કોઈને જાણ હશે.

- Advertisement -

ભારત માત્ર ભૂગોળ નહીં પરંતુ એક જીવંત લોકશાહી વિચાર છે, જ્યાં સત્તાનો સ્ત્રોત ‘અમે ભારતના લોકો’માં વસે છે. આપણા બંધારણનાં આમુખમાં આ વિચાર સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે. છતાં લાંબા સમય સુધી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો થોડાં પસંદગીના અને પ્રભાવશાળી વર્ગો સુધી જ સીમિત રહ્યા, જેના કારણે સમાજમાં નિઃસ્વાર્થ રીતે સેવા કરતા હજારો અજાણ્યા નાયકો અદૃશ્ય રહી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ માનસિકતા તૂટી છે અને પદ્મ પુરસ્કારો હવે ખરેખર ‘લોકોનો પુરસ્કાર’ બનીને દેશના છેવાડાના, મૌન રહીને કામ કરનારા સાચા કર્મયોગીઓની ઓળખ આપતા થયા છે.

આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોની યાદી જોતાં ઘણા એવા અજ્ઞાત નામો સામે આવ્યા છે, જેને ન તો આજનો સમાજ ઓળખે છે અને ન તેમના કાર્ય સાથે તેનો સંબંધ છે. પરંતુ, આવા છેવાડાના લોકોની રાષ્ટ્રસેવાને મોદી સરકારે ઓળખી છે અને તેનું સન્માન પણ આપ્યું છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત થઈ છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નામો પર પોતાની ઔપચારિક મહોર પણ મારી દીધી છે. આ તે ક્ષણ છે જ્યારે દેશ તે લોકોને યાદ કરે છે જેમણે મૌન રહીને પોતાના કામથી ભારતને વધુ ઉન્નત બનાવ્યું છે. 

આ વખતે પદ્મ પુરસ્કારો માટે દેશ-વિદેશમાંથી 39 હજારથી વધુ નામાંકન આવ્યાં હતાં. આ હજારો નામોમાંથી વાસ્તવિક નાયકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 લોકોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મ શ્રી આપવામાં આવી રહ્યાં છે. દર વર્ષે આ સન્માન રમતગમત, અભિનય, સંગીત, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા અને અન્ય ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે આપવામાં આવે છે.

- Advertisement -

આ 131 નામોની પાછળ માત્ર ઉપલબ્ધિઓ જ નહીં, પરંતુ સંઘર્ષ, મહેનત અને સતત સમાજ માટે કંઈક કરી ગુજરવાની ભાવના છુપાયેલી છે. આ વખતની યાદીમાં મોટી સંખ્યામાં જમીની સ્તરે કામ કરનારા ગુમનામ લોકોના નામ પણ સામેલ છે. આ લોકોના યોગદાન વિશે જાણવું જરૂરી છે.

કર્ણાટકમાં નિઃશુલ્ક લાઇબ્રેરી ચલાવી રહ્યા છે અંકે ગૌડા

કર્ણાટકના મંડ્યા જિલ્લાના હરલાહલ્લી ગામના રહેવાસી અંકે ગૌડાએ પોતાની આખી જિંદગી પુસ્તકોને લોકો સુધી પહોંચાડવામાં લગાવી દીધી છે. ગૌડા વ્યવસાયે બસ કંડક્ટર હતા અને પછી લગભગ 30 વર્ષ સુગર ફેક્ટરીમાં કામ કર્યું હતું. તેમની આવક ખૂબ જ મર્યાદિત હતી, પરંતુ તેમણે પોતાની કમાણીનો મોટો ભાગ પુસ્તકો ખરીદવામાં લગાવી દીધો.

આજે તેમની બનાવેલી નિઃશુલ્ક લાઇબ્રેરીમાં 2 લાખથી વધુ પુસ્તકો છે, જે 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં છે. ખાસ વાત એ છે કે આ લાઇબ્રેરી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, કોઈ ફી નહીં, કોઈ મેમ્બરશિપ નહીં, કોઈ પ્રતિબંધ નહીં. તેઓ માત્ર પુસ્તકો એકઠા કરતા નથી, પરંતુ તેમને સાચવે છે, વર્ગીકરણ કરે છે અને પોતે જ સંભાળે છે. રોજ તેમની લાઇબ્રેરીમાં સેંકડો વાચકો આવે છે, જેમાં ગામનાં બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે.

અરુણાચલ પ્રદેશમાં જનજાતિ સમાજનું ધર્માંતરણ રોકી રહ્યા છે તેચી ગુબિન

અરુણાચલ પ્રદેશના શિયોમી જિલ્લાના કેબી ગામમાં જન્મેલા તેચી ગુબિનનું જીવન હંમેશા પોતાના સમાજ અને પોતાનાં મૂળ સાથે જોડાયેલું રહ્યું છે. પહાડી વિસ્તારોમાં ભણી-ગણી આગળ વધેલા ગુબિને ખૂબ નજીકથી જોયું છે કે કેવી રીતે બાહ્ય પ્રભાવ અને લાલચને કારણે અનેક જનજાતિ પરિવારો પોતાની પરંપરાગત ઓળખ, રીતરિવાજ અને વિશ્વાસો છોડીને ધર્મ પરિવર્તનના પ્રલોભનમાં આવી રહ્યા છે.

આ જ ચિંતા ધીમે=ધીમે તેમના જીવનનો ઉદ્દેશ્ય બની ગઈ. ભણતર પૂરું કર્યા બાદ તેઓ સરકારી સેવામાં ગયા. તેમણે અરુણાચલ પ્રદેશ સરકારમાં મુખ્ય વાસ્તુકાર અને પછી હાઉસિંગ ડાયરેક્ટર જેવા મહત્વના હોદ્દાઓ પર સેવા આપી. સરકારી સેવા દરમિયાન અને તે પછી પણ તેચી ગુબિને જનજાતિ સમાજને ધર્માંતરણથી થતા સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન વિશે જાગૃત કરવાનું કામ કર્યું.

તેઓ નિયમિતપણે ગામડે-ગામડે જઈને લોકો સાથે વાત કરતા અને સમજાવતા કે ધર્મ બદલવાથી માત્ર આસ્થા જ નથી બદલાતી, પરંતુ આખી વ્યવસ્થા, સંસ્કૃતિ અને સામાજિક માળખું પ્રભાવિત થાય છે. તેમણે જનજાતિ સમુદાયોને તેમની મૂળ પરંપરાઓ, લોક આસ્થાઓ અને સામાજિક એકતા સાથે જોડી રાખવા માટે અનેક સામાજિક મંચો અને સંગઠનો સાથે મળીને કામ કર્યું.

આ ક્રમમાં તેઓ અરુણાચલ વિકાસ પરિષદ અને અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સાથે પણ સક્રિય રીતે જોડાયા, જ્યાં તેમનું ધ્યાન લોકોને આત્મસન્માન અને પોતાની ઓળખ પર ગર્વની ભાવના આપવાનું રહ્યું. વર્ષ 2024માં નિવૃત્તિ પછી પણ તેઓ સંપૂર્ણપણે સમાજસેવામાં જોડાયેલા રહ્યા. તેમના કામને રાષ્ટ્રીય સ્તરે પહેલેથી જ ઓળખ મળી ચૂકી છે, જ્યારે તેમને ‘માય હોમ ઇન્ડિયા’ અને ‘વન ઇન્ડિયા એવોર્ડ’ જેવા સન્માનોથી સન્માનિત આવ્યા હતા. 

‘વનની માતા’ બની ગયેલાં કેરળનાં કોલ્લક્કયિલ દેવકી અમ્મા

કેરળના નાનકડા વિસ્તાર અલપ્પુઝછામાં 92 વર્ષનાં કોલ્લક્કયિલ દેવકી અમ્માનું જીવન એક સામાન્ય સ્ત્રીથી બદલાઈને ‘વનની માતા’ની ઓળખ બની ગયું છે. તેમણે પોતાના પુસ્તૈવિલા (Puthiyaviala) મકાનની આસપાસની 4.5 એકરની વિરાન જમીનને એક ગાઢ, હરિયાળા જંગલમાં ફેરવી દીધી છે, જેને સ્થાનિક લોકો ‘તપોવનમ્’ (Tapovanam) તરીકે ઓળખે છે.

આ જંગલમાં હવે 3000થી વધુ વૃક્ષો અને છોડ ઉગી ગયા છે, જેમાં અનેક આયુર્વેદિક, દુર્લભ અને સ્થાનિક પ્રજાતિઓ સામેલ છે અને આ બધું તેમણે લગભગ 44 વર્ષમાં પોતાના હાથોથી રોપ્યું, સિંચ્યું અને બચાવ્યું છે. આજે આ જંગલ પક્ષીઓ, જંતુઓ, નાના જીવો અને સ્થાનિક લોકો માટે એક ઇકો-સિસ્ટમ તરીકે કામ કરી રહ્યું છે.

દેવકી અમ્માની ગાથા 1980માં થયેલા એક ગંભીર કાર અકસ્માતથી શરૂ થાય છે, જ્યારે તેઓ ખેતરમાં કામ કરી શક્યાં નહીં અને ખેતીથી દૂર થઈ ગયાં. તે મુશ્કેલ સમયમાં તેમણે ઘરની આસપાસ જે નાની જમીન હતી ત્યાં પહેલો છોડ રોપ્યો. તે એક છોડે તેમના મનમાં પ્રકૃતિ માટે ઊંડો લગાવ પેદા કર્યો અને તેમણે દરરોજ ઓછામાં ઓછો એક છોડ રોપવાનો સંકલ્પ કર્યો.

ધીમે-ધીમે આ કામ વધતું ગયું અને 4 દાયકાઓમાં ‘તપોવનમ્’ નામનું જંગલ તૈયાર થઈ ગયું, જેમાં આંબા, જાંબુડા, નાળિયેર, ઔષધીય જડીબુટ્ટીઓ અને દુર્લભ વૃક્ષો પણ છે. આ જંગલમાં તળાવ, માછલીઓ અને અનેક પક્ષી પ્રજાતિઓ પણ વિકસી છે, જેથી તે એક જીવંત પારિસ્થિતિક સ્થળ બની ગયું છે. દેવકી અમ્માનું આ કામ માત્ર વૃક્ષો રોપવા સુધી મર્યાદિત નથી રહ્યું. તેમણે એક જીવંત પર્યાવરણીય શિક્ષણ સ્થળ પણ તૈયાર કર્યું છે, જ્યાં સ્થાનિક બાળકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આવે છે અને બાયોડાયવર્સિટી, છોડની પ્રજાતિઓ અને પારિસ્થિતિકી સંતુલન વિશે શીખે છે. 

કાશ્મીરી પંડિતો માટે સંગીતની પાઠશાળા ચલાવનારા બૃજલાલ ભટ્ટ

કાશ્મીરની ખીણમાં જન્મેલા બૃજલાલ ભટ્ટે ખૂબ નાની ઉંમરે જ સમજી લીધું હતું કે સંગીત માત્ર સુર-તાલ નથી, પરંતુ તે એક આખી સંસ્કૃતિની આત્મા છે. કાશ્મીરી પંડિતોનાં વિસ્થાપનથી જ્યારે સૂફિયાના કલામ, વાખ, ભજન અને પરંપરાગત લોક ધુન જેવા કાશ્મીરી લોક સંગીત નવી પેઢીથી દૂર થઈ રહ્યાં હતાં, ત્યારે ભટ્ટે નક્કી કર્યું કે તેઓ આ વારસાને આગામી પેઢી સુધી જીવંત રાખશે.

તેમણે પોતાના જીવનનો મોટો ભાગ કાશ્મીરી પંડિત બાળકો અને યુવાનોને સંગીત શીખવવામાં લગાવી દીધો. ભલે મંદિરનું આંગણ હોય, સામુદાયિક સભાઓ હોય કે નાના-નાના ઘરોના ઓરડા. તેમણે દરેક જગ્યાને ‘સંગીતની પાઠશાળા’ બનાવી દીધી. તેઓ માત્ર ગાયની શીખવતા નહોતા, પરંતુ દરેક રચનાની પાછળની કથા, તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક અર્થ પણ સમજાવતા.

બૃજલાલ ભટ્ટ માટે સંગીત પ્રતિરોધ નહોતું, પરંતુ પુનર્નિર્માણનો માર્ગ હતો. તેમણે મૌન રહીને મંચની શોધ કર્યા વિના, ચૂપચાપ એક આખી પરંપરાને સંભાળી રાખી. જ્યારે સ્થિતિએ કાશ્મીરી પંડિત સમાજને વિખેરી નાખ્યો, ત્યારે સંગીત જ તે કડી બન્યું જેણે ઓળખને તૂટવા ન દીધી. આજે તેમને કાશ્મીરી લોક સંગીતના સંરક્ષક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે સુરોના માધ્યમથી એક સમુદાયને તેની યાદો, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડી રાખ્યો છે. 

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં અલખ જગાવી રહ્યાં છે બુધરી તાતી

છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના હિરાનાર ગામનાં રહેવાસી બુધરી તાતી છેલ્લા 36 વર્ષથી દેશના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં સમાજસેવા કરી રહ્યાં છે. લોકો તેમને પ્રેમથી ‘બડી દીદી’ કહે છે કારણ કે તેમણે માત્ર સમાજની જરૂરિયાતોને ઓળખી જ નથી, પરંતુ પોતે આગળ આવીને તેને પૂર્ણ પણ કરી છે.

બુધરી તાતીની સેવાની શરૂઆત 1984માં થઈ, જ્યારે તેમણે બસ્તરના નક્સલ પ્રભાવિત જંગલી વિસ્તારોમાં પગ મૂક્યો અને મહિલાઓ, બાળકો તથા વૃદ્ધોનાં જીવનને બદલવાનું કામ શરૂ કર્યું. તેમણે 500થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે, જેમાંથી અનેક આજે પોતાની આજીવિકા સ્વયં ચલાવી રહી છે.

તાતીએ સાક્ષરતા અભિયાન, સામાજિક જાગૃતિ કાર્યક્રમો, આરોગ્ય અને સ્વચ્છતાની પહેલ ચલાવી અને પહાડો તથા જંગલોના ગામોમાં શિક્ષણની પહોંચને મજબૂત કરી છે. તેમના પ્રયાસોને કારણે અનેક મહિલાઓ નર્સિંગ અને સ્થાનિક સેવાઓમાં કામ કરી રહી છે, જેથી સમુદાયમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. 

નોંધનીય છે કે આ 5 નામો સિવાય પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત થનારા ઘણા વિશેષ લોકો પણ છે. દરેક હસ્તીએ સમાજને કશુંક આપવાનો પ્રયાસ કર્યો છે, પોતાનો વારસો, સંસ્કૃતિ, લોકકળા અને લોકપરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આવા તમામ લોકોને મોદી સરકારે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. અગાઉની સરકારોમાં પરિવર્તનના આવા મશાલચીઓની જગ્યાએ માત્ર એક વિશેષ વર્ગના લોકોને જ સન્માન મળી રહ્યાં હતાં. 

‘વિશેષ વર્ગના’ લોકોના સન્માન’થી ‘વિશિષ્ટ સેવા’ કરનારાઓના સન્માન સુધીનું પરિવર્તન

દેશ સ્વતંત્ર થયાને 7 દાયકા વીતી ગયા. પરંતુ કોઈ સરકારે સામાન્ય લોકોને સન્માનિત કરવાની જહેમત નહોતી ઉઠાવી. આટલા વર્ષો સુધી અન્ય સરકારોએ અમુક ક્ષેત્રોના ગણ્યા-ગાંઠ્યા અને એલિટ લોકોને જ પુરસ્કારો આપ્યા હતા, પરંતુ પીએમ મોદીએ તેમનું તો સન્માન જાળવ્યું જ છે, પણ તેમની સાથે છેવાડાના માનવીઓની પણ કદર કરી છે. તેમની વિશેષતાઓનું સન્માન કર્યું છે. દેશ પ્રત્યેના તેમના સમર્પણ ભાવની પ્રશંસા કરી છે. માત્ર સન્માન આપી દીધું તે જ નહીં, પરંતુ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં નિયમિતરૂપે વડા પ્રધાન એવા લોકોની ગાથા સમાજ સામે મૂકે છે, જેમને કોઈ ઓળખતું હોતું નથી. પરંતુ દેશ માટે તેમનું યોગદાન મહત્વનું હોય છે.

પહેલાંના કોંગ્રેસ શાસન હેઠળ પદ્મ પુરસ્કાર મેળવનારાઓની સંખ્યા સીમિત હતી અને તેઓ કેટલાક ‘વિશેષ વર્ગ’ સાથે સંકળાયેલા હતા. સમાજ વચ્ચે કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે દેશસેવા કરી રહી છે, પરંતુ તેની નોંધ લેવામાં આવી રહી નહોતી. જે લોકો સત્તારૂઢ સિસ્ટમની પ્રશંસા અને વાહવાહી કરે તેમનું નામ આગળ કરી દેવામાં આવતું હતું. એક ચોક્કસ વર્ગ સુધી જ આ પુરસ્કારો સીમિત રહી ગયા હતા, જે વર્ગ ‘એલિટ’ કહેવાય છે. પરંતુ વડા પ્રધાન મોદીએ આ પરંપરાને સદંતર બંધ કરી દીધી. પદ્મ પુરસ્કાર હવે માત્ર પ્રસિદ્ધ અને વિશિષ્ટ વર્ગની વ્યક્તિઓ માટે જ નથી. પરંતુ વિશિષ્ઠ સેવા આપી રહેલા જનનાયકો માટે પણ છે.

હવે પદ્મ પુરસ્કાર સામાન્ય લોકો માટે છે. સાધારણ પુરુષો અને મહિલાઓની પ્રતિભા, યોગ્યતા, સખત પરિશ્રમ, વિવિધતા, દ્રઢતા, સામાજિક કાર્ય, અદ્વિતીય કૌશલ અને સિદ્ધિઓના આધારે હવે સામાન્ય જનમાનસ સુધી પદ્મ પુરસ્કારો પહોંચ્યા છે. તે ગુમનામ લોકો કે જે સમાજમાં પરિવર્તન લાવી રહ્યા હતા, મોટા સમુદાય પર ઘેરો પ્રભાવ પાડી રહ્યા હતા, દેશમાં ક્રાંતિની મશાલ લઈને નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યારેય સન્માનિત કરવામાં નહોતા આવ્યા. આજે તેવા તમામ લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે.

સામાન્ય લોકોનું થઈ રહ્યું છે સન્માન

પદ્મ પુરસ્કાર એ માત્ર ભારતીય લોકશાહી માટેનો પુરસ્કાર નથી પરંતુ તે સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે, જે સામાન્ય માણસને તેની વિશેષ સિદ્ધિઓ માટે એક અલગ ઓળખ આપે છે. આ એવોર્ડ એવા વ્યક્તિત્વ માટે છે જે પોતાની કલા, સંસ્કૃતિ, કૌશલ્ય, વિચારો અને કાર્ય દ્વારા દેશને એક કરવાનું કામ કરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ પદ્મ પુરસ્કારોને સામાન્ય માણસના પદ્મ પુરસ્કારો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. 

જાન્યુઆરી 2021માં વર્ષના તેમના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમણે દેશવાસીઓને ભારતના એવા અજાણ્યા ચહેરાઓ વિશે શક્ય તેટલું જાણવા કહ્યું હતું જેઓ તેમના અંગત હિતોની બહાર જઈને સમાજ માટે કામ કરી રહ્યા છે. આ પછી તેમણે સોશિયલ મીડિયા પર જઈને અપીલ કરી હતી કે દેશના સામાન્ય માણસે એવા લોકોને પદ્મ પુરસ્કારો માટે નોમિનેટ કરવા જોઈએ જેમનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. પીએમ મોદીએ તેનું નામ પીપલ્સ પદ્મ રાખ્યું હતું અને આજે ખરા અર્થમાં તે લોકોનો પુરસ્કાર બની રહ્યો છે.

પદ્મ પુરસ્કારોમાં ઐતિહાસિક ફેરફાર 2016માં આવ્યો જ્યારે મોદી સરકારે નોમિનેશન પ્રક્રિયા સામાન્ય લોકોને સોંપી દીધી. કોઈપણ ભારતીય નાગરિક સામાન્ય રીતે ઓનલાઈન આ પુરસ્કારો માટે કોઈપણ સામાન્ય માણસનું નામ નોમિનેટ કરી શકે છે. આનાથી પુરસ્કારોમાં પારદર્શિતા તો આવી જ પરંતુ દૂરના વિસ્તારોમાં રહેતા અજાણ્યા હીરોને ઓળખવામાં પણ મદદ મળી.

પદ્મ પુરસ્કારોની લિસ્ટ પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવશે કે 2016થી લઈને અત્યાર સુધી મોદી સરકારમાં એવા ઘણા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે જેમને આશા નહોતી કે કોઈ તેમને તેમના કામ માટે પૂછશે. આ સન્માન લુપ્ત થતી કળાને જાળવનારાઓનો ઉત્સાહ પણ વધારે છે અને તેમને તેમના મૂલ્યનો અહેસાસ પણ કરાવે છે. 

2024માં મોદી સરકાર તરફથી પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ શાહ રશીદ અહેમદ કાદરીએ કહ્યું હતું કે, “હું શરૂઆતથી જ કોંગ્રેસી હતો. UPAના પાંચ વર્ષના શાસન દરમિયાન મને આશા હતી કે મને આ સન્માન મળશે પરંતુ એવું થયું નહીં. ભાજપની સરકાર આવી. અમે વિચાર્યું કે તેઓ અમને શા માટે આપશે પરંતુ વિચાર ખોટો હતો. તેમણે મને પસંદ કર્યો. ખૂબ ખૂબ આભાર.”

આ વખતે પણ યાદીમાં એવાં અજાણ્યાં નામોને ફરીથી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમની ગાથા અને સંઘર્ષને ભલે સ્થાનિક સ્તરે માન્યતા મળી હોય પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેમના નામની ભાગ્યે જ કોઈને જાણ હશે. ઘણા એવાં નામ છે જેમની ગાથાઓ આપણા સુધી ન પહોંચી હોત જો મોદી સરકારે તેમને આ એવોર્ડ આપીને વિશેષ ઓળખ ન આપી હોત.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં