ભારત માટે ઊર્જા સુરક્ષા કોઈ નવી ચિંતા નથી. દેશ જેટલો ઝડપથી આગળ વધી રહ્યો છે, તેટલી જ ઝડપથી ઊર્જાની જરૂરિયાત પણ વધી રહી છે. વાહનો વધે છે, ઉદ્યોગો વધે છે, શહેરો વિસ્તરે છે અને વીજળીથી લઈને ખાતર સુધી લગભગ દરેક ક્ષેત્રને ઊર્જા જોઈએ છે. બીજી તરફ ભારત પોતાની ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. એટલે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ થાય, તેલના ભાવમાં મોટો ઉછાળો આવે કે સપ્લાયની સાંકળ ખોરવાય, તેની અસર સીધી ભારતના અર્થતંત્ર સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં દેશ પોતાના જ સમુદ્રમાં રહેલા તેલ અને કુદરતી ગેસના ભંડારો શોધવા માટે મોટું પગલું ભરે તો તેને વિકાસ અને ઊર્જા સુરક્ષાની દિશામાં સ્વાભાવિક પ્રયાસ ગણવો જોઈએ.
આ જ હેતુથી કેન્દ્ર સરકારે ‘સમુદ્ર મંથન’ યોજના મંજૂર કરી છે. નામ પણ એવું કે વાત સીધી સમજાઈ જાય. એક સમયે ક્ષીરસાગરનું મંથન અમૃત માટે થયું હતું, હવે એકવીસમી સદીનું ભારત પોતાના સમુદ્રના ગર્ભમાં ઊર્જાનું અમૃત શોધવા નીકળ્યું છે. 2030-31 સુધીના આ સમગ્ર કાર્યક્રમ માટે ₹84,084 કરોડનું આઉટલે રાખવામાં આવ્યું છે. ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર વિસ્તારોમાં તેલ-ગેસની શોધખોળ, સિસ્મિક ડેટા મેળવવો અને તેનું વિશ્લેષણ કરવું, ઑફશોર માળખું ઊભું કરવું અને આ સમગ્ર ક્ષેત્ર માટે સ્થાનિક ઉત્પાદન તથા સેવાઓનું માળખું વિકસાવવું, આ બધું આ કાર્યક્રમનો ભાગ છે. સરકારનો અંદાજ છે કે સફળતા મળે તો 600 MMTOEથી વધુ નવા હાઇડ્રોકાર્બન ભંડાર ઉમેરવાની ક્ષમતા ઊભી થઈ શકે છ.
मोदी सरकार में हर स्कीम सिर्फ अडानी और खुद नरेंद्र मोदी को फायदा पहुंचाने के लिए बनाई जाती है।
— Congress (@INCIndia) August 31, 2026
कैबिनेट ने ऐसी ही एक स्कीम को मंजूरी दी है- 'समुद्र मंथन योजना'
⦿ इस योजना के तहत भारत सरकार पहले फेज के लिए 84,084 करोड़ रुपए खर्च करेगी
⦿ मोदी सरकार इस प्रोजेक्ट का 50% पैसा सीधा… pic.twitter.com/jSKCxZZthc
આટલી મોટી યોજના છે એટલે તેના પર રાજકીય ચર્ચા થવી પણ સ્વાભાવિક છે. પરંતુ અહીં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલને જાણે દરિયામાં ઊર્જા કરતાં કંઈક બીજું વધારે દેખાઈ ગયું. કોંગ્રેસે ₹84,084 કરોડના કુલ આઉટલેને અદાણી સાથે જોડીને એવો નેરેટિવ ઊભો કર્યો કે જાણે સરકાર ભારતના સમુદ્રમાં તેલ-ગેસ શોધવા નહીં, પરંતુ કોઈ એક ઉદ્યોગપતિ માટે ખજાનો શોધવા નીકળી હોય. ગોહિલે યોજના રદ કરવાની અથવા આ સમગ્ર રકમ ONGCને આપી દેવાની માંગ કરી છે.
ગોહિલની દલીલ પણ સાંભળવા જેવી છે. તેમના કહેવા પ્રમાણે ડીપ-સી ઑઇલ-ગેસ એક્સપ્લોરેશન અત્યંત મોંઘું કામ છે અને એક ડીપ-સી વેલની શોધખોળ પાછળ સરેરાશ ₹1,100 કરોડથી વધુનો ખર્ચ થઈ શકે છે. સરકાર આ ખર્ચમાં 50 ટકા સુધી સહાય કરશે એટલે ખાનગી કંપનીઓનું જોખમ જાહેર નાણાંથી ઘટશે, એવો તેમનો સવાલ છે. અહીંથી તેમણે ખાસ કરીને ‘અદાણી વેલ્સપન એક્સપ્લોરેશન લિમિટેડ’ એટલે કે AWELનું નામ લીધું. તેમના જણાવ્યા પ્રમાણે તેમાં અદાણી જૂથનો 65 ટકા હિસ્સો છે અને કંપની પાસે મુંબઈ ઑફશોર, તાપી-દમણ અને કચ્છ વિસ્તારમાં શોધખોળના અધિકારો છે. એટલે ગોહિલનો આરોપ એવો છે કે ‘સમુદ્ર મંથન’નો લાભ ખાસ કરીને AWELને મળી શકે છે.
આટલું જ નહીં. ગોહિલે AWELની નાણાકીય સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અદાણી એન્ટરપ્રાઇઝિસના 2024-25ના વાર્ષિક અહેવાલના આંકડાઓને ટાંકીને AWELની નેટ એસેટ્સ નકારાત્મક હોવા અને કંપનીના નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો. પછી પ્રશ્ન કર્યો કે આવી સ્થિતિમાં સરકાર ખાનગી કંપનીના જોખમને જાહેર નાણાંથી કેમ ઘટાડે? તેમણે ONGCનો મુદ્દો પણ ઉઠાવ્યો, જ્યારે સરકારી કંપની પાસે દાયકાઓનો તેલ-ગેસ શોધખોળનો અનુભવ છે ત્યારે તેને આ રાષ્ટ્રીય મિશનમાં મુખ્ય ભૂમિકા કેમ ન અપાય? અને અંતે કોંગ્રેસની માંગ આવી કે ₹84,084 કરોડ ONGCને આપી દેવામાં આવે, જેથી તે શોધખોળ કરે અને રોજગાર પણ ઊભો થાય.
ગોહિલ અહીં અટક્યા નહોતા. તેમણે વેલ્સપન જૂથ દ્વારા ભાજપને ₹10 કરોડના ચૂંટણી બોન્ડ મારફતે બોન્ડ આપવાનો મુદ્દો પણ આ સમગ્ર પ્રકરણમાં જોડ્યો.
અને પછી અદાણીનો સિલસિલો વધુ આગળ વધ્યો. ગોહિલે મહારાષ્ટ્રમાં આશરે 6,600 મેગાવોટના પાવર ટેન્ડર, મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં કોલ બ્લોક, વાઘ અને હાથીના કોરિડોર સાથે જોડાયેલા પર્યાવરણીય સવાલો અને કચ્છ કૉપર માટે 24 જૂન, 2025ના રોજ કસ્ટમ ડ્યૂટીમાં થયેલા ફેરફાર જેવા અલગ-અલગ મુદ્દાઓ પણ અદાણી જૂથ સાથે જોડીને રજૂ કર્યા. એટલે ‘સમુદ્ર મંથન’ પરની પ્રેસ કૉન્ફરન્સમાં એક યોજના કરતાં મોટું રાજકીય ચિત્ર દોરવાનો પ્રયાસ થયો કે કેન્દ્ર સરકારનો લગભગ દરેક મોટો આર્થિક નિર્ણય જાણે એક જ કોર્પોરેટ નામ તરફ જઈને અટકે છે.
હવે અહીંથી વાત રસપ્રદ બને છે. કારણ કે આરોપ મોટો હોય ત્યારે તેના જવાબમાં પણ મોટું ભાષણ આપવાની જરૂર નથી. ક્યારેક માત્ર કેલ્ક્યુલેટર કાઢવું પડે છે.
₹84,084 કરોડ આખરે અદાણીને જવાના છે?
કોંગ્રેસના આખા નેરેટિવની પહેલી મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. ₹84,084 કરોડનો આંકડો ખરેખર મોટો છે. એટલો મોટો કે તેને એકવાર માઇક્રોફોનમાં જોરથી બોલી દો તો સાંભળનારના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય કે આટલા પૈસા ક્યાં જવાના છે? પરંતુ આ આંકડો કોઈ એક કંપનીને આપવાની રકમ નથી. તે 2030-31 સુધીના સમગ્ર ‘સમુદ્ર મંથન’ એટલે નેશનલ ઑફશોર એક્સપ્લોરેશન સ્કીમનું કુલ આઉટલે છે. કેન્દ્રીય કેબિનેટે તેને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે મંજૂર કરી છે.
હવે આ ₹84,084 કરોડનું ગણિત જોઈએ. ₹28,534 કરોડ ઑફશોર સિસ્મિક ડેટા એકત્ર કરવા, પ્રોસેસ કરવા અને તેનું વૈજ્ઞાનિક અર્થઘટન કરવા માટે છે. તેમાં ₹12,000 કરોડ 2D સિસ્મિક ડેટા માટે, ₹12,534 કરોડ 3D સિસ્મિક ડેટા અને અન્ય તકનીકો માટે તથા ₹4,000 કરોડ જૂના ડેટાના પુનઃપ્રોસેસિંગ અને AI સાધનો માટે છે. એટલે પૈસા માત્ર ડ્રિલિંગમાં જવાના નથી. પહેલાં તો સમુદ્રની નીચે શું છે તે શોધવા માટેનો ડેટા જ તૈયાર કરવાનો છે.

બીજા ₹43,200 કરોડ 60 ડીપવોટર એક્સપ્લોરેશન વેલ માટે રાખવામાં આવ્યા છે. ₹10,000 કરોડ કોમન ઑફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને ₹2,000 કરોડ ઑઇલ એન્ડ ગેસ મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસ ઝોન માટે છે. બાકીના ₹350 કરોડ મોનિટરિંગ, ડિજિટલ હસ્તક્ષેપ, માનવ સંસાધન અને અન્ય સહાયક પ્રવૃત્તિઓ માટે છે. આ બધું ભેગું કરો તો ₹84,084 કરોડ થાય છે.
એટલે કોંગ્રેસના નેરેટિવમાં એક નાનકડો પ્રશ્ન બાકી રહી જાય છે કે આ ચારેય-પાંચેય કામમાંથી કયું કામ અદાણીના નામે લખાયેલું છે? યોજનાના દસ્તાવેજમાં તો સિસ્મિક ડેટા છે, 60 કૂવા છે, ઑફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગ છે અને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાનું લક્ષ્ય છે. કોંગ્રેસના રાજકીય ગણિતમાં આ બધું ગાયબ થઈ જાય છે અને ₹84,084 કરોડ દેખાય એટલે માત્ર ને માત્ર અદાણી દેખાય છે. દેશ સમુદ્રમાં શું છે તે શોધવા નીકળે ત્યારે કદાચ કોંગ્રેસે પહેલાં એ શોધવાનું નક્કી કરી લીધું કે આ યોજનામાં અદાણીનું નામ ક્યાં ફિટ થાય.
50 ટકા એટલે 42,000 કરોડ નહીં
હવે બીજો મુદ્દો છે 50 ટકા સહાયનો. આ દલીલમાં પણ આંકડાની રજૂઆત ખૂબ મહત્વની છે. સરકાર ડીપવોટર એક્સપ્લોરેશન વેલના પાત્ર ડ્રિલિંગ ખર્ચના 50 ટકા સુધી સહાય કરશે, પરંતુ પ્રતિ વેલ ₹675 કરોડની મહત્તમ મર્યાદા છે. એટલે સરકાર ₹84,084 કરોડમાંથી 50 ટકા ખાનગી કંપનીને આપશે એવું સમજવું કે કહેવું નરી મૂર્ખામી છે, જે કોંગ્રેસ દરેક પ્રોજેક્ટમાં છતી કરે છે. ₹43,200 કરોડ 60 ડીપવોટર એક્સપ્લોરેશન વેલ માટેનું કુલ આઉટલે છે અને તેમાં પણ સરકારી સહાયની મર્યાદા અલગથી નક્કી કરવામાં આવી છે.
આ મર્યાદા શા માટે રાખવી પડી છે તે પણ સમજવું જોઈએ. ડીપવોટર એક્સપ્લોરેશનમાં જોખમ બહુ મોટું છે. એક ડીપવોટર એક્સપ્લોરેટરી વેલનો ખર્ચ આશરે 125થી 150 મિલિયન અમેરિકન ડૉલર થઈ શકે છે. એટલે ₹1,100 કરોડથી વધુ ખર્ચ. ખર્ચ ખરેખર મોટો છે. પરંતુ આ જ વાતનો બીજો ભાગ ગોહિલના નેરેટિવમાં ગાયબ થઈ જાય છે કે આટલું જોખમ અને આટલો ખર્ચ હોવાને કારણે જ સરકાર રિસ્ક-શેરિંગનું માળખું બનાવી રહી છે.
તેલ મળવાની કોઈ ગેરંટી પણ નથી. ડ્રિલિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ શકે અને અંતે વ્યાવસાયિક રીતે ઉપયોગી ભંડાર ન પણ મળે. એટલે સરકાર કોઈ તૈયાર તેલક્ષેત્ર કોઈ કંપનીને સોંપીને ‘લો, હવે નફો કમાવો’ એવું નથી કરી રહી. તે એવી શોધખોળમાં જોખમ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે જેમાં સફળતા મળે તો દેશને પણ નવા સંસાધનો મળે. આ તફાવત બહુ મોટો છે. ખાનગી કંપનીના જોખમમાં મર્યાદિત ભાગીદાર બનવું અને ખાનગી કંપનીને રાષ્ટ્રીય સંપત્તિ ભેટમાં આપી દેવી બંને એક વાત નથી.
તો પછી અદાણી ક્યાં છે?
અદાણી આ યોજનામાં ભાગ લઈ શકે છે કે નહીં? ચોક્કસપણે, જો કંપની યોજના હેઠળની પાત્રતા પૂરી કરે તો ખાનગી E&P કંપનીઓ માટેનું માળખું ખુલ્લું છે. પરંતુ એમાંથી આ યોજના અદાણી માટે જ બનાવાઈ છે એવો નિષ્કર્ષ આપમેળે નીકળતો નથી.
અહીં ONGC અને Oil Indiaનો મુદ્દો પણ કોંગ્રેસની દલીલને થોડો મુશ્કેલ બનાવે છે. ‘સમુદ્ર મંથન’નો રાષ્ટ્રીય હેતુ જ ભારતની ઑફશોર એક્સપ્લોરેશન ક્ષમતા વધારવાનો છે. સરકાર પોતે આ યોજનાને રાષ્ટ્રીય મિશન તરીકે રજૂ કરે છે, જેમાં વધુ સારો ડેટા, જોખમ-વહેંચણી, સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની વાત છે. એટલે ખાનગી કંપની ભાગ લે તો આખું માળખું ખાનગી કંપનીનું થઈ જાય એવું રાજકીય ગણિત અહીં ચાલતું નથી.
હવે AWELની વાત કરીએ. ગોહિલે જે કંપનીનું નામ લીધું છે તે અદાણી વેલ્સપન એક્સપ્લોરેશન લિમિટેડ છે, જેમાં અદાણી અને વેલ્સપન જૂથની 65:35 ભાગીદારી છે. કંપની પાસે મુંબઈ ઑફશોરના બ્લોક સાથે જોડાયેલા હકો છે. વેલ્સપનની પોતાની માહિતી પ્રમાણે MB/OSDSF/B9/2016 કોન્ટ્રાક્ટ એરિયા DSF-I બિડ રાઉન્ડ હેઠળ મળ્યો હતો. કંપનીએ મુંબઈ ઑફશોર વિસ્તારમાં ગેસની શોધ પણ કરી છે.
અહીં એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. AWELની કેટલીક ઑફશોર સંપત્તિઓ અને હકો ‘સમુદ્ર મંથન’ જાહેર થાય તેના વર્ષો પહેલાંના કરારોથી જોડાયેલા છે. એટલે પહેલાં અદાણીનો બ્લોક હતો જ નહીં અને હવે સમુદ્ર મંથન આવ્યું એટલે અદાણી માટે બ્લોક તૈયાર થયો એવો સીધો ફાંકો સમયરેખા સાથે બંધબેસતો નથી. મુંબઈ ઑફશોરના સંબંધિત બ્લોક્સમાં એક NELP સમયના બ્લોકનો પણ સમાવેશ થાય છે, જ્યારે B9 ક્લસ્ટર 2016ના ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ રાઉન્ડ હેઠળ મળ્યો હતો.
અને AWELએ પોતાની તરફથી પણ રોકાણ કર્યું છે. 2025ના અહેવાલ મુજબ મુંબઈ ઑફશોરના ગેસ પ્રોજેક્ટમાં કંપનીએ આશરે ₹2,300 કરોડનું રોકાણ કર્યું હતું અને ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરી રહી હતી. એટલે સરકાર હવે પહેલીવાર પૈસા નાખશે અને પછી કંપની શોધખોળ કરશે એવી સરળ વાત પણ સંપૂર્ણ ચિત્ર નથી.
આનો અર્થ એવો નથી કે સરકારની યોજના પર કોઈ પ્રશ્ન પૂછવો જ નહીં. ખાનગી કંપનીને મળતી સહાય, જોખમ-વહેંચણી અને જાહેર નાણાંના ઉપયોગ અંગે પ્રશ્ન પૂછવાની છૂટ છે. પરંતુ પ્રશ્ન અને આરોપ વચ્ચેનો તફાવત પણ એટલો જ જરૂરી છે. સરકાર ખાનગી ક્ષેત્રને શોધખોળના જોખમમાં ભાગીદાર બનાવી રહી છે એ તથ્ય છે. એટલે ‘₹84,084 કરોડ અદાણીને ભેટ છે’ એ નિષ્કર્ષ છે. બંનેને એક જ વાક્યમાં ભેળવી દેવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થાય છે.
ભારતને આ ‘મંથન’ની જરૂર શા માટે છે?
આખરે મૂળ સવાલ પર પાછા આવીએ. ભારત આટલો ખર્ચ શા માટે કરવા માગે છે?
કારણ કે ઊર્જા સુરક્ષા માત્ર પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવનો મુદ્દો નથી. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ વાપરતો દેશ છે અને તેની વાર્ષિક ક્રૂડ આયાત પાછળનું બિલ લગભગ 144 અબજ અમેરિકન ડૉલર સુધી પહોંચે છે. એટલે દેશની અંદર વધુ તેલ અને ગેસ મળે તો તેની અસર માત્ર ઑઇલ કંપનીની બેલેન્સશીટ સુધી મર્યાદિત રહેતી નથી. તે આયાત બિલ, વિદેશી હૂંડિયામણ અને વ્યૂહાત્મક સુરક્ષા સુધી જાય છે.
સરકારના અંદાજ પ્રમાણે ‘સમુદ્ર મંથન’ સફળ થાય તો ભારતનું સ્થાનિક તેલ-ગેસ ઉત્પાદન આશરે 62 MMTOE પ્રતિ વર્ષથી વધીને 80 MMTOE સુધી જઈ શકે છે. હાઇડ્રોકાર્બન રિસોર્સ બેઝ 1.6 બિલિયન TOEથી વધીને 2.2 બિલિયન TOE સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. વધારાના ઉત્પાદનથી ક્રૂડ ઓઇલની આયાતમાં વર્ષે લગભગ ₹1 લાખ કરોડ સુધીનો ઘટાડો થવાની સંભાવના પણ સરકાર દર્શાવે છે.

આ આંકડાઓમાં ‘જો શોધખોળ સફળ થાય તો’ શબ્દો મહત્વના છે. સરકાર પણ કોઈ ગેરંટી આપી રહી નથી કે દરિયામાંથી અમુક તારીખે અમુક માત્રામાં તેલ નીકળવાનું જ છે. શોધખોળ એટલે સંભાવના, રોકાણ અને જોખમનો ખેલ. પરંતુ જો દેશને લાંબાગાળે આયાત પરની નિર્ભરતા ઘટાડવી હોય તો આજે શોધખોળમાં પૈસા લગાવવા જ પડશે એમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાહસ કરે તેનો દરિયો.
અહીં ₹84,084 કરોડના આંકડાને માત્ર ‘ખર્ચ’ તરીકે જોવાની જગ્યાએ રાષ્ટ્રીય ક્ષમતા ઊભી કરવાના ખર્ચ તરીકે જોવો પડે છે. સિસ્મિક ડેટા એકવાર ભેગો થાય તો તે ભવિષ્યની અનેક શોધખોળ માટે ઉપયોગી થઈ શકે છે. ઑફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તો નવા શોધાયેલા ભંડારોને ઉત્પાદન સુધી પહોંચાડવાનું સરળ બને છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઝોન ઊભા થાય તો આ ક્ષેત્રમાં વિદેશી સાધનો અને સેવાઓ પરની નિર્ભરતા ઘટાડી શકાય છે.
એટલે કે આ માત્ર ’60 કૂવા ખોદવાની યોજના’ નથી. આ ભારતના ઑફશોર ઊર્જા ક્ષેત્રને એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે.
મોટા પ્રોજેક્ટ સામે પહેલાં સવાલ, પછી અદાણી
પરંતુ ‘સમુદ્ર મંથન’ સામે કોંગ્રેસનો વિરોધ સમજવો હોય તો આ એક યોજના પૂરતી વાત નથી. છેલ્લા થોડા સમયમાં મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ સામે કોંગ્રેસની રાજનીતિમાં એક પેટર્ન દેખાય છે. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીએ પર્યાવરણ અને વૃક્ષોનો મુદ્દો ઉઠાવ્યો. 2026માં તેમણે વિડીયો બનાવીને પ્રોજેક્ટ સામે અભિયાન પણ ચલાવ્યું. કોંગ્રેસે તેના પર સંસદીય ચર્ચા અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા વિરોધ આગળ ધપાવ્યો.
E20 પેટ્રોલનો મુદ્દો પણ આવો જ છે. રાહુલ ગાંધીએ ઑગસ્ટ 2026માં વિડીયો દ્વારા E20ને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા અને કોંગ્રેસે આ મુદ્દો આગળ ધપાવવાની જાહેરાત કરી.
વિરોધ કરવો ખોટો નથી. પરંતુ કોંગ્રેસની એક રસપ્રદ બાબત છે. જ્યારે કોઈ મોટી નીતિ આવે છે ત્યારે તેની ટેક્નિકલ વિગતો, લાંબાગાળાનો હેતુ, વૈશ્વિક પરિસ્થિતિ અને દેશની જરૂરિયાત કરતાં રાજકીય નેરેટિવ આગળ આવી જાય છે અને તે નેરેટિવમાં અદાણી કે પછી અંબાણીનું નામ હોય તો જાણે આખી દલીલને વધારાનો મસાલો મળી જાય છે.
‘સમુદ્ર મંથન’માં તો કોંગ્રેસે આ મસાલો એટલો નાખ્યો કે સમુદ્રનું મંથન કરતા પહેલાં જ અદાણીનો અમૃતકલશ શોધી કાઢ્યો! પરંતુ વાત અહીં થોડી વધુ ગંભીર છે. કોંગ્રેસના દાવા પ્રમાણે ખાનગી ક્ષેત્રને સરકાર સહાય આપે છે એટલે સરકાર ખોટું કરી રહી છે. તો પછી કોંગ્રેસશાસિત રાજ્યોમાં ખાનગી કંપનીઓ સાથે રોકાણના કરાર થાય ત્યારે આ સિદ્ધાંત ક્યાં જાય છે?
જાન્યુઆરી 2024માં કોંગ્રેસ સરકારવાળા તેલંગાણાએ અદાણી જૂથ સાથે ₹12,400 કરોડના ચાર MoU કર્યા હતા. તેમાં ₹5,000 કરોડનું ડેટા સેન્ટર, ₹5,000 કરોડના બે પમ્પ્ડ-સ્ટોરેજ પ્રોજેક્ટ, ₹1,400 કરોડનું સિમેન્ટ પ્લાન્ટ અને ₹1,000 કરોડનું ડિફેન્સ-એરોસ્પેસ રોકાણ સામેલ હતું. રાજ્ય સરકારની પોતાની જાહેરાતમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અદાણી જૂથને આવકાર્યું હતું અને રાજ્ય સરકાર તરફથી જરૂરી માળખું તથા સહકાર આપવાની વાત કરી હતી.
કેરળમાં પણ અદાણી સંચાલિત વિઝિંજમ બંદરનો પ્રોજેક્ટ કોઈ ગુપ્ત ફાઇલમાં પડેલો નથી. કેરળ સરકાર અને અદાણી વિઝિંજમ પોર્ટ વચ્ચે 2015માં કન્સેશન કરાર થયો હતો અને પ્રોજેક્ટ PPP મોડેલ હેઠળ આગળ વધ્યો. 2024માં તેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો અને આગળના તબક્કાઓ પણ રાજ્ય સરકાર સાથેના માળખા હેઠળ ચાલી રહ્યા છે.
એટલે પ્રશ્ન અદાણી પ્રત્યે પ્રેમ કે દ્વેષનો નથી. પ્રશ્ન એ છે કે જો ખાનગી કંપની સાથે કામ કરવું પોતે જ ભેટનું પ્રમાણ છે તો કોંગ્રેસશાસિત તેલંગાણામાં ₹12,400 કરોડના રોકાણ કરારો શું હતા? અને જો રાજ્યને રોકાણ, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી મૂડીની જરૂર પડે ત્યારે તે યોગ્ય છે તો કેન્દ્ર સરકાર ભારતની ઊર્જા સુરક્ષા માટે ખાનગી ક્ષેત્રને જોખમ-વહેંચણીના માળખામાં સામેલ કરે ત્યારે તે અચાનક રાષ્ટ્રવિરોધી અર્થતંત્ર કેમ બની જાય? સમસ્યા ખાનગી ક્ષેત્ર નથી. સમસ્યા એ છે કે નિર્ણય દિલ્હીની મોદી સરકાર લે છે.
‘સમુદ્ર મંથન’માં કોંગ્રેસે જે જોયું નથી
‘સમુદ્ર મંથન’નો આખો હેતુ ફરી એકવાર યાદ કરીએ. ભારતને નવા હાઇડ્રોકાર્બન ભંડાર શોધવાના છે. 600 MMTOEથી વધુ વધારાના ભંડારનો લક્ષ્યાંક છે. 60 ડીપવોટર કૂવાઓમાં શોધખોળ થવાની છે. સિસ્મિક ડેટાનું મોટાપાયે સંકલન થવાનું છે. કોમન ઑફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવાનું છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગ વધારવાનું છે. સફળતા મળે તો ઘરેલું ઉત્પાદન વધારવાનું અને ક્રૂડ આયાતમાં લગભગ ₹1 લાખ કરોડનો વાર્ષિક ઘટાડો કરવાની સંભાવના છે.
આ બધામાં અદાણી ક્યાં છે? એક ખાનગી કંપની તરીકે સંભવિત ભાગીદાર તરીકે. બસ. પરંતુ કોંગ્રેસે આખી યોજનાને એક કંપનીની આસપાસ ફેરવી નાખી. ₹84,084 કરોડનો કુલ આંકડો લીધો, 50 ટકા સહાયનો ઉલ્લેખ કર્યો, AWELનું નામ ઉમેર્યું અને પછી નિષ્કર્ષ તૈયાર કે આ તો અદાણી માટેની યોજના છે!
આ રાજકારણની એક એવી પદ્ધતિ છે જેમાં ગણિત કરતાં હેડલાઇન મહત્વની બની જાય છે. કુલ આઉટલે કેટલું છે તે કહો, પરંતુ તેમાં શું સામેલ છે તે ન કહો. 50 ટકા સહાય કહો, પરંતુ પ્રતિ વેલ ₹675 કરોડની મર્યાદા ન કહો. ખાનગી કંપનીનું નામ લો, પરંતુ ONGC, Oil India, સિસ્મિક ડેટા, 60 કૂવા અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આખી રચના પાછળ મૂકી દો. પછી કહો કે જુઓ, આખી યોજના અદાણી માટે છે!
વાસ્તવમાં દેશના ઊર્જા ક્ષેત્ર સામેનો પ્રશ્ન ઘણો મોટો છે. ભારતને આગામી દાયકાઓમાં વધુ ઊર્જા જોઈએ છે. આયાત પરની નિર્ભરતા ઘટાડવી છે. નવા ભંડાર શોધવાના છે અને તેના માટે જ્યાં જોખમ વધારે છે ત્યાં મૂડી, ટેક્નોલોજી અને ક્ષમતા પણ વધારે જોઈએ. ‘સમુદ્ર મંથન’ એ આ પડકારનો એક જવાબ છે.
કોંગ્રેસ ઇચ્છે તો તેના પર સવાલ કરે. તેલ-ગેસની શોધખોળ માટે સરકારના પૈસા કેટલા હોવા જોઈએ, ખાનગી ક્ષેત્રને કેટલી સહાય મળવી જોઈએ, ONGCની ભૂમિકા કેટલી હોવી જોઈએ, આ બધા સવાલો પૂછી શકાય. પરંતુ આખી યોજના રદ કરી દેવાની માંગ કરીને અને પછી ₹84,084 કરોડ ONGCને આપી દેવાની વાત કરીને એક બાબત સાબિત થાય છે કે કોંગ્રેસ પાસે કદાચ આ યોજનાનું બીજું કોઈ મોડેલ નથી, તેની પાસે માત્ર બીજો રાજકીય નેરેટિવ છે.
અને એ નેરેટિવમાં ફરી એકવાર અદાણી છે. ભારત દરિયામાં ઊર્જા શોધવા નીકળ્યું છે. પોતાના ભવિષ્ય માટે. પોતાની ઊર્જા સુરક્ષા માટે. પોતાના આયાત બિલને ઘટાડવા માટે. પોતાના સમુદ્રમાં શું છુપાયેલું છે તે જાણવા માટે. કોંગ્રેસને તેમાં પણ અદાણી દેખાય છે!
સમુદ્રનું મંથન તો હજુ શરૂ થયું છે. પરંતુ રાજકીય મંથનમાં કોંગ્રેસે પહેલેથી જ એક જ રત્ન બહાર કાઢ્યું છે, એ છે અદાણી. પ્રશ્ન એટલો જ છે કે દેશ આ રાજકીય મંથનમાંથી નીકળેલા નેરેટિવને જોશે કે ખરેખર સમુદ્રમાંથી નીકળનારા ઊર્જાના અમૃત તરફ જોશે. બાકી કોંગ્રેસ અને તેની વિપક્ષી ઇકોસિસ્ટમને બાદ કરતા બાકીનો દેશ સમજદાર છે. તેને ખબર છે કે સરકાર શું કરી રહી છે અને શા માટે કરી રહી છે.


