Saturday, March 29, 2025
More
    હોમપેજરાજકારણકાર્યક્રમ થયા જ નહીં તેની જાહેરાત કરવા ફૂંકી માર્યા કરોડો રૂપિયા; પરાળ...

    કાર્યક્રમ થયા જ નહીં તેની જાહેરાત કરવા ફૂંકી માર્યા કરોડો રૂપિયા; પરાળ માટેની દવા ન શોધાઈ, પણ એડ પાછળ ખર્ચ્યા ₹24 કરોડ: દિલ્હી વિધાનસભામાં ખૂલી કેજરીવાલ સરકારની પોલ

    ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના’ નામથી કેજરીવાલ સરકારે એક યોજના શરૂ કરી હતી. પ્રચાર એવો કરવામાં આવ્યો હતો કે તેના દ્વારા SC/ST વિદ્યાર્થીઓને કોચિંગ મેળવવામાં મદદ પૂરી પાડવામાં આવશે. પરંતુ જ્યારે નવી સરકારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ યોજના પાછળ પૈસા તો દર વર્ષે ફાળવવામાં આવતા રહ્યા, પણ ખર્ચ એક રૂપિયાનો પણ કરવામાં આવ્યો ન હતો.

    - Advertisement -

    દિલ્હીમાં એક દાયકા સુધી શાસન કર્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં પરાજયના કારણે સત્તા પરથી બેદખલ થયેલી આમ આદમી પાર્ટીનાં કાળાં કામો હવે એક પછી એક સામે આવી રહ્યાં છે. હાલ દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ પરની ચર્ચામાં જ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીઓ એક પછી એક કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. સંભવતઃ એ જ કારણ છે કે આમ આદમી પાર્ટી રોજ નવાં-નવાં તૂત લાવીને આ વિષય પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરી રહી છે. જોકે મેઈનસ્ટ્રીમ મીડિયાએ પણ બહુ ધ્યાન ન આપ્યું હોવાના કારણે દિલ્હી વિધાનસભામાં AAP સરકારની જે કરતૂતો ઉઘાડી પડી રહી છે તેની બહુ ચર્ચા ન થઈ. 

    27 માર્ચે બજેટ પરની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિગતવાર, આંકડાઓ સાથે જણાવ્યું હતું કે કઈ રીતે કેજરીવાલ સરકારે જાહેરાતો પાછળ અધધ ખર્ચ કર્યો, પણ ધરાતલ પર કામ કંઈ ન કર્યાં. અમુક યોજનાઓ તો એવી પણ હતી, જેની ઉપર કામ લેશમાત્ર ન થયું કે એક ઈંટ પણ ન મૂકાઈ, પણ કેજરીવાલ સરકારે તેની જાહેરાત કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. આ આંકડાઓ પર એક નજર કરીએ. 

    વર્ષ 2015માં જ્યારે કેજરીવાલ સરકાર આવી ત્યારે ભૂતકાળની શીલા દીક્ષિતની કોંગ્રેસ સરકાર જાહેરાત પાછળ ₹24 કરોડ ખર્ચતી હતી. કેજરીવાલની AAP સરકારે આવીને પાંચ ગણો ખર્ચ વધારી દીધો અને આંકડો પહોંચી ગયો ₹127 કરોડ પર. આ જ આંકડો વર્ષ 2021-22 આવતાં સુધીમાં ₹621 કરોડ થઈ ગયો. એટલે એક વર્ષમાં સરકાર સરકારી કામોની જાહેરાત કરવા પાછળ જ આટલા રૂપિયા ખર્ચી નાખ્યા. પરંતુ મહત્વની વાત એ છે કે આમાંથી મોટાભાગનાં કામની માત્ર જાહેરાત જ કરવામાં આવી હતી, તેની પાછળ ખર્ચ બિલકુલ અથવા નહિવત કરવામાં આવ્યો હતો. ઘણાં કામોમાં જે ખર્ચ કરવામાં આવ્યો હતો, તેના કરતાં જાહેરાત બે-ત્રણ-ચાર ગણા વધુ રૂપિયા ખર્ચીને કરવામાં આવી હતી. આ બાબતોની જાણકારી પણ મુખ્યમંત્રીએ આપી હતી.  

    - Advertisement -

    જ્યારે આમ આદમી પાર્ટીની સરકારની વર્ષગાંઠ આવતી હતી ત્યારે પણ કેજરીવાલ સરકાર કરોડો ખર્ચી નાખતી હતી. ઉદાહરણ તરીકે, 6 વર્ષ પૂરાં થયાં ત્યારે ₹26 કરોડ ખર્ચ કર્યો. 7 વર્ષ પૂર્ણ થયાં ત્યારે જાહેરાત પાછળ 25 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. 

    કાર્યક્રમ થયો જ નહીં તેની પાછળ ₹8 કરોડનો ખર્ચ 

    આવો જ એક કાર્યક્રમ વર્ષ 2022-23માં દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ નામથી કરવામાં આવ્યો હતો. તેમાં યોજના એવી હતી કે લોકો દિલ્હી આવે અને શોપિંગ કરે. મુખ્યમંત્રીએ જ્યારે અધિકારીઓને પૂછ્યું કે શું આ કાર્યક્રમ પાછળ કોઈ ખર્ચ થયો? ત્યારે જાણવા મળ્યું કે આ કાર્યક્રમ તો થયો જ ન હતો. પરંતુ તેની જાહેરાત પાછળ ₹8 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા. 

    પરાળ માટેની દવા જે શોધાઈ જ નહીં, તેની જાહેરાત પાછળ કરોડો ખર્ચાયા; 1 સ્મોક ટાવર, જે વર્ષમાં બંધ પડી ગયો, તેની પાછળ ખર્ચ થયો ₹28 કરોડ 

    વાયુ પ્રદૂષણ મુદ્દે કેજરીવાલ સરકાર કાયમ સવાલોના કઠેડામાં રહી. પરંતુ આદત અનુસાર દર વખતે તેઓ પાડોશી (ભાજપશાસિત) રાજ્યો કે પછી કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળીને છટકી જતા હતા. ખાસ કરીને પરાળના કારણે થતા પ્રદૂષણને ડામવા માટે માત્ર વાતોનાં વડાં અને દોષના ટોપલા ઢોળવાનું જ કામ કરવામાં આવ્યું. 

    વચ્ચે કેજરીવાલ સરકારે એક ‘ક્રોપ રેઝિડ્યુલ કેમ્પેઈન’ની ઘોષણા કરી હતી, જેમાં વાતો એવી કરવામાં આવી હતી કે એક દવા શોધવામાં આવશે, જે પરાળ પર નાખવાથી પરાળ જ નષ્ટ થઈ જશે. મજાની વાત એ છે કે આ દવા ક્યારેય શોધાઈ જ નહીં. આ પ્રક્રિયામાં ₹77 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. તેની જાહેરાત પાછળ ₹24 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા. એટલે કે એક દવા શોધવાનાં બણગાં ફૂંકવામાં આવ્યા, દવા તો ન શોધાઈ પણ જાહેરાત પાછળ કરોડો ખર્ચી નાખવામાં આવ્યા. 

    આ સિવાય કેજરીવાલ સરકારે દિલ્હીમાં સ્મોક ટાવર લગાવવાની પણ ઘોષણા કરી હતી. નવી સરકારે તપાસ કરતાં જાણવા મળ્યું કે આખા દિલ્હીમાં કનોટ પ્લેસ પર એક ટાવર લગાવવાં આવ્યો હતો, જે પણ એક જ વર્ષમાં બંધ પડી ગયો. તેને લગાવવાનો ખર્ચ ₹22 કરોડ કરવામાં આવ્યો અને જાહેરાત પાછળ બીજા ₹6 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા. એ સ્મોક ટાવર પાછળ, જે વર્ષમાં જ બંધ પડી ગયો.  

    AAP સરકારે વચ્ચે દિલ્હીમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરી હતી. જેના માટે સ્વાભાવિક રીતે કોઈ ખર્ચ ન થયો, કારણ કે સરકારે માત્ર ઘોષણા કરવાની હતી. પણ તેની જાહેરાત કરવામાં વર્ષ 2019-20માં ₹11 કરોડ, વર્ષ 2020-21માં ₹16 કરોડ અને વર્ષ 2021-22માં ₹26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. 

    કોરોના મહામારીનાં કામોમાં પણ ગોટાળા 

    વર્ષ 2021-22માં દિલ્હી અને ભારત સહિત આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે દિવાળી પર કેજરીવાલ સરકારે એક ‘દિલ્હી કી દિવાલી’ નામનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં કેજરીવાલ, તેમનો પરિવાર અને કેબિનેટના અન્ય મંત્રીઓ દિવાળી પૂજામાં સામેલ થયા અને એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સીએમ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ પાછળ કેજરીવાલ સરકારે ₹3 કરોડ ખર્ચ કર્યો. પરંતુ તેનું પ્રસારણ આખા દેશમાં કરવા માટે તેનાથી ચાર ગણો 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. 

    આ સિવાય કોરોના સમયે કોવિડ અવેરનેસ પ્રોગ્રામની જાહેરાતો પાછળ 2019-20માં ₹13 કરોડ, 202૦-21માં ₹8૦ કરોડ અને 2021-22માં ₹84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. કોવિડ દરમિયાન મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિજનોને વળતર આપવામાં આવ્યું હતું. આવા માત્ર 97 પરિવારોને વળતર અપાયું હતું, પરંતુ સરકારે તેની જાહેરાત પાછળ ₹17 કરોડ ખર્ચી નાખ્યા હતા. સીએમએ એમ પણ પૂછ્યું કે શું દિલ્હમાં કોવિડ સમયે માત્ર 97 વ્યક્તિનાં મોત થયાં હતાં? 

    ફંડનો ત્રણ રીતે થતો હતો દુરુપયોગ 

    જનતા માટે ફાળવવામાં આવેલા વાર્ષિક બજેટનો કેજરીવાલ કઈ રીતે ફાવે તેમ વેડફાટ કરતી હતી તે બાબત ઉપર પ્રકાશ ફેંકતાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, ત્રણ પ્રકારે બજેટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 1) બજેટ કાગળ પર મૂકવામાં આવ્યું, પણ તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો. 2) જે બજેટ રાખવામાં આવ્યું, તેનો વેડફાટ કર્યો. 3) સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. 

    અરવિંદ કેજરીવાલ કાયમ બાબાસાહેબ આંબેડકરની વાતો કરતા રહે છે. તેમણે કાર્યાલયમાં પણ બાબાસાહેબની તસવીર રાખી હતી. થોડા સમય પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ડૉ. આંબેડકર મુદ્દે સંસદમાં વિવાદ થયો તેમાં પણ કેજરીવાલ અને તેમની પાર્ટી કૂદી પડ્યા હતા અને પોતાને જ બાબાસાહેબે બતાવેલા માર્ગ પર ચાલનારા અને દલિત વર્ગના સાચા હિતેચ્છુ સાબિત કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ SC સમાજ માટેની યોજનાઓમાં તેમની સરકારે શું-શું ગોટાળા કર્યા હતા એ હવે સામે આવ્યું છે. 

    સીએમ ગુપ્તાએ જણાવ્યું કે, કેજરીવાલ સરકારે બાબાસાહેબનું નામ લઈને યોજનાઓ તો શરૂ કરી, પણ સમાજ માટે પૈસા વાપરવામાં આવ્યા જ નહીં. ઉદાહરણ તરીકે, ‘ઇમ્પ્રૂવમેન્ટ ઑફ એસસી બસ્તી’ નામથી એક યોજના શરૂ કરવામાં આવી. જેમાં વર્ષ 2020-21 માટે ₹65 કરોડ ફાળવવામાં આવ્યા. તેમાંથી માત્ર ₹50 લાખ ખર્ચવામાં આવ્યા. 

    ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના’ નામથી કેજરીવાલ સરકારે એક યોજના શરૂ કરી હતી. પ્રચાર એવો કરવામાં આવ્યો હતો કે તેના દ્વારા SC/ST વિદ્યાર્થીઓને કોચિંગ મેળવવામાં મદદ પૂરી પાડવામાં આવશે. પરંતુ જ્યારે નવી સરકારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ યોજના પાછળ પૈસા તો દર વર્ષે ફાળવવામાં આવતા રહ્યા, પણ ખર્ચ એક રૂપિયાનો પણ કરવામાં આવ્યો ન હતો. યોજનાઓ જાહેર થઈ, તેના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું, પરંતુ તેની પાછળ પૈસા જ ન ખર્ચાયા!

    સીએમના જણાવ્યા અનુસાર, આ યોજના માટે 2020-21માં ₹60 કરોડ ફાળવવામાં આવ્યા, પરંતુ એક પણ રૂપિયો ખર્ચ કરવામાં ન આવ્યો. 2022-23માં ₹90 કરોડ ફાળવવામાં આવ્યા અને ખર્ચ શૂન્ય. 2023-24માં ₹30 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, પણ ખર્ચ આ વખતે પણ એક પણ રૂપિયાનો કરવામાં ન આવ્યો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં