ગુજરાતમાં પાછલાં કેટલાક સમયથી ગૌહત્યાના (Gau Hatya) ઘણા મામલા સામે આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં જ સુરત (Surat) અને મોરબી (Morbi) માંથી ગૌહત્યાનો મામલો સામે આવ્યો હતો. જે અંતર્ગત પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતમાં રોડ વચ્ચે ગાયનું કપાયેલ માથું મળી આવ્યું હતું. એવી જ ઘટના મોરબીમાં પણ બની હતી. જે અંગે હિંદુ સંગઠનોએ માળિયા મામલતદાર કચેરીમાં આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી.
નોંધનીય છે કે આ અંગે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ મોરબીમાં હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેમને તાજેતરમાં જ આ અંગે જાણ થઇ હતી તથા ગાયનું માથું કપાયેલું હોય એવા વિડીયો અને ફોટા મળ્યા હતા. જેને લઈને તેમણે માળિયાના કલેકટરને આવેદન આપ્યું હતું. તથા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
આવેદન આપી કરી રજૂઆત
મામલતદારને આપેલ આવેદનની નકલ પણ ઑપઇન્ડિયા પાસે છે. જેમાં લખ્યું હતું કે, “ચીખલીની નજીકમાં આવેલ વાઇલ્ડ લાઇફ અભ્યારણ (કરાડિયુ) અંદર વર્ષોથી ગેરકાયદકીય રીતે ગૌ-હત્યાઓ થવાના સમાચાર મળતા રહે છે. તેમજ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે. જે તદ્દન બંધ થવી જોઈએ.”
આગળ લખ્યું હતું કે, “વર્તમાન સમયમાં ગુજરાતમાં પ્રવર્તમાન કાયદો ‘ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ – 2017’ના અનુસાર ગૌહત્યા કરનાર વ્યક્તિ/વ્યક્તિઓ પર આજીવન કેદ તેમજ બિનજામીનપાત્ર સજાની જોગવાઇ છે. જે અંતર્ગત આરોપીઓને કડકમાં કડકમા સજા થાય અને તમામ ગૌ – પ્રેમીઓને યોગ્ય ન્યાય મળે તેવું કરવા આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે.”
નોંધનીય છે કે આ આવેદન દરમિયાન હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેના વિડીયો પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાને મળેલ ગૌહત્યાના વિડીયો ફૂટેજ ખૂબ જ હૃદયદ્રાવક હતા. જેમાં ગાય માતા સાથે ચીર-ફાડ કરવામાં આવી હતી, આંતરડા પણ અલગ કરી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાયનું માથું કાપીને નાખી દેવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા જલાભા શિયાર અને બળદેવભાઈ મેવાડાએ તેમની 50 જેટલી ગાય ચીખલી ગામે રહેતા મુસ્તાક અને તેના અબ્બા આમીનભાઈ ચરાવા અને રખેવાળી કરવા માટે આપી હતી. બદલામાં તેને દર મહિને ₹10,000ની જેટલી રકમ આપતી હતી. જોકે આ 50 પૈકીની 14 ગાય ગુમ થઈ જેમાંથી 13નું કતલ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને આ મામલે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આ ગુનામાં મુસ્તાક અને આમીન તથા અન્ય ચાર આમ કુલ મળીને છ શખસની ધરપકડ કરી છે.
સુરતમાં પણ બની આવી જ ઘટના
આ ઉપરાંત સંદેશ ન્યુઝના અહેવાલ અનુસાર સુરતના પાલનપુર વિસ્તારમાં પણ આ જ રીતેની ઘટના બની હતી. જે અંતર્ગત પાલનપુર કેનાલ રોડ પરથી વાછરડાનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે પોતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન સાંસદ મુકેશ દલાલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સુરતમાં ગાયનું માથું મળતા ગૌપ્રેમીમાં રોષ#Gujarat #Surat #Cow #SandeshNews pic.twitter.com/WL2RftnaWA
— Sandesh (@sandeshnews) January 9, 2025
આ મામલે મુકેશ દલાલે કહ્યું હતું કે, “જે કોઈએ પણ આવું રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યું છે, ગેરકાયદે કૃત્ય કર્યું છે તેનું સતત શબ્દોમાં નિંદા કરું છું. કોણે આ કૃત્ય કર્યું છે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. તથા ગુનેગારોને ટ્રેક કરી રહી છે.”
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરતના પાલનપુર વિસ્તારમાં એ.પી સવાણી શાળા પાસે રાજન વિંગ્સ અને સૂર્ય માર્કેટની વચ્ચેથી એક વાછરડાનું માથું મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક તેનો કબજો મેળવી લીધો છે FSLની ટીમ આવી ગઈ છે, તપાસ ચાલુ છે. આ દરમિયાન જ હિંદુ આગેવાનો આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જેણે આ કૃત્ય કર્યું હશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”