આમ આદમી પાર્ટી મોટા-મોટા વાયદાઓ અને મફતની યોજનાઓની લ્હાણી કરીને સત્તામાં આવ્યા પછી જ્યારે કામો ન કરી શકે ત્યારે શેહશરમ છોડીને તેનો દોષ બીજાઓ પર નાખી દે છે. દિલ્હીમાં કેજરીવાલે એક દાયકો આ જ કર્યું. હવે આ જ ‘દિલ્હી મોડેલ’ પંજાબમાં લાગુ થઈ રહ્યું છે. ડ્રગ્સ મુદ્દે ભગવંત માનની આમ આદમી પાર્ટી સરકાર ફસાતી જોઈને હવે પાર્ટી અને કેજરીવાલે બહુ સિફતપૂર્વક દોષ પાડોશી ભાજપશાસિત રાજ્યો પર નાખવાનો શરૂ કર્યો છે અને ગુજરાત પાડોશી ન હોવા છતાં વચ્ચે ઘસડી લાવવામાં આવ્યું છે.
મંગળવારે (15 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે એક X પોસ્ટ કરીને લખ્યું, ‘2022માં જ્યારે અમારી સરકાર બની હતી તો 80% ડ્રગ્સ પાકિસ્તાનથી આવતું હતું. ‘આપ’ સરકારે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ લગાવીને પાકિસ્તાનની આવતા ડ્રગ્સ પર કાબૂ મેળવી લીધો. આજે 20% ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે.’
2022 में जब हमारी सरकार बनी थी तो 80% ड्रग्स पाकिस्तान से आती थी। “आप” सरकार ने एंटी ड्रोन सिस्टम लगाकर पाकिस्तान से आने वाली ड्रग्स पर काबू किया। आज केवल 20% ड्रग्स पाकिस्तान से आती हैं। आज 80% ड्रग्स बीजेपी शासित राज्यों से आ रही हैं – गुजरात, राजस्थान, हरियाणा, यूपी, दिल्ली।… pic.twitter.com/IllELZym91
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2026
ત્યારબાદ કેજરીવાલ કહે છે, ‘આજે 80% ડ્રગ્સ ભાજપશાસિત રાજ્યોમાંથી આવે છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, યુપી અને દિલ્હી. ભાજપ પોતાનાં રાજ્યોમાં નશાનો કારોબાર રોકવામાં નિષ્ફળ રહે છે કે રોકવા નથી માગતો? ગુજરાતમાં ત્રીસ વર્ષથી તેમની સરકાર છે અને નશાનો સૌથી મોટો ધંધો ત્યાં ચાલે છે. મુન્દ્રા પોર્ટથી નશો ભારત આવે છે જેને રોકવાની જવાબદારી કેન્દ્રની ભાજપ સરકારની છે.’
આગળ ‘બેશરમી’નું સર્ટિફિકેટ ફાડતાં કેજરીવાલ કહે છે કે, ‘પંજાબમાં આ લોકો (ભાજપ) નશા વિરુદ્ધ યાત્રા યોજી રહ્યા છે. પંજાબ પાસેથી શીખો અને પોતાના રાજ્યમાં પણ નશો ખતમ કરો. દરેક વાતમાં રાજનીતિ ન કરો.’
કેજરીવાલે પોસ્ટમાં પંજાબના અખબાર ‘ધ ટ્રિબ્યુન’નો એક લેખ શેર કર્યો છે, જેમાં પોલીસને ટાંકીને એ માહિતી આપવામાં આવી છે જે દાવો કેજરીવાલે પોસ્ટમાં કર્યો છે. પોલીસ આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ કામ કરે છે.
બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે કેજરીવાલે પંજાબ સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા માટે સાથે પાકિસ્તાનને પણ ક્લીન ચિટ આપી દીધી છે. પોસ્ટમાં તેઓ કહે છે કે પહેલાં પાકિસ્તાનની 80% જેટલું ડ્રગ્સ આવતું હતું પરંતુ હવે એ 20% જ આવે છે. આનો ડેટા શું છે, ક્યાં છે, કયા આધારે આ તારણ કાઢ્યું– આનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
બીજું, કેજરીવાલ કહે છે કે ગુજરાતના મુન્દ્રા બંદરેથી ડ્રગ્સ આવે છે અને તે અટકાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, જે સરકાર કરી શકી નથી. આ જ તર્કનો ઉપયોગ કરવામાં આવે તો પંજાબ-પાકિસ્તાન પણ આંતરરાષ્ટ્રીય સરહદ છે અને ત્યાં પણ જવાબદારી કેન્દ્ર સરકારની અને ગૃહ મંત્રાલયની કહેવાય. જો ત્યાં કેજરીવાલના કહેવા પ્રમાણે ડ્રગ્સની હેરફેર પર નિયંત્રણ આવ્યું હોય તો તેનો શ્રેય પણ કેન્દ્રને જવો જોઈએ. પણ ત્યાં કેજરીવાલ પંજાબ સરકારને ક્રેડિટ આપે છે. ગુજરાતમાં કહે છે કે કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે.
ડ્રગ્સ સામે કાર્યવાહીની બાબતે કાયમ અગ્રેસર રહ્યું છે ગુજરાત
વાત જ્યાં સુધી ગુજરાતની છે, ડ્રગ્સની સમસ્યા સામે લડવામાં સૌથી આગળ ગુજરાત છે. ગુજરાત પશ્ચિમ છેડે આવેલું અને મોટો દરિયાકિનારો ધરાવતું હોવાના કારણે ડ્રગ્સ ટ્રાફિકરોના ટાર્ગેટ પર રહે છે. ઈરાન, અફઘાનિસ્તાન અને મધ્ય-પૂર્વ ઉપરાંત પાકિસ્તાનથી પણ દરિયાઈ માર્ગે ડ્રગ્સ મોકલવામાં આવતું રહે છે. અગાઉ પણ લખ્યું હતું કે ટ્રાફિકરો ભલે ગુજરાતને ‘ગેટ વે’ બનાવવા માગતા હોય પરંતુ એજન્સીઓ મળીને તેમના મનસૂબા ઉપર પાણી ફેરવતી રહી છે અને સમયાંતરે કાર્યવાહી કરતી રહી છે.
જુલાઈ મહિનામાં ગુજરાત પોલીસે પાછલાં વર્ષોમાં પકડેલા લગભગ ₹2153 કરોડની કિંમતના કુલ 13,249 કિલો ડ્રગ્સનો ખાત્મો કરાયો. છેલ્લાં પાંચ વર્ષના આંકડા લઈએ તો એજન્સીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં (2021-26) ગુજરાતમાં ₹13,600 કરોડનું ડ્રગ્સ પકડ્યું. વજન લઈએ તો લગભગ 1.36 લાખ કિલો જેટલું થાય. કુલ 3700 કરતાં વધુ FIR દાખલ કરવામાં આવી અને પાંચ હજારથી વધુ આરોપીઓની ધરપકડ થઈ. ડ્રગ્સના આ કેસોમાં કન્વિક્શન રેટ લગભગ 65% આસપાસ છે, જેને સરકાર 100% સુધી લઈ જવા મથી રહી છે.
ડ્રગ્સના વેપાર પાછળ એક મોટું કારણ પૈસો છે. નાર્કોટિક્સ નફો કરી આપે છે. પરંતુ પાકિસ્તાન કારણ કે આતંકવાદી રાષ્ટ્ર છે તો ત્યાં આતંકવાદનું પાસું પણ જોવું પડે. ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું મોટું કારણ છે નાર્કો ટેરર ફાઇનાન્સિંગ. ડ્રગ્સના વ્યાપારના પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓના ફન્ડિંગ માટે કરવામાં આવે છે.
આમ તો પંજાબ પણ પાકિસ્તાનનું પાડોશી છે પરંતુ ત્યાંથી પહેલેથી સ્મગલિંગ ઓછું થાય છે કારણ કે એ લેન્ડ બોર્ડર છે. ત્યાં સતત સુરક્ષા હોય છે અને એ કામ કેન્દ્ર સરકારનું છે. એટલે ત્યાંથી સ્મગલિંગ કરવું એટલું સરળ નથી. દરિયાઈ માર્ગે ટ્રાફિકરો વધુ સ્મગલિંગ કરે છે. એટલે એક રીતે જોવા જઈએ તો પંજાબ અને ગુજરાતની સરખામણી ન થઈ શકે અને સરખામણી કરો તોપણ ગુજરાતની એજન્સીઓ કોઈને પણ દોષ આપ્યા વગર આ દિશામાં કામ કરી રહી છે.
ગુજરાત પોલીસ અને ખાસ કરીને ATSએ તગડું નેટવર્ક બનાવી રાખ્યું છે, જ્યાંથી ડ્રગ્સ સ્મગલિંગ વિશે માહિતી મળતી રહે છે. ત્યારબાદ કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓની મદદથી ઑપરેશન પાર પાડવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાર્ગો મારફતે ડ્રગ્સ મોકલાવાતું હોય તો DRI અને કસ્ટમ્સની મદદ લેવાય છે. આ એજન્સીઓ ડ્રગ્સ પકડે પછી NCB અને NIA જેવી એજન્સીઓ તપાસ કરે છે. દરમ્યાન ગુજરાત પોલીસ અને ATS સ્થાનિક સ્તરે આ નેટવર્ક ફૂલેફાલે નહીં તેની પૂરતી કાળજી લેતાં રહે છે. જેની ઉપર સતત ગુજરાત સરકારની, ગૃહ વિભાગની નજર રહે છે.
આનો અર્થ એ પણ છે કે એજન્સઓનું કામ માત્ર કોઈ એક બોટ પકડવા સુધી કે ક્રૂને જેલભેગું કરવા સુધી સીમિત રહેતું નથી અને તેઓ સાથે મળીને આખા એક નેટવર્કને તોડવાનું કામ કરી રહ્યા છે.
પાણીની સમસ્યા, વાયુ પ્રદૂષણ– પોતાની નિષ્ફળતાઓનો દોષ બીજા પર નાખવાની કેજરીવાલ એન્ડ ગેંગને પહેલેથી કુટેવ
પોતે જ્યારે નિષ્ફળ જાય ત્યારે બીજા પર દોષ નાખી દેવાની કુટેવ કેજરીવાલને પહેલેથી છે. ભૂતકાળમાં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે પણ આ જ કરવામાં આવતું હતું.
દર વર્ષે ચોમાસું આવે અને દિલ્હીમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં ત્યારે શરૂઆતમાં કેજરીવાલ એન્ડ કંપનીએ એવું ચલાવ્યું કે તેમને સત્તામાં આવ્યાને થોડાં જ વર્ષ થયાં છે અને આ બધી બાબતો પર કામ ચાલી રહ્યું છે. પાંચ-સાત-દસ વર્ષ પછી પણ બધું ઠેરનું ઠેર જ રહ્યું ત્યારે લોકોએ પ્રશ્નો કરવાના ચાલુ કર્યા. તો જવાબ ન રહ્યો અને કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો. હદ ત્યારે થઈ ગઈ જ્યારે દિલ્હીનાં જળમંત્રી આતિશી પોતે સમસ્યાનું સમાધાન લાવવાના સ્થાને ધરણાં પર બેઠાં હતાં અને દિવસો સુધી નાટકો કર્યાં હતાં.
આવું જ પ્રદૂષણ મુદ્દે થતું હતું. શિયાળામાં દિલ્હીમાં શ્વાસ લેવો પણ અઘરો બની જતો ત્યારે કેજરીવાલ અને ગેંગ કહેતી કે આ બધું પંજાબ અને હરિયાણાથી પરાળ બાળવાના કારણે જે ધુમાડો આવે છે એનું પરિણામ છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી એટલે પંજાબનું નામ આરોપોની યાદીમાંથી કમી કરી નાખ્યું અને હરિયાણામાં ભાજપની સરકાર છે એટલે હરિયાણા પર ફોકસ કર્યું. કેજરીવાલે પરાળ માટે દવા બનાવવાની ફાંકા ફોજદારી પણ કરી હતી. સરકાર બદલાઈ અને ભાજપે જૂની ફાઈલો ખોલી ત્યારે જાણવા મળ્યું કે આવી દવા બનાવવાની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો પણ આખરે થયું કશું જ નહીં. ન દવા બની, ન સમસ્યાનું સમાધાન આવ્યું. બીજી તરફ આમ આદમી પાર્ટી સતત કેન્દ્ર અને પાડોશી ભાજપ રાજ્યો પર દોષનો ટોપલો ઢોળીને દહાડા કાઢતી રહી.
કેજરીવાલ અને તેમના આપિયાઓ પ્રજાને મૂરખ સમજે છે. પણ આ જનતા બધું જાણે છે. દિલ્હીમાં આવાં જ નાટકો આમ આદમી પાર્ટીને ભારે પડ્યાં હતાં. જે રીતે પંજાબમાં પણ એ જ ‘દિલ્હી મોડેલ’ અપનાવાય રહ્યું છે તેને જોતાં આવતા વર્ષે આવતી વિધાનસભા ચૂંટણીમાં પણ દિલ્હી જેવું જ પરિણામ જોવા મળે તેની શક્યતાઓ અધિક છે. કારણ કે આ શરૂઆત છે, ચૂંટણી આવતાં સુધીમાં કેજરીવાલ આવાં કંઈ કેટલાંય ગતકડાં કરશે અને આપણું મનોરંજન કરતા રહેશે. કારણ કે ભારતના રાજકારણમાં આપિયાઓનું કામ ન્યૂસન્સ પેદા કરવા સિવાય બીજું કોઈ નથી.


