હાલમાં ભારતમાં સ્ટારલિંકને લઈને ચર્ચા ચાલી રહી છે. ઈલોન મસ્કે ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીમાં વિલંબને લઈને કેટલાક ‘ઓલિગાર્ક્સ’ એટલે કે ‘અમુક શક્તિશાળી માણસો’ પર આરોપ મૂક્યા અને કહ્યું કે તેઓ ભારતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સ્ટારલિંકને રોકી રહ્યા છે. આ પછી ભારત સરકાર તરફથી મસ્કના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે કે સ્ટારલિંક સાથે કોઈ ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી. સરકારના જણાવ્યા અનુસાર સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં લાયસન્સ ધરાવતી ત્રણેય કંપનીઓ- સ્ટારલિંક, જિયો સેટેલાઇટ અને વનવેબ, હાલ સુરક્ષા મૂલ્યાંકનમાંથી પસાર થઈ રહી છે અને ત્રણેય લગભગ એક જ નિયમનકારી તબક્કે છે.
તો પછી સવાલ એ છે કે આખરે સ્ટારલિંકને ભારતમાં આવવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? શું ખરેખર સરકાર સ્ટારલિંકને રોકી રહી છે? શું માત્ર ઈલોન મસ્કની કંપની માટે જ સિક્યુરિટી ક્લિયરન્સ અટકાવવામાં આવ્યું છે? અને ઈરાન યુદ્ધનો આ સમગ્ર મામલા સાથે શું સંબંધ છે? આ સમજવા માટે ભારતની સેટેલાઇટ ઈન્ટરનેટની સુરક્ષા વ્યવસ્થા અને અત્યાર સુધીની પ્રક્રિયાને સમજવી જરૂરી છે.
સ્ટારલિંકને સરકારે ક્યારેય નથી કર્યો ઇનકાર
શરૂઆતથી જ ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને લઈને કોઈ ઇનકાર કે મનાઈ કરવામાં આવી નથી. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા સ્ટારલિંકને સેટેલાઈટ સેવાઓ આપવા માટે જરૂરી GMPCS (Global Mobile Personal Communication by Satellite) લાયસન્સ આપવાની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે.
સરકારી ડેટા અનુસાર, 2025 સુધીમાં ભારતમાં મુખ્ય ત્રણ કંપનીઓ- વન વેબ ઇન્ડિયા, જિયો સેટેલાઈટ અને સ્ટારલિંકને GMPCS ઓથોરાઇઝેશન મળી ચૂક્યું છે. આનો સીધો અર્થ એ થાય છે કે કાગળ પર અને લાયસન્સના સ્તરે સ્ટારલિંક પણ અન્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોની સાથે જ એકસરખી સ્થિતિમાં ઊભી છે.
પરંતુ, માત્ર GMPCS લાયસન્સ મેળવી લેવાથી કોઈપણ કંપની ભારતમાં તરત જ પોતાનું સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરી શકતી નથી. ટેલિકોમ વિભાગે પોતે આ વાત સ્પષ્ટ કરી છે કે લાયસન્સ મળવું એ સ્પેક્ટ્રમ મેળવવાનો કે તેનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. સેટેલાઇટ સિગ્નલ બ્રોડકાસ્ટ કરવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી એ એક સંપૂર્ણપણે અલગ પ્રક્રિયા છે.
આ સિવાય, ભારતમાં વાસ્તવિક સેવાઓ શરૂ કરતા પહેલાં કંપનીઓએ સુરક્ષા સંબંધિત તમામ કડક માપદંડો અને શરતો પણ પૂરી કરવી પડે છે. તેથી, સ્પેક્ટ્રમ ફાળવણી અને કડક સિક્યુરિટી ક્લિયરન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્ટારલિંક ભારતીય યુઝર્સ સુધી પોતાનું સેટેલાઇટ નેટવર્ક પહોંચાડી શકશે.
સામાન્ય સિસ્ટમ અને સ્ટારલિંક વચ્ચેનો તફાવત
આ ઉપરાંત સેટેલાઇટ નેટવર્ક માટે સુરક્ષાની શરતો સામાન્ય મોબાઇલ નેટવર્ક કરતાં વધુ સંવેદનશીલ અને જટિલ હોય છે. સામાન્ય સિસ્ટમ જમીન પર રહેલા ટાવર અને વાયર નેટવર્કથી ચાલે છે, જ્યારે સ્ટારલિંક પૃથ્વીની નજીક ફરતા હજારો LEO (Low Earth Orbit) સેટેલાઇટ્સ દ્વારા સેવા આપે છે. યુઝરના ઘરની છત પર લાગેલી નાની ડિશ સીધી સેટેલાઇટ સાથે કનેક્ટ થાય છે અને પછી ગેટવે સ્ટેશન મારફતે ઇન્ટરનેટ પૂરું પાડે છે.
આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યાં સામાન્ય મોબાઇલ ટાવર કે ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવું શક્ય નથી, ત્યાં પણ સરળતાથી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. જોકે, સુવિધાની સાથે આ જ બાબત સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની જાય છે.
ખાસ કરીને સરહદી વિસ્તારો, પહાડી વિસ્તારો, જંગલો કે સમુદ્રી સીમાઓમાં જો કોઈ ડિવાઇસ સ્થાનિક SIM અને સામાન્ય નેટવર્ક બહાર રહીને સીધું વિદેશી સેટેલાઇટ સાથે કનેક્ટ થાય તો તે સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે. આ કારણે જ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આવા ટ્રાફિકને ટ્રેક, મોનિટર અને ઇન્ટરસેપ્ટ કરવાની મજબૂત વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.
ભારત સરકારની આ ચિંતા પાછળ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો કડવો અનુભવ પણ મહત્વનો ભાગ ભજવે છે. 2008ના હુમલા દરમિયાન આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ સાથે વાત કરવા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના પછી ભારતમાં સેટેલાઇટ આધારિત સંચાર વ્યવસ્થાને લઈને સુરક્ષા નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા, કારણ કે સેટેલાઇટ સિગ્નલ્સને સામાન્ય મોબાઈલ નેટવર્કની જેમ ટ્રેક કે ટ્રેસ કરવા ખુબ મુશ્કેલ હોય છે.
જોકે સ્ટારલિંક એ સામાન્ય સેટેલાઇટ ફોન કરતાં અલગ ટેક્નોલોજી છે, છતાં પણ સુરક્ષા એજન્સીઓની ચિંતાઓ સમાન છે. સ્ટારલિંકના હજારો સેટેલાઇટ પૃથ્વીથી આશરે 550 કિલોમીટરની ઊંચાઈ પર સતત ફરતા રહે છે. યુઝર પોતાની ડિશ દ્વારા સીધો સેટેલાઇટ સાથે જોડાય છે અને ત્યાંથી સિગ્નલ ગેટવે મારફતે મુખ્ય ઇન્ટરનેટ નેટવર્ક સુધી પહોંચે છે.
આ જ કારણે ભારત સરકારની મુખ્ય શરત એ છે કે ભારતમાં સેવાઓ આપવા માટે સેટેલાઇટ ગેટવે અને સમગ્ર નેટવર્કનો મહત્વનો ભાગ ભારતની સીમા અંદર જ સ્થાપિત હોવો જોઈએ. આમ કરવાથી જ ભારતીય સુરક્ષા એજન્સીઓ જરૂર પડ્યે કાયદાકીય રીતે દેશમાં આવતા-જતા ડેટા અને ટ્રાફિક પર નજર રાખી શકશે અને તેને મોનિટર કરી શકશે.
આ જ કારણથી ભારત સરકારની સુરક્ષા શરતોમાં દેશમાં જ ગેટવે સ્ટેશનો બનાવવાની મંજૂરી, કાયદેસર મોનિટરિંગ કરવાની ક્ષમતા અને ભારતીય યુઝર્સના ડેટા ટ્રાફિકને માત્ર ભારતીય ગેટવે મારફતે જ રૂટ કરવાની બાબતો અત્યંત મહત્વની છે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સના નિયમો અનુસાર વિદેશી સેટેલાઇટ કંપનીઓએ દેશની અંદર જ પોતાનું કોર નેટવર્ક અને ડેટા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી ફરજિયાત છે.
ઈરાન સાથે સંઘર્ષનો મુદ્દો પણ મહત્વનો
આ દરમિયાન ઈરાન સંઘર્ષનો મુદ્દો પણ સામે આવ્યો છે. જૂન 2026માં સામે આવેલા અહેવાલો મુજબ, ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન અમેરિકાએ સ્ટારલિંકના સેટેલાઇટ ટર્મિનલ્સનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ઈરાનમાં સ્ટારલિંકને કોઈ સત્તાવાર લાયસન્સ મળેલું ન હતું. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારત માટે એક મોટો સુરક્ષા સવાલ ઊભો કર્યો.
આ ઘટના બાદ ભારતીય એજન્સીઓ સામે મોટો પ્રશ્ન એ છે કે જો ભવિષ્યમાં કોઈ વિદેશી સરકાર કે સંસ્થા અમેરિકન સેટેલાઇટ કંપની પર દબાણ લાવે તો ભારત પોતાની સુરક્ષાની ખાતરી કેવી રીતે કરશે? તેથી જ ભારત સરકાર કોઈપણ ઉતાવળ કર્યા વિના એ સુનિશ્ચિત કરવા માગે છે કે સ્ટારલિંક ભારતીય કાયદાઓ અને સુરક્ષા નિયમોનું સંપૂર્ણપણે અને ચુસ્તપણે પાલન કરે.
આ અહેવાલો મુજબ, ઈરાન યુદ્ધની ઘટના બાદ સ્ટારલિંકની સુરક્ષા તપાસ વધુ સંવેદનશીલ બની છે. ભારતીય અધિકારીઓ સ્પષ્ટતા ઈચ્છે છે કે જો ભવિષ્યમાં કોઈ આંતરરાષ્ટ્રીય સંકટ આવે કે વિદેશી સરકારનું દબાણ થાય તોપણ સ્પેસએક્સ ભારતના સુરક્ષા નિયમો અને ભારતીય સત્તાધિકારીઓના નિર્દેશોને જ પ્રાથમિકતા આપશે તેની શું ગેરંટી છે.
જોકે, સ્ટારલિંકના પ્રવેશમાં થઈ રહેલા વિલંબ માટે માત્ર ઈરાન સંઘર્ષને જ એકમાત્ર કારણ માનવું યોગ્ય નથી. આ એક મહત્વનું કારણ જરૂર છે, પરંતુ તેની સાથે અન્ય ઘણા ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત પાસાંની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય સુરક્ષા કારણોની પણ તપાસ ચાલુ
જેમ કે, સરહદી વિસ્તારોમાં ‘સિગ્નલ સ્પિલેજ’ એટલે કે સિગ્નલ ભારતની સરહદ બહાર પહોંચી જવા, સ્થાનિક ગેટવેની સુરક્ષા, ડેટા લોકલાઇઝેશન અને ડેટા ઇન્ટરસેપ્શન જેવા અનેક મુદ્દાઓ ચકાસવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ગૃહ મંત્રાલય માત્ર સ્ટારલિંક જ નહીં પણ વનવેબ અને SES જેવી અન્ય કંપનીઓ માટે પણ આવા સુરક્ષા મુદ્દાઓની તપાસ કરી રહ્યું છે.
આ મુદ્દાને માત્ર ‘મસ્કની કંપની વિરુદ્ધ ભારત સરકાર’ તરીકે જોવો તે એક અધૂરું ચિત્ર છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે ત્રણ મુખ્ય લાયસન્સધારક કંપનીઓ કાર્યરત છે- સ્ટારલિંક, જિયો સેટેલાઇટ અને વનવેબ ઇન્ડિયા. જેમાંથી જિયો અને વનવેબ ભારતીય કંપનીઓ છે, જ્યારે સ્ટારલિંક એ અમેરિકન કંપની સ્પેસએક્સનો એક ભાગ છે. સરકારી રેકોર્ડ મુજબ, આ ત્રણેય કંપનીઓને કાગળ પર GMPCS ઓથોરાઇઝેશન એટલે કે પ્રાથમિક મંજૂરી મળી ચૂકી છે.
સરકારના તાજેતરના સ્પષ્ટીકરણ બાદ આ સમગ્ર પ્રક્રિયા વધુ સ્પષ્ટ થઈ છે. સંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં આ ત્રણેય લાયસન્સધારક કંપનીઓની સુરક્ષા ચકાસણી ચાલી રહી છે અને ત્રણેય કંપનીઓ નિયમનકારી પ્રક્રિયાના એકસરખા તબક્કામાંથી પસાર થઈ રહી છે. સુરક્ષા શરતોનું સંપૂર્ણ પાલન સાબિત થયા પછી જ તેઓને સ્પેક્ટ્રમ ફાળવણીના આગળના તબક્કામાં જવાની મંજૂરી આપવામાં આવશે.
આમ, ભારત સરકારના કહેવા પ્રમાણે સ્ટારલિંક માટે કોઈ અલગ નિયમ બનાવવામાં આવ્યો નથી કે તેની સામે કોઈ વિશેષ અવરોધ ઊભો કરવામાં આવ્યો નથી. ત્રણેય કંપનીઓ માટે સિક્યોરિટી ક્લિયરન્સ અને સ્પેક્ટ્રમ મેળવવાની પ્રક્રિયા એકસમાન જ છે.
સ્ટારલિંક પણ ભારતમાં સેવાઓ શરૂ કરવા કરી રહ્યું છે તૈયારી
બીજી તરફ સ્ટારલિંકે પણ ભારતમાં સેવાઓ શરૂ કરવા માટે પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. કંપનીના જણાવ્યા મુજબ, ભારતમાં આશરે 20 ગેટવે સાઇટ્સ અને સેંકડો એન્ટેના સ્થાપિત કરવામાં આવ્યા છે. ડેટા લોકલાઇઝેશનના નિયમો મુજબ ભારતીય યુઝર્સનો ડેટા દેશની અંદર જ સુરક્ષિત રાખવા અને ભારત સરકારની તમામ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી સિસ્ટમ પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
આ બધી તૈયારીઓ પછી સવાલ એ થાય છે કે હવે કઈ પ્રક્રિયા બાકી રહી જાય છે? મુખ્યત્વે હોમ મિનિસ્ટ્રી અને સુરક્ષા એજન્સીઓ તરફથી બાકી રહેલી અંતિમ સુરક્ષા મંજૂરીઓ, નિયમનકારી શરતોનું ચકાસણી પત્રક અને ત્યારબાદ થનારી સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા જ હવે મુખ્ય તબક્કો છે.
DoTના નિયમો અનુસાર સેટેલાઇટ સેવાઓનું લાયસન્સ મળવું અને સ્પેક્ટ્રમ મેળવવું એ બંને સાવ અલગ-અલગ બાબતો છે. તેથી જ કંપની પાસે GMPCS લાયસન્સ હોવા છતાં જ્યાં સુધી સ્પેક્ટ્રમની ફાળવણી ન થાય અને તમામ સુરક્ષા ક્લિયરન્સ ન મળી જાય ત્યાં સુધી સ્ટારલિંક કે અન્ય કોઈ પણ કંપની ભારતમાં પોતાની વ્યાવસાયિક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરી શકતી નથી.
સાવચેતી રાખવી ખૂબ જરૂરી
આ સમગ્ર મામલામાં ભારત સરકાર તરફથી રાખવામાં આવતી સુરક્ષા ચિંતાઓ માત્ર કાલ્પનિક નથી, પરંતુ તેના કેટલાક વાસ્તવિક દાખલા પણ જોવા મળ્યા છે. 2024માં મણિપુરમાં એક ઉગ્રવાદી ઠેકાણેથી અને દરિયામાં સક્રિય કેટલાક દાણચોરો પાસેથી સ્ટારલિંકના ડિશ અને ઉપકરણો મળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓ માટે આ નવી ટેક્નોલોજીના સંભવિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
જોકે, આ મામલે ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી હતી કે તે સમયે ભારત પર સ્ટારલિંકના સિગ્નલ (બીમ) ચાલુ જ નહોતા અને કંપનીએ તે ઉપકરણોને નિષ્ક્રિય કરી દીધા હતા. તેમ છતાં આવા બનાવોને ધ્યાનમાં રાખીને જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરતા પહેલાં તમામ સુરક્ષા માપદંડો અને નિયંત્રણ વ્યવસ્થા પૂરેપૂરી ચકાસી લેવા માગે છે.
એટલે કે હાલમાં ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેની અંતિમ સુરક્ષા અને નિયમનકારી મંજૂરીઓની પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે સુરક્ષા તપાસ માત્ર સ્ટારલિંક પૂરતી સીમિત નથી, પરંતુ સ્ટારલિંક, વનવેબ અને જિયો, ત્રણેય કંપનીઓ માટે એકસરખી રીતે ચાલી રહી છે. તેથી, સુરક્ષા સંબંધિત આ તમામ કડક પ્રક્રિયાઓ અને શરતો પૂર્ણ થયા બાદ જ આ કંપનીઓ માટે આગળના તબક્કામાં સ્પેક્ટ્રમ મેળવવાનો માર્ગ ખુલશે.


