નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીના વિસ્તારમાં આવેલા વિનાશક પૂર બાદ ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો મદદ માટે તૈયાર હતા, પરંતુ નેપાળ સરકારે વિદેશી સર્ચ-એન્ડ-રેસ્ક્યુ ટીમોને દેશમાં આવવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. નેપાળનું કહેવું હતું કે તેની પોતાની સુરક્ષા એજન્સીઓ આ રેસ્ક્યુ ઑપરેશન સંભાળી શકે છે. જોકે, થોડા જ સમયમાં આ નિર્ણયમાં ફેરફાર થયો અને ભારત, ચીન, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ કોરિયા જેવા દેશોના નિષ્ણાતોને કેટલીક વિશેષ કામગીરી માટે મંજૂરી આપવામાં આવી.
સવાલ એ છે કે જ્યારે નેપાળ ભયાનક કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું હતું, ત્યારે તેણે વિદેશી રેસ્ક્યૂ ટીમોને શરૂઆતમાં કેમ રોકી? ખાસ કરીને ત્યારે જ્યારે મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ ગુમ થયા હતા અને ભારત સહિત અનેક દેશો ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો મોકલવા તૈયાર હતા. આ નિર્ણય પાછળ માત્ર કોઈ એક કારણ નહોતું. નેપાળની પોતાની આપત્તિ-વ્યવસ્થાપન ક્ષમતા, અસરગ્રસ્ત વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ, સંચાર અને પરિવહનનું નુકસાન તથા સૌથી મહત્વનું– 2015ના વિનાશક ભૂકંપ બાદનો આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ઑપરેશનનો અનુભવ– આ નિર્ણયના કેન્દ્રમાં હતો.
નેપાળ સરકારે શરૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેની પોતાની સુરક્ષા એજન્સીઓ સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ ઑપરેશન માટે સક્ષમ છે. નેપાળી આર્મી અને અન્ય સુરક્ષા દળોને ઑપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી. વાસ્તવમાં સરકારે આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ એન્ડ રેસ્ક્યુ, મેડિકલ રિસ્પોન્સ, ઇમરજન્સી કમ્યુનિકેશન, રિલીફ સપ્લાય, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ટરનેશનલ એઇડ કોઓર્ડિનેશન અને મિસિંગ પર્સન્સ ટ્રેકિંગ જેવી કામગીરી વહેંચી હતી. એટલે સરકારનો અભિગમ એવો હતો કે વિદેશી ટીમોને મોટી સંખ્યામાં દેશમાં લાવવાને બદલે નેપાળી એજન્સીઓના નેતૃત્વ હેઠળ એક કેન્દ્રિત ઑપરેશન ચલાવવામાં આવે.
આ નિર્ણય પાછળ એપ્રિલ 2015ના વિનાશક ભૂકંપનો અનુભવ મુખ્ય કારણ હતો. એપ્રિલ 2015માં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી દુનિયાભરમાંથી રેસ્ક્યુ ટીમો, સૈન્ય વિમાનો, હેલિકોપ્ટર અને રાહત સંસ્થાઓ નેપાળ પહોંચી હતી. ભારત પણ ‘ઑપરેશન મૈત્રી’ હેઠળ સૌથી પહેલા મદદ માટે પહોંચનારા દેશોમાં હતું. ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી, ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને NDRF, મેડિકલ ટીમો, એન્જિનિયરો તથા સ્નિફર ડોગ્સ પણ મોકલવામાં આવ્યા હતા.
2015માં કો-ઑર્ડિનેશનની મોટી સમસ્યા હતી
આ દરમિયાન એકસાથે અનેક દેશોની રેસ્ક્યૂ ટીમો નેપાળ આવી પહોંચતાં કો-ઑર્ડિનેશનની મોટી સમસ્યા સર્જાઈ હતી. દરેક દેશની અલગ કામગીરી પદ્ધતિ, મર્યાદિત રસ્તાઓ અને ખોરવાયેલી સંચાર વ્યવસ્થાને કારણે આટલી બધી ટીમોનું વ્યવસ્થાપન કરવું સ્થાનિક તંત્ર માટે અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ કડવા અનુભવમાંથી શીખ મેળવી ચૂકેલા નેપાળે આ વખતે કહ્યું કે તેઓ તમામ ઑપરેશન પર નિયંત્રણ રાખવા અને સ્પષ્ટ કમાન્ડ સ્ટ્રક્ચર જાળવી રાખવા માટે વિદેશો પાસેથી મદદ લેવા માટે બહુ તત્પર બની રહ્યા નથી.
બીજી તરફ, વર્તમાન પૂરને કારણે રસ્તાઓ, પુલો અને સંદેશા વ્યવહારને ભારે નુકસાન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. હાઇડ્રોપાવર ટનલોમાં કામદારો ફસાયા હોવા છતાં જો અનેક દેશોની ટીમો એકસાથે ઉતારવામાં આવે તો તેમને લોજિસ્ટિક્સ પૂરૂં પાડવું અને સ્થાનિક દળો સાથે તેમનું સંકલન સાધવું એ નેપાળ જેવા નાના અને સીમિત સંસાધનો ધરાવતા દેશ માટે પોતે જ એક મોટો પડકાર બની જાય તેમ હતો.
મદદનો ઇનકાર નહીં મર્યાદિત સહાયનો સ્વીકાર
નેપાળનો નિર્ણય ‘વિદેશી મદદ નથી જોઈતી’ એવો સંપૂર્ણ ઇનકાર નહોતો, પરંતુ તેમણે રાહત સામગ્રી અને નાણાકીય સહાય સ્વીકારવાનું ચાલુ રાખ્યું હતું. સરકારે તમામ આંતરરાષ્ટ્રીય નાણાકીય મદદને એક જ વ્યવસ્થા એટલે કે ‘પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ’ મારફતે મેળવવાની નીતિ અપનાવી હતી. આ પાછળનો મુખ્ય હેતુ મદદનું ડુપ્લિકેશન અટકાવવાનો અને કયા વિસ્તારમાં કઈ વસ્તુની સૌથી વધુ જરૂર છે તેનું સચોટ સંચાલન કરવાનો હતો.
ભારત તરફથી આપેલી સહાયમાં પણ આ તફાવત સ્પષ્ટ દેખાયો. ભારતે શરૂઆતથી જ ટેન્ટ, ધાબળા, દવાઓ, ખાદ્ય સામગ્રી અને પોર્ટેબલ બેલી બ્રિજ જેવી મોટી માત્રામાં રાહત સામગ્રી મોકલી હતી, જેને નેપાળે સહર્ષ સ્વીકારી હતી. આ પરથી સ્પષ્ટ થાય છે કે નેપાળને વિદેશી રાહત સામગ્રી સામે કોઈ વાંધો નહોતો, પરંતુ તેમનો વિરોધ માત્ર મોટા પાયે વિદેશી સર્ચ-એન્ડ-રેસ્ક્યુ ટીમોને જમીન પર ઉતારવા પૂરતો જ હતો.
આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં બદલ્યો નિર્ણય
પરિસ્થિતિ ઝડપથી બદલાઈ કારણ કે ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો હતા. ભારતીય, ચીની, અમેરિકન, યુક્રેનિયન, ઑસ્ટ્રેલિયન અને બ્રિટિશ નાગરિકો સહિત અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. ખાસ કરીને ભારતીય નાગરિકોની સંખ્યા મોટી હોવાથી નવી દિલ્હીએ NDRFની ટીમ અને જરૂરી સાધનો મોકલવાની ઓફર કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે પણ જાહેર કર્યું હતું કે NDRF ટીમ મોકલવાની ઓફર થઈ છે અને નેપાળના જવાબની રાહ જોવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં નેપાળે પોતાની નીતિમાં વ્યવહારુ ફેરફાર કર્યો. નેપાળે મોટાપાયે વિદેશી ટીમોને બોલાવવાને બદલે માત્ર ટનલ રેસ્ક્યુ, ડીએનએ ટેસ્ટિંગ અને ફોરેન્સિક તપાસ જેવાં ખાસ કામો માટે જ વિદેશી નિષ્ણાતોની મદદ લેવાનું સ્વીકાર્યું. આ વિશેષ કામગીરી માટે નેપાળે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના ટેક્નિકલ નિષ્ણાતોને આવકાર્યા હતા.
આ ફેરફાર ભારત માટે પણ ખૂબ મહત્વનો રહ્યો, કારણ કે ભારતે શરૂઆતથી જ ટનલ રેસ્ક્યુ ટીમ, મેડિકલ સ્ટાફ અને NDRF મોકલવાની ઓફર કરી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલ સાથે વાતચીત કરીને વિવિધ સહાય અંગે ચર્ચા કરી હતી. પરિણામે શરૂઆતમાં સામાન્ય સર્ચ-એન્ડ-રેસ્ક્યુ ટીમો માટે ઇનકાર કરનાર નેપાળે જરૂરિયાત મુજબ ભારત તરફથી ડોક્ટરો, પેરામેડિક્સ અને ટનલ રેસ્ક્યુ નિષ્ણાતોની વિશિષ્ટ ટીમો સ્વીકારવા માટે પોતાના દરવાજા ખોલ્યા.
બીજી તરફ, દક્ષિણ કોરિયા, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ પોતાના નાગરિકોની સુરક્ષા અને મદદ માટે પોતાની ટીમો મોકલવા તૈયારી દર્શાવી હતી. પરંતુ નેપાળે તમામ દેશોની ઓફર સ્વીકારવાને બદલે માત્ર એવી નીતિ અપનાવી કે જ્યાં ચોક્કસ અને વિશિષ્ટ ટેક્નિકલ ક્ષમતાની જરૂર હોય ત્યાં જ મર્યાદિત પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય મદદ લેવી.
ટૂંકમાં નેપાળ નાનો, પ્રમાણમાં ઘણું નબળું અર્થતંત્ર ધરાવતો અને સીમિત સંસાધનો ધરાવતો દેશ છે. 2015ના ભૂકંપ સમયે અનેક દેશોની ટીમો એકસાથે આવી જવાથી સંકલન અને સંચાલનની ભારે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તે અનુભવમાંથી શીખીને નેપાળે આ વખતે શરૂઆતમાં વિદેશી રેસ્ક્યુ ટીમોને રોકી હતી, જેથી દેશમાં પોતાની ‘કમાન્ડ-એન્ડ-કન્ટ્રોલ’ વ્યવસ્થા જળવાઈ રહે અને સુરક્ષા દળોના નેતૃત્વ હેઠળ સુચારુ રીતે કામગીરી થઈ શકે.
જોકે, પૂરની ગંભીરતા વધવાની સાથે જ સ્થિતિ વધુ જટિલ બની ગઈ. ખાસ કરીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ફસાયેલા લોકો, મોટી સંખ્યામાં ગુમ થયેલા વિદેશી નાગરિકો અને મૃતદેહોની ઓળખ જેવા પડકારો સામે આવ્યા ત્યારે માત્ર સ્થાનિક ક્ષમતા પૂરતી ન હતી. આથી નેપાળે પોતાની નીતિમાં વ્યવહારુ સંતુલન જાળવીને ભારત, ચીન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પાસેથી ચોક્કસ ક્ષેત્રો માટે જ ટેક્નિકલ મદદ લેવાનું સ્વીકાર્યું.


