અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં (American Election Process) મોટા ફેરફારની તૈયારી કરી છે. તેમણે મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર (Executive Order)પર હસ્તાક્ષર કરીને આગળની કાર્યવાહીનો માર્ગ મોકળો કર્યો છે. હવે, નાગરિકતાના દસ્તાવેજી પુરાવા વિના સંઘીય ચૂંટણીઓમાં મતદાન માટે નોંધણી શક્ય બનશે નહીં. પોસ્ટના માધ્યમથી મતદાન કરવાના નિયમોમાં પણ સુધારો કરવામાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત કરતા ભારતનું ઉદાહરણ પણ આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહ્યું કે એક અગ્રણી સ્વ-શાસિત દેશ હોવા છતાં, અમેરિકા અમેરિકન ચૂંટણીઓમાં મૂળભૂત અને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. તેમણે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ઉદાહરણ તરીકે, ભારત અને બ્રાઝિલ વોટર આઈડીને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે, જ્યારે યુએસ મોટાભાગે નાગરિકતા માટે સ્વ-પ્રમાણન પર આધાર રાખે છે.
કેવી રીતે કરી શકાય છે અમેરિકામાં મતદાન
અમેરિકા એક ફેડરલ સ્ટેટ છે તેથી ત્યાં મતદાન અંગે બધા જ રાજ્યોમાં એક સમાન નિયમો નથી. દરેક રાજ્યને પોતાનું અલગ બંધારણ અને પોતાના કાયદા છે. ટેક્સાસ, જ્યોર્જિયા અને ઇન્ડિયાના જેવા રાજ્યોમાં મતદાન પ્રક્રિયાઓ અત્યંત કડક છે. આ રાજ્યોમાં અહીં મતદાન કરવા માટે, ફોટો ID એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે દસ્તાવેજો બતાવવા જરૂરી છે.
બીજીતરફ કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઇલિનોઇસ જેવા રાજ્યોમાં મતદાન અંગે એટલા કડક નિયમો નથી. આ રાજ્યોમાં, નામ અને સરનામું આપીને અથવા વીજળી બિલ જેવા કોઈપણ દસ્તાવેજ બતાવીને મતદાન કરી શકાય છે. આ ઉપરાંત, મિશિગન જેવા રાજ્યોમાં મતદાન કરતી વખતે ફોટો ID માંગવામાં આવે છે. પરંતુ જો કોઈની પાસે એવા દસ્તાવેજ ન હોય તો એક પ્રકારના સોગંદનામા પર સહી કરાવીને મતદાન કરાવવામાં આવે છે. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, જે મતદાન માટેના નિયમોને કડક અને દરેક રાજ્ય માટે એક સરખા બનાવે છે.
શું છે ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં
રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા આદેશ હેઠળ, અમેરિકામાં મતદાર નોંધણી ફોર્મમાં સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓર્ડરમાં કહેવાયું છે કે હવે મતદાર નોંધણી માટે પાસપોર્ટ જેવા નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત રહેશે અને ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો મળી જાય તેની ખાતરી કરવામાં આવશે. આ સિવાય દરેક રાજ્યોએ તેમની મતદારયાદીઓ મતદારયાદી જાળવણી રેકોર્ડ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીને (DOGE) સમીક્ષા માટે સબમિટ કરવા પડશે. ઉલ્લેખનીય છે કે આ વિભાગ ઈલોન મસ્ક સંચાલિત છે.
ટ્રમ્પના મતે, આ આદેશનો હેતુ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો છે. આ આદેશ અનુસાર હવે મતદારો નાગરિકતાના દસ્તાવેજી પુરાવા વિના ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટે નોંધણી કરાવી શકશે નહીં. આ એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ, અમેરિકન ચૂંટણીઓમાં વિદેશી નાગરિકો દ્વારા ફન્ડિંગ કરવા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ઓર્ડરમાં ઉલ્લેખિત મહત્વપૂર્ણ બાબતો
નાગરિકતા પુરાવાની આવશ્યકતા: હવે મતદાર નોંધણી માટે પાસપોર્ટ જેવા નાગરિકતાના પુરાવા રજૂ કરવા ફરજિયાત રહેશે.
મેલ-ઇન બેલેટથી મળતા મતોની સમયમર્યાદા: ચૂંટણીના દિવસ પછી મેલ-ઇન બેલેટથી મત પ્રાપ્ત થશે તો તે મતદાન સ્વીકારવામાં આવશે નહીં, પછી ભલે તે ચૂંટણીના ગમે તેટલાં દિવસ પહેલાં મોકલવામાં આવ્યા હોય.
Donald Trump praises India’s election ID system in new executive order
— Shashank Mattoo (@MattooShashank) March 26, 2025
“India and Brazil are tying voter ID to a biometric database, while the U.S. largely relies on self attestation for citizenship” pic.twitter.com/uowGVyqghn
રાજ્યોનો સહયોગ: આ આદેશમાં રાજ્યોને ફેડરલ એજન્સીઓ સાથે સહયોગ કરવા, મતદાર યાદીઓ શેર કરવા અને ચૂંટણી સંબંધિત ગુનાઓની તપાસમાં મદદ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.
નિયમ ન માનવા પાર નાણાકીય કાપ: જો રાજ્યો આ નવા નિયમોનું પાલન નહીં કરે, તો તેમની સંઘીય નાણાકીય સહાયમાં કાપ મૂકવામાં આવી શકે છે.
ઓર્ડર સામેના પડકારો
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને નિયમો લાગુ કરવાનો અધિકાર છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર એ રાષ્ટ્રપતિ દ્વારા એકપક્ષીય રીતે જારી કરાયેલા આદેશો છે. આ આદેશોને કાયદાનું પીઠબળ હોય છે. તેથી તેને કોંગ્રેસની મંજૂરીની જરૂર હોતી નથી. કોંગ્રેસ પાસે આવા ઓર્ડર પલટાવવાની શક્તિ નથી. જોકે આ ઓર્ડરને કોર્ટમાં પડકારી શકાય છે.
બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે અમેરિકામાં ચૂંટણીના નિયમો નક્કી કરવાની સત્તા મુખ્યત્વે કોંગ્રેસ અને રાજ્યો પાસે છે, ના કે રાષ્ટ્રપતિ પાસે. ત્યારે ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટ્સ અને સિવિલ સોસાયટીના નેતાઓએ આ આદેશને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો છે અને તેને કોર્ટમાં પડકારવાની યોજના બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ આદેશ લાખો લાયક મતદારોને, ખાસ કરીને જેમની પાસે હાલમાં ઓળખ કાર્ડ કે પાસપોર્ટ નથી, તેમને મતદાન કરવાથી ગેરલાયક ઠેરવી શકે છે. જોકે ટ્રમ્પે આદેશ પર સહી કરીને નિયમો લાગુ કરી દીધા છે. ત્યારે હવે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું.