
નવરાત્રિના પવિત્ર તહેવાર પહેલાં અંબાજી માતાના કરોડો ભક્તો માટે એક આનંદના સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરમાં મા અંબાને ધરાવવામાં આવતો અને ભક્તોમાં પ્રસાદરૂપે વહેંચાતો પ્રખ્યાત મોહનથાળ હવે સત્તાવાર રીતે ‘જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન’ (GI) ટેગ મેળવી ચૂક્યો છે. આ માન્યતા મળવાથી અંબાજીના મોહનથાળની વર્ષો જૂની પરંપરા, વિશિષ્ટતા અને પવિત્રતાને કાયદાકીય અને વૈશ્વિક ઓળખ મળી છે.
કેન્દ્રીય GI રજિસ્ટ્રીના રેકોર્ડ અનુસાર આ નોંધણી 1 ઑક્ટોબર , 2026ના રોજ કરવામાં આવી હતી. નવરાત્રિના પહેલા દિવસે, એટલે કે 11 ઑક્ટોબરે અંબાજી મંદિરના ચાચરચોકમાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં આ GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર સોંપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે.
ભક્તોની અતૂટ આસ્થા અને અંબાજીની સમૃદ્ધ પરંપરાનું પવિત્ર પ્રતીક અંબાજીનો પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદ હવે GI ટેગથી સન્માનિત! નવરાત્રિના પાવન પ્રથમ દિવસે ચાચરચોકથી આ ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. માતાજીના પ્રસાદની આ દિવ્ય ઓળખ હવે રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજળી બની છે. જય અંબે મા! https://t.co/ssE1OKmqX0
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2026
GI ટેગ અને તેનું મહત્વ
‘GI ટેગ’ એટલે કે ભૌગોલિક ઓળખ. આ એક એવું સર્ટિફિકેટ છે જે કોઈ ચોક્કસ વિસ્તારની ખાસ અને પરંપરાગત વસ્તુને તેની આગવી ઓળખ માટે આપવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજી આધારે મોહનથાળને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આ ટેગ મળવાથી હવે અંબાજીના મોહનથાળના નામનો કોઈ અનધિકૃત રીતે ઉપયોગ કરી શકશે નહીં કે તેની નકલ કરી શકશે નહીં આ રજિસ્ટ્રેશન 17 એપ્રિલ 2034 સુધી માન્ય રહેશે.
અંબાજીના મોહનથાળની ખરી ઓળખ તેનો સોનેરી પીળો રંગ, દાણેદાર રચના, મનમોહક સુગંધ અને મીઠો સ્વાદ છે. ચણાનો લોટ, ઘી, ખાંડની ચાસણી, દૂધ અને એલચીમાંથી પરંપરાગત રીતે તૈયાર થતો આ પ્રસાદ પેઢીઓથી માતાજીને રાજભોગ તરીકે ધરાવવામાં આવે છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા અંબાજી મંદિરે દર્શને આવતા દરેક શ્રદ્ધાળુ માટે આ મોહનથાળ માત્ર મીઠાઈ નથી પણ મા અંબાની આસ્થાનું પ્રતીક છે.
મંદિરના આરસપહાણના પથ્થરને પણ મળેલો છે GI ટેગ
નોંધનીય છે કે અંબાજીના વિશ્વપ્રસિદ્ધ આરસપહાણના પથ્થરને અગાઉથી જ GI ટેગ મળેલો છે અને હવે મોહનથાળને પણ આ સન્માન મળતા અંબાજીની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બની છે. GI ટેગથી મીઠાઈનું નામ અને તેની બનાવટનો વિસ્તાર કાયદાકીય રીતે સુરક્ષિત થાય છે, જેથી અંબાજીની મૂળ અને પરંપરાગત વાનગીનું અસ્તિત્વ અને તેની ખાસિયત ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. નવરાત્રિ જેવા મહાપર્વના પ્રારંભે જ પ્રસાદને આવું સન્માન મળવાથી સમગ્ર અંબાજી ધામ અને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

