ગુજરાતના અનેક શહેરોમાં કેટલાક મુસ્લિમો હિંદુ વિસ્તારોમાં એકાદ મકાન ઊંચા ભાવે ખરીદીને પગપેસારો કરે છે અને ત્યારબાદ તેની પાછળ-પાછળ અન્ય ઘણા લોકો પણ હિંદુ વિસ્તારમાં સ્થાયી થવા લાગે છે. ધીમે-ધીમે બનતી આ ઘટનાઓ વર્ષો બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને વિસ્તારની મૂળ વસ્તી પર અસર ઊભી કરે છે. મૂળ રહેવાસી હિંદુઓ ત્રાસ, અસહજ સ્થિતિ કે અન્ય કોઈપણ કારણોસર તે વિસ્તાર છોડવા લાગે છે અને ડેમોગ્રાફી ચેન્જ થવાનું સંકટ ઊભું થાય છે. આ સમસ્યાને પહોંચી વળતાં માટે ગુજરાતમાં એક વિશેષ કાયદો પણ છે, જેને ‘અશાંતધારો’ કહેવામાં આવે છે.
રાજ્યનાં ઘણા શહેરોમાં આ કાયદો પહેલાંથી અમલમાં છે. ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં પણ તે અમલીકૃત છે, પરંતુ જિલ્લાના અન્ય ગામડાઓ કે તાલુકામાં આજે પણ આવી સમસ્યા છે. સૌથી સંવેદનશીલ વિસ્તાર ભાવનગરનું મહુવા છે. હાલ મહુવા શહેરમાં અશાંતધારો લાગુ કરવા માટેની માંગણીઓ થઈ રહી છે. હિંદુ સંગઠનો આરોપ છે કે હિંદુ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના માણસોને મકાન આપવામાં આવે છે અને તેના કારણે થોડા સમયમાં વિસ્તારની ડેમોગ્રાફી ચેન્જ થઈ જાય છે.
એક સમય એવો હતો કે મહુવાના સુખડીયા શેરી, ખત્રી શેરી, ચકુભાઈનો ખાંચો, નાગરવાડા, શેઠ શેરી, નવા ઝાંપા વિસ્તાર અને ગોળ બજાર જેવા વિસ્તારોમાં હિંદુ સમુદાયની વસ્તી હતી. ત્યાં નવરાત્રિ, હોળી, દિવાળી જેવાં તહેવારો ઉજવાતા હતા. પરંતુ આજે ત્યાં મુસ્લિમ સમુદાયના ઘણા લોકો આવી જતાં આ તમામ વિસ્તારોમાંથી હિંદુઓએ પલાયન શરૂ કર્યું છે. તેવામાં હિંદુ સંગઠનોએ મહુવા શહેરમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરી છે.
શું છે અશાંતધારો?
ગુજરાતમાં સામુદાયિક તણાવની ઘટનાઓને જોતાં અશાંતધારા કાયદાની જરૂરિયાત 1980ના દાયકામાં ઉદ્ભવી હતી. આ દાયકાના મધ્યભાગમાં અમદાવાદ, વડોદરા, ખેડા, ભરૂચ અને સુરત જેવા શહેરોમાં સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેમાં સૌથી વધુ ભોગ બનનારા હિંદુઓ હતા. હિંદુઓએ તેમના ઘર છોડીને ભાગવું પડ્યું હતું અને પલાયન કરવાના દિવસો આવી ગયા હતા. ખાલી પડેલા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયની વસ્તી ઝડપથી વધવા લાગી હતી. આ સમય દરમિયાન કેટલાક મુસ્લિમ અસામાજિક તત્વો દ્વારા ભયભીત હિંદુ નાગરિકોને ઉચિત કિંમત વિના મિલકત વેચવા દબાણ કરવામાં આવતું અને તે મિલકતોને વધુ તણાવ વધારવા માટે ખરીદી લેવામાં આવતી.
આવી પરિસ્થિતિને રોકવા માટે ગુજરાત સરકારે 1986માં પ્રથમ ‘અશાંત વિસ્તારો અધિનિયમ’ (Disturbed Areas Act) રજૂ કર્યો હતો, જે તાત્કાલિક ઓર્ડિનન્સ તરીકે કાર્યરત થયો હતો. આ કાયદો મુખ્યત્વે અશાંત વિસ્તારોમાં મિલકતનાં હસ્તાંતરને (ટ્રાન્સફર) પ્રતિબંધિત કરતો હતો, જેથી હિંદુઓને આ સમસ્યાથી બચાવી શકાય અને ડેમોગ્રાફી ચેન્જ થવાના સંકટને પણ પહોંચી વળાય.
પરંતુ આ પ્રારંભિક કાયદામાં કેટલીક ખામીઓ હતી, જેમ કે તેની મર્યાદિત અમલવારી અને કાનૂની છટકબારી. આ બધા કારણોને લઈને અનેક અનિયમિત વ્યવહારો થવા લાગ્યા હતા. તેથી 1991માં આ કાયદાને રદ કરીને તેને વધુ મજબૂત બનાવીને ‘Gujarat Disturbed Areas Act, 1991’ રજૂ કરવામાં આવ્યો હતો. આ નવો કાયદો કાયમી હતો, જેમાં રાજ્ય સરકારને જરૂર પડ્યા વિના અશાંત વિસ્તારો જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. આ કાયદા પાછળનું મુખ્ય કારણ હતું 1990ના દાયકાની શરૂઆતમાં થયેલા રમખાણો, જેમાં મિલકતોના અનિયમિત વેચાણથી વસ્તી વિષયક સંકટ ઊભું થયું હતું અને હિંદુઓ પલાયન કરવાં લાગ્યા હતા.
આગળ વધીએ તો 2019માં ગુજરાત વિધાનસભાએ આ કાયદામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા હતા, જેને 2020માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી હતી. આ સુધારાઓ હેઠળ કલેકટરને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. જેમ કે ધ્રુવીકરણ કે અયોગ્ય કલસ્ટરિંગ, વસ્તીવિષયક પરિવર્તન જેવા પરિબળોની તપાસ કરવી. આ સુધારાનો હેતુ અગાઉના કાયદામાં રહેલી ખામીઓને દૂર કરવાનો હતો. પહેલાં લોકો પાવર ઑફ એટર્ની કે અન્ય માર્ગે મિલકત ટ્રાન્સફર કરી દેતા હતા અને કાનૂની છટકબારી શોધી લેતા હતા. આ બંધ કરવા માટે સુધારા લાગુ કરવામાં આવ્યા હતા.
જોકે, આ સુધારાઓ વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિન્દ જેવી ઇસ્લામી સંસ્થાઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે જાન્યુઆરી 2021માં હાઇકોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો હતો. 2023માં રાજ્ય સરકારે આ સુધારા પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો અને નવા સુધારાઓની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ હાલમાં મૂળ 1991ના કાયદા અને કેટલાક જૂના સુધારાઓ જ અમલમાં છે.
કાયદાના મૂળ તત્વો, જોગવાઈઓ
ગુજરાતના અશાંતધારા કાયદાની કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ તેને અન્ય કાયદાઓથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. કલમ 3 અનુસાર રાજ્ય સરકાર કલેક્ટરનાં ઇનપુટ અને તપાસના આધારે કોઈ શહેર કે ગામના વિસ્તારને ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરી શકે છે. આ નોટિફિકેશન બહાર પડ્યાં પછી તે વિસ્તારમાં મિલકતનું કોઈપણ હસ્તાંતર- જેમ કે વેચાણ, ભેટ, વિનિમય, ભાડાપટ્ટો કે પાવર ઑફ એટર્ની દ્વારા કબ્જો આપવો- કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર ગણાય છે.
હસ્તાંતર માટેની અરજીમાં વેચનાર અને ખરીદદાર બન્નેએ એફિડેવિટ દ્વારા જણાવવું પડે છે કે વેચાણ દબાણ, ધમકી કે કોઈ બળજબરી વિના સ્વેચ્છાએ થઈ રહ્યું છે અને મિલકતની વાજબી બજાર કિંમત (Fair Value) નક્કી કરવામાં આવી છે. કલેક્ટર આ અરજીની Bombay Land Revenue Code મુજબ ફોર્મલ ઇન્ક્વાયરી કરે છે. આ પ્રક્રિયામાં પોલીસ, આવક વિભાગ અને અન્ય એજન્સીઓની રિપોર્ટો પણ સામેલ હોય છે.
જો કલેક્ટરને લાગે કે આ હસ્તાંતરથી 1991ના કાયદાની મર્યાદામાં જાહેર વ્યવસ્થાને અસર થવાની શક્યતા છે, અથવા ટ્રાન્સફર મુક્ત સંમતિ અને વાજબી કિંમતના માપદંડને પૂર્ણ કરતું નથી તો તે અરજી નકારી શકે છે. ( નોંધ: 2020ના સુધારામાં ઉમેરાયેલા ‘ડેમોગ્રાફિક અસંતુલન’ અને ‘ક્લસ્ટરિંગ’ આધારિત ઇનકારની જોગવાઈઓ પર હાઇકોર્ટનો સ્ટે છે, તેથી હાલ તેનો અમલ થતો નથી.)
2020ના સુધારામાં ‘હસ્તાંતર’ની વ્યાખ્યા અત્યંત વિસ્તૃત કરી Agreement to Sale, GPA, Notarized દસ્તાવેજો અને Section 53A મુજબના Possessionનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે Registration Act, 1908માં સુધારો કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે અશાંત વિસ્તારમાં મિલકતના કોઈપણ દસ્તાવેજ રજિસ્ટર કરવા માટે કલેક્ટરની મંજૂરી ફરજીયાત બની છે. દંડની જોગવાઈઓ પણ ખૂબ કડક છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાને ન્યૂનતમ 3 વર્ષથી 5 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા કે મિલકતના જંત્રી મૂલ્યના 10 ટકા જેટલો દંડ (જે વધુ હોય તે) થઈ શકે છે. મહત્વની જોગવાઈ એ છે કે કલમ 8 અનુસાર, કલેકટર કે રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાશે, તેને કોઈપણ કોર્ટમાં પડકારી શકાશે નહીં.
આ ઉપરાંત, કાયદામાં Special Investigation Teamની (SIT) જોગવાઈ પણ છે, જે રાજ્ય સરકાર દ્વારા રચાય છે અને તેમાં કલેક્ટર, પોલીસ કમિશ્નર/SP તેમજ મ્યુનિસિપલ કમિશ્નર જેવા અધિકારીઓ સામેલ હોય છે. આ SIT વિસ્તારની પરિસ્થિતિ, વસ્તીનું સંતુલન, ક્લસ્ટરિંગ અને સંભવિત જોખમોની તપાસ કરી કલેક્ટરને મદદરૂપ થાય છે. કાયદાના આ સમગ્ર માળખાનો અમલ કલેક્ટર દ્વારા થાય છે, જ્યારે તેના નિર્ણય સામેની અપીલ રાજ્ય સરકાર (Revenue Department) સમક્ષ કરવામાં આવે છે. આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાને કારણે વ્યવહારમાં આ કાયદો ખૂબ કડક અને અસરકારક બની જાય છે.
કેવી પરિસ્થિતિમાં લાગુ થાય છે અશાંતધારો?
અશાંતધારો લાગુ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા તણાવપૂર્ણ પરિસ્થિતિ, રમખાણો, હિંસા અથવા લાંબા સમયથી ચાલતા સામુદાયિક અસંતુલન જેવા પરિબળો પર આધારિત છે. કાયદા મુજબ કલમ 3 હેઠળ રાજ્ય સરકાર કલેક્ટર અને પોલીસના રિપોર્ટોને આધારે કોઈ વિસ્તારને ‘અશાંત વિસ્તાર’ જાહેર કરે છે. સામાન્ય ભાષામાં તેને લોકો ‘કલેક્ટરે વિસ્તાર અશાંત જાહેર કર્યો’ એમ કહે છે, પરંતુ કાયદામાં સત્તાવાર નોટિફિકેશન રાજ્ય સરકાર જ બહાર પાડે છે.
કોઈ વિસ્તારમાં સામુદાયિક તણાવનો ઇતિહાસ, અથવા ભવિષ્યમાં અસંતુલન સર્જાવાની સંભાવના હોય તો તે વિસ્તારમાં અશાંતધારો લાગુ થઈ શકે છે. 2002ના રમખાણો બાદ પણ ગુજરાતના ઘણા વિસ્તારોને (ખાસ કરીને અમદાવાદના જુહાપુરા, સરખેજ, ગોમતીપુર) ‘અશાંત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી ડર અથવા દબાણ હેઠળ થતી મિલકતની ખરીદી–વેચાણ અને વધુ વિભાજન અટકાવી શકાય.
આ નોટિફિકેશન રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રકાશિત થાય છે અને તેની મુદત 5 વર્ષ સુધી નક્કી કરવામાં આવે છે, જેને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લંબાવી પણ શકાય છે. તાજેતરમાં આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ ધારો 5 વર્ષ માટે વધારવામાં આવ્યો હતી, જે સત્તાવાર ગેઝેટમાં પણ પ્રકાશિત થયું છે.
અશાંત વિસ્તાર જાહેર થયા પછી તે વિસ્તારમાં કોઈપણ મિલકતની ટ્રાન્સફર કલેક્ટરની મંજૂરી વિના કાનૂની રીતે અમાન્ય ગણાય છે. કલેક્ટર વેચનાર અને ખરીદદારની અરજી, તેમનું એફિડેવિટ, પોલીસ રિપોર્ટ, પાડોશીઓની રજૂઆતો અને આવક વિભાગના દસ્તાવેજોની તપાસ કરે છે. 1991ના કાયદા મુજબ કલેક્ટરને મુખ્યત્વે મુક્ત સંમતિ અને વાજબી કિંમત ચકાસવાની ફરજ હોય છે.
જોકે 2020ના સુધારામાં ઉમેરાયેલા ‘જનસંખ્યાકીય સંતુલન બગડવું’ અને ‘અયોગ્ય ક્લસ્ટરિંગ’ જેવા આધાર હાલ હાઇકોર્ટના સ્ટેના લીધે અમલમાં નથી, એટલે આજની તારીખે કલેકટર કોઈ ટ્રાન્સફર આ બે બાબતોને આધારે રદ કરી શકતો નથી, પણ પરંપરાગત 1991ના માપદંડ આધારે જ નિર્ણય આપી શકે છે. રાજ્ય સરકારની પુનર્વસન યોજનાઓને આ કાયદામાંથી છૂટ છે, જેથી હિંસામાં વિસ્થાપિત લોકોને નવી વસાહતોમાં મિલકત ટ્રાન્સફર અને અન્ય પ્રક્રિયાઓ સરળ થાય.
તાજેતરના કેસોમાં પણ કાયદાનો ઉપયોગ થયો છે, જેમ કે સુરતમાં એક મુસ્લિમ મહિલાએ મંજૂરી વિના મિલકત ખરીદતાં તે મિલકતને કલેક્ટરે જપ્ત કરી હતી, કારણ કે તે ટ્રાન્સફર કાયદાની વિરુદ્ધમાં હતું. આવું બને ત્યારે કાયદો તાત્કાલિક રીતે અમલમાં આવી જાય છે અને મિલકત પાછી વેચનારને સોંપવામાં આવે છે અથવા કલેકટર પોતાની કસ્ટડીમાં લઈ લે છે.
હાલ કયા વિસ્તારોમાં આ કાયદો લાગુ છે?
આધિકારિક સ્થિતિ અનુસાર, અશાંતધારો હાલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અમલમાં છે અને તેની યાદી રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અપડેટ થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, પંચમહાલ, આણંદ, નર્મદા, ગોધરા, ભાવનગર, અમરેલી અને અન્ય શહેરોમાં ઘણા વિસ્તારો આ કાયદા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ વિસ્તારો અશાંતધારા હેઠળ આવે છે. સમયાનુસાર આ યાદી બદલાતી રહે છે, પરંતુ જુહાપુરા, મેઘાણીનગર, ઓઢવ, ગોમતીપુર, દાણીલીમડા, સરખેજ–જમાલપુર–કાંકરિયા બેલ્ટ જેવા વિસ્તારમાં આ ધારો છેલ્લા ઘણા વર્ષોથી અમલમાં છે. છેલ્લે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં- વસ્ત્રાપુર, થલતેજ અને બોડકદેવના નવા વિસ્તારો ઉમેરવામાં આવ્યા હતા, જેના સંદર્ભમાં પબ્લિક નોટિફિકેશન પણ બહાર પડ્યું હતું.
સુરત, વડોદરા અને આણંદ જેવા જિલ્લાઓમાં પણ ઘણાં વિસ્તારોમાં આ અધિનિયમ વધારા સાથે અમલમાં છે. તાજેતરમાં આણંદ શહેર અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોની મુદત 5 વર્ષ માટે લંબાવવામાં આવી હતી, કારણ કે જિલ્લા પ્રશાસને જાહેર કર્યું હતું કે પરિસ્થિતિ હજુ સ્તિર માનવામાં આવી શકતી નથી.
આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર/SP અને આવક વિભાગની સંયુક્ત તપાસથી પસાર થાય છે. અશાંત વિસ્તાર વધારવા કે ઘટાડવા માટે રાજ્ય સરકાર ગેઝેટ નોટિફિકેશન જારી કરે છે. હાલ રાજ્યમાં 1,000થી વધુ વિસ્તારો વિવિધ નોટિફિકેશન્સ પ્રમાણે આ કાયદા હેઠળ છે અને સૌથી વધુ અસર શહેરોના વસ્તીવાળા જૂના વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારોમાં મિલકતના તમામ વ્યવહારો કલેક્ટરની મંજૂરી હેઠળ આવે છે. પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી ઘણા વ્યવહારો અટકી જાય છે અથવા મંજૂરી મેળવવામાં મહીનાઓ લાગી જાય છે. આ કારણસર અશાંતધારો ગુજરાતમાં સૌથી સખ્ત અને પ્રતિબંધાત્મક પ્રોપર્ટી કાયદો ગણાય છે.


