કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) 10મા ધોરણની બોર્ડ પરીક્ષા (Board Exam) વર્ષમાં બે વખત આયોજિત કરવા માટેના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને તેને મંજૂરી પણ આપી દીધી છે. એટલે હવે 2026ની બોર્ડ પરીક્ષા દરમિયાન CBCE ધોરણ 10ના વિદ્યાર્થીઓ 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકે છે. જો પહેલી પરીક્ષામાં નિષ્ફળતા મળે તો તે જ વર્ષે તે બીજી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે. CBSEના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર, વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા યોજવાની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2025-26થી થશે.
As per the recommendations of the National Education Policy 2020, students will have an opportunity to improve their performance in Board Examinations.
— CBSE HQ (@cbseindia29) February 26, 2025
A meeting chaired by Hon’ble Minister of Education discussed:
1️⃣ From 2025-26, two Board Examinations will be conducted for… pic.twitter.com/sUI6pvEklK
ડ્રાફ્ટ અનુસાર, વર્ષમાં પહેલી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં યોજવાની રહેશે અને બીજી પરીક્ષા મે મહિનામાં આયોજિત થશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, ડ્રાફ્ટને પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે અને તમામ સ્ટેકહોલ્ડર્સ 9 માર્ચ સુધી ડ્રાફ્ટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી શકશે, જે બાદ આ નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
કઈ રીતે યોજાશે બે પરીક્ષાઓ?
ડ્રાફ્ટના ધોરણો અનુસાર, CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન યોજાશે, જ્યારે બીજો તબક્કો 5થી 20 મે દરમિયાન યોજાશે. CBSEના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, “બોર્ડ પરીક્ષાના બંને તબક્કા સંપૂર્ણ અભ્યાસક્રમના આધારે યોજવામાં આવશે અને ઉમેદવારોને બંને તબક્કા માટે સમાન પરીક્ષા કેન્દ્ર પણ ફાળવવામાં આવશે. બંને પરીક્ષાઓની ફી પણ અરજી દાખલ કરતી વખતે નક્કી કરવામાં આવશે અને ઉમેદવારોએ રજીસ્ટ્રેશન સમયે જ તે જમા કરાવવાની રહેશે.”
સપ્લીમેન્ટ્રી પરીક્ષાનું શું થશે?
અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, CBSEની ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો પહેલો અને બીજો તબક્કો જ સપ્લીમેન્ટ્રી પરીક્ષા તરીકે કામ કરશે અને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ વિશેષ પરીક્ષા આયોજિત કરવામાં આવશે નહીં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (NEP) ભલામણ કરવામાં આવી હતી કે, બોર્ડ પરીક્ષાના ‘ઉચ્ચ જોખમ’ ધરાવતા પાસાને ખતમ કરવા માટે, તમામ વિદ્યાર્થીઓને કોઈપણ સ્કૂલ વર્ષ દરમિયાન વધુમાં વધુ 2 અવસરો પર પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવવી જોઈએ.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી શિક્ષણ મંત્રાલયની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નીતિગત પરિવર્તન પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ડ્રાફ્ટ અનુસાર, CBSE ધોરણ 10ની પરીક્ષા 2026માં 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીની નક્કી કરવામાં આવી છે અને બીજો તબક્કો 5 મેથી 20 મે સુધી ચાલશે. આ પરીક્ષા પ્રક્રિયા કુલ 34 દિવસો સુધી ચાલશે, જેમાં 84 વિષય સામેલ હશે.
નોંધવા જેવું છે કે, વર્ષ 2026માં CBSE ધોરણ 10ની પરીક્ષામાં લગભગ 26.60 લાખ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી સંભાવના છે. વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા આયોજિત કરવાના આ પ્રસ્તાવનો હેતુ વિદ્યાર્થીઓને પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની એક તક આપવાનો છે, જેના કારણે વિદ્યાર્થી પર પરીક્ષાનું પ્રેશર ના આવે તે તણાવમુક્ત રહે.