હોમપેજગુજરાતગુજરાતી સાહિત્ય પરિષદ: આ તે કેવી ચૂંટણી, આ તે કેવી ચૂંટણી પ્રક્રિયા?

ગુજરાતી સાહિત્ય પરિષદ: આ તે કેવી ચૂંટણી, આ તે કેવી ચૂંટણી પ્રક્રિયા?

સુરતનો એક પત્ર ફરતો થયો, 'વોટિંગ પેટર્ન'ની સમજણ આપવાના બહાને આજીવન સભ્યોને મતપત્રકો સાથે બોલાવવામાં આવ્યા.

- Advertisement -

ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને તેની ચૂંટણી પ્રક્રિયા પર પ્રકાશ પાડતા અગાઉના લેખ પરથી સુજ્ઞ વાચકને સ્વાભાવિક લાગ્યું હશે કે સવા સો વર્ષ પહેલાં ભાષા-સાહિત્યના સંવર્ધન-જતન માટે સ્થપાયેલી આ સંસ્થા લોકશાહી ઢબે ચાલે છે અને દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે એ તો ખરું પરંતુ આ ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. તેમ છતાં આજની તારીખે એ જ જૂની-પુરાણી અને કઈંક અંશે વિચિત્ર પદ્ધતિએ ચૂંટણી થતી રહે છે.

પરિષદનું બંધારણ કહે છે કે મધ્યસ્થ સમિતિના સભ્યોની ચૂંટણી ‘કમ્પલસરી ડિસ્ટ્રિબ્યુટિવ વોટિંગ’ પદ્ધતિથી થાય છે. અર્થાત્ જેટલી સભ્યસંખ્યા મુકરર થઈ હોય તેટલી સંખ્યા જેટલા ઉમેદવારોને ફરજિયાત મત આપવાના રહે છે. આ વખતની ચૂંટણીમાં ચાળીસ મત ફરજિયાત આપવાના રહેશે. કુલ ઉમેદવારોની સંખ્યા 91 છે. બાકી પ્રમુખપદના ઉમેદવાર અને સંસ્થાગત સભ્યોને અલગથી મત આપવાના હોય છે.

આ મતદાન એક મહિના સુધી ચાલે છે. તેના માટે તમામ આજીવન સભ્યોને પોસ્ટ કે કુરિયર મારફતે મતપત્રકો મોકલાય છે. મતપત્રકો આજીવન સભ્યોને પહોંચે એટલે તેમાં તેમણે મત આપ્યા બાદ ફરી મતપત્રકો મોકલી આપવાનાં હોય છે, જેની આખરે મહિના પછી ગણતરી થાય છે. આ વખતે 3 ઑક્ટોબરથી મતપત્રકો મોકલવાનાં શરૂ કરવામાં આવ્યાં અને 2 નવેમ્બર સુધીમાં સ્વીકારવામાં આવશે. 4 નવેમ્બરે ગણતરી થશે.

- Advertisement -

કાગળ પરની પ્રક્રિયાનું અમલીકરણ કઠિન, અનેક બાબતોમાં ખામી

આ બધું જે કંઈ છે એ કાગળ પર છે, પણ તેનું અમલીકરણ કરવામાં આવે ત્યારે હાજર પ્રકારની સમસ્યાઓ આવે છે. પરિષદેથી મોકલવામાં આવેલાં મતપત્રો દરેક સભ્ય સુધી પહોંચતાં નથી. મતપત્રકો પહોંચ્યાં છે કે નહીં એ ચકાસવાની પણ કોઈ પદ્ધતિ નથી. દર ચૂંટણીએ સંખ્યાબંધ મતપત્રકો પરત આવે છે કે બીજી જ જગ્યાએ પહોંચી જાય છે.

મોટું કારણ એ જાણવા મળ્યું કે પરિષદની મતદાર યાદી ઘણા સમયથી સુધારવામાં આવી નથી કે તપાસવામાં આવી નથી. ફોન નંબર, સરનામાં વગેરેની ચકાસણી પણ થઈ નથી. પરિણામે પરિષદના અમુક હજાર જેટલા જ સભ્યો હોવા છતાં મતપત્રકો દરેક પાસે પહોંચતાં નથી અને તેમાંથી પણ સંપૂર્ણ મતદાન થતું નથી. ગત ચૂંટણીમાં લગભગ હજારેક મત જ પડ્યા હતા. તે પહેલાંની ચૂંટણીમાં 1300 આસપાસ મત પડ્યા હતા.

ઉમેદવારીપત્રો સ્પીડ પોસ્ટ કે કુરિયરથી જ મોકલવાં પડે છે. સામાન્ય રીતે તેને પહોંચતા બે-ત્રણ દિવસ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ કુરિયર કરવા નજીકના શહેરમાં જવું પડે. પોસ્ટથી પહોંચતાં ચારથી પાંચ દિવસ થઈ જાય. એટલે આ વ્યવસ્થામાં પણ ખામી છે.

ભૂતકાળમાં ઘણાં સૂચનો પણ અપાયાં હતાં, પરંતુ તેની ઉપર ઝાઝો વિચાર કરવામાં આવ્યો હોય એવું લાગતું નથી. મતપત્રકો ન મળવાની સ્થિતિમાં સભ્યો પરિષદની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે અને પરિષદની પદ્ધતિ પ્રમાણે પરબીડિયાં કરીને મોકલી આપે તે માટે વેબસાઈટ પર મતપત્રકો અપલોડ કરવામાં આવે એવું સૂચન પણ થયું હતું. ઉપરાંત ઓનલાઇન વોટિંગ માટેની પણ માંગ ઘણા સમય પહેલાં ઉઠી હતી, પરંતુ તેમાંથી કશું જ ન થયું.

ઉમેદવારીપત્રકોની ચકાસણી માટે નિયમાવલીનો અભાવ

પરિષદની ચૂંટણી પદ્ધતિ વિશે હાલ કોઈ સ્પષ્ટતાપૂર્વકના લેખિત નિયમો કે આચારસંહિતા નથી. ચૂંટણીની જાહેરાત સમયે બંધારણમાંથી જ કલમો ઉઠાવીને છાપી દેવામાં આવી હતી, પરંતુ બંધારણીય કલમોમાં દરેક બાબતની સ્પષ્ટતા ન હોય. ઉમેદવારી પત્રકો અમદાવાદ કાર્યાલયે કઈ રીતે પહોંચાડવાં તેની પણ કોઈ સ્પષ્ટ નિયમાવલી નથી. કોઈ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો રૂબરૂ ન લઈ શકાય એવા નિયમો ન હોય પણ ગુજરાતી સાહિત્ય પરિષદની આ ચૂંટણીમાં આવો નિયમ છે. હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કોઈ પૂર્વ જાહેરાત વગર આ નિયમ કોણે દાખલ કર્યો અને તેના માટે ચૂંટણી અધિકારીની મંજૂરી લેવાઈ હતી કે કેમ? જો લેવામાં આવી હોય તો તેની સૂચના શા માટે ન આપવામાં આવી?

સાહિત્ય પરિષદના પ્રમુખપદની દરખાસ્ત ઓનલાઇન સ્વીકારવામાં આવે છે પરંતુ મધ્યસ્થ સમિતિના ઉમેદવારીપત્રો વિશે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોઈ ઉમેદવાર ઇચ્છે તો ઓનલાઇન ઈમેલ મારફતે મોકલી ન શકે?

કોઈ પણ ચૂંટણી પ્રક્રિયાની સામાન્ય બાબત છે કે ઉમેદવારીપત્રો ભરવાની તારીખ જતી રહે એટલે તેના બીજા દિવસે કે પછીના દિવસે ઉમેદવારોની કે તેમના પ્રતિનિધિની હાજરીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી થાય છે. તેમાં ખામી કે ભૂલ હોય તો ઉમેદવારીપત્રો રદ કરવામાં આવે છે. ઉમેદવારીપત્રો યોગ્ય હોય તો તમામની ચકાસણી થયા પછી નામો જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ માન્ય ઉમેદવારોમાંથી પણ જેમણે ઉમેદવારીપત્રો પરત ખેંચવાં હોય તેમને સમય આપવામાં આવે છે અને આખરે અંતિમ યાદી જાહેર કરવામાં આવે છે.

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં આ બધી પ્રક્રિયાઓનું પણ સરખું પાલન થતું નથી. ઉમેદવારને ખબર જ ન પડે કે તેનું ઉમેદવારીપત્ર નામંજૂર થયું તો કયા કારણોસર થયું કે ન તેને વાંધા અરજી રજૂ કરવાની તક આપવામાં આવે છે.

મતપત્રકો એક ઠેકાણે ભેગાં કરીને મત અપાવવાનો કારસો? સુરતના પત્રએ પોલ ખોલી

મતપત્રકો કુરિયર કે પોસ્ટ મારફતે મોકલવામાં આવે પછી અમુક શહેરના સભ્યોનાં મતપત્રકો એક ઠેકાણે ભેગાં કરીને ઇચ્છિત ઉમેદવારોને મત અપાવડાવી દેવામાં આવે એવી ફરિયાદો ભૂતકાળમાં પણ ઉઠી છે. જીવતું-જાગતું ઉદાહરણ સુરતથી બહાર આવ્યું છે, જ્યાં રવિવારે (11 ઑક્ટોબર) ‘મતદાન પ્રક્રિયાની સમજ અને વોટિંગ પેટર્ન’ સમજાવવાના બહાને સભ્યોને મતપત્રકો સાથે લઈને બોલાવવામાં આવ્યા છે.

જે પત્ર ફરતો થયો છે તેમાં લખવામાં આવ્યું છે– ‘ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી તથા મધ્યસ્થ સમિતિના હોદ્દેદારોની ચૂંટણી માટે આજીવન મતદાતા પ્રિય ભાઈઓ-બહેનો જોગ નમ્ર અપીલ-વિનંતી.’

ત્યારબાદ પત્રમાં સાહિત્ય પરિષદની ચૂંટણી વિશે જાણકારી આપ્યા બાદ મતપત્રકોને નવેમ્બરની નિશ્ચિત તારીખ સુધીમાં અમદાવાદ મોકલવાનાં રહેશે. તે પહેલાં 11 ઑક્ટોબરે રવિવારે સાંજે 5 કલાકે ‘મતદાન પ્રક્રિયાની સમજ અને વોટિંગ પેટર્ન સમજાવવા માટે’ એક સભા સુરતમાં રાખવામાં આવી છે. સાથે પ્રમુખ પદના ઉમેદવાર કિરીટ દૂધાત અને અન્યોનાં નામ-નંબર છપાયાં છે.

યાદ રહે, આ પત્ર મતપત્રકો વિશે સામાન્ય જાણકારી આપવા માટેની બેઠક માટે લખવામાં નથી આવ્યો, તેમાં સ્પષ્ટ લખ્યું છે– ‘પ્રમુખપદ તરીકે શ્રી કિરીટ દૂધાતની ઉમેદવારીને અનુમોદન આપી મતપત્રકમાં એમના નામ સામે ચોકડી કરશો. આ સાથે મધ્યસ્થ સમિતિના ઉમેદવારોનાં મતપત્રકોમાં અમે મિત્રો સૂચવેલા ઉમેદવારોને મત આપી વિજેતા બનાવવામાં આપના મતનો સહયોગ આપશો તો ઋણી રહીશું.’

સુરતના કાર્યક્રમ માટેનું આમંત્રણ પાઠવતો પત્ર, સાભાર– (જશવંત રાવલ/ફેસબુક)

અર્થાત્, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોને મત આપવાના છે અને કોના માટે મતદાન કરવાનું છે.

આ પત્ર બાબતે વિવાદ થયા પછી આયોજકો પક્ષેથી એક સ્પષ્ટતા એવી આવી છે કે અનેક આજીવન સભ્યો વરિષ્ઠ અને ઉંમરલાયક સાહિત્યકારો છે અને આવા ઘણા સભ્યો મતદાન પ્રક્રિયા અંગે વારંવાર માર્ગદર્શન માગી રહ્યા હતા અને મતદાનપત્રક કઈ રીતે ભરવું, જરૂરી વિગતો કઈ રીતે પૂર્ણ કરવી તે વિશે અનેક સભ્યોમાં પ્રશ્નો હતા એટલે આ બેઠકનો હેતુ માત્ર જાગૃતિ અને માર્ગદર્શનનો છે.

પણ અહીં સ્પષ્ટતામાં જ મોટો ઝોલ છે. જો સભ્યો વરિષ્ઠ અને ભણેલા-ગણેલા હોય તો તેમને મતદાન પદ્ધતિ વિશે સમજાવવાની જરૂર જ ન પડવી જોઈએ. બીજું, આમાંથી ઘણા અનેક ચૂંટણીઓથી મતદાન કરતા આવ્યા છે. ગત ચૂંટણીમાં તેમણે જે રીતે મતદાન કર્યું હશે એ જ રીતે આ ચૂંટણીમાં પણ કરશે. કે આનો અર્થ એ કાઢવો કે દર ચૂંટણીમાં આ જ રીતે સભ્યોને બોલાવીને મતપત્રકો એકઠાં કરીને મતદાન કરી દેવામાં આવે છે?

હાલ બેઠકનો હેતુ ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત માગવાનો, મતદારોની પસંદગી જાણવાનો કે મતની ગુપ્તતા ભંગ કરવાનો કે મતદાન માટે કોઈની ઉપર દબાણ કરવાનો નથી એવી સુફિયાણી વાતો કહેવામાં આવી છે, પણ પત્ર પરથી ઘણું બધું સ્પષ્ટ થઈ શકે છે. મૂળ પ્રશ્ન જ એ છે કે સાહિત્યકારોએ આજીવન સભ્યોને જો મતદાન માટે સમજણ જ આપવાની હોય તો મતપત્રકો સાથે લઈને બોલાવવાની શું જરૂર પડી?

મૂળ વાત એ છે કે સાહિત્ય પરિષદની ચૂંટણીમાં પહેલેથી લઈને છેલ્લે સુધી અનેક ખામીઓ છે. ખામીઓનો ગેરલાભ કઈ રીતે ઉઠાવવામાં આવે છે એ સુરતના આ કિસ્સા પરથી સ્પષ્ટ જણાય છે. સાહિત્યકારો આમાં શું ફેરફારો લાવે એ જોવું રહ્યું. આ વખતે રચાયેલા પરિવર્તન મંચે જોકે આ બધી જ ખામીઓ ઉજાગર કરીને નવેસરથી કામ કરવા માટેનો વાયદો કર્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં