એક સમયે દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરતા હોવાની કથા ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની. તે મંથનમાંથી માત્ર અમૃત જ નહીં, પરંતુ અનેક રત્નો, ઔષધિઓ અને સંપત્તિ પણ બહાર આવી હોવાનું પુરાણોમાં વર્ણવાયું છે. હજારો વર્ષ જૂની એ જ કથાનો સંદર્ભ આજે ભારત સરકારે એક નવી રાષ્ટ્રીય યોજના માટે લીધો છે. નામ છે- ‘સમુદ્ર મંથન’. પરંતુ આ વખતે સમુદ્રનું મંથન અમૃત માટે નહીં, ઊર્જા માટે થવાનું છે. દેશના વિશાળ સમુદ્રી વિસ્તારમાં છુપાયેલા તેલ અને કુદરતી ગેસના ભંડારો શોધીને ભારતને ઊર્જાના ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બનાવવાનો આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.
31 જુલાઈ, 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘સમુદ્ર મંથનને (National Offshore Exploration Scheme)’ મંજૂરી આપવામાં આવી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની આ કેન્દ્રીય યોજના માટે નાણાકીય વર્ષ 2030-31 સુધી કુલ ₹84,084 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે આ યોજના માત્ર નવા તેલ અને ગેસના ભંડારો શોધવાની પ્રક્રિયાને વેગ નહીં આપે, પરંતુ ભારતની લાંબાગાળાની ઊર્જા સુરક્ષા, આધુનિક ટેક્નોલોજી, સ્થાનિક ઉત્પાદન અને રોજગાર સર્જન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ માત્ર એક નવી સરકારી યોજના નથી. વાસ્તવમાં તે છેલ્લા એક દાયકાથી અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓનું આગળનું પ્રકરણ છે. અત્યાર સુધી સમુદ્રના અનેક વિસ્તારોમાં શોધખોળ મર્યાદિત હતી. અનેક ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર વિસ્તારો હજુ પણ સંપૂર્ણપણે અન્વેષિત થયા નથી. સરકાર હવે આ સ્થિતિ બદલવા માંગે છે. જેમ એક જમાનામાં પૃથ્વીના ખંડો અને મહાસાગરો નવા સંસાધનો શોધવા માટે ખૂંદવામાં આવ્યા હતા, તેમ હવે ભારત પોતાના જ સમુદ્રોની ઊંડાઈમાં છુપાયેલી ઊર્જા સંપત્તિ શોધવા માટે વિશાળ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
‘સમુદ્ર મંથન’ નામ જ કેમ?
કોઈપણ સરકારી યોજનાનું નામ માત્ર ઓળખ પૂરતું નથી હોતું. ઘણી વખત તે યોજનાની વિચારધારા પણ વ્યક્ત કરતું હોય છે. ‘સમુદ્ર મંથન’ પણ એવો જ એક પ્રયાસ છે. હિંદુ પુરાણોમાં વર્ણવાયેલી સમુદ્ર મંથનની કથા લગભગ દરેક ભારતીય માટે પરિચિત છે. દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને મથાની અને વાસુકી નાગને દોરી બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું હતું. આ મંથન દરમિયાન સૌથી પહેલાં હળાહળ વિષ નીકળ્યું, જેને ભગવાન શિવે કંઠમાં ધારણ કર્યું. ત્યારબાદ ધીમે-ધીમે કામધેનુ, ઐરાવત, કૌસ્તુભ મણિ, લક્ષ્મીજી અને અંતે અમૃતકલશ સહિત ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ.
આ કથા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી. તેમાં એક ઊંડો સંદેશ પણ છે કે મહાન સંપત્તિ મેળવવા માટે ધીરજ, વિજ્ઞાન, સહકાર અને સતત પ્રયાસ જરૂરી હોય છે. કદાચ આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2025ના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના સમુદ્રોમાં રહેલી ઊર્જા ક્ષમતાને બહાર લાવવા માટે ‘આધુનિક સમુદ્ર મંથન’ની વાત કરી હતી. હવે એ જ વિચારને નીતિના સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવ્યો છે.
સરકારે આ યોજનાને ‘સમુદ્ર મંથન’ નામ આપીને એક રીતે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારતના સમુદ્રો માત્ર વેપાર માર્ગ કે દરિયાકિનારા પૂરતા મર્યાદિત નથી. તેમની ગર્ભમાં ઊર્જાના એવા ભંડારો છુપાયેલા હોય શકે છે, જે આગામી દાયકાઓમાં દેશની અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષાનો આધાર બની શકે.
આજના સમયમાં ‘અમૃત’નો અર્થ બદલાઈ ગયો છે. આધુનિક અર્થતંત્ર માટે તેલ, કુદરતી ગેસ, ઊર્જા, ટેક્નોલોજી અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતા પણ એટલી જ કિંમતી છે જેટલું પ્રાચીન કાળમાં અમૃત હતું. ‘સમુદ્ર મંથન’ યોજના આ જ વિચારને આધુનિક ભાષામાં સાકાર કરવાનો પ્રયાસ છે.
ભારતને આ યોજનાની જરૂર કેમ પડી?
પૃથ્વી પરના સૌથી મોટા ઊર્જા સ્ત્રોતોમાં તેલ અને કુદરતી ગેસ આજે પણ અગ્રસ્થાને છે. વીજ ઉત્પાદનથી લઈને પરિવહન, પેટ્રોકેમિકલ ઉદ્યોગોથી લઈને ખાતર ઉત્પાદન સુધી, આધુનિક અર્થવ્યવસ્થાનો મોટો આધાર આ બંને સંસાધનો પર ટકેલો છે. ભારત પણ અપવાદ નથી. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ દેશ તરીકે ભારતની ઊર્જાની જરૂરિયાત દર વર્ષે વધી રહી છે. રસ્તાઓ પર વાહનો વધી રહ્યાં છે, ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે, નવાં શહેરો ઊભાં થઈ રહ્યાં છે અને ઊર્જાનો વપરાશ સતત વધી રહ્યો છે. પરંતુ બીજી તરફ એક કડવી વાસ્તવિકતા પણ છે કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે.
આયાત પરની આ ભારે નિર્ભરતા માત્ર વેપારનો મુદ્દો નથી. તેની સીધી અસર દેશના અર્થતંત્ર, વિદેશી હૂંડિયામણના ભંડાર અને વ્યૂહાત્મક સુરક્ષા પર પડે છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તેની અસર થોડા જ દિવસોમાં ભારત સુધી પહોંચી જાય છે. ઇંધણ મોંઘું થાય છે, આયાત બિલ વધે છે અને અર્થતંત્ર પર વધારાનો બોજ પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા, ભારતે ઊર્જા સુરક્ષાનું મહત્વ વધુ નજીકથી અનુભવ્યું છે.
આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર ઉર્જા સુરક્ષાને માત્ર આર્થિક નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ માને છે. એક તરફ સૌર અને પવન ઊર્જા જેવા નવનીકરણીય સ્ત્રોતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ દેશમાં જ વધુમાં વધુ તેલ અને ગેસ શોધીને ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. ‘સમુદ્ર મંથન’ યોજના એ આ વ્યૂહરચનાનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે.
જમીન પર આવેલા અનેક તેલક્ષેત્રો દાયકાઓથી ઉપયોગમાં છે. નવા મોટા ભંડારો મળવાની સંભાવના હવે પ્રમાણમાં ઓછી રહી છે. પરંતુ ભારતની લગભગ 7,500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા અને તેની બહાર આવેલા વિશાળ ઓફશોર વિસ્તારો હજુ પણ સંભાવનાઓથી ભરેલા માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે સમુદ્રની ઊંડાઈમાં હજુ એવા અનેક વિસ્તારો છે, જ્યાં આધુનિક ટેક્નોલોજીની મદદથી નવા હાઇડ્રોકાર્બન ભંડારો શોધી શકાય.
શું હોય છે ઓફશોર એક્સપ્લોરેશન, જેના માટે સરકાર ખર્ચી રહી છે ₹84,084 કરોડ?
સમુદ્રની સપાટી પરથી જોવામાં આવે તો દૂર સુધી માત્ર પાણી જ દેખાય છે. પરંતુ આ પાણીની નીચે પૃથ્વીની અંદર લાખો-કરોડો વર્ષ પહેલાં રચાયેલા એવા ભૂસ્તરીય સ્તરો છે, જેમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ બંધાયેલા હોય શકે છે. આ ભંડારો શોધવાની સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયાને ‘ઓફશોર એક્સપ્લોરેશન’ કહેવામાં આવે છે.
આ પ્રક્રિયા કોઈ એક દિવસમાં પૂરી થતી નથી. તેની શરૂઆત સમુદ્રના તળિયાનો અત્યંત અદ્યતન સિસ્મિક સરવે કરીને થાય છે. વિશિષ્ટ જહાજોમાંથી ધ્વનિ તરંગો સમુદ્રના તળિયાની અંદર મોકલવામાં આવે છે. આ તરંગો વિવિધ ભૂસ્તરીય સ્તરો સાથે અથડાઈને પાછા ફરે છે. સુપરકમ્પ્યુટરો આ માહિતીનું વિશ્લેષણ કરીને વૈજ્ઞાનિકોને જણાવે છે કે પૃથ્વીની અંદર ક્યાં હાઇડ્રોકાર્બન હોવાની શક્યતા છે.
જ્યાં સંભાવના દેખાય છે, ત્યાં શરૂ થાય છે સૌથી મુશ્કેલ તબક્કો- એક્સપ્લોરેટરી ડ્રિલિંગ. ડીપવોટર એટલે સામાન્ય રીતે 500 મીટરથી વધુ અને અલ્ટ્રા-ડીપવોટર એટલે 1,500 મીટરથી વધુ ઊંડા સમુદ્રમાં વિશાળ ડ્રિલિંગ રિગ્સની મદદથી હજારો મીટર નીચે સુધી બોરિંગ કરવામાં આવે છે. ઘણી વખત પાણીની ઊંડાઈ કરતાં પણ વધારે ઊંડે પથ્થરોમાં ડ્રિલિંગ કરવું પડે છે. તાપમાન, દબાણ, સમુદ્રી પ્રવાહો અને હવામાન જેવા અસંખ્ય પડકારો વચ્ચે આ કામ વિશ્વની સૌથી જટિલ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ગણાય છે.
આ કારણસર જ ઓફશોર એક્સપ્લોરેશન અત્યંત ખર્ચાળ પણ છે. એક જ ઊંડા સમુદ્રી કૂવામાં ડ્રિલિંગ પાછળ સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ઘણી વખત વર્ષો સુધી ચાલેલા સરવે અને ડ્રિલિંગ પછી પણ અપેક્ષિત પ્રમાણમાં તેલ કે ગેસ ન મળે. એટલે આ ક્ષેત્રમાં ધીરજ, મૂડી અને અત્યાધુનિક ટેક્નોલોજી, ત્રણેની જરૂર પડે છે.
‘સમુદ્ર મંથન’ યોજના હેઠળ સરકાર માત્ર ડ્રિલિંગ જ નહીં કરે. ઉચ્ચ ગુણવત્તાના સિસ્મિક ડેટાનું સંગ્રહ અને વિશ્લેષણ, ફ્રન્ટિયર બેસિન્સમાં વૈજ્ઞાનિક અભ્યાસ, ઓફશોર ઉત્પાદન અને ગેસને કિનારા સુધી પહોંચાડવા માટે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ ઓઇલ એન્ડ ગેસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ ઝોન જેવી સમગ્ર ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના છે. એટલે આ એક પ્રોજેક્ટ નહીં, પરંતુ ભારતના ઓફશોર ઊર્જા ક્ષેત્રને નવી દિશા આપવાનો વ્યાપક કાર્યક્રમ છે.
‘સમુદ્ર મંથન’ યોજના હેઠળ શું થશે?
કેન્દ્રીય કેબિનેટે મંજૂર કરેલી આ યોજના માત્ર નવા તેલ અને ગેસના કૂવા ખોદવા પૂરતી મર્યાદિત નથી. વાસ્તવમાં તે ઓફશોર એક્સપ્લોરેશનની સમગ્ર શૃંખલાને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. સરકારે નાણાકીય વર્ષ 2030-31 સુધી ₹84,084 કરોડની ફાળવણી સાથે એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરવાની યોજના બનાવી છે, જે આગામી દાયકાઓ સુધી દેશના ઊર્જા ક્ષેત્રને નવી દિશા આપી શકે.
યોજના હેઠળ દેશના સમુદ્રી વિસ્તારોમાં મોટાપાયે ઉચ્ચ ગુણવત્તાના સિસ્મિક ડેટાનું સંકલન, તેની પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવશે. ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર વિસ્તારોમાં શોધખોળ માટે ડ્રિલિંગની ગતિ વધારવામાં આવશે. અત્યાર સુધી ઓછા અભ્યાસ થયેલા ફ્રન્ટિયર બેસિન્સમાં વૈજ્ઞાનિક ડ્રિલિંગ હાથ ધરાશે, જેથી ભવિષ્યમાં તેલ અને ગેસના નવા ભંડારો મળવાની શક્યતાઓ વધે.
આ સાથે જ માત્ર સંસાધનો શોધી લેવાનું પૂરતું નથી, પરંતુ તેમાંથી ઉત્પાદન કરીને તેને કિનારા સુધી પહોંચાડવા માટે પણ મજબૂત માળખું જરૂરી છે. તેથી જ યોજના હેઠળ ઓફશોર પ્રોડક્શન અને ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઓઇલ એન્ડ ગેસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ ઝોનની સ્થાપનાનો પણ પ્રસ્તાવ છે, જ્યાં આ ક્ષેત્રને જરૂરી સાધનો, ટેક્નોલોજી અને સેવાઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વિકાસ થઈ શકે. ડિજિટલ પ્રોગ્રામ મેનેજમેન્ટ, ક્ષમતાવર્ધન, નવી ટેક્નોલોજીનો સ્વીકાર અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવી બાબતો પણ આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.
600 MMTOE એટલે શું? આ આંકડો કેટલો મોટો છે?
સરકારે દાવો કર્યો છે કે ‘સમુદ્ર મંથન’ યોજનાના કારણે 600 મિલિયન મેટ્રિક ટન ઓઇલ ઇક્વિવેલેન્ટથી (MMTOE) વધુ નવા હાઇડ્રોકાર્બન ભંડારો ઉમેરાઈ શકે છે. સામાન્ય વાચક માટે આ આંકડો કદાચ માત્ર એક સંખ્યા લાગે, પરંતુ ઊર્જા ક્ષેત્રમાં તેનું મહત્વ ઘણું મોટું છે.
‘ઓઇલ ઇક્વિવેલેન્ટ’ એટલે તેલ અને કુદરતી ગેસ જેવા અલગ-અલગ ઇંધણને એક સમાન ઊર્જા એકમમાં માપવાની પદ્ધતિ. કારણ કે ગેસ અને તેલની સીધી સરખામણી શક્ય નથી, તેથી બંનેને એક જ માપદંડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. 600 MMTOEનો અર્થ એ છે કે આગામી વર્ષોમાં ભારતને એટલા પ્રમાણમાં નવા ઊર્જા સંસાધનો મળી શકે છે, જે દેશના ઉત્પાદનને નોંધપાત્ર રીતે વધારવામાં મદદરૂપ બની શકે.
સ્વાભાવિક છે કે આ ભંડારો એક જ વર્ષે નહીં મળે અને બધા જ વ્યવસાયિક રીતે ઉપયોગી સાબિત થશે તેની પણ ખાતરી નથી. પરંતુ એક્સપ્લોરેશનનો મૂળભૂત હેતુ જ સંભાવનાઓને વાસ્તવિક ઉત્પાદન સુધી પહોંચાડવાનો હોય છે. તેથી સરકાર આને લાંબાગાળાના રોકાણ તરીકે જોઈ રહી છે.
માત્ર તેલ નહીં, ટેક્નોલોજી, રોજગાર અને આત્મનિર્ભરતાની પણ વાત
‘સમુદ્ર મંથન’નો સૌથી મોટો ફાયદો માત્ર વધતા તેલ અને ગેસના ઉત્પાદન સુધી મર્યાદિત નહીં રહે. આવા વિશાળ પ્રોજેક્ટ સાથે જહાજ નિર્માણ, ડ્રિલિંગ સાધનો, સમુદ્રી ઇજનેરી, ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભૂસ્તરવિજ્ઞાન, રોબોટિક્સ અને અનેક અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રો પણ જોડાયેલા હોય છે. એટલે આ યોજના એક સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે.
સરકારનું માનવું છે કે આ યોજનાથી મોટા પ્રમાણમાં રોજગારની તકો સર્જાશે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગને વેગ મળશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ બળ મળશે. અત્યાર સુધી અનેક અદ્યતન સાધનો અને સેવાઓ માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. જો આ ક્ષેત્રમાં સ્થાનિક ક્ષમતા વિકસે તો ભારત માત્ર પોતાની જરૂરિયાતો પૂરી નહીં કરી શકે, પરંતુ ભવિષ્યમાં વૈશ્વિક ઓફશોર સર્વિસ માર્કેટમાં પણ મહત્વનો ખેલાડી બની શકે છે.
ઊર્જા સુરક્ષા તરફ એક લાંબી યાત્રાની શરૂઆત
ભારતે છેલ્લા એક દાયકામાં અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. ઓફશોર વિસ્તારનો મોટો ભાગ શોધખોળ માટે ખુલ્લો મૂકવો, કાયદાકીય અને કરાર સંબંધિત માળખાને આધુનિક બનાવવું, નેશનલ ડેટા રિપોઝિટરીને મજબૂત બનાવવી અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું, આ બધાં પગલાં ધીમે-ધીમે એક મોટા પરિવર્તનની તૈયારી હતાં. ‘સમુદ્ર મંથન’ એ જ પરિવર્તનનું આગામી પ્રકરણ છે.
આ યોજના ભારતને એક જ ઝાટકે ઊર્જામાં આત્મનિર્ભર બનાવી દેશે એવો દાવો કરવો યોગ્ય નહીં ગણાય. ઓફશોર એક્સપ્લોરેશનનું સ્વરૂપ જ એવું છે કે પરિણામો મેળવવામાં વર્ષો લાગી શકે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જો આજે શોધખોળ શરૂ નહીં થાય તો આવતીકાલે ઉત્પાદન વધારવાની અપેક્ષા પણ રાખી શકાશે નહીં. આથી જ સરકારે તાત્કાલિક લાભને બદલે લાંબાગાળાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આટલા મોટા રોકાણનો નિર્ણય લીધો છે.
સેંકડો વર્ષ પહેલાંના સમુદ્ર મંથનમાં અમૃતની શોધ હતી. એકવીસમી સદીના ભારત માટે આર્થિક પ્રગતિ, ઊર્જા સુરક્ષા અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા એ જ નવા યુગનું ‘અમૃત’ છે. કદાચ એ જ કારણ છે કે સરકારે આ યોજનાને માત્ર એક વહીવટી નામ આપવાને બદલે ‘સમુદ્ર મંથન’ તરીકે ઓળખાવી છે. હવે જોવાનું એ રહેશે કે ભારતના સમુદ્રોની ગર્ભમાં છુપાયેલી સંભાવનાઓ આગામી વર્ષોમાં દેશને કેટલી નવી ઊર્જા અને નવી દિશા આપી શકે છે.


