જામનગરમાં આમ આદમી પાર્ટીના (AAP) સૌરાષ્ટ્ર ઝોન-1ના પ્રમુખ પ્રકાશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર એક વેપારી સાથે 60 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. વેપારીએ જામનગર પંચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પછીથી FIR નોંધવામાં આવી હતી અને પ્રકાશ તથા તેની સાથેના અન્ય એક આરોપી જગદીશ રમેશભાઈ રામોલિયાને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપી પ્રકાશ દોંગાની ધરપકડ કરી લીધી હતી. અહીં સુધી બરાબર ચાલ્યું હતું. ફરિયાદીએ પોતાનું કામ કર્યું અને પોલીસ પોતાનું કામ કરી રહી હતી.
પરંતુ થોડા સમયમાં દોંગાની ધરપકડના સમાચાર વહેતા થયા અને આમ આદમી પાર્ટીના ગુજરાતના ‘શીર્ષ’ નેતાઓ સુધી પહોંચ્યા. જેવી ખબર પહોંચી કે તરત જ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને ચૈતર વસાવા તથા અન્ય AAP સમર્થકો છાતી પિટવા લાગ્યા અને ભાજપ સરકાર પર પ્રહાર કરવા લાગ્યા. દાવો કરવામાં આવ્યો કે ગુજરાતની ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના ‘વધતાં સમર્થન’થી ડરી ગઈ છે અને તેના કારણે તે હવે AAP નેતાઓ અને કાર્યકર્તાઓને પકડીને જેલમાં નાખી રહી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન 1 ના પ્રમુખ પ્રકાશભાઈ દોંગાની પોલીસે અટકાયત કરી છે.
— AAP Gujarat (@AAPGujarat) April 9, 2026
અત્યાર સુધી 100 થી વધુ AAP નેતાઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર FIR થઈ છે.
AAP ગુજરાતના આધિકારિક X એકાઉન્ટ પર પણ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશભાઈ દોંગાની પોલીસે અટકાયત કરી છે. અત્યાર સુધીમાં 100થી વધુ AAP નેતાઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.”
આમ આદમી પાર્ટી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન 1 ના પ્રમુખ પ્રકાશભાઈ દોંગા ની પોલીસે અટકાયત કરી છે.
— Isudan Gadhvi (@isudan_gadhvi) April 9, 2026
અત્યાર સુધી 100 થી વધુ AAP નેતાઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર FIR થઈ છે. pic.twitter.com/BullOmWGKB
બસ આ જ કેપ્શન સાથે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ એક વિડીયો પોસ્ટ કરી દીધો છે અને વિડીયોમાં પ્રકાશ દોંગાની ધરપકડને લઈને હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો છે. વિડીયોમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, “આમ આદમી પાર્ટીથી ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના નેતાઓની વારંવાર ધરપકડ કરવામાં આવી રહી છે.” તેમણે આગળ એવો દાવો કર્યો કે હમણાં સુધીમાં લગભગ ‘150થી વધુ’ કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR નોંધી દેવામાં આવી છે અને ધરપકડ કરવામાં આવી છે.
ત્યારબાદ ગઢવી પ્રકાશ દોંગાવાળા કેસ પર આવે છે અને કહે છે કે હમણાં જ તેમને સમાચાર મળ્યા છે કે તેમની પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રકાશ દોંગાની ધરપકડ થઈ છે. ગઢવી એવું કહે છે કે પ્રકાશ દોંગા ઉમેદવાર હતા અને ફોર્મ ભરાવવા માટેની તૈયારીમાં હતા, પણ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ત્યારબાદ એ સવાલ કરે છે કે, “આમ આદમી પાર્ટીનો શું ગુનો છે?” ત્યારબાદ મીઠીમીઠી વાતો કરવામાં આવે છે અને ગુજરાત માટે અવાજ ઉઠાવવાના દાવા ઠોકવામાં આવે છે. ત્યારબાદ તેઓ જનતાને સંબોધીને કહે છે કે, “સ્થાનિક ચૂંટણીઓમાં ઝાડુનું બટન ભૂલતા નહીં અને મત આપજો.”

આ જ હરોળમાં ગોપાલ ઇટાલિયા પણ છે. તેમણે પણ ફેસબુક પર પોસ્ટ કરીને પ્રકાશ દોંગાની ધરપપકડ પર અવાજ ઉઠાવ્યો છે. તેણે પોસ્ટ કરીને લખ્યું છે કે, “સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દોંગાની જામનગર પોલીસ દ્વારા ‘ખોટી રીતે’ ધરપકડ કરવામાં આવી.” તે ભાજપ પર માછલાં ધોતાં લખે છે કે, “ભાજપ અને પોલીસનું ગઠબંધન’. વળી ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ જ તૂતને હવા આપી છે અને ધરપકડ ‘ખોટી રીતે’ થઈ હોવાનો સંકેત આપ્યો છે.
વેપારી સાથે 60 લાખના છેતરપિંડીના કેસમાં થઈ છે પ્રકાશ દોંગાની ધરપકડ
તમામ AAP નેતાઓ ફાંકાફોજદારી કરવા લાગ્યા છે પણ કોઈ એ નથી જણાવી રહ્યા કે પ્રકાશ દોંગાની ધરપકડ કેમ થઈ છે? પ્રકાશ દોંગાની ધરપકડ થવા પાછળનું કારણ એ છે કે તેના વિરુદ્ધ જામનગર પંચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ FIR નોંધાવી છે. 9 એપ્રિલના રોજ FIR થઈ છે અને તે જ દિવસે રાત્રે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ પણ ઉપલબ્ધ છે. આરોપ છે કે દોંગાએ અને તેના સહયોગી જગદીશ રામોલિયાએ ફરિયાદીના 60 લાખનું ગપલું કરી નાખ્યું છે અને તેના કારણે આ કાર્યવાહી થઈ છે.
ભાવેશભાઈ તરાવિયા નામના ફરિયાદીએ આ FIR નોંધાવી છે. વિગતો કઈક એવી છે કે ફરિયાદી કલ્પ એન્ટરપ્રાઇઝ નામથી બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવે છે. તેમણે 2 માર્ચના રોજ બંને આરોપીઓ વિરુદ્ધ પંચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદમાં કહેવાયું છે કે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમને GST વિભાગમાંથી એક નોટિસ મળી હતી અને ત્યારબાદ GST એકાઉન્ટ બ્લોક થઈ ચૂક્યું હતું.
નોટિસમાં એવું કહેવાયું હતું કે લગભગ 23 વ્યવહારોનું GST ભરવાનું બાકી છે, જે અંદાજિત 6 કરોડ આસપાસની રકમ છે. આ વ્યવહાર ન થઈ શકતા એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ફરિયાદીએ તેમના પરિચિત જગદીશ રામોલિયાનો સંપર્ક કર્યો અને તેના દ્વારા વકીલ પ્રકાશ દોંગા સાથે સંપર્ક સ્થાપિત થયો હતો. બાદમાં ફરિયાદી જગદીશ સાથે પ્રકાશ દોંગાની ઑફિસ ગયા હતા અને પ્રકાશ સાથે મુલાકાત થઈ હતી.
ત્યારબાદ પ્રકાશ દોંગાને ફરિયાદીએ વકીલ તરીકે રાખ્યો હતો અને આ મામલે કાર્યવાહી ચાલુ કરી હતી. દરમ્યાન ભાવેશભાઈએ દોંગાની ફી પણ એડવાન્સ ચૂકવી દીધી હતી. પછી દોંગાએ GST વિભાગને લેખિત રજૂઆત કરી હતી અને ફરિયાદીને એક કરોડ સત્તાવન લાખ ITC તરીકે GST રિટર્ન કરવાનું અને બીજા 6 લાખનું GSTમાં ચલણ ભરવાનું કહ્યું હતું. ફરિયાદીએ ત્યારે 6 લાખ ભર્યા હતા અને 60 લાખ જેવી અન્ય રકમ દોંગાએ અન્ય એક એકાઉન્ટમાં નાખવાનું કહ્યું હતું.
ફરિયાદમાં આગળ એવું કહેવાયું છે કે બીજા દિવસે પ્રકાશ દોંગાએ 1 કરોડ, 57 લાખ જેટલી રકમ GST વિભાગને રિટર્ન કરી હતી અને બાકીનું 6 લાખનું ચલણ કોમ્યુટરમાંથી બનાવી આપ્યું હતું. બીજા દિવસે દોંગાએ ફરિયાદીને કહ્યું હતું કે તેણે નોટિસ બાબતે વિભાગમાં જવાબ આપી દીધો છે અને હવે ફરિયાદીએ વિભાગને ભરવાની રકમ ત્રણ માસની મુદતમાં હપ્તે ચૂકવી આપવાની રહેશે.
ત્યારબાદ જગદીશ રામોલિયાએ શ્યામ ટ્રેડિંગ નામની એક પેઢીના એકાઉન્ટર નંબર મોકલીને તેમાં પૈસા નાખવા કહ્યું હતું. ફરિયાદીએ અનુક્રમે 25 લાખ અને 20 લાખ એમ કુલ 45 લાખની રકમ એકાઉન્ટમાં જમા કરાવી હતી. ત્યારબાદ આરોપીઓના કહેવા પર ફરિયાદીએ અન્ય એક શખ્સના એકાઉન્ટમાં પણ 15 લાખ નાખ્યા હતા. આ રીતે ફરિયાદીએ પ્રકાશ દોંગાને 60 લાખનું પેમેન્ટ GST વિભાગની નોટિસને લઈને જમા કરાવવા માટે આપ્યું હતું. આ સાથે જ તેમણે દોઢ લાખ જેટલી વકીલની ફી પણ ચૂકવી આપી હતી.
જોકે, ત્યારબાદ ફરિયાદીનું GST એકાઉન્ટ ચાલુ થઈ ગયું હતું, પરંતુ ત્રણ મહિના દરમિયાનમાં તેઓ GSTને રૂપિયા ન ચૂકવી શકતા આખરે ફરી એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. આ બાબતને લઈને તેઓ ફરી દોંગાની ઑફિસે ગયા હતા તો ત્યાં આરોપીએ ઉડાવ જવાબ આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને જાણ થઈ હતી કે તેમણે આપેલા 60 લાખ પ્રકાશ દોંગાએ વિભાગમાં જમા કર્યા જ ન હતા. આ મામલે પ્રકાશ દોંગા વિરુદ્ધ BNSની કલમ 316(5), 316(2) અને 54 હેઠળ કરવામાં આવ્યો હતો અને આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુનેગારો-આરોપીઓને છાવરી રહી છે AAP
પ્રકાશ દોંગાની ધરપકડ થઈ તો આમ આદમી પાર્ટીના નેતાઓએ કૂદાકૂદ કરી મૂકી હતી, પણ એ જણાવવાની તસ્દી લીધી ન હતી કે કેસ શું છે અને તેમના સૌરાષ્ટ્રના પાર્ટી પ્રમુખે શું ‘પરાક્રમ’ કર્યા છે? એક વેપારીની 60 લાખની રકમ ઓયા કરી જવાનો આરોપ આમ આદમી પાર્ટીના આ નેતા પર છે અને વેપારી પાસે તેના પૂરતા પુરાવા પણ છે. તેવામાં વચ્ચે સરકારને લાવવાની કોઈ જરૂર જ નથી પેદા થતી. મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઉમેદવારો નથી મળી રહ્યા એ જગજાહેર થઈ ચૂક્યું છે, તેના માટે ઇસુદાન ગઢવી લોકોના પગે પડવાની વાતો પણ કરવા લાગ્યા છે. હવે ઉમેદવાર ન મળવાના કારણે AAP કોઈપણ ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સને ટિકિટ આપીને નેતા બનાવવા પર ઉતરી આવી છે.
હમણાંની સ્થાનિક ચૂંટણીમાં આ જ પાર્ટીએ આ જ જામનગરમાં એક ગુજસીટોકના આરોપી અસલમ ખિલજીને ટિકિટ આપી છે, હવે કાલે ઊઠીને પોલીસ તેની ધરપકડ કરશે એટલે આ જ પાર્ટી ‘ભાજપ અમારા કાર્યકર્તાઓને પકડે છે, ભાજપ અમારા નેતાઓને પકડે છે’ની બૂમો પાડવા લાગશે. જે માણસ આરોપી હોય, જેના પર FIR થઈ હોય, જેની વિરુદ્ધ તપાસ ચાલી રહી હોય તેને પોલીસ પકડે જ, પછી તે AAPમાં હોય કે ગમે તે હોય. હવે આમ આદમી પાર્ટીએ પોતાની જમાતમાં બધા આવા જ લોકોને ભેગા કર્યા છે તો ધરપકડ તો થવાની જ, પછી તેમાં ખોટું રુદન કરવાની અને સોશિયલ મીડિયા પર ફાંકા મારવાની કોઈ જરૂર નથી.


