સોમવારે (31 ઑગસ્ટ) નાણાંકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના (એપ્રિલથી જૂન) આંકડાઓ જાહેર થયા. ડેટા કહે છે કે ભારતનો આ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 7.8% રહ્યો છે. નૉમિનલ GDP ગ્રોથ રેટ 10.3% જેટલો છે. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ અને અહીં સુધી કે રિઝર્વ બેન્કના અનુમાન કરતાં પણ 7.8%નો આંકડો ઘણો સારો છે. RBIના અનુમાન મુજબ ગ્રોથ રેટ 7% આસપાસ રહેવાનો અંદાજ હતો.
આ ગ્રોથ રેટ એપ્રિલથી જૂનના સમયગાળા દરમ્યાનનો છે. આ એ સમયગાળો છે જ્યારે દુનિયાભરમાં યુદ્ધો ચાલે છે. ખાસ કરીને છેલ્લા છ મહિનાથી પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર સપ્લાય ચેઇન, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર અને આખરે દેશોની અર્થવ્યવસ્થા પર પડે એ સ્વાભાવિક છે અને પડી છે એ પણ વાસ્તવિકતા છે.
મધ્ય-પૂર્વ ક્રૂડ ઓઇલનું મોટું સપ્લાયર છે. યુદ્ધ જેટલું લાંબું ખેંચાય એમ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર આવે. ઓઈલનો ભાવ વધે એટલે આખરે રૂપિયા પર પણ ભારણ વધે. ગ્લોબલ ઇકોનોમી નબળી પડે એટલે ઇન્ડિયન એક્સપોર્ટની ડિમાન્ડ પણ ઘટે.
આ યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતે 7.8% GDP ગ્રોથ રેટ કેમ જાળવી રાખ્યો એ પ્રશ્ન છે. પરંતુ તેનો જવાબ મેળવીએ એ પહેલાં એ જોઈએ કે GDP ગ્રોથ રેટ વાસ્તવમાં શું છે અને 7.8%નો અર્થ શું થાય.
GDP, રિયલ GDP, નૉમિનલ GDP
GDP એટલે નિયત સમયગાળા દરમ્યાન જે ગુડ્સ અને સર્વિસનું ઉત્પાદન થાય તેની કુલ કિંમત. બે રીતે તેને માપવામાં આવે છે.
નૉમિનલ GDPમાં ગુડ્સ અને સર્વિસની જે-તે સમયની કિંમત ગણવામાં આવે છે. એટલે ભાવ વધે તો ઉત્પાદન એટલું જ હોવા છતાં નૉમિનલ GDP વધી શકે.
રિયલ GDP ગણીએ ત્યારે ભાવવધારાની અસર બાદ કરી નાખવામાં આવે છે. એટલે ચોક્કસ ખબર પડે કે દેશમાં ઉત્પાદન કેટલું વધ્યું છે.

એપ્રિલથી જૂન 2026માં રિયલ GDP ગ્રોથ રેટ 7.8% રહ્યો હોય તો તેનો અર્થ એ કે ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીએ આ વર્ષે ભારતે 7.8% વધારે ગુડ્સ અને સર્વિસીસનું ઉત્પાદન કર્યું.
નૉમિનલ GDP 10.3% છે. રિયલ અને નૉમિનલ GDP વચ્ચેનો આ તફાવત ભાવવધારાને કારણે છે. રિયલ GDPની ગણતરી દરમ્યાન ભાવવધારાની અસર બાદ કરી નાખવામાં આવે છે.
ટૂંકમાં 7.8% રિયલ GDP ગ્રોથનો અર્થ એ કે ભારતનું અર્થતંત્ર ખરેખર આગળ વધ્યું છે અને માત્ર ગુડ્સ એન્ડ સર્વિસીસના ભાવ વધવાથી GDPનો આંકડો મોટો દેખાતો નથી.
હવે પ્રશ્ન એ આવે છે કે પશ્ચિમ એશિયા યુદ્ધ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ GDP ગ્રોથ રેટ ધારવા કરતાં ઘણો સારો કેમ રહ્યો.
ભારતીયો ખરીદી કરતા રહ્યા
સૌથી પહેલું અને મોટું કારણ જ એ છે કે હવે ભારતનું અર્થતંત્ર સંપૂર્ણપણે વિદેશી માંગ પર આધારિત રહ્યું નથી. ડોમેસ્ટિક ડિમાન્ડ પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. અહીં 140 કરોડની વસ્તી પણ આશીર્વાદ સ્વરૂપ છે. મોટી વસ્તી દેશની અંદર જ એક બહુ મોટું માર્કેટ ઊભું કરે છે.
ભારત પાસે દુનિયાનાં સૌથી મોટાં માર્કેટ પૈકીનું એક છે. કરોડો લોકો દરરોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ, સેવાઓ પર પૈસા ખર્ચે છે. ખરીદી કરે છે. ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ, હેલ્થકેર, એન્ટરટેનમેન્ટ, ખાણી-પીણી વગેરે પાછળ પૈસા ખર્ચાતા રહ્યા છે. આ ખર્ચ આ ગાળામાં પણ યથાવત રહ્યો અને ભારતીયો સતત ખર્ચ કરતા રહ્યા. આ ખર્ચ અર્થતંત્રમાં એક્ટિવિટી પેદા કરે છે. જેનાથી ચક્ર ફરતું રહે છે.
આંકડાઓ કહે છે કે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં પ્રાઇવેટ કન્ઝમ્પશન લગભગ 7% વધ્યું. સરળ અર્થ એ કે લોકોએ ખર્ચમાં વધારો જાળવી રાખ્યો. વાહનો, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ વગેરે પર થતો ખર્ચ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ વગેરે પર થતો ખર્ચ પણ યથાવત રહ્યો. આ વધારો સીધો વ્યવસાયો પર જોવા મળે છે. માંગ વધે એટલે પુરવઠો વધે, એટલે ઉત્પાદન વધે.
વાહનોનું વધતું વેચાણ, GST કલેક્શનમાં સતત થતો વધારો અને અન્ય અમુક પરિબળો સ્પષ્ટ સંકેત આપે છે કે ડિમાન્ડ સતત સારી રહી છે.
એટલે ભારતની અર્થવ્યવસ્થા માત્ર વિદેશો ભારતીય માલસામાન ખરીદે એની ઉપર જ આધારિત નથી. દુનિયાનું અર્થતંત્ર હાલકડોલક થાય કે અનિશ્ચિતતા સર્જાય ત્યારે પણ ભારતીયો ખર્ચ જાળવી રાખીને ઇન્ટર્નલ ડોમેસ્ટિક માર્કેટ મજબૂત રાખી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત વૉકલ ફોર લોકલ થવા માટે અને દેશમાં જ પૈસા ખર્ચવા માટે કહેતા રહે છે તેની પાછળનું ગણિત આ છે. તેઓ માત્ર કહેવા ખાતર કહેતા નથી. જેટલું ડોમેસ્ટિક માર્કેટ મજબૂત થશે એટલી વૈશ્વિક પરિસ્થિતિઓની અસર ઓછી થશે અને અર્થતંત્રનું ચક્ર ચાલતું રહેશે.
આમાં GSTમાં સરકારે કરેલા સુધારાએ પણ ભૂમિકા ભજવી.
સપ્ટેમ્બર 2025માં GSTનું માળખું બદલવામાં આવ્યું અને ઘણી ચીજો પરથી ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો. ચીજવસ્તુઓ સસ્તી થઈ. લોકો પાસે પૈસા વધુ બચ્યા. પરિણામે ખરીદી વધી. લોકોનો પરચેઝિંગ પાવર વધ્યો અને ડોમેસ્ટિક ડિમાન્ડ વધી પરિણામે ઉત્પાદન વધ્યું.
રોકાણમાં સતત થતો વધારો પણ કારણભૂત
ભારતમાં થતા મૂડીરોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ વધતું રોકાણ પણ GDP ગ્રોથમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે.
આંકડાઓ જોઈએ તો ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશનમાં 11.9%નો વધારો થયો છે. સરળ ભાષામાં અર્થતંત્રમાં નવી ફેક્ટરીઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનો, બિલ્ડીંગો પાછળ થતો ખર્ચ. વર્ષ પહેલાં આ વૃદ્ધિ 5.8% જેટલી હતી. આ વધારો નોંધપાત્ર કહેવાય.
રોકાણ અર્થતંત્રને આજે પણ મદદ કરે છે અને ભવિષ્યમાં પણ ઉત્પાદન ક્ષમતા વધારે છે. એ જ કારણ છે કે સરકાર રોડ, રસ્તા, રેલવે, એરપોર્ટ વગેરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પૈસા ભરપૂર પ્રમાણમાં ખર્ચી રહી છે. આ રોકાણથી અનેક ઉદ્યોગોમાં માંગ સર્જાય છે, પરિણામે ઉત્પાદન વધે છે. અર્થતંત્ર આગળ વધે છે.
જોકે ભારતમાં માત્ર સરકારી ખર્ચ જ વધી રહ્યો નથી એ નોંધવાની વાત છે. પ્રાઈવેટ રોકાણ પણ એટલું જ વધી રહ્યું છે. વૃદ્ધિ માટે એ એક સારો સંકેત છે.
સર્વિસ સેક્ટર ભારતની બીજી મોટી શક્તિ
સર્વિસ સેક્ટર પણ અર્થતંત્ર આગળ ધપાવવામાં મોટી ભૂમિકા ભજવે છે.
આઈટી, બેન્કિંગ, કન્સલ્ટિંગ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, રિયલ એસ્ટેટ, ફાયનાન્સ વગેરે સર્વિસીસમાં આવે છે.
એપ્રિલથી જૂન સુધીના આંકડા કહે છે કે આ સેક્ટરમાં લગભગ 10%ની વૃદ્ધિ થઈ છે.
સર્વિસીસ ભારતના અર્થતંત્રમાં તો મદદ કરે જ છે પણ તેનો વ્યાપ દુનિયાના ખૂણેખૂણા સુધી વિસ્તરે છે. ભારતીય આઈટી કંપનીઓ અને અન્ય સર્વિસીસ અમેરિકા, યુરોપ સહિતના દેશોને સેવાઓ પૂરી પાડે છે. બદલામાં વિદેશી હૂંડિયામણ ભારત આવે છે. આ અગત્યનું એટલા માટે છે કારણ કે ભારત ગુડ્સ જેટલું ખરીદે છે એટલું એક્સપોર્ટ કરતું નથી. પણ સર્વિસ સેક્ટર આ ખોટને પહોંચી વળે છે.
સર્વિસ સેક્ટરથી ભારતને બે રીતે મદદ મળે છે. એક તો દેશની અંદર આર્થિક વૃદ્ધિમાં મદદરૂપ થાય અને બીજી તરફ વિદેશોમાં સેવા પૂરી પાડીને વિદેશી હૂંડિયામણ દેશમાં લાવે છે.
જેટલું ફોરેક્સ રિઝર્વ વધુ હોય એટલું એ મદદરૂપ બને છે, ખાસ કરીને પશ્ચિમ એશિયા યુદ્ધ જેવા સમયમાં.
ઓઇલના શૉક છતાં ઉત્પાદન વધ્યું
પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનને બહુ મોટી અસર થઈ. ઓઈલ અને ગેસનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાથી આવે છે. ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું તેના કારણે સમુદ્રીમાર્ગ માટે અતિઅગત્યનો માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થઈ ગયો. જહાજો અને ટેન્કરો અટવાયાં. સપ્લાય ચેઇન ખોરવાઈ તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પણ આમતેમ થયા. ભારત જેવા દેશ માટે જેની ઓઈલની જરૂરિયાત ભરપૂર છે અને લગભગ તમામ ઓઇલ અને ગેસ બહારથી મગાવવાં પડે છે તેના માટે આ સ્થિતિ પડકારજનક થઈ પડે.
ઓઇલ મોંઘું થાય એટલે ઉત્પાદનનો ખર્ચ વધે છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થાય છે. પરિણામે મેન્યુફેક્ચરિંગ પર અસર પડે છે. પણ આવું ન થયું.
એપ્રિલ-જૂનના આંકડા કહે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 9.2%ની વૃદ્ધિ નોંધાઈ. અર્થાત્ પડકારજનક સ્થિતિમાં પણ ભારતમાં ઉત્પાદન વધતું રહ્યું.
કારણ ફરી એ જ છે. ડોમેસ્ટિક ડિમાન્ડ સતત વધતી રહી. જેટલી માંગ વધે એટલું ઉત્પાદન વધતું રહે. ચીજવસ્તુઓની માંગ સતત વધતી રહી અને મેન્યુફેક્ચરિંગ વધતું રહ્યું. બીજી તરફ સરકારે પણ ઉત્પાદન વધારવા માટે યોજનાઓ મૂકી છે અને સપ્લાય ચેઇન મજબૂત કરવા પર સતત ભાર મૂક્યો છે. તેની પણ અસર થઈ.
સરકારે નાગરિકો પર જ ભાર ન નાખ્યો, સંતુલન સતત જાળવી રાખ્યું
સરકાર એક તરફ સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહી છે, બીજી તરફ સતત સરકાર એ ધ્યાન રાખતી રહે છે કે આ વૈશ્વિક પરિસ્થિતિનો સીધો ભાર સામાન્ય નાગરિકો પર ન પડે. તેના માટે ઘણા સમય સુધી ઈંધણના ભાવ સ્થિર રાખ્યા. ત્યારે પણ કંપનીઓ પર અસર થતી જ હતી કારણ કે વૈશ્વિક સ્તરે ભાવમાં ફેરફારો આવતા હતા. પણ લાંબો સમય નાગરિકો પર ભારણ ન આવવા દીધું. એ ભાર સરકારે વહન કર્યો. તેના માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દેવાઈ. ભાવ વધ્યા તોપણ તેને બહુ વધવા ન દેવાયા.
ઈંધણના ભાવ અચાનક વધી જાય તો ટ્રાન્સપોર્ટ પર સીધી અસર પડે અને ત્યારબાદ અસર ચીજવસ્તુઓના ભાવ પર પડે. લોકોના હાથમાં પૈસા ઘટે. તેનાથી આખા અર્થતંત્ર પર અસર થઈ શકે. એટલે સરકારે ભાવમાં નિયમન જાળવી રાખ્યું. લોકો પર અચાનક ભારણ નાખી ન શકાય એ સરકાર જાણતી હતી.

બીજું, ફોરેક્સ રિઝર્વ જાળવવું અત્યંત જરૂરી છે એ પણ સરકાર સમજે છે. તેના માટે વડા પ્રધાન મોદીએ સ્વયં કમાન હાથમાં લીધી. મોદી વડા પ્રધાન ન રહેતાં આવા સમયે લીડર બનીને કામ કરે છે. મોદીની પ્રચંડ લોકપ્રિયતા કહો કે આટલાં વર્ષો કામ કરીને લોકોમાં બેસાડી દીધેલો વિશ્વાસ, જ્યારે-જ્યારે મોદી અપીલ કરે છે ત્યારે-ત્યારે તેની જબરદસ્ત અસર જોવા મળે છે. મોદીનો પડ્યો બોલ ઝીલી લેવાની લોકોની આદત આવા સમયે બહુ કામ આવે છે.
આ વખતે પણ પીએમ મોદીએ લોકોને બિનજરૂરી ઈંધણ પાછળ ખર્ચ ન કરવા કહ્યું. ફોરેક્સ રિઝર્વ પર દબાણ ઘટે એ માટે સોનાની ખરીદી ઓછી કરવા માટે કહ્યું. સરકાર પોતાની રીતે તમામ પગલાં લઈ રહી હતી, પણ વૈશ્વિક સ્થિતિ એવી હતી કે તેમાં લોકોની ભાગીદારી પણ આવશ્યક હતી. લોકોએ પ્રોપગેન્ડા અને વિપક્ષોની રડારોળ પર ધ્યાન આપ્યા વગર મોદીએ કહ્યું એમ કર્યું. હમણાં એક રિપોર્ટ આવ્યો કે ભારતનું ફોરેક્સ રિઝર્વ ઓલ ટાઇમ હાઇની સ્થિતિમાં છે.
રુરલ ઇકોનોમી પણ એટલી જ મદદરૂપ
ભારતની મોટી વસ્તી હજુ ગામડાં અને નાનાં શહેરોમાં વસે છે. આ સંજોગોમાં માત્ર શહેરો અર્થતંત્ર આગળ વધારતાં નથી. રુરલ ઇકોનોમી પણ એટલી જ જરૂરી છે.
રુરલ ઇકોનોમી આગળ વધતી રાખવા માટે સરકાર યોજનાઓ પર વધુ ભારણ મૂકે છે. કૃષિ સેક્ટર બહુ ઝડપથી આગળ વધી રહ્યું નથી અને એટલે જ આવી યોજનાઓની જરૂર પડે છે. તેના કારણે રૂરલ ઇકોનોમીમાં પણ ખર્ચ ચાલુ રહે છે અને આખરે એ ઓવરઓલ ડિમાન્ડ પર અસર કરે છે. ગામડાંમાં વધુ ખર્ચ થાય ત્યારે તેનો એકંદરે ફાયદો માત્ર રૂરલ વિસ્તારો સુધી સીમિત રહેતો નથી. આખરે એ ઇકોનોમીને જ આગળ વધારે છે.
અર્થતંત્ર પહેલેથી બહુ સારી સ્થિતિમાં હતું
મોટું એક કારણ એ પણ છે કે યુદ્ધ ચાલુ થયું ત્યારે પણ ભારતનું અર્થતંત્ર બહુ સારી સ્થિતિમાં હતું. કોઈ આર્થિક સંકટ ન હતું. દેશ પાસે ફોરેક્સ રિઝર્વ પણ હતું. સર્વિસ સેક્ટર પહેલેથી મજબૂત હતું અને ડોમેસ્ટિક માર્કેટ પણ.
આ સંજોગોમાં વૈશ્વિક પડકારો વચ્ચે પણ અર્થતંત્ર આગળ વધતું રહ્યું. ઘણી વખત અર્થતંત્ર નબળી સ્થિતિમાં હોય અને ત્યારે આવી વૈશ્વિક સમસ્યા આવી પડે તો અર્થતંત્ર વધુ પાછળ ધકેલાય છે. ભારત ઘણાં વર્ષોથી એક તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. કારણ કે સરકાર ગંભીરતાથી આ વિષયો પર કામ કરે છે અને લાંબાગાળાનું આયોજન લઈને ચાલે છે.
ટૂંકસાર એટલો છે કે હવે ભારતની અર્થવ્યવસ્થા દુનિયા કેવી રીતે ચાલે છે એની ઉપર જ માત્ર નિર્ભર નથી. તેની અંદરનું માર્કેટ, કન્ઝમ્પશન, રોકાણ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર વગેરે તેનાં એન્જિન બની ગયાં છે. આ બધું મજબૂત હોય તો બહારથી આવતા પડકારોને ઝીલી શકાય છે. મોદી કાયમ આત્મનિર્ભરતાની વાત કરે છે એ કહેવા માટે કે ચૂંટણીઓ જીતવા માટે નથી હોતી, તેની પાછળ આ બધાં પરિબળો અને ગણિત હોય છે.


